Text Size

Katha

નચિકેતાનાં વરદાન

ત્રણ દિવસ પછી યમદેવતા ઘેર આવ્યા ને તેમણે જાણ્યું કે પોતાને ત્યાં એક નાનોસરખો બ્રાહ્મણનો બાળક ત્રણ દિવસથી અન્નજળનો ત્યાગ કરીને ઊભો રહ્યો છે ત્યારે તેમને અપાર દુઃખ થયું.

તેમણે તરત કહ્યું : ‘નચિકેતા, તું ત્રણ દિવસ સુધી ભૂખેતરસે ઊભો રહ્યો છે માટે મારી પાસેથી ત્રણ વરદાન લઈ લે. તું મારી પાસેથી વરદાન લેશે ને એ રીતે મને તારા જેવા પવિત્ર બાળકની સેવા કરવાની તક મળશે ત્યારે જ મને શાંતિ થશે.’

યમદેવના એ શબ્દોમાં ભારતીય સંસ્કૃતિની અતિથિને દેવ માનીને સત્કારવાની ભાવના ઊછળી રહી છે. અતિથિ પોતાને ત્યાંથી ખાલી હાથે પાછો ફરે અથવા પોતાને ઘેર સત્કાર પામ્યા વિના એમ ને એમ ઊભો રહે તે વસ્તુ ભારતના પ્રજાજનને માટે ભારે દુઃખદ મનાતી. યમદેવતા પણ એ જ મહાન પરિપાટીનું પાલન કરતા હોય તેમ દેખાય છે. ભારતવર્ષના એક નાના છતાં ઉત્તમ કોટિના બાળકને સત્કારતાં તેમણે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ભારે સૂચક છે.

ને નચિકેતાની સાચી લાયકાતનો પરિચય આપણને હવે મળે છે. નચિકેતા પ્રથમ વરદાનમાં જે માગણી કરે છે તે જાણીને આપણું મન પ્રેમ ને સન્માનના ભાવથી નમી પડે છે. તે કહે છે : ‘હું તમારે ત્યાં આવવા નીકળ્યો ત્યારે મારા પિતા ક્રોધે ભરાયેલા ને બેચેન હતા. તમે મારા પર પ્રસન્ન થયા હો તો એવું કરો કે તે તદ્દન શાંત થઈ જાય ને હું ઘેર જાઉં ત્યારે મારો ખૂબ સ્નેહથી સત્કાર કરે. હે યમદેવ, પ્રથમ વરદાનમાં હું તમારી પાસે આ જ વસ્તુની માગણી કરું છું.’

નચિકેતાની એ માગણીમાં તેનો સંસ્કારી ને વિવેકી આત્મા પ્રકટ થઈ રહ્યો હતો. તેથી યમદેવતા પણ તે જાણીને આનંદ પામ્યા. તેમને આનંદ કેમ ન થાય ? માણસો મોટે ભાગે બીજાનું અહિત કરવામાં આનંદ માનતા હોય છે. તેમાંય જો કોઈએ ભૂલેચૂકે પણ પોતાનું કાંઈ બગાડ્યું હોય તો તેનું વેર વાળવા તેવા માણસો સદાય તૈયાર રહે છે. બીજાના અપરાધની ક્ષમા આપનારા ને બૂરું કરનારનું પણ સારું તાકનારા માણસોં આ સંસારમાં બહુ થોડા મળી આવે છે. તેમને મળવાનો અવસર આવે ત્યારે આપણને આનંદ થાય છે. નચિકેતાને મળીને પણ યમદેવને ઘણો આનંદ થયો. નાના બાળકમાં આવું વિશાળ ને નિર્મળ હૃદય જોઈને તેમનું હૈયું ખરેખર નાચી ઊઠ્યું.

યમદેવે આપેલા બીજા વરદાનના બદલામાં નચિકેતાએ કહ્યું : ‘દેવ, સ્વર્ગલોક વિશે ઘણીઘણી વાતો સંભળાય છે. ત્યાં રહેનારા જીવોને ભય, વ્યાધિ, ભૂખ, તરસ, ઘડપણ કશાની અસર નથી થતી. ત્યાં રાતદિવસ સુખશાંતિ ને આનંદ હોય છે. તો તે લોકની પ્રાપ્તિ કેવી રીતે થાય અથવા તે લોકમાં કેવી રીતે જવાય તે વિશેની માહિતી મેળવવાની મારી ઈચ્છા છે. તે માહિતી તમે પૂરી પાડો.’

નચિકેતાની એ જિજ્ઞાસાના ઉત્તરમાં યમદેવે તેને એક વિશેષ પ્રકારના યજ્ઞનું વિધાન બતાવ્યું. તે યજ્ઞમાં કેટલી ને કેવી ઈંટો વાપરવી ને કેવી વિધિ કરવી તે પણ સમજાવ્યું. ઉપનિષદમાં તેની માહિતી આપણને વિસ્તારથી નથી મળતી; નહિ તો સ્વર્ગલોકની સફર કરવા માગતા મુસાફરો તેનો લાભ લઈ શકત. નચિકેતાની જિજ્ઞાસાથી પ્રસન્ન થઈને યમદેવે તે યજ્ઞનું નામ નચિકેતાના નામ સાથે જોડી દીધું. તેમ એક સુંદર માળાની પણ ભેટ આપી.

(શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનું અમૃત' માંથી)
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok