Wednesday, June 03, 2020

કઠોપનિષદ

નચિકેતાનો ઉત્તર

ઉપનિષદના આ શ્લોકો ખરેખર સુંદર ને યાદ રાખવા જેવા છે, ને તેથી પણ સુંદર, સ્મરણીય ને મનનીય નચિકેતાએ આપેલા ઉત્તરના હવે પછીના શ્લોકો છે. યમ ને નચિકેતાના સંવાદના આ શ્લોકો તેના ઊંડાણ માટે જ નહિ, પરંતુ તત્વજ્ઞાન, ભાવ, માધુર્ય ને શબ્દ લાલિત્ય માટે ખરેખર પ્રશંસનીય છે. પોતાની સરળતા, પ્રાસાદિકતા, ભાવમયતા ને ગંભીરતાથી તે હૃદયમાં ઊંડી અસર કરી જાય છે. તેની છાપ જીવનભર ન મટે તેવી છે. એ શ્લોકોમાં ભારતીય સંસ્કૃતિનું હાર્દ સમાયેલું છે. ઈશ્વરની શોધ, અમર જીવન કે આત્મોન્નતિને માર્ગે આગળ વધતા કે વધવા માંગતા સાધકના જીવનમાં કેવાં પ્રલોભનો ને ભયસ્થાનો આવે છે ને સાધકે તેમનાથી કેટલા બધા સજાગ રહેવાની જરૂર છે તેનો ખ્યાલ આ શ્લોકો પરથી સહેજે આવી રહે છે. મોટા ભાગના સાધકો આ ને આવી જાતનાં બીજાં પ્રલોભનોમાં પડીને પોતાનો મૂળ માર્ગ ભૂલી જાય છે કે મૂકી દે છે ને આગળ વધતા અટકી જાય છે. પરંતુ આત્મિક વિકાસના સાધકે સતત સાવધ રહેવાની ને નિરંતર વિકાસ કરવાની જરૂર છે. તે વાત હવે પછી આવતા નચિકેતાના સુંદર પ્રત્યુત્તરના શ્લોકોમાં સારી પેઠે સમાયેલી છે.

આત્મોન્નતિની ઈચ્છાવાળા સાધકમાં કેવી નીડરતાં, મક્કમતા ને આદર્શપરતા હોવી જોઈએ તેની સમજ એ શ્લોકો પરથી સહેજે મળી રહે છે. એ સુંદર શ્લોકોમાં પોતાની સમજ ને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતાં વિવેકી નચિકેતા કહે છે : ‘હે યમદેવ! તમે જે વિષયો કે પદાર્થો કહી બતાવ્યા તે કાયમ માટે રહેનારા નથી. તે નાશવાન અથવા ક્ષણભંગુર છે. વળી તે ઈંદ્રિયોના તેજ ને સામર્થ્યનો નાશ કરે છે. જીવન તો પ્રમાણમાં ઘણું ટૂંકું છે. ચપલાના ચમકારાની જેવા એવા ટૂંકા જીવનમાં માણસ વિલાસ, વૈભવ ને ઈંદ્રિયોના ભોગો પાછળ પડે તો પછી જીવનને જરૂરી વિકાસ ક્યારે કરે ? ડાહ્યા માણસે તો પોતાનો બધો સમય ને પોતાની સઘળી શક્તિ આત્મોન્નતિ માટે વાપરવાનો નિર્ણય કરવો જોઈએ જેથી ટૂંકા જીવનમાં તે કોઈ મહત્વની સિદ્ધિ મેળવી શકે. માટે તમારાં વાહનો, નૃત્ય ને ગીત તમને જ મુબારક હો. મારે તેની જરા પણ જરૂર નથી.’

નચિકેતાના આ ઉત્તરમાં આત્મજ્ઞાનની તીવ્ર તરસ ને સાંસારિક સુખો તરફની પૂર્ણ ઉપરામતાનું દર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિનું હાર્દ પણ તેમાં દેખાઈ આવે છે. જગતમાં જે કાંઈ દેખાય છે, સંભળાય છે કે અનુભવાય છે તે બધું ક્ષણિક, પરિવર્તનશીલ કે નાશવાન છે; તે આજે જે રૂપમાં દેખાય છે તે રૂપમાં ઘડી પછી કે કાયમને માટે નથી રહેતું. તેમાં આસક્ત થઈને માણસે પોતાના જીવનના મૂળ ધ્યેયને ભૂલી જવાની કે મુકી દેવાની જરૂર નથી. નચિકેતાના ઉત્તરના પ્રથમ શ્લોકના પ્રથમ શબ્દ ‘શ્વોભાવા’માં આ ભાવ ગર્ભિત રીતે સમાયેલો છે.  આત્મજ્ઞાન કે અમર જીવન અથવા સત્યની શોધની આવી તીવ્ર તરસ વિના સાધકને કોઈ નક્કર વસ્તુ કે સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી. યમદેવતાનાં મોટાંમોટાં પ્રલોભનોથી પણ નચિકેતા પ્રભાવિત ન થયો તેનું કારણ તેના અંતરની આ તીવ્ર ને અદમ્ય તરસ જ હતું.

પોતાના વિવેક ને દૃઢ નિશ્ચયને રજૂ કરતાં તે આગળ કહે છે : ‘હે યમદેવ ! સંપત્તિથી માણસને શાંતિ નથી મળતી, અમરતાની પ્રાપ્તિ નથી થઈ શકતી. સંપત્તિની સહાયથી માણસ બહુ બહુ તો સાંસારિક સુખની પ્રાપ્તિ કરી શકે છે; પરંતુ તેથી જન્મ ને મરણના રહસ્યનો ઉકેલ નથી લાવી શકતો. દીર્ઘ જીવનનું જે વરદાન આપવા તમે તૈયાર થયા છો તે વિશે તો મારે એટલું જ કહેવાનું છે કે તમારી ઈચ્છા હશે ત્યાં સુધી હું આ પરિવર્તનશીલ સંસારમાં શ્વાસ લઈ શકીશ તે નક્કી છે. માટે મને તો કૃપા કરીને મેં જે માગ્યું છે તે જ વરદાન આપો. હે દેવ ! તમે અજર ને અમર છો. બધી રીતે માનવનું મંગલ કરવાની તમારી શક્તિ છે. તો તમારી પાસે આવીને તો માણસે ક્ષણભંગુર ભોગોમાંથી મનને પાછું વાળીને જીવનનું શ્રેય કરવાનો જ સંકલ્પ કરવો જોઈએ ને તે સંકલ્પને ગમે તે ભોગે પણ વળગી રહેવું જોઈએ. માટે મને તો મરણ પછીના જીવન વિશે જે સંશય થયો છે તેનું નિવારણ કરતો ઉપદેશ જ આપો. મેં જે વરદાન માગ્યું છે તે જ મને પ્રદાન કરો. બીજા ગમે તેવા મોટા કે નાના વરદાનની મને લેશમાત્ર પણ ઈચ્છા નથી.’

કઠ ઉપનિષદના આ શ્લોકો ને ભાવો અત્યંત વેધક છે. માનવહૃદયને તે તરત સ્પર્શે છે ને હૃદયસોંસરા ઊતરી જાય છે. કેટલાક માણસો માની બેઠા છે તેમ તેમાં સાંસારિક સુખોને મિથ્યા માનવાની કે અવગણવાની ફિલસૂફીનો સમાવેશ નથી થતો. પરંતુ તેમની વિવેકપૂર્વકની મર્યાદાને યાદ રાખી તેમાં આસક્ત થયા વિના આત્મોન્નતિને ઉત્તમ માર્ગે આગળ વધવાનો સૂર સમાયેલો છે. સાંસારિક પદાર્થો ને ભોગોનો તિરસ્કાર કરવાનો ઉપદેશ ઉપનિષદ નથી આપતું. ફક્ત તેના નશામાં તદ્દન આંધળાભીંત થઈને જીવનના શ્રેયની વાત વીસરી ન જવાય તે માટે સાવધાન કરવા તે લાલબત્તી ધરે છે એટલું જ. આટલી વાત સમજી જવાય તો વૈરાગ્ય ને ત્યાગને નામે આપણે ત્યાં જે અકર્મણ્યતા ને સંસારના ધિક્કારની વૃત્તિ જાગી ને ફાલી છે તેનો અંત આવશે.

નચિકેતાના શબ્દો સાંભળીને આપણું અંતર આનંદ ને આદરભાવથી નાચી ઊઠે છે. ભારતવર્ષના એ નાના પરંતુ આદર્શ બાળકને માટે આપણા દિલમાં અપાર પ્રેમ ને ઉમળકા ઉછાળા મારે છે. ખરેખર, નચિકેતા આ દેશની સંસ્કૃતિમાં એક અત્યંત ઓજસ્વી ને સુવર્ણાક્ષરે લખાયેલું પાત્ર છે. આ દેશ ને પરદેશમાં જ્યાં જ્યાં ઉપનિષદ ને તેનું જ્ઞાન છે ત્યાં તે અમર છે. આજ સુધી તેણે અનેક માનવહૃદયને પ્રેરણાનું પીયૂષ પાયું, તાજગી ને ઊર્મી આપી, ને આજે પણ ન જાણે કેટલાંય દિલમાં દીપક બનીને પ્રકાશ પાથરવાનું તેનું કામ ચાલુ હશે. તેની કસોટી કરનાર યમનું મન પણ તેને માટેના માનના ભાવથી ભરાઈ ગયું. એ કસોટી અથવા પ્રલોભનોની પરંપરા જ એવી હતી કે મોટામોટા ડાહ્યા ને પંડિત પુરૂષો પણ તેમાં અટવાઈ ને ફસાઈ જાય; તેમાંના એકાદ બે પ્રલોભનો જ સાધારણ માણસના મોંમા પાણી લાવવા માટે પૂરતાં હતાં. ત્યારે નચિકેતા તો બાળક હતો. પરંતુ વિવેકની દ્રષ્ટિએ તે વયોવૃદ્ધ હોવાથી જ બધાં પ્રલોભનોની પાર પહોંચીને અડગ રહી શક્યો. યમદેવ તેની યોગ્યતા જોઈને તેને શાબાશી કે ધન્યવાદ ન આપે ને તેની આગળ પોતે આપેલા વરદાનને વફાદાર રહીને જ્ઞાનના સાચા રહસ્યને ખુલ્લું ન કરી દે તે બને જ કેમ ? માણસ મોટો હોય કે નાનો, તેના જ્ઞાન ને તેની યોગ્યતાની આ દેશમાં હમેશાં કદર થતી. નચિકેતાની પણ કદર કરીને યમદેવે તેને માટે પ્રશંસાત્મક શબ્દોનો પ્રયોગ કરતાં કહેવા માંડ્યું :

‘હે નચિકેતા, સંસારના પ્રિય પદાર્થો ને તેના ઉપભોગની ઈચ્છાને અત્યંત ડહાપણ તથા દુરંદેશીનો ઉપયોગ કરીને તેં છોડી દીધી છે, જેને જીવનનું સર્વસ્વ સમજીને મેળવવા માટે માણસો રાત ને દિવસ રચ્યાપચ્યા રહે છે ને આંખો મીંચીને પરિશ્રમ કરે છે, તે ધન ને સંપત્તિથી તું અજાણ્યો નથી, ચલિત નથી થયો, ને તેની લાલસામાં ફસાયો નથી. તને કેવળ સત્ય જ્ઞાનની જ ભૂખ છે. તેથી કોઈ પણ કામના તને લલચાવી નથી શકી. મોટામોટા પંડિતો પણ મૂઢની જેમ અવિવેકી બનીને, ધન ને બીજા પદાર્થોના મોહમાં અંધ બનીને, જીવનનું સાચું ધ્યેય ભૂલી જાય છે, ને પોતાને મહાબુદ્ધિમાન માની મનાવી આ સંસારમાં ફર્યા કરે છે. પરંતુ નાની વય છતાં તું તારા વિવેક ને તારી માગણીમાં મક્કમ રહ્યો તે માટે તને જેટલાં પણ અભિનંદન આપું એટલાં ઓછાં છે. ખરેખર, તારા જેવો સુયોગ્ય જિજ્ઞાસુ મને કોઈ નહિ મળે. હું તને ખરેખર ધન્યવાદ આપું છું. તારો દ્રઢ નિશ્ચય જોઈને મારા દિલમાં તારે માટે અપાર માન ઉત્પન્ન થયું છે.’

પોતાની પ્રશસ્તિના અનુસંધાનમાં આગળ વધતાં યમદેવ બીજી પણ કેટલીક માર્મિક વાતો કહી દે છે. તેમાં શરૂઆતમાં જ શ્રેય ને પ્રેય વિશે ઊડતો વિચાર રજૂ થાય છે.

(શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનું અમૃત' માંથી)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok