Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૧૧ જુલાઈ, ૧૯૫૧

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમપત્ર મળ્યો. સમાચાર જાણ્યા. સુખદુ:ખની મિશ્રિત લાગણીનું જીવન એટલે જ સંસાર. સંસારના પદાર્થો મૃગજળ જેવાં છે. તે પૂર્ણપણે કદી કોઈના હાથમાં આવતા નથી. એટલે જ યોગી ને મહાત્માઓ તેને છોડવાનું કે તેથી પર થવાનું કહે છે. પણ માનવ આ ફિલસુફીને પચાવી શકતો નથી. જીવનમાં પણ એવા પ્રસંગો કેટલાય બને છે જેના પદાર્થપાઠને કાયમ માટે યાદ રાખીને માણસ વીતરાગ કે નિર્ભય થઈ શકે. આ સંસારમાં મમતા કેવળ ઈશ્વરમાં જ કે તેના પ્રતિનિધિ જેવા મહાન પુરુષોમાં રાખવા જેવી છે. તેમાં જ જીવનનું શ્રેય છે. બાકી તો વાદળના રંગો જેવા આ સંસારના પદાર્થો ને માણસોની મમતા છેવટે દુ:ખદ જ નીવડે. પેલા ‘દેવી’ તમારાથી વિરૂદ્ધ થઈ બેઠાં પણ તેમાં ઈશ્વરે કંઈ સારું જ નિર્માણ કર્યું હશે. તમને તેનામાં અત્યંત આંધળો રાગ પણ ન હતો. વળી સંસારના તડકા-છાંયાના સારા અનુભવો આજ લગી તમને થયા છે. એટલે ઝાઝું દુ:ખ નહિ હોય. આ સંસારમાં પ્રેમ નામની વસ્તુને ઓળખતાં પણ બહુ ઓછાંને આવડે છે. જ્યાં વિકાર કે કેવળ આકર્ષણ હોય ત્યાં મમત્વ, નિષ્ઠા ને સ્થિરતા હોતી નથી. તેને માટે શોક કરવાનું કારણ નથી. ગામડાંની નિરક્ષર ને અજ્ઞાની કહેવાતી બહેનો હજી આ બદીથી પર છે. શહેરમાં નિર્દોષતા દુર્લભ છે. એટલે ભવિષ્યમાં ખૂબ જોઈ વિચારીને પગલું ભરજો. આ પ્રસંગ દ્વારા ઈશ્વરે તમને શિખામણ આપી એમ સમજજો. બાકી તો તમે ડાહ્યા ને વિચારશીલ છો. ને તમારું જીવનકાર્ય જુદું જ છે. એટલે આ પ્રસંગની ઝાઝી અસર તમારા પર નહિ થાય એમ માનું છું.