if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભરતમંદિર, ઋષિકેશ.
તા. ૧૯ સપ્ટે. ૧૯૫૫

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. આનંદ થયો.

તમારા સમાચાર જાણ્યા. હજી ધંધાનું અનિશ્ચિત છે તે જાણ્યું. પ્રભુએ તમારી ઘણી કપરી કસોટી કરી છે. વરસોથી તમારે મુસીબતમાંથી પસાર થવું પડે છે. હવે તો પ્રભુ તમારો પોકાર સાંભળે તો સારું. કેમ કે આવી અનિશ્ચિત દશામાં ક્યાં સુધી રહી શકાય ? હવે તો પરિણીત જીવન શરૂ થયું. આજ સુધી તમે ઘણો ઘણો પ્રયાસ કર્યો છે. કષ્ટોનો સ્મિત સાથે સામનો કર્યો છે, ને આશા ને ઉત્સાહમાં વખત વીતાવ્યો છે. તમારું એ બધું તપ ફળે ને હવે તમને તમારું ઈપ્સિત ધ્રુવપદ મળી જાય તો આનંદ થાય. માણસનું નસીબ કયારે ઝળકી ઊઠે ને તેનો પુરુષાર્થ ક્યારે સફળ થાય તે કશું જ કહી શકાતું નથી. તમારું નસીબ પણ ઝળકી ઊઠશે એવી મને આશા છે. નાહિંમત કે નિરાશ થવાનું કોઈ જ કારણ નથી. ઈશ્વર તપાવી તપાવીને પણ કેટલુંક તપાવશે ?

તમે દૂર રહીને સંકટમય સ્થિતિમાં જીવીને પણ મારા પ્રત્યે પ્રેમ રાખો છો તેથી વધારે સેવા બીજી કયી હોઈ શકે ? આ સંસાર વધારે ભાગે સ્વાર્થ ને બદલા અથવા વિનિમયના આધાર પર નભે છે. તેમાં રહીને નિસ્વાર્થ પ્રેમના પૂજારી થવામાં ઓછી બહાદૂરી નથી. તમે તેવો નિસ્વાર્થ ને સાચો પ્રેમ રાખો છો તે ખૂબ આનંદની વાત છે. તમારામાં ઘણી ઘણી વિશેષતા ને ઘણા ઘણા ગુણો છે. ઈચ્છા પ્રમાણેની અનુકૂળતા મળે તો તમારો ઘણો વિકાસ થઈ શકે તેમ છે, ને તમારી દ્વારા બીજાને પણ લાભ થઈ શકે. તે માટે તમને ઈશ્વર તક આપે એવું અંતરના ઊંડાણમાંથી ઈચ્છી રહ્યો છું. જીવનનો સંગ્રામ જટિલ છે. તમે બહાદુર છો. તો આજ સુધી ઝઝુમ્યા છો તેમ છેવટ સુધી ઝઝુમતા રહેજો. એક દિવસ તમારી ઉન્નતિનો સૂરજ પણ ઊગી જશે.

સમાજનું નૈતિક જીવન કથળતું જાય છે, એ સાચું છે. ઠેઠ હિમાલયના આ પ્રદેશ સુધી તેનું દર્શન થાય છે. પરિસ્થિતિ બહુ ઉત્સાહજનક નથી. જૂઠ, કપટ ને છળ રોજનાં ને વ્યાપક થઈ પડ્યાં છે. જે સમજુ છે તેણે સત્ય ને નીતિની મહત્તા પિછાનીને આવા વિપરીત વખતમાં પણ બનતાં શુદ્ધ રહેવા પ્રયાસ કરવાનો છે કેમ કે અનીતિથી ઊભી થયેલી હવેલીઓ એક દિવસ ઉથલી પડશે, ને નીતિની નંદનવન જેવી ઝૂંપડી કાયમ રહેશે.

હાલ અહીં ઋતુ ખૂબ સુંદર છે, અનુકૂળ છે. ૧૯૪૪ સુધીની આત્મકથાનું લેખન ચાલે છે, વીસેક દિવસમાં પૂરું થશે. પછી નવરાત્રી ઉપવાસ આવશે. આ વખતે તો પૂર્ણ સફળતા મળશે એવી આશા છે. આ માર્ગમાં અંધેર ચાલતું નથી. શ્રમનું ફળ જરૂર મળે છે. વળી ધ્યેયના પ્રમાણમાં પુરુષાર્થ પણ પ્રબળ કરવો પડે છે. મારું સમગ્ર જીવન ને કર્મ પ્રભુપ્રેરિત છે. એટલે તેની સિદ્ધિ કે સફળતામાં મને લેશ પણ સંદેહ નથી. મારું ઘડતર પણ એવું છે કે હું ઉપરાઉપરી પુરુષાર્થથી થાકતો કે કંટાળતો નથી.

માતાજી યાદ  કરે છે. જશુબેનને મારા પ્રેમ લખશો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.