Text Size

Katha

શ્રેય ને પ્રેય

શ્રેય એટલે આત્મકલ્યાણ ને પ્રેય એટલે વિશાળ અર્થમાં સંસારના પ્રિય લાગનારા પદાર્થો. જીવનમાં મનુષ્યની સામે એ બંને વસ્તુઓ આવીને ઊભી રહે છે. મતલબ કે એક તબક્કો તેના જીવનમાં એવો આવે છે કે જ્યારે તેણે આત્મકલ્યાણનો માર્ગ અથવા તો સંસારના સુખોપભોગનો માર્ગ - એ બેમાંથી એકની પસંદગી કરવાની રહે છે. મોટે ભાગે માણસ સાંસારિક સુખની ઈચ્છા રાખે છે. સંસારના ભોગ્ય પદાર્થોમાં તેનું મન વધારે પ્રમાણમાં ડૂબેલું હોય છે. તેથી જીવનના દેખીતાં છતાં કામચલાઉ સુખ ને આનંદ માટે તે પ્રિયને પસંદ કરે છે ને શ્રેયની સાધનાને છોડી દે છે. પરંતુ જે વિવેકી ને વિચારશીલ છે તે તો સંસારના સુખોપભોગને ગૌણ ગણીને આત્મોન્નતિની સાધનાનો સ્વીકાર કરે છે. તે જાણે છે કે જીવનને સાચા અર્થમાં જીવન બનાવવા ને સુખી કરવા આત્મોન્નતિ અત્યંત આવશ્યક છે. તેથી કોઈ પણ કારણે ને કોઈ પણ સંજોગોમાં તે શ્રેય કે કલ્યાણની કેડીનો અનાદર નથી કરતો.

એનો અર્થ કેટલાક લોકો માને છે તેમ એવો જરૂર નથી કે શ્રેય ને પ્રેય બે વિરોધી માર્ગ છે, બંનેને એકમેક સાથે કાંઈ જ લાગતુંવળગતું નથી, બંનેનો સંબંધ જાણે સાવકી માતાનાં બે સંતાન જેવો છે, ને એકને અપનાવનારે બીજાનો ત્યાગ કરવો જ જોઈએ. ના, બંને માર્ગો તદ્દન વિરોધી નથી. બંનેની જીવનમાં વત્તેઓછે અંશે જરૂર છે. જીવનને સમૃદ્ધ, સુખી ને સુશોભિત કરવા માટે જેમ પ્રેયની જરૂર છે, તેમ તેને ઉજ્જવળ, સફળ, મુક્ત ને સંપૂર્ણ બનાવવા શ્રેયની એટલે કે આત્મોન્નતિની સાધનાની પણ જરૂર છે. એટલે બંનેમાંથી એકે તરફ માણસે સૂગ કેળવવાની કે આંખમીંચામણાં કરવાની જરૂર નથી. પંખીની બે પાંખ ને માનવની બંને આંખની જેમ જીવનની શોભા ને સમૃદ્ધિ માટે બંનેની જરૂર છે. માટે કોઈનોય અનાદર કર્યા વિના માણસે તે બંને માર્ગે આગળ વધવાનું છે.

પરંતુ કેટલીક વાર જીવનમાં એવા સંજોગો ઊભા થાય છે જ્યારે માણસે બેમાંથી એકની જ પસંદગી કરવી પડે છે. મતલબ કે સત્યની શોધ કે આત્મોન્નતિ માટે તે ગૂંગળામણ અનુભવે છે ને આતુર બને છે. તેને એમ થાય છે કે બધું ધ્યાન, બધી શક્તિ ને બધો સમય આત્મોન્નતિની સાધના માટે જ વાપરવાની જરૂર છે. તે વિના તેનાથી રહેવાતું જ નથી, તેને ચેન નથી પડતું. તેવા સંજોગોમાં બાહ્ય રીતે પ્રેયનો તિરસ્કાર ન હોવા છતાં તે શ્રેય તરફ પુષ્કળ પ્રમાણમાં ઢળી પડે છે. મીરાંની દશા તેવી જ હતી. ધ્રુવ ને બુદ્ધના સંબંધમાં પણ તેવું જ બન્યું હતું. આધુનિક યુગમાં શ્રી અરવિંદ જેવા મહાપુરૂષનો ઉલ્લેખ પણ તે જ રીતે કરી શકાય. એવા સંજોગોમાં માણસની નિશ્ચયશક્તિ, આદર્શપરતા, મક્કમતા, ટેક ને તમન્નાની કસોટી થાય છે. વિવેકી ને મજબૂત ઈચ્છાશક્તિવાળા માણસો તે કસોટીમાંથી સરળતાથી પાર ઊતરે છે ને આત્મોન્નતિને માર્ગે આગળ વધે છે.

ધ્યેયની પ્રાપ્તિ પછી તેવા મહાપુરૂષો કેટલીક વાર સાંસારિક સુખોપભોગથી સંપન્ન જીવન જીવતા દેખાય છે ને તેમને જોઈને અવિવેકી લોકો તેમને વિષયાસક્તિવાળા ને માયામાં ડૂબેલા કે પડેલા માને છે, ને ટીકા કરે છે કે પહેલાં તે ત્યાગ ને વૈરાગ્ય તથા તપની દ્રષ્ટિએ ઊંચી કક્ષાના હતા પણ હવે નથી. હવે તેમનું પતન થયું છે. પરંતુ તે તેમનું અજ્ઞાન જ બતાવે છે. તે મહાપુરૂષોની નાડને બરાબર ન ઓળખવાથી જ તે એવા પ્રલાપ કરતા હોય છે. કેટલાક સાધકોના સંબંધમાં તેમના અભિપ્રાય જરૂર સાચા હોય છે. તેવા સાધકોના દિલમાં અતૃપ્ત દશામાં સૂઈ રહેલી ભોગેચ્છાની ભાવના તેમને સંસારના પ્રિય પદાર્થોમાં ખેંચી લાવે છે ને પહેલાંના કઠોર જીવનને બદલે તે સુખસગવડવાળું ને વિલાસી જીવન જીવવા માંડે છે; મોટે ભાગે તેમાં આસક્ત થઈને તેમની આંતરનિષ્ઠામાંથી પણ તે ચલિત થાય છે. પરંતુ બધા જ સાધક કે મહાપુરૂષોને એક ત્રાજવે તોળવાની જરૂર નથી.

કેટલાક મહાપુરૂષો જરૂરી સાધના કે ઉન્નતિ કરી લીધા પછી સહેજે મળતા સુખ કે સગવડના પદાર્થોને સ્વીકારી પોતાના બાહ્ય જીવનમાં ફેરફાર કરે છે તેનું કારણ તેમની ભોગપ્રિયતા કે છૂપી વાસના નથી હોતું પરંતુ પરિસ્થિતિ ને જાગૃતિ તથા ઊંડી સમજ હોય છે. તે કદી પ્રેમ અથવા સુખસગવડનાં બાહ્ય દુન્યવી સાધનોનો તિરસ્કાર કે અનાદર નથી કરતા. ફક્ત પરિસ્થિતિને લીધે તેમને અમુક જાતનું કઠોર કે કષ્ટમય જીવન જીવવું પડે છે. પણ તેવું જીવન જીવ્યા જ કરવું એ તેમનું ધ્યેય નથી હોતું. તે તો કોઈ કારણે ઉપસ્થિત થયેલો એક કામચલાઉ તબક્કો હોય છે તે પૂરો થતાં ને પરિસ્થિતિ વધારે અનુકૂળ થતાં પોતાના વિકાસના સિદ્ધાંતોને વફાદાર રહીને પોતાના બાહ્ય જીવનમાં કે રૂપરંગમાં ફેરફાર થતો હોય તો તે થવા દે છે. પરંતુ કોઈ પણ કારણે ને કોઈ પણ સંજોગોમાં તેમની હૃદયબુદ્ધિ કે નીતિમત્તા ને પ્રભુપરાયણતામાં ફેર પડતો નથી. આસક્તિમાં અટવાઈને તે ભાન ભૂલતા કે માર્ગ મૂકતા નથી. એ રીતે તેમને સમજીએ તો તેમને માટેના વ્યર્થ પ્રલાપો ને અભિપ્રાયોનો અંત આવે. બુદ્ધિ ને હૃદય બંનેની વિશાળતા ને વિમળતા એ માટે આવશ્યક છે.

(શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનું અમૃત' માંથી)
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok