Text Size

Katha

આત્માનુભવનું ફળ

કઠોપનિષદના બીજા અધ્યાયની પહેલી વલ્લીમાં આત્મા વિશે થોડું વિવેચન કરવામાં આવ્યું છે ને તેની સાથે સાથે આત્મજ્ઞાન અથવા આત્માનુભવના ફળ વિશે પણ ઊડતો ઉલ્લેખ છે. શરૂઆતમાં જ કહેવામાં આવે છે કે મનુષ્યની ઈંદ્રિયો બહિર્મુખ છે. મોટે ભાગે તે બહારના પદાર્થો કે વિષયોને અનુભવે છે, જુએ છે, ને બહારની બાજુ જ દોડ્યા કરે છે. એમને વશ કરવાનું ને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવાનું કામ અત્યંત કઠિન છે. માણસો મોટે ભાગે મન ને ઈંદ્રિયોથી પરવશ બનીને વિષયોમાં ફસાય છે, ભોગોના રસમાં ડૂબે છે, ને તેમાંથી ઊંચા નથી આવતા. બહુ થોડા માણસો મન ને ઈંદ્રિયો પર કાબૂ કરવાની ઈચ્છા રાખે છે ને તે માટે મહેનત કરે છે. પરંતુ તેમના સંકલ્પની નબળાઈ, તેમની દ્રઢતાની કમી કે વાતાવરણ ને રૂઢ ટેવો કે સંસ્કારોની ઉપરવટ થવાની તેમની અશક્તિને લીધે તે સારી રીતે સફળ થઈ શકતા નથી. કેટલાંક બાહ્ય પ્રલોભનો ને સ્વભાવગત દૂષણોનો તે હિંમતપૂર્વક કોઈ પણ ભોગે સામનો કરી શકતા નથી. તેથી મન ને ઈંદ્રિયોનો સંયમ કરીને આત્મોન્નતિનું નવું જીવન જીવવાનો તેમનો મનોરથ અધૂરો જ રહી જાય છે. એ માટે કેટલાક લોકો વાતાવરણને દોષ દે છે ને કહે છે કે શું કરીએ, વાતાવરણ જ એવું વિપરીત છે કે અમારાથી આગળ વધાતું નથી. અમારું કાંઈ ચાલતું નથી. તો કેટલાક લોકો યાગ્ય માર્ગદર્શનના અભાવને ને સમાજ તથા શિક્ષણને દોષ દે છે. તેમની વાત તદ્દન તિરસ્કારી કાઢવા જેવી કે ઉપેક્ષાની નજરે જોવા જેવી નથી. તે બધાં કારણો વિચાર કરવા જેવાં જરૂર છે ને રહેશે. પરંતુ માનવના અંતરંગ વિકાસને માટે મુખ્ય જરૂર તેના પોતાના દ્રઢ નિશ્ચય ને પ્રયાસની છે.

બહારનાં કારણો ગમે તેટલાં જોરદાર ને પ્રતિકૂળ હોય તોપણ માણસનો પોતાનો વિકાસ કરવાનો વિચાર મક્કમ હોય ને તે માટે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથીય માર્ગ કરવાની તેની અડગ ઈચ્છા ને પ્રયાસ ચાલુ હોય તો તેને ઘણી મોટી મદદ મળે છે. સંસારમાં એવા કેટલાય સાધનહીન ગરીબ વિદ્યાર્થીઓના દાખલા છે જેમને ભણવાની કોઈ ખાસ અનુકૂળતા ન હતી; છતાં તેઓ ખરા અર્થમાં વિદ્યાર્થી હતા. એટલે તેમણે ગમેતેમ કરીને પણ સાધન શોધી કાઢ્યાં, ને કોઈ પણ રીતે ફી, પુસ્તક તથા વાંચવાનાં સ્થાન મેળવીને−છેવટે રસ્તા પરના ફાનસના પ્રકાશનો ઉપયોગ કરીને પણ પોતાના અભ્યાસ પૂરા કર્યા. આજે પણ એવા કેટલાય વિદ્યાર્થી છે જે નોકરી ને મહેનત કરીને આગળ અભ્યાસ કરે છે. આત્મિક વિકાસના અભ્યાસનું પણ એમ જ સમજી લેવું. મુખ્ય વાત આગળ વધવાની લગન કે તરસની છે. તે હશે તો પાણી તો આપોઆપ મળી રહેશે. વાતાવરણ પણ ક્રમેક્રમે અનુકૂળ થતું જશે ને માર્ગ તથા માર્ગદર્શક પણ મળી રહેશે. વાતાવરણ ગમે તેવું પ્રતિકૂળ હશે તો તેમાંથીય ક્રમેક્રમે કેડી કરીને માણસ આગળ વધશે. પ્રભુની શ્રદ્ધા તેમાં તેને મદદ કરશે. પરમાત્માની અસીમ શક્તિ સદાય કરી રહી છે, ને મુશ્કેલી તથા મૂંઝવણમાંથી માર્ગ કરીને તે તેને પાર ઉતારશે ને પરમપદે પહોંચાડશે−શ્રદ્ધાની એવી જ્વલંત જ્યોતિ તેના અંતરને અહોનિશ અજવાળ્યા કરશે.

શ્રદ્ધાની એવી જ્વલંત જ્યોતિના પરમ પ્રકાશની મદદથી આગેકૂચ કરનારા સાધકો વિરલા જ હોય છે. દુનિયામાં તેમનાં દર્શન દુર્લભ જેવાં છે. મોતી જેમ જ્યાં ત્યાં નથી થતાં ને ચંદન દરેક જાતના વનમાં નથી દેખાતાં તેમ તેવા પ્રભુપ્રેમી અડગ શ્રદ્ધાવાળા સાધકો સદ્ ભાગ્યે જ કોઈ દેશ કે સ્થળમાં દેખા દે છે. તેમનું દર્શન ને તેમનો સમાગમ સદાય આનંદકારક, શાંતિ ને પ્રેરણાદાયક ને કલ્યાણમય હોય છે. આત્મિક સંસ્કૃતિ તેમને જ આધારે ટકી રહી છે. આત્મિક જગતના તે જ્યોતિર્ધરો કોઈનાય જીવનને અજવાળી શકે છે. મન ને ઈંદ્રિયોનો સંયમ કરીને, સમ્યક્ સાધના દ્વારા તેમણે પરમાત્માની અનુભૂતિ કરી હોય છે. તેમનું જીવન સફળ, ઉજ્જ્વળ ને ધન્ય બન્યું હોય છે. શોક, મોહ ને બંધનથી તે મુક્તિ મેળવે છે ને પરમાનંદના ભાગી બને છે. શાંતિ તેમની સદાની સહચરી બને છે. પ્રસન્નતાની પુણ્યસરિતામાં સ્નાન કરતાં ને કૈંક અંધારાં અંતરને અજવાળું ધરતાં તેમનું જીવન પૂરું થાય છે.

એવા કૃતકામ પરમાત્મદર્શી મહાપુરૂષે પ્રસન્નતાના પારાવારમાં પ્રક્ષાલન કરતાં સહજ ભાવે ગાયું છે કે -
અબ હમ આનંદ કે ઘર પાયા.
કિયા કરાયા કુછ ભી નાહિ,
સહેજે પિયાજીકો પાયા ... અબ હમ આનંદ કે ઘર પાયા.
શંકરાચાર્યનું ‘‘ચિદાનંદરૂપ: શિવોઙહમ્ શિવોઙહમ્’’ સ્તોત્ર પણ એવા જ આત્માનુભવની પરમ અવસ્થાએ આસીન થયેલા સાધક કે શ્રેયાર્થીનું ધન્યતાસ્તોત્ર જ છે.

આનંદના એ સનાતન ઘરની શોધ સૌ કોઈ કરે છે. ને તેનો પ્રવાસ સૌએ શરૂ કર્યો છે. કોઈ એક રસ્તે તો કોઈ બીજે રસ્તે, આનંદના એ અવિનાશી અખૂટ ખજાનાને હાથ કરવાના સૌના પ્રયાસ છે. તે માટે જ સૌની સાધના છે. સંસારના પદાર્થો ને વિષયોમાં પણ આનંદ નથી એવું કોણ કહી શકે ? આનંદ બધે જ ફેલાયેલો છે... ભલે પછી તેના સ્વરૂપમાં ફેર હોય. આત્મમાર્ગના મુસાફરોએ દીર્ઘ સમય સુધી મંથન કરીને જે અક્ષરસાધના કરી ને તેને પરિણામે પરમાનંદનો પરમભંડાર હાથ કર્યો તેનો ઉલ્લેખ તે કરી ગયા છે, ને બીજા તે માર્ગના મુસાફરોને આજે પણ તે કામ લાગે તેમ છે. આત્માની અનુભૂતિ કરનારને એવા પરમાનંદની પ્રાપ્તિ થાય છે એમ ઉપનિષદનું કહેવુ છે.

તે પરમાત્મા સૌના આદિ છે. કારણ છે; તે જ પ્રાણતત્વરૂપે રહેલા છે, ને તેમાંથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે. સૌના હૃદયપ્રદેશમાં તે જ રહેલા છે. તે આત્મા પણ કહેવાય છે. શરીરની અંદર ને સંસારમાં બધે બહાર તે જ પરમાત્મા રહેલા છે. તે બંનેનું સ્વરૂપ સરખું જ છે. તેમાં જે ભેદ જુએ છે તે અજ્ઞાની છે. તે દુઃખી થાય છે. પરંતુ જે અભેદભાવે તેનું દર્શન કરે છે તે જ્ઞાની કહેવાય છે. આત્મા શરીરના મધ્ય ભાગમાં રહેલો છે. તે ભૂત ને ભવિષ્યનો સ્વામી છે. તેનું માપ અંગૂઠા જેટલું છે. તેનો પ્રકાશ ધુમાડા વિનાના અગ્નિ જેવો છે. તે આજે છે ને કાલે પણ રહેશે−મતલબ કે અવિનાશી છે. તેને જે નથી જાણતો તે માણસ વારંવાર જન્મ ને મરણના ચક્રમાં ફર્યા કરે છે. જે સાધક તે આત્માનો અનુભવ કરી લે છે તેનો આત્મા પરમાત્મા  સાથે એકરૂપ થઈ જાય છે. આવાગમનનું એનું ચક્ર પૂરું થાય છે.

એવો આત્મદર્શી સાધક જડ ને ચેતનમાં બધે જ તે પરમાત્માનું દર્શન કરે છે ને આંતરિક રીતે સૌની સાથે એકતાનો અનુભવ કરે છે. તેને કોઈનો ભય નથી લાગતો ને કોઈનો દ્વેષ પણ તે નથી કરતો. ભારતવર્ષમાં એવા એવા મહાન અનુભવી સંતપુરૂષો થઈ ગયા છે કે જે વાઘ ને સિંહ જેવાં હિંસક પ્રાણીમાં પણ પરમાત્માનો પ્રકાશ જોતા ને તેમનાથીય ન ડરતા. તેમના સમાગમથી મોટામોટા હિંસક, ખૂની કે લૂંટારાઓ પણ સુધરી ગયા છે. તેમના પ્રાણમાંથી નીકળતાં સાર્વત્રિક સ્નેહનાં કિરણ તેમના સંસર્ગમાં આવનારા જીવોને વત્તીઓછી અસર કરીને સ્નેહથી રંગી દે છે.

- શ્રી યોગેશ્વરજી ('ઉપનિષદનું અમૃત')
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok