Text Size

Katha

આત્માનું જ્ઞાન

નચિકેતાએ બધાં પ્રલોભનોને ગૌણ ગણીને પોતાની સત્યપરતા બતાવી આપી તે માટે યમદેવે તેને અભિનંદન આપ્યાં. તે પછી આત્મજ્ઞાનની શરૂઆત કરતાં કહેવા માંડ્યું : આત્મા છે તે અમર છે. શરીરમાં તેની ઉપસ્થિતિથી જ શરીર કામ કરે છે. જીવન આટલું જ છે ને તે પછી એટલે મરણ પછી કશું જ નથી એમ માનવું ખોટું છે. આ જીવન પૂરું થયા પછી પણ બીજું અનંત જીવન બાકી રહે છે એમ જે જાણે છે તે જ સાચા અર્થમાં જ્ઞાની છે. આત્મા શું છે તેની મોટા ભાગના લોકોને કલ્પના પણ નથી હોતી. આત્મા વિશે ઘણાને સાંભળવા પણ મળતું નથી. તેમ જ કોઈ તેને વિશે માહિતી મેળવે તોપણ તેને પ્રત્યક્ષ રીતે જાણવાનું ઓળખવાનું કે મેળવવાનું કામ અત્યંત અઘરું છે. કેવળ બુદ્ધિ, દલીલ કે તર્કથી આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી તેમ જ તેની પૂરી માહિતી પણ મળી શકતી નથી. અનુભવી પુરૂષ એને વિશે જ્યારે સમજાવે ત્યારે જ થોડીઘણી માહિતી મળી શકે છે. સામાન્ય માણસ પાસેથી એની માહિતી નથી મળી શકતી. એની માહિતી મેળવવાની ઈચ્છાવાળા માણસો પણ સંસારમાં વિરલ છે.

તારામાં તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની તાલાવેલી છે, તે જોઈને, હે નચિકેતા, મને અત્યંત આનંદ થયો છે તારા જેવો દ્રઢ નિશ્ચયવાળો જિજ્ઞાસુ ખરેખર ન મળે. સ્વર્ગની ને બીજી ભોગેચ્છાનો તેં ત્યાગ કર્યો છે. આત્મા અત્યંત ગૂઢ છે. સર્વવ્યાપક ને હૃદયરૂપી ગુફામાં રહેલો છે. વળી સૌથી જૂનો કે પ્રાચીન છે. એ આત્મા જ્ઞાન ને યોગની સાધનાથી જાણી કે અનુભવી શકાય છે. તેના અનુભવથી માણસનું મન શાંત, સ્થિર ને દ્વંદ્વાતીત થઈ જાય છે. આત્માનું જ્ઞાન મેળવીને, સારી પેઠે સમજીને તથા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરીને માણસ આનંદમય બની જાય છે. કેમ કે આત્મા પોતે જ આનંદમય છે. હે નચિકેતા, આત્માનું એ મહાન ને મંગલ મંદિર તારે માટે ઊઘડી ગયું છે એમ હું માનું છું. તું તેમાં પ્રવેશ કરવા ને તેમાં વિરાજેલા આત્મદેવનાં દર્શન કરવા માટે તદ્દન યોગ્ય છે એ નક્કી છે.’

યમદેવતાનાં પ્રારંભિક વચનો સાંભળીને નચિકેતાને આનંદ થયો. ને કેમ ન થાય ? આત્મજ્ઞાનની આવી ઉજાણીમાં સામેલ થવા તો તે આવ્યો હતો. તે તો તેનો માનીતો મનોરથ હતો. તરસ્યા પ્રવાસીને જેમ કોઈ મીઠા ઝરણાનું પાણી ને ભૂખ્યાને ભાવતું ભોજન મળે ને તેનો ઉત્સાહ સમાય નહિ તેમ તેને પણ અપાર આનંદ થયો. યમદેવતા જેવા વક્તા પણ બીજે ક્યાં ને કોણ મળે ? તેમનો પૂરો લાભ લેવાનું તે પણ કેમ મૂકે ? તેથી જ નચિકેતાએ પોતાની જિજ્ઞાસા રજૂ કરતાં કહ્યું કે ધર્મ ને અધર્મથી પર, કર્મ ને અકર્મ અથવા સર્જન ને વિસર્જનથી પર તથા ભૂત ને ભવિષ્યથી પણ પર એવું જે કંઈ તમે જાણતા હો તે વિશે મને સમજાવો. ને એના અનુસંધાનમાં યમદેવનું વિશાળ વિવેચન ચાલુ થયું. તેનો ઊડતો ઉલ્લેખ આપણે કરી લઈએ.

યમદેવે કહ્યું : ‘ભાઈ, આત્મા તે જ પરમાત્મા છે. તેને બ્રહ્મ પણ કહે છે. તે જ ટૂંકમાં પ્રણવ અથવા તો ॐકાર કહેવાય છે. તે જ પરમતત્વ ને પરમપદ છે. વેદો તેનું જ વર્ણન કરે છે. તેને પ્રાપ્ત કરવા, મેળવવા કે ઓળખવા માટે જ તપસ્વી તપ ને વ્રત કરે છે. તેમ જ તેને માટેના કડક નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે, તે અવિનાશી છે. તેને જાણી લેવાથી માણસ જે જે વસ્તુની ઈચ્છા કરે છે તે તેને મળી રહે છે. તેને જાણવાથી જીવન ધન્ય ને ઉજ્જવળ બની જાય છે. જે તેને જાણે છે તે સંસારમાં મહાન બને છે ને જ્યાં જાય છે ને રહે છે ત્યાં પોતાની પ્રતિભાથી સર્વત્ર પૂજાય છે. આત્માનો કદી નાશ નથી થતો; તે જન્મતો કે મરતો નથી. તેની ઉત્પત્તિ નથી થતી ને તેમાંથી પણ કશું ઉત્પન્ન નથી થતું. તે જન્મરહિત, નિત્ય, સનાતન ને સૌથી પુરાતન છે. શરીરનો નાશ થવા છતાં તેનો નાશ નથી થતો. જે આત્માને હણનારો ને હણાયેલો માને છે તે બન્ને જ્ઞાની નથી; કેમ કે તે કોઈથી હણાતો ને કોઈને હણતો નથી. તે સૂક્ષ્માતિસૂક્ષ્મ ને મહાનથી પણ મહાન છે. હૃદયરૂપી ગુફામાં તે વિરાજમાન છે. તેનું દર્શન દરેકને નથી થતું. મનને નિર્મળ કરવાથી, કામના તેમ જ શોકથી રહિત થવાથી, તેનો અનુભવ થઈ શકે છે. એ આત્મા સ્થિર છતાં સર્વવ્યાપક ને શાંત હોવા છતાં સર્વત્ર વિચરણ કરે છે. હે નચિકેતા, બહારથી આનંદમય જેવા દેખાતા છતાં ગુણાતીત એવા એ આત્માને મારા વિના બીજું કોણ જાણી શકે ? એ આત્મા ને વ્યાપકરૂપે જાણીને વિવેકી પુરૂષ શોક તથા મોહથી મુક્તિ મેળવે છે. ’

ઉપનિષદના આવા શ્લોકોમાંના કેટલાક ગીતાના શ્લોકો સાથે આબેહૂબ મળતા આવે છે. ગીતા ઉપનિષદની જ પુત્રી છે એ વાત યાદ રાખીએ તો તે માટે કોઈ શંકા નથી રહેતી.

(શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનું અમૃત' માંથી)
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok