Sunday, September 27, 2020

સદુપદેશ સફળ થયો

વાત ઈ.સ. ૧૯૬૬ની આસપાસની.

હિમાલયના ઉત્તરાખંડમાં પર્વતોની મહારાણી તરીકે ઓળખાતી સુપ્રસિદ્ધ મહિમામયી મસૂરી નગરીની.

મસૂરીમાં પ્રત્યેક વરસની પેઠે એ વરસે પણ મારાં પ્રવચનો ચાલતાં.

આબાલવૃદ્ધ એ પ્રવચનોનો લાભ લેતાં.

પ્રવચનો કોઈ એક વિશિષ્ટ ધર્મ, પંથ, મત કે સંપ્રદાયને અનુલક્ષીને એના પ્રશસંકો કે અનુયાયીઓ માટે નહોતા કરવામાં આવતાં પરંતુ માનવમાત્રને માટે કરવામાં આવતાં હોવાથી સૌ કોઈ એમનો લાભ લેતાં. જેમને ધર્મમાં રસ નહોતો દેખાતો ને જીવનમાં જે ધર્મ અથવા આધ્યાત્મિકતાની આવશ્યકતા નહોતાં સમજતાં કે નહોતાં સ્વીકારતાં તે પણ એમને સાંભળીને સંતોષ અને આનંદ વ્યક્ત કરતાં એમની પ્રશંસા કરતાં.

એ પ્રવચનો દરમિયાન એકવાર કેટલાક શીખભાઈઓએ મારી પાસે પહોંચીને મને એમના ગુરુદ્વારામાં ઉત્સવ પ્રસંગે પ્રવચન માટે આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું.

મેં એ આમંત્રણનો સાભાર સહર્ષ સ્વીકાર કર્યો.

ગુરુદ્વારામાં વાર્ષિક ઉત્સવ-સમારંભ હોવાથી એ દિવસે ભારે ભીડ હતી. પ્રચંડ લોકસમૂહ એકઠો થયેલો. એ આખુંય દૃશ્ય અદૃષ્ટપૂર્વ અને અદ્દભુત હતું. ગુરુદ્વારાનો એક પરંપરાગત પ્રસ્થાપિત નિયમ હોય છે કે એમાં પ્રવેશનારે ને ખાસ કરીને પવિત્ર ગુરુ ગ્રંથસાહેબની પાસે પહોંચનારે મસ્તકને ઉઘાડું રાખવાને બદલે ઢાંકવું પડે છે. પછી તે પોતાના મસ્તક પર ટોપી પહેરે, સાફો બાંધે કે મર્યાદાસૂચક રૂમાલ લપેટે. મેં એ શિસ્તનું કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ સિવાય સંકોચરહિત થઈને પાલન કર્યું.

સમારંભમાં બહારથી આવેલા બેત્રણ વક્તાઓનાં પ્રવચનો પૂરા થયા પછી મારું પ્રવચન પૂરું થયું. પ્રવચન પ્રસંગને અનુરૂપ ગુરુ નાનકદેવના જીવન વિશે જ હતું. સૌએ એને અસાધારણ રસપૂર્વક શાંતિ સાથે સાંભળ્યું. એનો પ્રભાવ ઘણો સારો પડ્યો.

પ્રવચનની પરિસમાપ્તિ પહેલાં મેં મુખ્ય વિષયને બદલીને સૌને શાંતિપૂર્વક જણાવ્યું : ‘હવે મારે તમને એક બીજી મહત્વની ને તમારા હિતની વાત કહેવાની છે. મારા સિવાય એ વાત બીજું કોઈ જ નહીં કહી શકે. કારણ કે મારા હૃદયમાં તમારે માટે પ્રેમ છે ને તમારા હિતની ભાવના છે. હું ગુરુ નાનકદેવનો પ્રેમી તેમજ પ્રશંસક છું. મને શીખ ધર્મને માટે, એના દસ ગુરુઓને માટે અને તમારે માટે માન છે. ગુરુ નાનકદેવે પવિત્ર, સાત્વિક, સદાચારી જીવન જીવવાની ને વ્યસનરહિત બનવાની ભલામણ કરી છે. પરંતુ પંજાબી ભાઈઓમાંના કેટલાય આજે વ્યસનોના દાસ બન્યા છે. દારુ-શરાબ, માંસભક્ષણ તથા જુગારનો આશ્રય લે છે. જુગાર રમે છે ને રમાડે છે. એ સાચું છે ? શોભાસ્પદ છે ?’

‘એક બીજી વાત. મસૂરી જેવાં શહરોમાં ખ્રિસ્તી મિશનો મારફત ચાલનારી સ્કૂલો છે. તેમાં મોટે ભાગે પંજાબી યુવકો ભણતા હોય છે. માથે પાઘડીવાળા એ યુવકોને દર રવિવારે ખ્રિસ્તી મંદિરોમાં લઈ જવામાં આવે છે. એમને રસ્તા પરથી પસાર થતાં જોઈને મને કાંઈનું કાંઈ થઈ જાય છે. એ યુવકો તથા યુવતીઓનો વિચાર તમે ગંભીરતાથી કરી જોયો છે ? એ મોટો થશે ત્યારે તમારા વિશે શું જાણતા હશે ? એમને  ધર્મનું શિક્ષણ મળે તે માટે તમે કોઈ સમુચિત પ્રબંધ કર્યો છે ખરો ?  દસપંદર વરસ પછી એ યુવાવર્ગ આવી રીતે કદાચ ઉત્સવો પણ નહીં કરે અને તમારી જ ભૂલનો ભોગ બનીને ખ્રિસ્તી બની જશે કે ખ્રિસ્તીપ્રેમી થશે. તમારામાં અનેક શ્રીમંતો છે, વીર છે, ધર્મપ્રેમીઓ છે. તો તમે તમારા ધર્મના સંસ્કારોને સીંચતી કોઈ સરસ સર્વોપયોગી સ્કૂલ કેમ નથી કરતા ? કેવળ સમારંભો કરીને બેસી કેમ રહો છો ? મારા શબ્દો તમને કદાચ કડવા લાગશે પરંતુ મારા હૃદયમાં તમારે માટે લાગણી હોવાથી એ શબ્દો કહેવા પડે છે. હું નહીં કહું તો બીજું કોણ કહેશે ? માટે પવિત્ર, વ્યસનરહિત, સદાચારી જીવન જીવવાનો ને એક આદર્શ સ્કૂલ કરવાનો નિર્ણય કરો. એ નિર્ણયથી મને આનંદ થશે અને મારું આગમન સફળ બનશે.’

સભાજનો સંપૂર્ણ શાંતિથી સાંભળી રહ્યા.

એ શબ્દો પાછળથી ભાવના સૌને સ્પર્શી ગઈ.

એ સદ્દભાવનાની સૌએ કદર કરી.

મને એથી સંતોષ થયો.

ગુરુદ્વારાના ગ્રંથીએ પોતાની ઊંચી બેઠક છોડીને મારી પાસે પહોંચીને મને પુષ્પમાળા પહેરાવીને જણાવ્યું: ‘આ મહાપુરુષે અહીં પધારીને આપણી ઉપર અસાધારણ ઉપકાર કર્યો છે. આપણે એમના ખૂબ જ આભારી છીએ. એમણે આપણને આપણા સાચા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. આપણી આંખ ઉઘાડી નાખી છે. આપણે એમના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ. મસૂરીમાં જો કોઈ સ્કૂલ થતી હોય તો એને માટેની જમીનનો જે ખર્ચ થશે તે આપવા હું તૈયાર છું.’

સભાજનોએ એમની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

ગ્રંથી પોતાના મૂળ સ્થાને બેસી ગયા.

ચાલુ કાર્યક્રમે એ ઊમળકાથી ઊભરાઈને મને પુષ્પમાળા પહેરાવવા ઊભા થયા ને નીચે ઊતર્યા એ ઘટના ખરેખર અપવાદરૂપ અને અસાધારણ હતી. એમણે કરેલી પહેલનું પરિણામ ઘણું સારું આવ્યું. એમનું અનુસરણ કરીને બીજા આગેવાનેએ પણ માઈક પાસે પહોંચીને સ્કૂલના મકાન માટેના નાનામોટા દાનની જાહેરાત કરવા માંડી. દાનની રકમનો આંકડો જોતજોતામાં લાખો સુધી પહોંચી ગયો.

એ જોઈને સૌથી અધિક આનંદ મને થયો.

મારી ઈચ્છા ફળવાની શક્યતા વધી.

બીજા વરસે એક વિશાળ પ્રોપર્ટી ખાલી પડી. ગુરુદ્વારા તરફથી લાગતા-વળગતા કાર્યકર્તાઓએ એને વેચાતી લીધી. એ વિશાળ તૈયાર મકાનમાં ગુરુ નાનક પબ્લિક સ્કૂલની સ્થાપના થઈ. એ સ્કૂલમાં દેશપરદેશના વિદ્યાર્થીઓ રહેવા ને ભણવા લાગ્યા. વસતીથી દૂરસુદૂર આવેલી એ સ્કૂલ પ્રાચીનકાળના ગુરુકૂળનું સ્મરણ કરાવવા લાગી.

જન્માષ્ટમીના પવિત્ર પર્વદિવસે મને ત્યાં અતિથિવિશેષ તરીકે બોલાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કૃષ્ણ-સુદામાની ને બીજી ધર્મકથાઓનો નાટકરૂપે જાહેર અભિનય કર્યો. એને અવલોકીને મને અભૂતપૂર્વ આનંદ થયો.

મારો સદુપદેશ સફળ થયો. વખતના વીતવાની સાથે વધારે ને વધારે પ્રમાણમાં સફળ થશે, સાર્થક ઠરશે, એની ખાતરી થઈ.

એક સરસ વિદ્યાલયની સ્થાપનામાં રહ્યોસહ્યો ફાળો આપવા માટે મને આનંદ થયો. મેં એના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યાં.

દૃઢ સંકલ્પ, સંપ, સહયોગ તથા સેવાભાવ શું ના કરી શકે ?

 

Add comment

Security code
Refresh

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok