Thursday, September 24, 2020

પ્લેનચેટ

પ્રશ્ન : પ્લેન્ચેટથી મૃતાત્માઓ સાથે સંબંધ સ્થાપી શકાય છે એ વાત સાચી છે ?
ઉત્તર : મારી સમજ પ્રમાણે સાચી છે. પ્લેન્ચેટ એક વિદ્યા છે, અને એ વિદ્યા દ્વારા મૃતાત્માઓ સાથે સંબંધ બાંધી શકાય છે. ભારતમાં જ નહિ, પરંતુ પશ્ચિમના દેશોમાં પણ એ વિદ્યાનો પ્રચાર છે અને તેમાં કેટલાય લોકો રસ લે છે. એ વિદ્યામાં રસ લેનારા માણસોએ પોતાના સ્વાનુભવ વિશે પ્રકાશ ફેંકતા વિવરણ પણ લખેલાં છે. એ વિવરણ ઘણાં રસદાયક હોય છે. પરંતુ તમારે આવો પ્રશ્ન કેમ પૂછવો પડ્યો ? તમે શું પ્લેન્ચેટની વિદ્યામાં રસ લો છો ? પછી કે એના પ્રયોગો કરો છો ?

પ્રશ્ન : પ્રયોગો કરતો નથી, પરંતુ જે પ્રયોગો કરે છે એવા એક મહાનુભવની સાથે સંબંધ રાખું છું. અઠવાડિયામાં એકવાર અમે એમને ત્યાં ભેગા થઈએ છીએ. એ બીજા બે-ત્રણ માણસોની મદદથી પ્રયોગો કરી બતાવે છે. પ્લેન્ચેટ પર અમારી મરજી મુજબના મૃતાત્માઓને બોલાવીને એમની પાસે એ અમારા પ્રશ્નોના ઉત્તર અપાવે છે. મૃતાત્માઓ ઉત્તર આપીને ચાલ્યા જાય છે. કેટલીકવાર તે કોઈ સૂચનો પૂરાં પાડે છે કે ગૂઢ ને ગુપ્ત રહસ્યો પણ બતાવે છે. એ બધું એકદમ અજાયબ જેવું લાગે છે.
ઉત્તર : અજાયબ જેવું લાગે છે એ સાચું છે. સાચું કહીએ તો એ આખી વિદ્યા જ અજાયબ જેવી છે. જે માધ્યમ બને છે તેવા મનુષ્યો દ્વારા એ વિદ્યાનું પ્રદર્શન કરી બતાવવામાં આવે છે. એમાં કાંઈ ગુપ્ત જેવું નથી હોતું. જે થાય છે તે પ્રકટ રીતે જ થાય છે. કેવી રીતે થાય છે તે જ માત્ર રહસ્ય રહી જાય છે. કેટલાક લોકોનું કહેવું એવું પણ છે કે મનુષ્યના મનના સુષુપ્ત ભાવો, વિચારો કે સંસ્કારોનો એની દ્વારા પડઘો પડે છે. પરંતુ એ પડઘો પડે છે કેવી રીતે ? એની પાછળ કોઈ શક્તિ તો હોવી જ જોઈએ. એ શક્તિની મારફત જ લાકડાના ટેબલ પર ટકોરા પડે છે, અને પ્લેન્ચેટનો આખો પ્રયોગ શક્ય બને છે, એ તો દેખીતું છે.

પ્રશ્ન : એટલે મૃતાત્માઓને બોલાવી શકાય છે અને એમની મારફત માર્ગદર્શન મેળવી શકાય છે, એ વાત સાચી ?
ઉત્તર : સિદ્ધાંતની દ્રષ્ટિએ એ વાતને સાચી માનવામાં કાંઈ જ હરકત નથી. પરંતુ વ્યવહારિક રીતે બીજા કેટલાંક પ્રશ્નો વિચારવા જેવા છે. ધારો કે મૃતાત્માઓને બોલાવી શકાય છે, તો પણ તેમને બોલાવવાથી તેમનું કે બોલાવનારનું કાંઈ શ્રેય થાય તેમ છે ખરું ? પોતાના મંગલને માટેની તે કોઈ યુક્તિ બતાવે, સૂચના કરે કે માહિતી આપે તો પણ તે પ્રમાણે વર્તવા માટે તે સર્વથા સ્વતંત્ર છે. તેમની મારફત મેળવેલું માર્ગદર્શન પણ સાચું જ હશે એમ નહીં કહી શકાય. કોઈવાર તે તદ્દન આધાર વગરની ભળતી માહિતી પણ પૂરી પાડે છે. એવી માહિતીને વિશ્વસનીય માનીને આગળ વધીએ તો નુકસાન થવાનો સંભવ રહે છે.

પ્રશ્ન : તો પછી તમને પ્લેન્ચેટની વિદ્યામાં રસ નથી એમ ?
ઉત્તર : પ્લેન્ચેટની વિદ્યા રસિક છે. પરંતુ એને સર્વોત્તમ માનીને એમાં ડૂબી જવાનું જરાય ડહાપણભર્યું નથી. અને એ વિદ્યાથી જીવનનું આત્યંતિક કલ્યાણ નહીં થાય. તે માટે તો બીજી બધી વિદ્યાઓને ગૌણ માનીને, કેવલ આધ્યાત્મિક વિદ્યાનો જ આશ્રય લેવો પડશે. જો જીવનનું સર્વોત્તમ શ્રેય સાધવું હોય તો અંતરના ઊંડાણમાં ડૂબકી મારો, મૃતાત્માઓની સાથે નહીં, પરંતુ જીવંત પરમાત્માની સાથે સંબંધ બાંધો, એનું માર્ગદર્શન મેળવો ને એના વધારે ને વધારે ગાઢ સંપર્કમાં આવવાની કોશિશ કરો. જો તમારા પ્રયાસમાં તમે પ્રામાણિક ને મક્કમ રહેશો તો છેવટે આત્મિક શક્તિના વિકાસની પરિસીમાએ પણ પહોંચી શકશો. બીજી વિદ્યાઓ જીવનના સાચા આદર્શને ભૂલવનારી છે. તમે પણ એવી રીતે જીવનના સાચા આદર્શોને ભૂલી જશો તો ભારે હાનિ થશે, એ યાદ રાખજો. મુક્તિ, શાંતિ ને પૂર્ણતા મેળવવાની ઈચ્છા હોય તો પરમાત્માના સાક્ષાત્કારને જ તમારા જીવનનું લક્ષ્ય બનાવવું પડશે. એથી ઓછું બીજું કશું જ નહિ.

પ્રશ્ન : પ્લેન્ચેટના સંબંધી વાત સાંભળી મને એક કુતૂહલ થયું છે. થોડાક વખત પહેલાં મારા એક સ્વજનનું મૃત્યુ થયું છે. તો તે ક્યાં હશે તે એ પ્રયોગથી જાણી શકાય ખરું ? એ પ્રયોગની મદદથી જો સાધી શકાતું હોય તો, મારે એમનો સંપર્ક સાધવો છે. તો એવો પ્રયોગ કરનારા વિશે માહિતી આપશો તો મને લાભ થશે.
ઉત્તર : તમારે તમારા મૃત સ્વજનના જીવાત્માનો સંપર્ક શા માટે સાધવો છે ? મારી સલાહ જો સ્વીકારો તો તમારે એ ઈચ્છા છોડી દેવી જોઈએ. કેટલીક વાર કોઈ ભળતા જ જીવાત્માઓ આપણા સ્વજનનો સ્વાંગ સજીને પ્લેન્ચેટ પર આપણા સંપર્કમાં આવતા હોય છે. એમને તમે કેવી રીતે ઓળખી શકશો ? ધારો કે ઓળખી શકો તો પણ, જે જીવાત્મા કે સ્વજન તમારાથી છૂટા પડ્યા છે અને કર્માનુસાર બીજે ઠેકાણે વસી રહ્યા છે તેમને બોલાવીને તેમની શાંતિમાં ભંગ પાડવાનું કામ લેશ પણ આવકારદાયક નથી. મૃત્યુએ તમને તથા તેમને છૂટાં પાડ્યાં છે તો હવે તેમના પ્રત્યેની મમતાને દૂર કરો એ જ સુખી થવાનો સાચો ઉપાય છે. જન્માંતરમાં આવા તો કેટલાય સંબંધો તમે કર્યા હતા. તે સંબંધો આજે અસ્તિત્વ નથી ધરાવતા. તે જ પ્રમાણે આને પણ વળગી રહેવાની જરૂર નથી. આ સંસાર અસ્થાયી છે. એમાં પરમાત્મા જ આપણા સાચા, સ્વજન, હિતેચ્છુ ને સનાતન છે. એ વાતને યાદ રાખીને જીવનને ઈશ્વરમય બનાવવાથી જ લાભ થશે. રાગ નહિ પરંતુ વૈરાગ્ય, મમતા નહિ પરંતુ નિર્મમતા, અને પ્લેન્ચેટ જેવા કોઈ સામાન્ય પ્રયોગો નહીં પરંતુ ઈશ્વરની સાથેના અનુસંધાનનો અસામાન્ય અનુભવ જ શાંતિ આપી શકશે એ વાતને હૃદયમાં લખી રાખજો.

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok