Text Size

Katha

નચિકેતાની વાત

કઠ ઉપનિષદની ખ્યાતિ તેની સરળતા, પ્રાસાદિકતા ને તેમાં પીરસેલી જ્ઞાનની સામગ્રીને લીધે ઘણી વધારે છે. આત્મજ્ઞાનની અભિવ્યક્તિ તેમાં બહુ આકર્ષક ને ઉત્તમ રીતે કરવામાં આવી છે. શરૂઆત એક નાનીસરખી વાતથી થાય છે.

અરુણ નામે એક મહર્ષિ હતા. તે અન્નદાન આપવામાં ખૂબ રસ લેતા હતા. તેમને ઉદ્દાલક નામે પુત્ર હતો. ઠેઠ ઉપનિષદકાળનું અવલોકન કરતાં આપણને સમજાય છે કે મોટા ભાગના ઋષિઓ ગૃહસ્થાશ્રમી હતા. પરિણીત જીવનને ને સ્ત્રીને તત્વજ્ઞાન કે પરમાત્માની પ્રાપ્તિમાં અંતરાયરૂપ માનવાની પ્રથા તે વખતે પ્રચલિત ન હતી. સ્ત્રીનો સાથ સાધનામાં મહત્વનો મનાતો ને સ્ત્રી બધી રીતે મદદરૂપ પણ થતી. સ્ત્રીની અંદર શક્તિનું દર્શન કરીને તેના સહકારથી જીવન ને જગતને વધારે મધુમય ને મંગલ બનાવવાનું ધ્યેય તે વખતે દરેકની નજર સામે રહેતું. ભારતીય સંસ્કૃતિ ને સાધનાની આ એક નોંધપાત્ર વિશેષતા હતી. તેની તરફ અંગુલિનિર્દેશ કરીને કથા આગળ ચાલે છે.

અરુણ ઋષિના પુત્ર ઉદ્દાલકે એક વખત વિશ્વજિત નામે યજ્ઞ કરવાની ઈચ્છા કરી. પોતાની ભાવના પ્રમાણે યજ્ઞ પૂરો કર્યા પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે તેમણે ગાયો મંગાવી. પરંતુ ગાયો તદ્દન ખરાબ હતી. યુવાવસ્થામાં તે ગાયો ઘાસ ખાઈને પાણી પીને વનમાં વિહાર કરતી ને ઉત્તમ પ્રકારનું દૂધ આપતી; પરંતુ અત્યારે તે વૃદ્ધ થઈ હતી, નિર્બળ હતી, ને કેટલીક તો બેડોળ પણ બની ગઈ હતી. ઋષિનું આવું દાન પાસે ઊભેલા તેમના નાના બાળક નચિકેતાને જરા પણ ન ગમ્યું. તેથી તેણે વિરોધ કરવાનો વિચાર કર્યો.

નચિકેતાએ કહ્યું : ‘પિતાજી, દાન આપવાની સામગ્રી તો ઉત્તમ જોઈએ. સારામાં સારી ને પ્રિયમાં પ્રિય વસ્તુનું દાન આપવાનું સારું કહેવાય છે. તમે તો કનિષ્ટ વસ્તુનું દાન દેવા તૈયાર થયા છો. તમારી પ્રિયમાં પ્રિયવસ્તુ તો હું છું. તો તમે મને કોને આપવાનો વિચાર કર્યો છે ?’

નચિકેતાની ઉંમર ઘણી નાની હતી પરંતુ બુદ્ધિ મોટી. મોટા શરીરમાં નાનાં મગજ તેમ નાના શરીરમાં મોટાં મગજ પણ વસતાં હોય છે. નાની ઉંમરના નચિકેતાની વાણીમાં વિવેક અથવા ડહાપણનો રણકાર હતો. પરંતુ તેના પિતાને તે ન ગમ્યો. તેના પિતાની ઉંમર મોટી પણ દ્રષ્ટિ ટૂંકી હતી. તે નચિકેતાની શિખામણ સહન ન કરી શક્યા. મોટા માણસોની દશા મોટે ભાગે આવી જ હોય છે. બુદ્ધિનો ઈજારો જાણે તેમણે જ રાખ્યો હોય તેવી તેમની માન્યતા હોય છે. એટલે બહાર બીજેથી નવી ને વધારે સારી હવા આવતી હોય તોપણ તે ગ્રહણ કરી શકતા નથી. પોતાના મનના મકાનનાં બારીબારણાં બંધ કરીને તે બેસી જાય છે. બાળકના શબ્દો સાંભળીને ઋષિ પણ આવેશમાં આવી ગયા ને બોલી ઊઠ્યા કે જા, તને મૃત્યુને આપું છું.

પરંતુ નચિકેતા એમ ક્યાં પાછો પડે તેવો હતો ! પિતાનાં વચન સાંભળીને તે તરત યમલોકમાં પહોંચી ગયો ને મૃત્યુના સ્વામી યમદેવતાને મળવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. યમદેવતા તે વખતે ઘરમાં ન હતા તેથી તેને ત્રણ દિવસ ભૂખ્યા ને તરસ્યા બેસી રહેવું પડ્યું.

ઉપનિષદની આ વાત પરથી આપણને સહેજે પ્રશ્ન થાય છે કે નચિકેતા યમલોકમાં કેવી રીતે ગયો, અથવા પહેલાંના લોકમાં જુદા જુદા લોકોમાં ઈચ્છાનુસાર જવાની શક્તિ હતી કે કેમ ! નચિકેતાની ને પુરાણોની બીજી કેટલીક વાર્તા પરથી તો આપણે એમ જ માનવું પડે કે પહેલાંના વખતમાં કેટલાક લોકો ઈચ્છાનુસાર અન્ય લોકમાં જઈ શકતા.

(શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનું અમૃત' માંથી)
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok