if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહુવા
તા. ૩ ડીસે. ૧૯૫૨

પ્રિય વિઠ્ઠલભાઈ,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. હવે તો મારી તબિયત સંપૂર્ણ સારી છે. કોઈ પ્રકારની તફલીફ નથી. આ વખતે નવરાત્રીમાં પાણી પર વ્રત કર્યા બાદ તાવની આકસ્મિક અસર થઈ હતી. પરંતુ હવે તો લાંબા વખતથી આરામ છે. અહીં હવાપાણી ખૂબ સારાં છે. રહેવાનું સ્થાન પણ તદ્દન એકાંત છે. હજી અમાસ બાદ ત્રણ-ચાર દિવસે અહીંથી નીકળવાનું થશે. અહીંથી સરોડા જવા વિચાર છે. વચ્ચે બે દિવસ બને તો અમદાવાદ રોકાઈશું. સરોડામાં આ વખતે જરા વધારે સમય રહેવા વિચાર છે. તમે મુંબઈ જાવ ત્યારે અમે સરોડા હોઈએ તો સરોડા જરૂર આવજો. આનંદ આવશે.

ત્યાંના વાતાવરણમાં આનંદ આવતો હશે. શહેરની દોડધામ ને પ્રવૃત્તિમાં રહેનારા ઘણા માણસોને ગામડાંની શાંતિ સારી લાગતી નથી. તેમનું મન ચંચળ બની ગયું હોય છે. એટલે ખૂબ ધમાલ વિના તેમને ગમતું નથી. ગામડામાં વધારે ભાગે તદ્દન નિવૃત્તિ હોય છે. છતાં સારું સારું વાંચવા-વિચારવાનો ને કંઈક ઉપયોગી કામ કરવાનો રસ લાગે તો ગ્રામજીવન આનંદકારક જરૂર થઈ પડે. નવરા માણસને માટે તો સ્વર્ગ પણ છેવટે કંટાળાભર્યું કે પતનકારક થઈ પડે.

સંસારમાં ઈશ્વરના પ્રેમી બની કોઈએ એક મહાન વસ્તુ પાછળ ભેખ લીધો હોય, ને તે મહાન વસ્તુ તેને ના મળી હોય એવું કદાપિ બન્યું નથી. હા, વિલંબ થાય, કષ્ટ પણ પડે, છતાં જે ડગતો નથી કે હતાશ થઈ માર્ગ મૂકી દેતો નથી, તે આખરે વિજયી થાય જ છે એ નિયમ છે, એટલે જ હરિના માર્ગને શૂરાનો માર્ગ કહ્યો છે. બુદ્ધ ને ઈશુ તેમ જ મીરાં ને સમર્થ રામદાસ તેમજ તુલસી ને તુકારામ ઈશ્વરના પ્રતિનિધિ હતા. છતાં તેમને તેમની ઈપ્સિત વસ્તુ સહેજમાં મળી નથી. તે માટે તેમને શિરસટોસટ ખેલ ખેલવા પડ્યા છે. પણ પ્રામાણિક પ્રયાસ કરનાર કોઈ પણ આ માર્ગમાં નિષ્ફળ નથી જતું એ નક્કી વાત છે.

છેલ્લું વરસ તમારે માટે ભારે કસોટીનું ગયું. હજી તમે બરાબર સ્થિર થઈ શક્યા નથી. જીવનમાં અનેક મુસીબતોનો સામનો તમારે કરવો પડયો છે. પણ હિંમત નથી હાર્યા તે સારું છે. જીવન કાયરને માટે નથી. તે તો ઉત્સાહ, ખંત ને પુરુષાર્થથી ભરેલા વીર કે બહાદુરને માટે છે. પ્રભુ હવે તમને શીઘ્ર સફળતા આપે ને આ વખતે તમે મુંબઈ જાવ ત્યારે સુંદર કામ મળવાની સાથે સાથે તમારા જીવનનો બીજો નવીન ને સુખી અધ્યાય શરૂ થાય એમ ઈચ્છું છું.

લેખનકાર્ય ચાલુ રાખશો. તમારું લખાણ ઘણું સુંદર ને આકર્ષક હોય છે. એટલે લેખનશક્તિનો વિકાસ પણ કરતા રહેજો. તમારાં માતાપિતા, ભાઈ, શિવરામ, બેન સૌ કુશળ હશે. સૌને મારી યાદ આપજો ને પ્રેમ કહેજો. સૌનો નિર્મળ પ્રેમ સદાય યાદ રહી જશે. હરસનો ઉપાય કરશો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.