Sunday, September 27, 2020

નાવિકની સેવા

ચિત્રકૂટના નિવાસ દરમિયાન બપોર પછી અમે હનુમાનધારા જવા માટે નીકળ્યાં.

હનુમાનધારાનું સુંદર સ્થાન મંદાકિનીના પેલી પારના પ્રદેશમાં દોઢેક માઈલ ચાલ્યા પછી, ત્રણસો સાઠ પગથિયાં ચઢ્યા પછી, ઉપર પર્વતના પ્રશાંત શિખર પર આવે છે. માતાજી સાથે સૌથી પ્રથમ ચિત્રકૂટના સુપ્રસિદ્ધ તીર્થસ્થાનમાં આવવાનું થયું ત્યારે અમે ત્રણસો સાઠ પગથિયાં ચઢીને એ પર્વતશિખર પર પહોંચી ગયેલાં. એ વખતે પણ એ ચઢાણ વિકટ છે એવું લાગેલું. તાજેતરમાં, ગયા નવેમ્બરમાં મને જે ભયંકર હાર્ટઍટેક આવેલો તે પછી એટલાં પગથિયાં ચઢવાની કલ્પના કરી શકાય તેમ ન હતી. તો પણ જ્યાં સુધી જવાય ત્યાં સુધી, કોઈ પણ પ્રકારના આગ્રહ-દુરાગ્રહ સિવાય, જઈશું એવી માનસિક સમાધાનવૃત્તિ સાથે અમે ત્યાં જવાનો નિર્ણય કર્યો. સૌને એમ હતું કે ફરીફરી આ સ્થાનમાં કોણ જાણે ક્યારે આવી શકાશે, માટે એનો જેટલો પણ લેવાય તેટલો અધિક દર્શનલાભ લઈ લેવો.

મંદાકિનીનો પવિત્ર પ્રશાંત પ્રદેશ. ત્યાંથી મળતી નાવમાં બેસીને અમે સામા કિનારે પહોંચી ગયાં. રસ્તામાં નાવવાળા સાથે સહજ રીતે જ વાત થઈ :

‘તમારું નામ શું?’

‘રામખિલૌના.’

‘બહુ વિચિત્ર નામ છે. પણ છે સરસ. આ નાવ તમારી છે ?’

‘હા. મારી છે. રૂપિયા વ્યાજે લઈને ખરીદી છે.’

‘કેટલામાં ?’

‘ત્રણેક હજારમાં.’

‘વ્યાજ કેટલું આપવું પડે છે ?’

‘ઘણું વધારે. થોડીઘણી કમાણી થાય છે તે વ્યાજ ભરવામાં ચાલી જાય છે. મેળા વખતે વધારે આવક થતી હોય છે, બાકી તો સાધારણ રકમ મળ્યા કરે છે. પણ બીજું કરીએ પણ શું ? બેસી થોડા રહેવાય ? છોકરાને પણ એવી રીતે વ્યાજથી બીજી નાવ લઈ આપી છે. તે પણ નદીમાં ફેરવે છે.’

‘હજુ કેટલી રકમ બાકી રહી ?’

‘વ્યાજ ઉપરાંત અડધાથી થોડી વધારે રકમ ભરી દીધી છે. બીજી પણ ભગવાનની કૃપાથી ભરાઈ જશે.’

‘પછી તો કોઈ ચિંતા નહીં રહે ને ?’

‘ના. પછી તો બનતો પુરુષાર્થ કરવાનો. ભાગ્ય પ્રમાણે કમાવાનું, ને ઈશ્વરનું નામ લઈને આનંદ કરવાનો.’

‘ઘણી સારી વાત કરી.’

વાતવાતમાં નાવ મંદાકિનીના બીજા કિનારે પહોંચી ગઈ. પહેલાં તો નાવિક પાસેથી હનુમાનધારાના માર્ગની માહિતી મેળવી લીધી, પરંતુ પછીથી એણે અમારી સાથે આવીને રસ્તો બતાવવાની તૈયારી બતાવી, એટલે અમારું કામ સરળ થયું.

હનુમાનધારાનો શરૂઆતનો માર્ગ નાનીસરખી પગદંડીનો હતો અને લીલાંછમ ખેતરો પાસેથી પસાર થતો. આજુબાજુ સુંદર લીલાછમ પર્વતમાળા દેખાતી હોવાથી સુંદરતા અને આહલાદકતામાં અભિવૃદ્ધિ થતી. આખુંય દૃશ્ય અદ્દભુત લાગતું. માર્ગમાં એક ઠેકાણે ચૌદ વરસ માટે અખંડ નામસંકીર્તન થઈ રહેલું. ચૌદ વરસના લક્ષ્યાંક સાથે શરૂ થયેલા એ અખંડ નામસંકીર્તનને છ વરસ થઈ ગયેલાં. નાવિકે એ સ્થાન બતાવ્યું.

આગળનો માર્ગ સીધો હોવાથી ચાલવાનું પ્રમાણમાં સહેલું હતું. મેં નાવિકને પૂછયું કે થાક લાગ્યો કે શું ?

નાવિકે ઉત્તર આપ્યો કે ના. નથી લાગ્યો. હું તો આટલા સમયમાં હનુમાનધારા પહોંચી ગયો હોત.

મેં કહ્યું તો પછી ચાલો, આપણે ઝડપથી ચાલીએ. આ બધાં તો સાહેબલોક છે. દેશી છે. એટલે વધારે નહિ ચાલી શકે.

અમે બંને પહેલાં કરતાં વધારે ઝડપથી ચાલવા લાગ્યા. બીજાં સૌએ પણ ઉત્સાહિત બનીને અમારું અનુસરણ કર્યું.

એકાદ કિલોમીટર જેટલો રસ્તો જોતજોતામાં કપાઈ ગયો. અમે પંચમુખી મહાદેવ પાસે પહોંચી ગયાં. ત્યાંથી હનુમાનધારા જવા માટે પર્વત પરનાં પગથિયાં શરૂ થયાં. ત્રણસો સાઠ કપરાં પગથિયાં. થોડેક ઉપર ચઢયાં એટલે કોઈક વૃદ્ધાએ નાવિકને સૂચના આપી કે સૌને સાચવીને લઈ જજે. તાજેતરમાં જ બનારસની એક સ્ત્રી એકાએક ચક્કર આવતાં નીચે ખીણમાં પડી ગયેલી.

નાવિક ખૂબ જ ભાવિક હતો. એણે મને પોતાના ખભા પર બેસાડી દેવાની તૈયારી બતાવી, પરંતુ મેં સાભાર ના પાડીને ધીમેધીમે ચાલવાનું જ પસંદ કર્યું. મને છેલ્લેછેલ્લે જે જીવલેણ હાર્ટ-ઍટેક આવેલો તે પછી પર્વત પરનું ચઢાણ એ પહેલું જ હતું. તો પણ ઈશ્વરની કૃપાથી એ ચઢાણ કોઈ પણ પ્રકારના પરિશ્રમ કે કષ્ટ વિના નિર્વિઘ્ને પૂરું થયું. ઈશ્વરે જ શક્તિ આપી. એ જોઈને મા સર્વેશ્વરી તથા સૌ સહયાત્રીઓને નવાઈ લાગી. પરંતુ ઈશ્વરની દિવ્ય અસાધારણ અનુકંપા શું ના કરે ?

પર્વત પર સરસ જલધારા અને હનુમાનમંદિર. સામેનું ચિત્રકૂટનું ને બીજું દૂરદૂરનું ચિત્તાકર્ષક આહલાદક દૃશ્ય. એનો આનંદ લઈને અમે અંધારું  થતાં પહેલાં જ ત્રણસો સાઠ પગથિયાં ઊતરીને પાછા નીચે આવ્યા.

પાછો એ જ રસ્તો. એ જ પગદંડી, પર્વતમાળા, સંકીર્તનસ્થળ, લીલાછમ વસ્ત્રોને વીટીંને વિસ્તરેલા ખેતરો, અને પાછી પેલી નાવ. નાવમાં બેસતાં પહેલાં જ અંધકાર છવાઈ ગયો.

ભજનસંકીર્તન સાથે નાવમાં આગળ વધ્યાં. ચંદ્રોદયને લીધે વાતાવરણ સવિશેષ સુંદર દેખાવા લાગ્યું. મંદાકિનીના કિનારા પર પહોંચતાં પહેલાં નાવિકે ધૂનના સંકીર્તનસ્વરોમાં મગ્ન બનીને નાવને રાસ રમાડતો હોય તેમ પાણીમાં ચારથી પાંચવાર હલેસાં મારીને ગોળ ગોળ ફેરવી. એ આનંદાનુભવ અદ્દભૂત, અવિસ્મરણીય હતો.

નાવમાંથી નીચે રામઘાટ પર ઊતર્યા પછી મેં નાવિકને મારી પાસે બોલાવ્યો. કરાર પેટે એને જવા-આવવાના ભાડા પેટે નવ રૂપીયા નવ યાત્રીઓના આપવાના હતા તેને બદલે યાત્રીઓ વતી દસ રૂપીયા અપાવ્યા, અને એની ગુણવત્તા તથા આવશ્યકતાને અનુલક્ષીને મારા વતી સો રૂપીયાની મદદ કરી. રસ્તામાં મા સર્વેશ્વરીને એને મદદ કરવાનો વિચાર આવેલો. એ વિચાર એમણે મારી આગળ રજૂ પણ કરેલો. એ એવી રીતે સાર્થક થયો. ઉછીની લીધેલી પોતાની નાવની રકમને માટે છત્રીસ ટકા વ્યાજ ભરનારા એ સામાન્ય સ્થિતિવાળા નાવિકને એવી મોટી રકમની કલ્પના પણ ના હોય. એ ગળગળો બની ગયો. પછી તો શાંતિભાઈ ને બીજા ભાઈઓએ પણ એને વધારાની મદદ કરી.

એ દિવસ એને માટે યાદગાર બન્યો. છૂટા પડતી વખતે મેં એને જણાવ્યું: આ રકમ વ્યાજ પેટે આપવા માટે વાપરજે. જોજે વેડફી ના નાખતો. દારૂ ના પીતો.

નાવિક વ્યસની નહોતો એટલું સારું હતું. એને જોઈને મને રામાયણનો રામલક્ષ્મણને નદી પાર કરાવનારો કેવટ યાદ આવ્યો. એવો જ પ્રેમ, સેવાભાવ, ભક્તિભાવ, એવી જ નિષ્કપટતા. નિર્દોષતા. ધન્ય છે એ નાવિકને.

 

Add comment

Security code
Refresh

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok