નસીબ

સરોડા
તા. ૨ ડીસે. ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમભર્યો પત્ર થોડા દિવસ પહેલાં મળ્યો છે. તમારો પ્રેમ જોઈને ઘણો જ આનંદ થાય છે.

તમારા કામકાજ માટે દિલ્હી-આગ્રા જઈ આવ્યા હશો. એ નિમિત્તે ભારતના અગ્રગણ્ય પ્રાચીન શહેરોમાં ફરવાનો ને ત્યાંનાં દર્શનીય સ્થળો જોવાનો ઠીક યોગ મળી ગયો. તમારું કામકાજ બરાબર ચાલતું હશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી કામ કર્યે જશો. તમારી લાઈનમાં અર્થનું જ પ્રાધાન્ય વિશેષ છે. તે વિનાની નરી બુદ્ધિ, આવડત ને તમન્ના, ફાવી શકતી નથી. અને કંઈક અંશે નસીબના ચમકવા પર પણ આધાર રાખે છે. કેમ કે પાછલા દસકામાં એવા કેટલાય માણસો આગળ આવી એમાં નામનાં મેળવી ગયા, જેમનું નામ તે પહેલાં કોઈ જાણતું નહિ. કંઈક લાગવગ ને બાકી આ નસીબનું પણ ખુબ ભાગ ભજવે છે. અર્થ વિના તમારા ક્ષેત્રમાં કંઈ જ થતું નથી. પરંતુ મને વિશ્વાસ છે કે તમને બધા જ સંજોગો અનુકૂળ મળી રહેશે, ને તમારી ઈચ્છાઓ પૂરી થશે. અત્યારે જે સમય જાય છે તેમાં તમારી ધીરજની કસોટી થઈ રહી છે, ને તેમાં તમે અણીશુદ્ધ પાર ઊતરી એક દિવસ જરૂર ધ્રુવ સ્થાને પહોંચશો, ને ત્યાં લગી કોઈ પણ પ્રકારે-ગમે તેવી મુશ્કેલીઓથી પણ હતોત્સાહ થઈ નાસીપાસ નહિ થાવ એવી આશા રાખું છું.

માણસને જેવી ચાહના હોય તે વસ્તુ તેને જલદી ના મળે તો તે નિરાશ થઈ જાય છે. આવું વારંવાર બને છે. પણ દુર્બળ ને અધીરા મનના માણસ માટે તે વધારે સાચું પડે છે. તેથી માનવને એકંદરે લાભ કંઈ જ નથી. આ જગતમાં જે હૃદયને વજ્જરનું કરીને પ્રારબ્ધ સામે ઝઝૂમે છે, ને પોતાના આદર્શ માટે આભજમીન એક કરતાં લગી પરિશ્રમ કર્યા કરે છે, તેની આગળ આદર્શને નમવું પડે છે, સફળતાને ગુમાન છોડી ઝૂકવું પડે છે, ને ધ્યેયને ધીરજ છોડી તેની આગળ સાકાર થવું પડે છે. આ નિયમ અવિચલ છે. તમારા જીવનમાં તમે લાંબા વખતથી અનેક કષ્ટ સહ્યાં છે. એકલે હાથે હિંમત રાખી આગળ આવ્યા છો, ને હજીયે આગળ-છેક આગળ આવવાની ઈચ્છા રાખો છો. તમારો ઘણો સમય જતો રહ્યો છે, ને બીજો ચાલ્યો જાય છે, તેથી કોઈ વાર તમને અસંતોષ થાય એ સ્વાભાવિક છે. પરંતુ અડગ આશા રાખી, હિંમતપૂર્વક તમારા માર્ગે આખર સુધી ધપતા રહેજો. ઈશ્વર તમને જરૂર સહાયતા કરશે. ધ્યેયને માટે ઝૂઝવામાં બહાદુરી છે. તે જલદીથી ના મળતાં હિંમત છોડી તેને મૂકી દેવામાં કાયરતા છે. પ્રભુકૃપાથી તમને આર્થિક સહાયતા મળે ને તમે સ્વતંત્ર ડાયરેક્ટર બનો એ જોવાની મારી પણ લાંબા સમયથી ઈચ્છા છે. ને તે પૂરી થયે મને ખૂબ આનંદ થશે.

ઈશ્વરેચ્છા પ્રમાણે એ અભિલાષાને પૂરી થતાં થોડોક સમય લાગે, તો પણ નિરાશ તો થવું જ નહીં. એથી કાંઈ માનવીના જીવનનું માપ નથી કાઢી શકાતું. આજે ઘણાં માણસો તક મળવાથી એ લાઈનમાં સારી નામના મેળવી ગયા છે, પરંતુ તેટલા જ માટે કાંઈ તેમના જીવન સફળ નથી. માનવનું જીવનસાફલ્ય ત્યારે જ થાય છે જ્યારે તે જીવનનો સફલ સુત્રધાર ડાયરેક્ટર કે કલાકાર બની જાય છે. લૌકિક રીતે જે વસ્તુ ખૂબ મહત્વની મનાય છે, તે સાચેસાચ મહત્વની હોય છે જ એમ નથી. જો કે આપણે લૌકિક વસ્તુનો અનાદર કરવાની જરૂર નથી. પણ જીવનનું ખરું સાફલ્ય ને ખરું સુખ માનવની પોતાની અંદર માનવતા જગાડી સાચા, પ્રેમી ને પરોપકારી માનવ બનવામાં ને તે પછી પ્રભુપ્રાપ્તિ કે આત્મદર્શન કરવામાં રહેલું છે, એ જ અહીં કહેવાનું છે. તમારી લાઈનમાં માણસ ઘણું ઉપકારક કરી શકે છે. એમાં સંદેહ નથી, પણ તેવા માણસને પણ સાચા માનવ બની ઈશ્વરપ્રાપ્તિને માર્ગે વળ્યા સિવાય સાચો ને શાશ્વત આનંદ મળી શકતો નથી. એટલે લૌકિક રીતે માણસ ગમે તે વ્યવસાય કે ધંધો કરે, માનવ બનવાની ને તે દ્વારા ઈશ્વરપ્રાપ્તિ કે આત્મદર્શન કરવાની સાધના તો તેણે કરવી જ જોઈએ. માનવ જીવનમાં સફલ થયો કે નિષ્ફળ, વિજયી નિવડ્યો કે પરાજયી તેનું માપ આ જ આદર્શને ધ્યાનમાં રાખીને કાઢી શકાય છે. કેમ કે માનવની રચના જ આ સૃષ્ટિમાં તે માટે જ થઈ છે. પણ વાસનાલોલુપ, અર્થલોભી, જડ માનવ સૃષ્ટિ ને દેહને જ સર્વ કાંઈ માની બેસી શરીર દ્વારા આત્મદર્શનનું જે મહાનને ઉપકારક કામ કરવાનું છે તેને ભૂલી જાય છે. માનવે ભૌતિક ને આધ્યાત્મિક બંને પ્રકારના વિકાસને જીવનમાં અપનાવવાનો છે તો જ જીવન સાચા અર્થમાં ઉમદા થઈ શકે. તમારા પર મને વિશેષ પ્રેમ એટલા માટે છે કે તમે આદર્શ માનવ બનવા પ્રયત્નશીલ છો. તમારો પ્રેમ, સચ્ચાઈ, પરગજુ ને કોમલ સ્વભાવ હું જોઈ શક્યો છું. ને આધ્યાત્મિક ભૂખ તમારા દિલના ઊંડાણમાં લાગેલી છે તે હું જાણું છું. એટલે તમારા જેવા પુરુષ જો લૌકિક રીતે ઉન્નત થશે તો બીજાને માટે ખૂબ લાભદાયક થશે, ને તમે પોતે પણ તમારી એ ઉન્નતિમાં આધ્યાત્મિક વિકાસને નહીં ભૂલો એવો મારો વિશ્વાસ છે. આ રીતે તમે બીજા દુન્યવી જીવો કરતાં ખૂબ જ જુદા પડો છો, ને તેથી જ તમારા માર્ગમાં તમે જલ્દી સફળ થાઓ એવું હૃદયપૂર્વક ઈચ્છું છું. પ્રભુ એ દિન જલ્દી લાવો !

મારે માટે તમે જે પરમ પ્રેમ રાખો છો તે જાણું છું તમારા પત્રો દ્વારા તેનો વધારે ને વધારે પરિચય મળે છે. તમે રાખેલી આશાઓ પ્રભુ મારી દ્વારા પૂરી કરે એથી વિશેષ કાંઈ ચાહતો નથી. મારું આજ લગીનું જીવન મારી પોતાની આધ્યાત્મિક તૈયારીમાં ગયું છે. છેલ્લે છેલ્લે મારી તૈયારીને પરિપૂર્ણ કરવા મારાથી બનતા બધા જ પ્રયાસ મેં કર્યાં છે. ને સદભાગ્યે છેલ્લે છેલ્લે દેવપ્રયાગમાં મને સિદ્ધિનો છેલ્લો દિન મળ્યો છે. તે દિનને હજી થોડી વાર છે. એટલે ત્યાં લગી મારે ખૂબ ધીરજ રાખવી પડશે. પરંતુ તે દિવસો પણ ધીરે ધીરે વીતી જશે, ને 'મા'ની કૃપાથી મારી બધી જ મહેચ્છા પાર પડશે. મારા બધા જ જીવન ને જીવનકાર્ય પાછળ 'મા'નો હાથ છે. ને તેની જ ઈચ્છાથી મારા વિરાટ ને અલૌકિક કાર્યની પ્રેરણા મારા દિલમાં જન્મી છે તે 'મા' ધારેલા સમયે મને પૂર્ણ કૃપાથી અભિષિક્ત કરશે એ નિર્વિવાદ છે. મારી ધીરજની, ચિંતાની, કષ્ટસહનશીલતાની, વેદનાની ને આશાની 'મા'એ ખૂબ ખૂબ કસોટી કરી છે. મારા શરીર ને તેણે વારંવાર હોડમાં મૂક્યું છે. પરંતુ 'મા'ના કૃપાદાન આગળ માણસના કષ્ટ, વેદના ને માણસની યાતનાનો શો હિસાબ હોય ? જ્યાં લગી 'મા'ની પૂર્ણ કૃપાના દિન વિશે અજ્ઞાત હતો, ત્યાં સુધી મને ખૂબ મુંઝવણ રહેતી હતી. હવે મુંઝવણ દૂર થઈ છે ને ધીરજથી રાહ જ જોવાની બાકી રહી છે. ‘હરિ નો મારગ છે શૂરાનો’ એ માર્ગે જે શૂરવીર બનીને આગળ ને આગળ વધે, તેને સફળતા મળ્યા વિના રહેતી નથી, તેને માટે હરિનું દ્વાર ઊઘડી જાય છે. હવે તો 'મા'ની કૃપા મેળવી શેષ જીવનમાં દેશ ને દુનિયાને મદદરૂપ થઈ શકું એ જ ઈચ્છા છે. એ બધુ 'મા'ના હાથમાં છે. આપણે તો તેના હાથમાં નિમિત્ત બની, તે આપણી અંદરથી જે કરે તે આનંદપૂર્વક કરવા દેવાનું છે.

જીવનનો ઉચ્ચોચ્ચ આદર્શ ઈશ્વરતુલ્ય બનવાનો છે. ત્યાંથી માણસનો વ્યક્તિગત વિકાસ પૂરો થાય છે. આવો માણસ પોતાના શેષ જીવનમાં સંસારને પ્રકાશ આપે, શાંતિ ને આભ્યંતર ઉન્નતિનો રાહ ચીંધે, ને પરગજુ બની સંસારમાં આધ્યાત્મિક ને ઈશ્વરી સંદેશ ફેલાવવા જીવે, તે માનવકુળમાં એક અલૌકિક ઘટના લેખાય. બુદ્ધ ને ઈશુ કે કૃષ્ણ જેવા મહાપુરુષો તેના ઉજ્જવલ દષ્ટાંતો છે. આપણી દુનિયાને તેવા મહાપુરુષની જરૂર છે.

 

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.