Monday, June 01, 2020

કઠોપનિષદ

ત્રીજું વરદાન અને યમનાં પ્રલોભનો

હવે ત્રીજા ને સૌથી મહત્વના વરદાનની વાત આવી. એ વરદાન ને તેના પરની ચર્ચાવિચારણા જ આ ઉપનિષદનો પ્રાણ કે સાર છે. વિદ્વાનો ને રસિકોમાં તેથી જ આ ઉપનિષદ અગત્યનું મનાય છે. યમદેવના ત્રીજા વરદાનની માગણી કરતાં નચિકેતા શાંતિપૂર્વક પૂછે છે કે હે દેવ ! મૃત્યુ વિશે વધારે ઊંડાણથી માહિતી મેળવવાની મને ઈચ્છા છે. મૃત્યુ પછી જીવનું શું થાય છે ? કોઈ કહે છે કે મૃત્યુ પછી જીવ નથી રહેતો ને કોઈ કહે છે કે રહે છે. તો એ વિશે જે સાચું હોય તે જાણવાની મારી ઈચ્છા છે. વળી એવું જ્ઞાન આપો ને એવો માર્ગ બતાવો કે જેથી અમર બનાય અથવા મૃત્યુંજય થવાય. ત્રીજા વરદાનમાં હે દેવ, હું તમારી પાસે આ જ વસ્તુની માગણી કરું છું.’

નચિકેતા જેવા નાના બાળકને મોઢેથી આવી મોટી ને મહત્વની વાત સાંભળીને યમને નવાઈ લાગી ને આનંદ પણ થયો. પરંતુ આ આખુંય વરદાન યમદેવતાના પોતાના ધંધા પર કાપ મૂકનારું હતું. મરણ અથવા અમર જીવનનું રહસ્ય યમદેવ નચિકેતાને બતાવી દે તો ઘણા લોકો તેનો લાભ લે. અથવા નચિકેતા પોતે પણ તેની મદદથી તરત અમર બની જાય. એટલે તે રહસ્યને તરત ખુલ્લું કરવાની તેમની ઈચ્છા ન હતી. તેથી તેમણે નચિકેતા પોતાનો આગ્રહ પડતો મૂકે તે સારું એમ વિચારી તેને ડગાવવાના પ્રયાસ કરવા માંડ્યા.

યમદેવતાએ કહ્યું : ‘ભાઈ, તું જે વિષયની માહિતી મેળવવાની ઈચ્છા કરે છે તે વિષય ઘણો ગૂઢ છે. દેવોએ પણ તેને જાણવાની ઈચ્છા કરી છે. તે વિષયને સારી રીતે સમજાવનારા પુરૂષો પણ સંસારમાં દુર્લભ છે. મારા જેવું તે વિષયનું રહસ્ય બીજું કોઈ જાણતું પણ નથી. હજી તારી ઉંમર ઘણી નાની ને વિષય ઘણો ગૂઢ છે. માટે તારો આગ્રહ છોડી દે ને કોઈ બીજું સારું વરદાન માગી લે.’

યમની વાત સાંભળીને નચિકેતાને જરા નવાઈ લાગી. તેણે કહ્યું : ‘દેવ, તમે કહો છો કે દેવો પણ આ વિષયને જાણવાની ઈચ્છા રાખે છે. તો તેનો અર્થ એ થયો કે આ વિષય ઘણો મહત્વનો છે. વળી તમારાથી વધારે વિદ્વાન કે જાણકાર પણ બીજો કોઈ મળે તેમ નથી. તો પછી આવો સુભગ સંયોગ ફરી ક્યારે મળવાનો હતો ? તમારા જેવા શ્રેષ્ઠ જ્ઞાતા ને મારા જેવો આતુર જિજ્ઞાસુ. માટે જ હું કહું છું કે મને ચલાયમાન કરવાનો જરાય પ્રયાસ કરવાને બદલે મારા પર કૃપા કરો ને જે માહિતીની મેં માગણી કરી છે તે માહિતી મને પૂરી પાડો.’

યમનાં પ્રલોભનો
નચિકેતાની જિજ્ઞાસા ને દ્રઢતા જોઈને યમદેવ ખરેખર પ્રસન્ન થયા હતા. પરંતુ જ્ઞાન મેળવવાની તેની યોગ્યાયોગ્યતાની વધારે કસોટી કરવાની ઈચ્છાથી તે તેની આગળ જુદીજુદી દલીલો કરી રહ્યા હતા. નચિકેતાને પોતાની માગણીમાં મક્કમ જોઈને તેની આગળ તેમણે બીજાં મોટાં પ્રલોભનો રજૂ કરવા માંડ્યાં. તે પ્રલોભનોના પ્રભાવથી કોઈ પણ સાધારણ માણસ ચલિત થઈ જાય ને સત્યના અન્વેષણનો માર્ગ મૂકી દે તેમ હતું. યમદેવતાએ આત્મજ્ઞાનની ઈચ્છાવાળા તે નાના બાળકને ડગાવવાની ઈચ્છાથી કહેવા માંડ્યું :

‘હે નચિકેતા ! તારી ઈચ્છા હોય તો સો સો વરસના આયુષ્યવાળા પુત્રો ને પૌત્રોની માગણી કર. ઘણાં પશુ માગ. હાથી, સોનું ને ઘોડા માગ. તારી ઈચ્છા હોય તો મોટું સામ્રાજ્ય પણ માગી લે ને તારું પોતાનું ઈચ્છા પ્રમાણેનું આયુષ્ય માગ. આના જેવું અથવા આથી પણ મોટું કોઈ બીજું વરદાન જોઈતું હોય તો તેની પણ માગણી કર. ધન તથા દીર્ઘજીવન માગ. આ વિશાળ ધરતીનો તું સમ્રાટ થા. તારી બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા હું તૈયાર છું.’

એથી પણ આગળ વધીને યમદેવતા કહે છે : ‘આ મૃત્યુલોકમાં સાધારણ રીતે જે વસ્તુઓ અશક્ય જેવી હોય ને જે ઈચ્છાઓની પૂર્તિ મુશ્કેલ મનાતી હોય, તેવી ઈચ્છા પણ તું રજૂ કર ને તેવી વસ્તુની પણ માગણી કર. સુંદર રથ ને વાજિંત્રોથી સુશોભિત એવી આ સુંદર સ્ત્રીઓને તો જો. સાધારણ રીતે મનુષ્યોને આવી ઉત્તમ ને સુંદર લાવણ્યમયી સ્ત્રીઓ નથી મળતી. આ બધી સ્ત્રીઓ હું તારી સેવામાં સમર્પિત કરું છું. તું તેમનો લાભ લે ને તેમની સેવાથી સંતુષ્ટ થા. પરંતુ હે નચિકેતા, મરણના રહસ્યનું જ્ઞાન મેળવવાની વાત મૂકી દે. તે વિશે મને ન પૂછ.’

(શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનું અમૃત' માંથી)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok