Monday, September 21, 2020

આગમના એંધાણ

‘પાંધી સાહેબ, તમે પ્રવચનોમાં નથી આવતા ?’

‘ક્યાં પ્રવચનોમાં ?’

‘ગાંધીનિવાસ સોસાયટીમાં ચાલે છે તે શ્રી યોગેશ્વરજીનાં ગીતા પ્રવચનોમાં. છેલ્લા કેટલાય વખતથી તેમનાં પ્રવચનો ત્યાં ચાલી રહ્યાં છે ને જનતા મોટી સંખ્યામાં અસાધારણ રસપૂર્વક એમનો લાભ લે છે. એવાં સરસ, સ્વાનુભવપૂર્ણ, વિદ્વત્તાયુક્ત પ્રવચનો મસૂરીનગરમાં બીજા કોઈનાં કદી પણ નથી થયાં. તમે સાંભળશો તો આશ્ચર્યચકિત તથા ભાવવિભોર બની જશો. તમારા જેવા સત્સંગપ્રેમીએ એ અવશ્ય સાંભળવા જેવાં છે.’

પાંધી સાહેબ સહેજ શાંત રહ્યા ને બોલ્યા : ‘યોગેશ્વરજીનાં પ્રવચનોની પ્રશંસા તો મેં પણ સાંભળી છે. એમના વ્યક્તિત્વ વિશે પણ ઘણું ઘણું નોંધપાત્ર સાંભળ્યું છે. પ્રવચનોમાં આવવાનું મન તો ઘણુંય થાય છે, પરંતુ કામકાજ એટલું બધું રહે છે કે નીકળી શકાતું નથી.’

‘કાળદેવતાનું તેડું આવશે ત્યારે શું કરશો ? આવી જ દલીલ કરતા રહેશો ? બીજા કોઈ દિવસે કામનો બોજો હોય તો સમજી શકાય પરંતુ રવિવારે તો ઑફિસ બંધ હોય. રવિવારે તો આવો.’

‘આ રવિવારે આવવાનો પ્રયત્ન કરીશ.’

પાંધી સાહેબ પર્વતોની રાણી મનાતી મસૂરીનગરીમાં વરસોથી વસતા તથા મકાનોના એજન્ટ તરીકે કાર્ય કરતા. મસૂરીના પ્રતિષ્ઠિત પુરુષોમાં એમની ગણના થતી. એમના સન્મિત્રે એમના પ્રત્યેની મમતાથી પ્રેરાઈને એમને ગાંધીનિવાસ સોસાયટીમાં પ્રયોજેલા પ્રવચનોમાં આવવાનો આગ્રહ કરેલો.

એ પછી એક દિવસ સાંજે હું મસૂરીના મુખ્ય માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે પાંધી સાહેબની ઑફિસ આગળથી આગળ વધતી વખતે એ મારી પાસે આવીને પ્રણામ કરીને કહેવા માંડ્યા : ‘ઑફિસ પાસે જ છે. અંદર આવો ને બેસો. થોડોક આરામ કરો.’

‘આરામ કરવાની ખાસ આવશ્યક્તા નથી.’ મેં કહ્યું, ‘હવે ઘેર જવું જોઈએ.’

‘તો પણ......પાંચેક મિનિટ માટે તો પધારો.’

એમના જેવા સુપ્રતિષ્ઠિત પુરુષના પ્રેમાગ્રહને માન આપીને હું માતાજી સાથે એમની ઑફિસમાં ગયો.

ઑફિસમાં બેઠાં પછી એમણે શાંતિથી કહેવા માંડ્યું : ‘મસૂરીમાં આજકાલ તમારી જ વાતો થઈ રહી છે. સૌ કોઈ તમારી જ પ્રશંસા કર્યા કરે છે.’

‘જે ગુણદર્શી હોય તે પ્રશંસા સિવાય બીજું કરે પણ શું ? એમનાથી કોઈની નિંદા થોડી જ થવાની છે ?’

‘તો પણ મસૂરીની જનતા એમ કોઈનાથી ગાંજી જાય તેવી નથી. કોઈનાં આટલી જલદી વખાણ કરે તેવી પણ નથી. તમારી અસાધારણ લોકોત્તર યોગ્યતાને લીધે લોકો તમારાથી પ્રભાવિત થયા છે. તમારી વિદ્વત્તા તથા અદ્દભુત વકતૃત્વ શક્તિ વિશે અનેક લોકો વાતો કરે છે. તો પણ તમારી પાસે પહોંચવાનું અને તમારો લાભ લેવાનું સદ્દભાગ્ય નથી સાંપડ્યું. કામનું દબાણ એટલું બધું રહે છે કે નીકળી નથી શકાતું. બને તો આ રવિવારે આવવું જ છે.’

‘તમે નિર્ણય કરશો તો અવશ્ય અવાશે.’

‘મારાથી સત્સંગમાં નથી અવાતું પરંતુ હું કેટલાંક નિયમોને અનુસરું છું. કોઈનું બુરું નથી કરતો. બને તો ને બને તેટલી બીજાને મદદ કરું છું. બને ત્યાં સુધી જૂઠું નથી બોલતો. સવારે ને સાંજે બે વાર પ્રાર્થના કરું છું. રોજ ગીતાનો એક અધ્યાય વાંચું છું. મનને એ નવરું પડે છે ત્યારે ઓમકારના જપમાં જોડું છું.’

‘એ તો ઘણું સારું કહેવાય. સત્સંગ કરીને પણ કરવાનું તો એ જ છે.’

‘તો પણ આ રવિવારે સમય કાઢીને પ્રવચનમાં આવવું જ છે.’

રવિવારે એ પ્રવચનમાં આવી પહોંચ્યા એથી એમને લાભ થયો ને લાગ્યું કે દર રવિવારે પ્રવચનમાં પહોંચવું જ જોઈએ. રવિવારે પ્રવચનમાં પહોંચવાનો એ ક્રમ થોડા વખત સુધી ચાલુ રહ્યો એથી એમનો મારે માટેનો પ્રેમ અને આદરભાવ વધી પડ્યો. એ વધારે જાગ્રત થયા.

*

બેત્રણ વરસ પછી એમના જીવનપ્રવાહે નવો જ વળાંક લીધો.

એમનો હૃદયરોગના હુમલાના ભોગ બનવું પડ્યું.

ડૉકટરે એમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. પૂરા અને ઓછામાં ઓછા ત્રણ મહિનાનો આરામ.

પરિણામે એ ઘરે જ રહેવા માંડ્યા.

જરાક સારું લાગતા રીક્ષામાં બેસીને ઑફિસે આવવા લાગ્યા; પરંતુ એ ક્રમ પણ લાંબા વખત લગી ના ચાલ્યો. એમનું સ્વાસ્થ્ય થોડા દિવસ પછી ફરી વાર બગડ્યું. એને લીધે એમને પુનઃ પથારીમાં પડવું પડ્યું.

ધીમેધીમે છતાં ચોક્કસ રીતે એમની તબિયત બગડતી જ ચાલી.

એકવાર ઈશ્વરની કૃપાથી પૂર્વના સુકૃતના પરિણામે એમને એકાએક જાણે કે આગમના એંધાણ મળી ગયાં.

હા. આગમના એંધાણ જ. એને એ જ નામથી ઓળખાવી શકાય. એ એંધાણને પારખીને એમણે પોતાની પત્નીને કહ્યું : ‘હવે હું સાત દિવસથી વધારે નથી. સાત દિવસમાં મારું મૃત્યું થશે.’

પત્નીને એમના વચનોમાં વિશ્વાસ ના આવ્યો. એણે જણાવ્યું : ‘આવું શું બોલો છો ? તમે કાંઈ એટલા વહેલા થોડાં મરવાના છો ?’

‘મને એવું જણાયું છે.’

‘જે કાંઈ જણાય છે તે બધું સાચું જણાય છે એવું થોડું છે ?’

‘મને સાચું જ જણાયું છે. મારામાં વિશ્વાસ રાખ.’

‘તમે કોઈ સિદ્ધ યોગીપુરુષ થોડા છો કે તમને એવું બધું જણાય ?’

‘હું સિદ્ધ યોગીપુરુષ તો શું, સામાન્ય યોગીપુરુષ પણ નથી. છતાં પણ ઈશ્વરની કૃપાથી જે કાંઈ જણાયું છે તે કહી બાતવું છું. મને તો એમાં લેશપણ શંકા નથી. તું પણ વિશ્વાસ રાખ.’

‘હું એવો ખોટો વિશ્વાસ નથી રાખતી.’

‘તો પછી તો તું જે થાય તે જોયા કરજે.’

પાંધી સાહેબને પોતાને મળેલા આગમનના એંધાણમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. એ વિશ્વાસથી પ્રેરાઈને એમણે મસૂરીના મકાનની સંપૂર્ણ વ્યવસ્થા કરી. એમના દહેરાદૂનમાં રહેતા પુત્રને બોલાવીને હિસાબકિતાબની સમજણ પાડી, અને દૂર રહેતી પોતાની પુત્રીઓને પણ તેડાવી.

ત્રણચાર દિવસ પછી મને બોલાવવાની ઈચ્છા પ્રદર્શાવતા જણાવ્યું :

‘હવે મારા જીવનની એક જ આકાંક્ષા શેષ રહી છે. શ્રી યોગેશ્વરજીના દર્શનની. મારું શરીર શાંત થશે તેની મને ચિંતા નથી. પૃથ્વી પર કોઈ અમર નથી. હું પણ એમાં અપવાદરૂપ કેવી રીતે હોઈ શકું ? પરંતુ મારું શરીર પડી જાય તે પહેલાં હું યોગેશ્વરજીને મળવા માંગું છું. ગાંધીનિવાસ સોસાયટીમાં જઈને તમે યોગેશ્વરજીને બોલાવી લાવો.’

પરંતુ કોઈએ એમની વાત ના માની.

મૃત્યુના દિવસે એમણે ફરી વાર એવી જ ઈચ્છા વ્યક્ત કરી. તો પણ ઘરના કોઈએ એને ગંભીરતાથી ના લીધી.

રાતે એમણે એમના ધર્મપત્ની તથા પુત્રોને પોતાને પથારીમાં બેસાડવા કહ્યું. એ પ્રમાણે એમને ટેકો દઈને બેસાડવામાં આવ્યા એટલે એમણે જણાવ્યું : ‘ભગવદ્દગીતામાં કહેવામાં આવ્યું છે કે જે ઓમકારનું રટણ કરીને પરબ્રહ્મ પરમાત્માને સ્મરતાં શરીરને છોડે છે તે ઉત્તમ ગતિને પામે છે. એ ભગવત્-કથનને અનુસરીને અથવા શાસ્ત્રવચનને અનુલક્ષીને હું શરીરને છોડવા માંગું છું. મારો શરીર-ત્યાગનો સમય આવી ગયો છે. તમે સૌ શાંતિથી ને સંપપૂર્વક રહેજો.’

અને ઓમકારના ઉચ્ચાર સાથે એમણે તરત જ દેહત્યાગ કર્યો.

જે એમના વચનોમાં વિશ્વાસ નહોતા રાખતા તે પણ એ ઘટનાને જોઈને આશ્ચર્યચકિત બની ગયા.

બીજે દિવસે મને એમના સ્વર્ગવાસના સમાચાર મોકલવામાં આવ્યા. અમે એમના કુટુંબીજનોને મળવા અથવા આશ્વાસન આપવા જઈ પહોંચ્યા ત્યારે એમણે અગાઉથી પાંધી સાહેબની ઈચ્છાનુસાર સમાચાર ના પહોંચાડવા બદલ અફસોસ વ્યક્ત કર્યો. જે ઘટના બની તે હજુ પણ એમને માટે આશ્ચર્યકારક હતી. પરંતુ તે બની હતી તે ચોક્કસ હતું.

પાંધી સાહેબને મળેલા આગમનનાં એંધાણ પરથી એ એમના આગળના પ્રવાસની તૈયારી કરી શક્યા. એટલો લાભ અવશ્ય થયો. એ લાભ કાંઈ નાનોસૂનો કે ક્ષુલ્લક ન હતો.

 

Add comment

Security code
Refresh

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok