Wednesday, October 28, 2020

સૌની મુક્તિમાં જ પોતાની મુક્તિ

પ્રશ્ન : કેટલાક લોકસેવકો, નેતાઓ, કે રાજપુરૂષો મુક્તિ માટેની સાધનાને સ્વાર્થી વસ્તુ માને છે, અને કહે છે કે માણસે સમાજની સેવા કરવા માટે આગળ આવવું જોઈએ. એ જ સાચો ધર્મ છે, અને સૌની મુક્તિમાં જ મનુષ્યની પોતાની મુક્તિ છે. એ વિષે આપનો શો અભિપ્રાય છે ? વ્યક્તિગત મુક્તિ કે વિકાસની સાધના એ સ્વાર્થી કે સંકુચિત વિચારથી પ્રેરાયેલી સાધના છે એવું આપને નથી લાગતું ? તેમને તો તેવી સાધના ગમતી જ નથી. તેના પ્રત્યે તેમને ભારે નફરત છે.
ઉત્તર : નફરત હોય તો તેમાં તેમનું અજ્ઞાન રહેલું છે. કોઈ પ્રકારના પૂર્વગ્રહથી પ્રેરાઈને તે બધા જો સાધનાનો વિચાર કરશે તો એવા વિચારનું પરિણામ આવું જ આવવાનું. પરંતુ જો તે પૂર્વગ્રહોની પકડમાંથી મુક્તિ મેળવીને વિશાળ તથા તટસ્થ દ્રષ્ટિથી વિચાર કરશે તો તેમાં તેમને પોતાની ભૂલ સમજાયા વિના નહિ રહે એ દીવા જેવું ચોખ્ખું છે.

પ્રશ્ન : કેવી રીતે ? તે લોકો તો પોતાનાં વિધાનને જ વળગી રહે છે.
ઉત્તર : તેથી શું થયું ? મુક્તિ કે આત્મવિકાસ માટેની સાધના સ્વાર્થી કે સંકુચિત દ્રષ્ટિથી પ્રેરાયેલી છે એમ હું નથી માનતો. ભારતીય સંસ્કૃતિએ જીવનના સાફલ્યને માટે જે મંત્ર આપ્યો છે તેમાં બે પ્રકારના ભાવો સમાયેલા છે. એક ભાવ તો ‘સ્વાન્તઃ સુખાય’નો છે. એટલે કે પોતાના વ્યક્તિગત જીવનને વધારે ને વધારે સત્વશીલ, ઉદાત્ત, તથા ઉત્તમ બનાવવું, અને આત્મિક શાંતિની પ્રાપ્તિ કરવી. તથા બીજો ભાવ 'પરજન હિતાય’ નો એટલે કે બીજાના હિતનો છે. એ બંને ભાવોને જીવનમાં ઓતપ્રોત કરવાના છે. તો જ પૂર્ણ ને સફળ જીવનની રચના સફળ થાય. એ બંને ભાવો પરસ્પર વિરોધી નથી, પરંતુ સહાયક છે ને પંખીની પાંખની પેઠે આદર્શ જીવનથી અભિન્ન છે. એ બંને ભાવોને જીવનમાં મૂર્ત કરવા માટેનો પ્રયાસ થાય તો જ વ્યક્તિગત કે સમષ્ટિગત જીવન સુખમય, શાંતિમય ને ઉત્તમ થાય. તંદુરસ્ત કે સુસંસ્કૃત સમાજ એ બંને પ્રકારના ભાવોમાંથી એકે ભાવની ઉપેક્ષા ન કરી શકે - એકે પ્રત્યે ઉદાસીન ના રહી શકે.

પ્રશ્ન : તમે એ બંને ભાવોને એકમેકની સાથે ઓતપ્રોત બતાવ્યાં તે જરા નવાઈ લાગે તેવું છે. કેમ કે મોટે ભાગે તો એ ભાવોને તદ્દન જુદા, બે સ્વતંત્ર ફાંટા જેવા કે વિભિન્ન માનવામાં આવે છે.
ઉત્તર : એ માન્યતામાં વિચારદોષ રહેલો છે. એ માન્યતા નુકસાનકારક છે, અધૂરી કે પાંગળી છે. એ માન્યતાએ સામાનું પારાવાર નુકસાન કર્યું છે. માટે એનો ત્યાગ કરવો જોઈએ. એ માન્યતામાં ભારતીય સંસ્કૃતિનો સાચો સંદેશ નથી સમાયો. એ સંદેશ પ્રમાણે ચાલે તો મનુષ્યના જીવનનું સ્વરૂપ જુદું જ બની જાય. તમે નથી જોતા કે આત્મશુદ્ધિ કે આત્મવિકાસથી વંચિત એવા સેવકોમાં કેટલી બધી અહંતા, સ્વાર્થવૃત્તિ, દુન્યવી વસ્તુઓની પ્રાપ્તિ માટેની લાલસા, સ્પર્ધા તથા પદપ્રતિષ્ઠાની કામના હોય છે ? એમનો ચેપ એ જ્યાં જાય છે, ત્યાં બધે જ લાગતો હોય છે. લોકજીવન એથી કથળી જાય છે ને સમાજની સલામતી ભયમાં મુકાય છે. એમણે વ્યક્તિગત સાધના કરીને પોતાના ને સમાજના શ્રેયને માટે વધારે શુદ્ધિ સાધવાની જરૂર છે.

એથી ઊલટું, જીવનમાં આત્મિક વિકાસને જ સર્વસ્વ માનનારા માણસોએ પોતાને પ્રાપ્ત પરિસ્થિતિમાં રહીને, પોતાની ઉન્નતિ કરવાની સાથે સાથે, બીજાને મદદરૂપ થવાની પણ કોશિશ કરવી જોઈએ. જીવન, ને જીવનનું જે કાંઈ છે ને થશે તે બધું જ, પોતાના વ્યક્તિગત, લાભ, વિકાસ, ને મોક્ષની સિદ્ધિની સાથે સાથે સમાજની સુખાકારી ને સમૃદ્ધિ માટે પણ છે. એટલું સત્ય એણે સમજી લેવું જોઈએ. એમ થાય તો એ બંને ભાવો કે વિચારસરણી વચ્ચેનો વિરોધ ટળી શકે. એમાંથી કોઈ એકની કે બંનેની સૂગ મટી શકે. બંનેને બરાબર સમજીને એમના પ્રત્યે આદરભાવ કેળવી શકાય ને વ્યક્તિ કે સમષ્ટિ માટે બંને ઉપયોગી ફાળો આપી શકે.

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok