Text Size

Katha

ઊઠો ને જાગો

પહેલા અધ્યાયની ત્રીજી વલ્લીની શરૂઆતમાં જ સચોટ, સુંદર ને ભાવમય શ્લોકોની હારમાળા આવે છે. શરીરને રથની ઉપમા આપીને કહેવામાં આવે છે કે શરીર રથ છે; આત્મા રથમાં બેઠેલો યોદ્ધો છે; બુદ્ધિ સારથિ ને મનરૂપી લગામ છે. ઈંદ્રિયો શરીરના રથને જોડેલા જુદાજુદા ઘોડા છે. વિષયો તેમનાં ભોગસ્થાન કે તેમના રસ્તા છે. શરીર, મન તેમ જ ઈંદ્રિયો સાથે સંબંધમાં આવીને કે જોડાઈને આત્મા વિષયોને ભોગવે છે તેથી ભોક્તા કહેવાય છે એમ જ્ઞાની પુરૂષોનું કહેવું છે. એ પ્રમાણે ઉપમા આપીને પછી કહેવામાં આવે છે કે ઘોડા તોફાની હોય તો સારથિના કાબૂમાં નથી રહી શકતા, તેવી રીતે ચંચળ મનના ને અજ્ઞાની માણસની ઈંદ્રિયો તેના વશમાં નથી રહેતી. પરંતુ સારા ને શાંત ઘોડા સારથિના કાબૂમાં રહે છે તેમ સ્થિર મનના ને વિવેકી પુરૂષની ઈંદ્રિયો સદા તેના સંયમમાં રહે છે. પરમાત્માની પ્રાપ્તિ અપવિત્ર, અવિવેકી ને મનના સંયમ વિનાના માણસોને નથી થઈ શકતી. આત્મપદ ને અમર જીવનનો આનંદ તો તેને જ મળે છે જે સદા સદાચારી ને પવિત્ર છે, વિવેકી છે, ને મનની શુદ્ધિ ને મનના સંયમથી સંપન્ન છે. પરમાત્માની પ્રાપ્તિ થયા પછી ફરી જન્મવાનું નથી રહેતું.

એ જ શ્લોકોમાં બેચાર મહત્વની વાતો પણ કહેવામાં આવી છે. માણસો કેટલીક વાર ફરિયાદ કરે છે કે ઈંદ્રિયો ને મન પર કાબૂ કરવાનું કામ ખૂબ જ કપરું છે. તેને સાધીને આત્માનો અનુભવ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે. તેમને હિંમતનો ઉપદેશ આપતાં કહેવામાં આવે છે કે મન ને ઈંદ્રિયો ગમે તેટલાં બળવાન હોય તોપણ તેથી ડરી જવાની કે નિરુત્સાહ થવાની જરૂર નથી. માણસની વિવેકશક્તિ અથવા બુદ્ધિ વધારે બળવાન છે. તેનો લાભ લઈને માણસે પોતાની આત્મોન્નતિનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. તેમ જ ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેને વળગી રહીને પોતાની પ્રગતિની પવિત્ર દિશામાં આગળ ને આગળ પગલાં ભરવા જોઈએ. બુદ્ધિશક્તિ કરતાં પણ પરમાત્માની શક્તિ શ્રેષ્ઠ છે. તે પરમાત્માનું શરણ લઈ કોઈ પ્રામાણિકપણે પોતાની પ્રગતિ માટે પુરૂષાર્થ કરે તો તે જરૂર સફળ થઈ શકે છે. સાધનાનો માર્ગ નીડરતા, દ્રઢતા, મજબૂત સંકલ્પ ને ઉત્સાહનો છે. પોતાની જાતને છેક નાની ને હલકી માની લઈને તેના પ્રારંભમાં જ કે તેનો પ્રારંભ કરતાં પહેલાં જ મનને મારી નાખવાની જરૂર નથી. જેના પગ પ્રવાસના પ્રથમ પગલે અથવા પ્રવાસનો વિચાર કરતાં જ પાણી વિનાના થઈને ભાંગી જાય છે તે પ્રવાસી પોતાના ઈપ્સિત સ્થાને નથી પહોંચી શકતો. એટલા માટે જ સાધકે દ્રઢ શ્રદ્ધા, ધગશ ને અનંત આશાથી સંપન્ન થવાની જરૂર છે. પોતાની યોગ્યતા ને શક્તિનો વધારે પડતો ને ખોટો આંક કાઢવાની ટેવ જેમ બરાબર નથી, તેમ તેના ગજને તદ્દન ટૂંકાવી દઈને વધારે પડતા હતોત્સાહ થવાની પણ જરૂર નથી. પોતાની યોગ્યતા સમજી પોતાની સંપૂર્ણ શક્તિને ધ્યેય પાછળ લગાવી દેવાની જરૂર છે. જે માર્ગે મુસાફરી કરવાની છે તે માર્ગે આગળ વધી શકાશે ને ધ્રુવપદની પ્રાપ્તિ જરૂર થશે એવી અનંત શ્રદ્ધા અંતરમાં ઉત્પન્ન કરવાની ને વધારવાની છે.

આ કામ એટલું બધું મહત્વનું ને મોટું છે કે જેટલા બને તેટલા વહેલા જાગવાની જરૂર છે. વિવેકી થઈને એનું રહસ્ય ઉકેલવાનો આરંભ કરવાનો છે. જીવન થોડું છે. તે પણ પાણીના પ્રવાહની પેઠે વેગથી વહી રહ્યું છે. તેનો મોટા ભાગનો વખત બીજા જરૂરી કે બિનજરૂરી વ્યવસાયોમાં વીતી જાય છે. બાકીના સમયનો સદુપયોગ કરીને ને બને તેટલો વધારે વખત કાઢીને માણસે આત્મોન્નતિની જરૂરી સાધનામાં લાગી જવું જોઈએ. તે માટે અનુભવી મહાપુરૂષનો સંપર્ક સાધવો જોઈએ. તેવા મહાપુરૂષનું માર્ગદર્શન આ માર્ગના પ્રારંભમાં ખૂબ જ જરૂરી થઈ પડે તેમ છે. માર્ગ વિકટ છે, મુશ્કેલી ને મૂંઝવણથી ભરેલો ને લાંબો છે. અસ્ત્રાની તીણી ધાર પરથી પસાર થવું જેમ કઠિન છે તેમ આ માર્ગે પ્રવાસ કરવાનું કામ કપરું છે. ખૂબ ધીરજ, હિંમત, વિવેક, સાવધાની ને દ્રઢતાથી પ્રવાસ કરવાની કે આગળ વધવાની જરૂર છે. તેવી રીતે આગળ વધનાર સાધકે કશાથી ડરવાની જરૂર નથી. માર્ગમાં મળતી મુશ્કેલી ને મૂંઝવણ અથવા પંથમાં આવતાં પ્રલોભનો ને ભયસ્થાનોને સરળતાથી પાર કરી તે પોતાના ધ્રુવપદે પહોંચી જશે ને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ થશે. માટે જ ઉપનિષદ કહે છે કે ઊઠો ને જાગો. આવા ઉમદા આદર્શને આત્મસાત્ કરવા અત્યારથી જ કમર કસો. उत्तिष्ठत जाग्रत ।

કઠોપનિષદનું માહાત્મ્ય
આ ઉપનિષદના પહેલા અધ્યાયની ત્રીજી વલ્લી પૂરી થાય છે ત્યારે એક નવી ને વિશેષ વસ્તુ જોવા મળે છે. ઉપનિષદમાં ક્યાંય માહાત્મ્યના શ્લોકો નથી મળતા. ગીતામાં માહાત્મ્યનો નિર્દેશ શરૂઆતમાં આવે છે. ભાગવત, રામાયણ, ચંડીપાઠ ને વિષ્ણુસહસ્ત્રનામ તથા શિવમહિમ્નસ્તોત્ર જેવા ગ્રંથોમાં પણ તેનું દર્શન થાય છે. પરંતુ ઉપનિષદના આટલા વિપુલ સાહિત્યમાં કઠ ઉપનિષદના પહેલા અધ્યાયને અંતે જ તે જોવા મળે છે. બહુ સંભવિત છે કે તે પાછળથી કોઈએ ઉમેર્યું હોય. શ્લોકો એમ કહે છે કે યમદેવે નચિકેતાનું આ આખ્યાન−જે કહે છે કે સાંભળે છે તે મનુષ્ય બ્રહ્મલોકમાં પૂજાય છે. જિજ્ઞાસુજનોની સભામાં અથવા શ્રાદ્ધ વખતે જે મનુષ્ય આ આખ્યાન સંભળાવે છે તે અનંત ને પરમ પરમાત્માને જાણી લે છે, પરમ પરમાત્માને પામી લે છે.

જે માણસ આ ઉપદેશ સાંભળે કે કહે તેને ચાલુ જીવનમાં પરિવર્તન કરવાની ઈચ્છા સહજ રીતે જ થાય ને જીવનને જ્ઞાનયુક્ત ને પ્રભુમય કરવાથી તે પ્રભુને જરૂર જાણી લે. એ રીતે વિશાળ અર્થમાં આ વાતને સમજવાની છે. ફક્ત વાંચીને, સાંભળીને કે પોપટપારાયણ કરીને આટલા મોટા ફળ કે લાભની આશા રાખવી નકામી છે. જીવનનું આમૂલ પરિવર્તન બધામાં જરૂરી છે એટલું દરેકે યાદ રાખવું ઘટે.

- શ્રી યોગેશ્વરજી ('ઉપનિષદનું અમૃત')
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok