Sunday, September 27, 2020

આત્મસાક્ષાત્કારી મહાપુરુષોનો સમાગમ

પ્રશ્ન : આજના ભારતમાં આત્મસાક્ષાત્કારી અથવા તો યોગસાધના દ્વારા સર્વોત્તમ સિદ્ધિપ્રાપ્ત મહાત્માઓ હશે ખરા, કે એમનો સર્વથા અભાવ છે ? આજથી થોડાંક વર્ષો પહેલાં, પોલ બ્રન્ટને ભારતની મુલાકાત લઈને જે કેટલાક કૃતકામ મહાપુરૂષોનાં દર્શન કરેલાં તેમનો ઉલ્લેખ એમણે 'સર્ચ ઈન સીક્રેટ ઈન્ડિયા’ નામના એમના પુસ્તકમાં કરેલો છે. એવા લોકોત્તર મહાપુરૂષો શું આજે પણ છે કે વખતના વીતવા સાથે તે વિલીન થયા છે ?
ઉત્તર : વખતના વીતવા સાથે તે વિલીન નથી થયા પરંતુ આજે પણ છે. ભારતમાં એવા લોકોત્તર મહાપુરૂષોનું અસ્તિત્વ હંમેશાં રહ્યું છે. ભારત વખણાય છે જ એ માટે. એની આધ્યાત્મિકતા, એ આધ્યાત્મિકતાની અભિવ્યક્તિ કરનારાં એનાં ચિંતનશીલ સ્વાનુભવસંપન્ન શાસ્ત્રો, અને એમાં વર્ણવેલી જીવનોત્કર્ષની સાધનાના સાકાર સ્વરૂપ જેવા સંતપુરૂષો માટે. એને લીધે જ એ યશસ્વી છે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી થતી. પોલ બ્રન્ટને જે મહાપુરૂષોની મુલાકાત લીધેલી, તે તો વિશાળ સાગરના અનંત તરંગોમાંના કેટલાક સહજ પ્રાપ્ત ઉત્તુંગ તરંગોનો પરિચય માત્ર હતો. આ દેશમાં એ વખતે એટલા જ કૃતકામ મહાપુરૂષો હતા એમ નથી સમજવાનું. બીજા કેટલાય અજ્ઞાત મહાપુરૂષો આ દેશમાં વાસ કરતા હતા. આજે પણ એવું જ છે. એમનો સર્વથા અભાવ કદી પણ નહોતો, અને આજે પણ નથી. એમના દર્શન માટેની ઈચ્છા હોય તો આજે પણ જે ધારે તે તેમનું દર્શન કરી શકે છે અને એમનું ઉચિત માર્ગદર્શન પણ મેળવી શકે છે.

પ્રશ્ન : એવા કૃતકામ મહાપુરૂષોનો સમાગમ કેવળ ઈચ્છા કરવાથી જ થઈ શકે છે કે બીજો કોઈ વિશેષ પ્રયાસ પણ તે માટે કરવો પડે છે ?
ઉત્તર : ઈચ્છા અથવા તો તીવ્ર અને ઉત્કટ ઈચ્છાના રહસ્યને જો તમે જાણતા હો તો આવો પ્રશ્ન નહિ પૂછો. તીવ્ર ઈચ્છામાં કેટલી બધી શક્તિ છે એ તમે જાણો છો ? તીવ્ર ઈચ્છા એટલે અંતરના અંતરતમમાં આવિર્ભાવ પામેલી અનિવાર્ય, અમીટ અને અનવરત અભિપ્સા. એને જ લગન અથવા તો તરસ કહેવામાં આવે છે. એ જો કોઈ હિસાબે જાગી જાય તો પછી મહાપુરૂષોની મુલાકાત અશક્ય નહિ રહી શકે. એના જેવો વિશેષ પ્રયાસ બીજો કોઈ જ નથી અથવા તો બીજા નાનામોટા જેટલા પણ પ્રયાસો છે તેમના મૂળમાં અદમ્ય અને અતિઉત્કટ ઈચ્છાની સૃષ્ટિ હોવી જ જોઈએ. તો જ ધારેલો મનોરથ પૂરો થઈ શકશે. એવા મહાપુરૂષોને મળવા માટે તમારે પૉલ બ્રન્ટની પેઠે ભારતના ચારે ખૂણામાં પરિભ્રમણ કરવું પડશે એવું કાંઈ જ નથી. તમારી ઈચ્છા ઉત્કટ બનતાં, હૃદય એમનાં દર્શન માટે લાલાયિત બનતાં, અને સાધનાની અમુક ચોક્કસ ભૂમિકા પર આરૂઢ થતાં, એ તમને કૃતાર્થ કે સફળ મનોરથ કરવા તમારી આગળ આપોઆપ પ્રગટ થશે, ને તમને શાંતિ આપશે. વિકાસની અમુક કક્ષાએ પહોંચ્યા પછી તો તમારી અને એમની વચ્ચે એવો અંતરંગ સંબંધ પ્રસ્થાપિત થશે કે એ તમને અવારનવાર અથવા ઈચ્છાનુસાર મળતા રહેશે. એ વખતનો આનંદ અવર્ણનીય જ હશે.

પ્રશ્ન : તમે કહો છો કે વિકાસની અમુક કક્ષાએ પહેંચ્યા પછી એવો સંબંધ પ્રસ્થાપિત થશે, તો તે વિકાસ કઈ જાતનો છે એનું આછું પાતળું રેખાચિત્ર દોરી બતાવશો ?
ઉત્તર : એ વિકાસમાં મુખ્યત્વે હૃદયશુદ્ધિનો સમાવેશ થઈ જાય છે. એની સાથે સાથે ઉત્તમોત્તમ આત્મિક જીવન જીવવાની અભિપ્સા પણ એમાં આવી જાય છે. પ્રેમલક્ષણા ભક્તિ પણ એના અંગરૂપ છે અને જો તમને યોગમાં રસ હોય તો સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચવું જોઈએ. ધ્યાનના એકધારા પ્રયાસને પરિણામે પ્રાપ્ત થનારી એ સમાધિ તમારા અતીન્દ્રિય પ્રદેશના દ્વારને ઉઘાડી નાખશે, અને બીજા અનેક અસાધારણ અનુભવોની સાથે સાથે, લોકોત્તર મહાપુરૂષોના સમાગમને તમારે માટે સરળ બનાવશે. જીવનને સાચા અર્થમાં આધ્યાત્મિક કે સાધનામય કરવાનો પરિશ્રમ કરો, તો જ બધું હસ્તકમલવત કરી શકાશે. કેવળ વાતોથી કશું જ નહિ વળે.

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok