Sunday, September 27, 2020

ચંચળ સાધુ અને પરમહંસ મહારાજ

ચંચળ સાધુપુરુષ

મંદાકિનીના પવિત્ર પાણીમાં સ્નાન કરવાનો આનંદ અનેરો હતો. પાછળ પરમહંસ આશ્રમ અને આગળ પ્રશાંત પવિત્ર મંદાકિની તથા ગીચ જંગલવાળી સુંદર પર્વતમાળા. એની ઉપરથી પ્રકાશતા મધ્યાહન સમયની સમીપે પહોંચેલા પરમપ્રતાપી સૂર્યનાં સર્વત્ર પ્રસરતાં ને ક્રીડા કરતાં કિરણ. સમસ્ત વાતાવરણ પ્રસન્ન, પુલકિત, પ્રેરણાત્મક લાગતું.

મંદાકિનીના પવિત્રપ્રસન્ન સરિતાપ્રવાહને પેખીને અને આજુબાજુના નૈસર્ગિક સૌન્દર્યથી પ્રભાવિત થઈને મા સર્વેશ્વરીએ પણ સ્નાન કરવાની ઈચ્છા પ્રગટ કરી. પાસેના ઘાટ પર જેવું જોઈએ એવું એકાંત ન હતું. આસપાસનાં સ્થાનોમાં રહેનારા કેટલાક પુરુષો ત્યાં સ્નાન કરી રહેલાં. એકબે પુરુષો કપડાં પણ ધોતા હતા. એમને એ બધાં કાર્યોમાંથી નિવૃત થવાની ઉતાવળ નહોતી લાગતી. એટલે સ્નાનાદિથી નિવૃત્ત થવા માટે અમે સહેજ આગળ વધીને એકાંત સ્થાનની શોધ કરવા માંડી.

એ શોધ સત્વર સફળ થવાથી અમે મંદાકિનીના બીજા ઘાટ પર જઈ પહોંચ્યાં. ત્યાં એક સરસ દિવાલોના ઓથા જેવું હતું અને એની અંદર સ્નાન માટે જળધારાની સરસ સાનુકૂળ વ્યવસ્થા. એક ભાઈ ત્યાં કપડાં ધોઈ રહેલા પરંતુ એમને સહેજ વિનતિ કરતાં એ તરત જ મંદાકિનીના પવિત્ર પ્રવાહ પાસે ઘાટની બીજી તરફ પહોંચી ગયા. મા સર્વેશ્વરીને સ્નાન કરવાની સર્વ પ્રકારની અનુકૂળતા થઈ ગઈ.

દિવાલોના ઓથાની બહાર હું ઊભો રહેલો ત્યાં સામે જ ઘાટના પગથિયા પર એક પ્રૌઢાવસ્થાપ્રાપ્ત કાષાયવસ્ત્રધારી સાધુપુરુષ બેઠેલા. એમની આંખ ઉઘાડી હતી અને ચંચળ બનીને ચારે તરફ ફરતી રહેતી. માથે જટા, કપાળે તિલક, કંઠમાં રૂદ્રાક્ષની ઊડીને આંખે વળગે એવી મોટા મણકાની માળા. મુખમુદ્રા અશાંત, ઉત્તેજિત જેવી. એ ગોમુખીમાં રાખેલી માળા ફેરવતા અને એટલી બધી ઝડપથી ફેરવતા કે વાત નહીં. એમની ચિત્તવૃત્તિ ખૂબ જ ચંચળ લાગતી. એમનું ધ્યાન માળામાં નહોતું લાગતું. માળાના મણકા તો એ કોઈક નિશ્ચિત નિયમના પાલનને માટે જ ફેરવી રહેલા. એ મા સર્વેશ્વરી તરફ અવારનવાર દૃષ્ટિપાત કરતા પરંતુ દિવાલની આડ હોવાથી એમનું દર્શન દુર્લભ જ નહિ, સુદુર્લભ હતું. મારા તરફ એ અતિવિચિત્ર રીતે જોયા કરતા.

એમના એવા અભિનયે મને વિચાર કરતો કરી મૂક્યો. આ કયા પ્રકારનું સાધનભજન છે ? માનવ બહારથી બધું ત્યાગે છે, વેશપલટો કરે છે, પરંતુ અંદરનો ત્યાગ, મનનો પલટો ભાગ્યે જ કરે છે. પરિણામે એનો ત્યાગ અધૂરો રહે છે અને એ ધારેલી સાધનસિદ્ધિ કે શાંતિ નથી મેળવતો. એનો ત્યાગ કુત્રિમ ઉપરછલો અભિનય થાય છે. જીવનના પવિત્ર પરિબળનું અનોખું અંગ નથી બનતો. તીર્થસ્થાનોના પવિત્ર પરમાણુઓનો પ્રભાવ પણ એની ઉપર નથી પડતો. એ બહારની કાયાપલટનું જેટલું ધ્યાન રાખે છે એનાથી સોમા ભાગનું પણ ધ્યાન એની અંદરની કાયાપલટનું રાખે તો ? એને કેટલો બધો ફાયદો થાય ? એ કાયાપલટ એને માટે અમોઘ આશીર્વાદરૂપ બની જાય.

મા સર્વેશ્વરી સ્નાનાદિથી પરવારીને બહાર નીકળ્યાં. અમે ચાલવા લાગ્યાં એટલે એ સાધુપુરુષે પણ જપની ક્રિયા પૂરી કરી, આસનને બગલમાં રાખીને આજુબાજુના વાતાવરણનું અવલોકન કરતાં ચાલવા માંડ્યું.

*

પરમહંસ મહારાજ

ભગવાન રામ તથા સીતાની મહામુનિ અત્રિ અને અનસૂયાની સુપવિત્ર સ્મૃતિ સાથે સંકળાયેલું એ સ્થળ કેટલું બધું પ્રેરક તથા પ્રશાંતિપ્રદાયક છે ! એ પુણ્યાત્માઓએ આ જ ભૂમિ પર વિહાર કરેલો. એ જ ભૂમિ પર અમે વિહરી રહેલાં એ અનુભવ કેટલો બધો આનંદપ્રદાયક હતો !

પરમહંસ આશ્રમના સ્થાનાધ્યક્ષ સંતપુરુષના દર્શનની ઈચ્છાથી પ્રેરાઈને અમે ઉપર એમની પાસે ગયાં. એમનું વ્યક્તિત્વ આકર્ષક હતું. એમની વાણી નમ્ર, સરળ, છળરહિત, મધુર હતી. કાષાયવસ્ત્રધારી એ સત્પુરુષ સઘળાં દર્શનાર્થીઓને છાશ અને જામફળનો પ્રસાદ આપતા. ભોજન માટે પણ આગ્રહ કરતા. એવા અરણ્યની અંદરના એકાંત આશ્રમમાં ભોજનનો પ્રબંધ કરવામાં આવે એ આતિથ્યભાવના કાંઈ જેવીતેવી ના કહેવાય. આકાશવૃત્તિ પર રહેનારા કે મર્યાદિત નિશ્ચિત આવક પર નભનારા એવા આશ્રમોની એવી સેવાભાવના ખરેખર અસાધારણ અને અભિનંદનીય ગણાય.

કાષાયવસ્ત્રધારી, દંડ તથા ત્રિશૂળવાળા એ સ્થાનાધ્યક્ષ સત્પુરુષે અમારી સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાતચીત કરી. એમના સદ્દગુરુનું નામ પરમહંસ હોવાથી આશ્રમને પરમહંસ આશ્રમ તરીકે ઓળખવામાં આવતો. પરમહંસ પરમપ્રતાપી સિદ્ધપુરુષ હતા. એમનું શરીર થોડાંક વરસો પહેલાં જ છૂટી ગયેલું.

સ્થાનાધ્યક્ષ સત્પુરુષને એમને માટે સ્વાભાવિક રીતે જ પુષ્કળ પ્રેમ ને પૂજ્યભાવ હતો. એનાથી પ્રેરાઈને એમણે એમના વિશે થોડીક વાતો કરી. એ વાતો ખૂબ જ રસપ્રદ હતી. એમનો નિષ્કર્ષ આ રહ્યો :

‘મારા ગુરુદેવ પરમહંસજી એક મહાન સિદ્ધપુરુષ હતા. એટલે જ આવા વિકટ, અતિવિકટ સ્થાનમાં વરસો સુધી રહી શક્યા. અહીં રહેવાનું કામ સહેલું નથી. આજુબાજુ ઘોર જંગલ. એમાં જુદાંજુદાં મહાભયંકર હિંસક જંગલી જાનવર રહે છે. કોઈવાર આ એકાંત આશ્રમમાં પણ આવી જાય.

‘મહારાજની પાસે રોજ એક વાઘ આવતો. રાતભર શાંતિથી કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ મચાવ્યા સિવાય બેસી રહેતો ને સવારે વિદાય થતો. આજથી વીસ વરસ પહેલાંથી એ આવ્યા કરતો.

‘એકવાર વાઘનો શિકાર કરવા શિકારી આવ્યા. શસ્ત્રસજ્જ સાહેબ લોકો. વાઘને આવવાનો સમય થયો. એ ગર્જના સાંભળીને પેલા શિકાર કરવાની ઈચ્છાવાળા મહાનુભાવો ભયભીત બનીને ઓરડામાં પેસી ગયા.

‘વાઘ આવી ગયો એટલે પરમહંસ મહારાજે જણાવ્યું કે તમારાથી થાય તો શિકાર કરી લો.

‘પરંતુ એમનામાં બહાર નીકળવાની હિંમત નહોતી.

‘બીજે દિવસે સૂર્યોદય થયા પછી બારણાં ખખડાવીને તેમને બહાર નીકળવાનું કહ્યું ત્યારે વાઘ નથી, જંગલમાં જતો રહ્યો છે એવી ખાતરી થતાં એ બહાર આવ્યા.

‘પેલા શ્રીમંત શિકારીઓએ મહારાજને ગામમાં જઈને અનાજની ગુણ મોકલી. ગુરુદેવે એ અનાજનો અસ્વીકાર કર્યો. એ અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી. ગુરુદેવે કહ્યું કે આ અપવિત્ર અનાજ મારે નથી જોઈતું. લઈ જાવ. ગરીબોને વહેંચી દેજો.

‘અનાજને પાછું લઈ જઈને ગામમાં વહેંચવા માટે તૈયારી કરવામાં આવી તો અનાજ દુર્ગંધ વગરનું સારું થઈ ગયું.

‘એકવાર પરમહંસ મહારાજ એકાદ અઠવાડિયા માટે બહારગામ ગયેલા. એ સમય દરમિયાન વાઘ સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી આશ્રમની રક્ષા માટે સામેના વૃક્ષ નીચે બેસી રહેતો. અઠવાડિયા પછી મહારાજ રાતે એક વાગ્યે પાછા આવ્યા ત્યારે વાઘ વિદાય થયો. વાઘની અંદર કોઈક ભક્ત કે સિદ્ધયોગીનો આત્મા હતો.’

 

Add comment

Security code
Refresh

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok