Wednesday, October 28, 2020

મુંડક ઉપનિષદ

પરા ને અપરા વિદ્યા

શૌનકના પ્રશ્નનો સીધેસીધો ઉત્તર આપવાને બદલે અંગિરા ઋષિ જરા બીજી વાત સમજાવે છે. જો કે તે આડવાત નથી પરંતુ શૌનકે શરૂ કરેલા વિષયની સાથે સંબંધ ધરાવતી જ વાત છે. અંગિરા ઋષિ કહે છે કે બ્રહ્મજ્ઞાની પુરૂષોના કહ્યા પ્રમાણે આ જગતમાં બે જાતની વિદ્યા જાણવા જેવી છે : એક તો પરા ને બીજી અપરા. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, ને અથર્વવેદ એ ચાર વેદ છે. તે ઉપરાંત, સિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ ને જ્યોતિષ એ છ વેદાંગો છે. તે સૌને અપરા વિદ્યા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે તેને લૌકિક વિદ્યા કે સામાન્ય વિદ્યા કહી શકીએ. ઋષિ કહે છે કે બીજી પરા વિદ્યા છે. તેનાથી અવિનાશી પરમાત્માનું જ્ઞાન અથવા પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. તે ઉત્તમ છે. બીજી રીતે કહેવું હોય તો આપણે અપરા વિદ્યાને શાસ્ત્રવિદ્યા ને પરાવિદ્યાને અનુભવવિદ્યા કહી શકીએ.

પરાવિદ્યાની મદદથી પરમાત્માનું જ્ઞાન થવાથી શાંતિ મળે છે ને સંસારનું રહસ્ય પણ સહેલાઈથી સમજી શકાય છે. પરમાત્માને જાણવાથી બધું જ જણાઈ જાય છે અથવા જાણવા જેવું બધું જ્ઞાન પૂરું થાય છે. તે જ્ઞાનની મદદથી માણસ સમસ્ત સર્જનની અંદર રહેલી એકતાનો અનુભવ કરે છે. તે વિશે ખુલાસો કરતાં ઋષિ એક સુંદર ને સચોટ ઉપમા રજૂ કરે છે. ઉપનિષદના બીજા કેટલાક શ્લોકોની જેમ આ સંબંધમાં રજૂ થયેલો શ્લોક પણ હૃદયંગમ ને યાદ રહી જાય તેવો છે. ઋષિ કહે છે કે કરોળિયો જેવી રીતે જાળું ઉત્પન્ન કરે છે ને પાછું પોતાની અંદર સમાવી દે છે, જેવી રીતે પૃથ્વી પર જુદીજુદી ઔષધિઓ ઉત્પન્ન થાય છે, તેમ જ જેવી રીતે માણસના શરીરમાં વાળ ને રૂંવાટાં આપોઆપ ઊગે છે, તેવી રીતે અવિનાશી પરમાત્મામાંથી સંસારની ઉત્પત્તિ થાય છે. પરમાત્મા સૃષ્ટિના સ્વરૂપમાં સહજ રીતે જ પ્રકટ થાય છે. તેમાંથી અન્નની ઉત્પત્તિ થાય છે. અન્નમાંથી પ્રાણ, પ્રાણમાંથી મન, તેમાંથી સત્ય અથવા પંચમહાભૂતો, તેમાંથી ચૌદ લોકો ને કર્મનું અમૃત ઉત્પન્ન થાય છે. જે પરમાત્મા સૌના જ્ઞાતા ને દ્રષ્ટા છે તેમ જ જેનું તપ જ્ઞાનમય કે વિવેકી છે, તે પરમાત્માની અંદરથી આ નામ ને રૂપ તથા ભોગવાળી સૃષ્ટિ પેદા થાય છે. તે પરમાત્માને જાણી લેવાથી જાણવા જેવું બધું જ જણાઈ જાય છે; સંસારની અંતરંગ એકતાનો અનુભવ થાય છે.

આના પરથી કોઈએ એમ નથી સમજવાનું કે પરાવિદ્યા જ જરૂરી છે ને અપરાવિદ્યાની જરૂર પણ નથી. શાસ્ત્રવિદ્યા કરતાં અનુભવવિદ્યાની મહત્તા વધારે છે એ સાચું; શાસ્ત્રવિદ્યામાંથી ઉપર ઊઠીને માણસે પ્રેમ ને ભક્તિ કે ધ્યાન દ્વારા અનુભવવિદ્યામાં પ્રવેશી પરમાત્માને ઓળખવા જોઈએ એ પણ સાચું; પરંતુ શાસ્ત્રવિદ્યા પણ એક વિદ્યા છે. ને તેના સ્થાનમાં તેનું પણ મહત્વ છે એ યાદ રાખવાનું છે. અનુભવી પુરૂષોની વાણીના સંગ્રહને જ શાસ્ત્ર કહે છે. અનુભવની દુનિયામાં પ્રવેશ કરવામાં ને ડૂબકી લગાવવામાં તે મદદરૂપ થાય છે. અલબત્ત, શાસ્ત્રજ્ઞાનની મદદ વિના પણ માણસ પરમાત્માને મેળવી શકે છે. કેટલાય નિરક્ષર ભક્તો ભગવાનને પામ્યા છે પણ ખરા. પરંતુ શાસ્ત્રજ્ઞાનનો તિરસ્કાર બરાબર નથી. તે પણ એક જ્ઞાન છે, ને તેને અનુભવજ્ઞાનનું પૂરક કરવાની જરૂર છે. શાસ્ત્રજ્ઞાનથી અંધ ને અભિમાની થવું, તેમાં આસક્ત થવું ને તેને જ સર્વસ્વ સમજી તેમાં જ પુરાઈ જવું ને પ્રત્યક્ષ અનુભવની દિશામાં આગળ ન વધવું, એ બધું ખરાબ છે, ભૂલભરેલું છે, ને તેના શિકાર ન થવાય તે માટે સાધકે અત્યંત ને સદાકાળ સાવધ રહેવાની જરૂર છે. શાસ્ત્રોની અંધ આસક્તિ ને સ્વાનુભવની ઉપેક્ષા કે પ્રત્યક્ષ અનુભવ પ્રત્યે આંખમીંચામણાં બરાબર નથી એટલું જ. શાસ્ત્રજ્ઞાન ગમે તેવું સુંદર, આકર્ષક ને આનંદદાયક હોય તોપણ સાધ્ય નથી પરંતુ સાધન છે એ વાત સદાય યાદ રાખવાની જરૂર છે. શાસ્ત્ર ને સ્વાનુભવનો સુભગ સમન્વય કરવાની વાતને જ આવકારદાયક, આદરણીય ને આદર્શ વાત કહી શકાય.

એટલે પરા ને અપરા કે શાસ્ત્રવિદ્યા ને અનુભવ અથવા સ્વાનુભવ વચ્ચે ભેદભાવની દીવાલ ઊભી કરવાની, કડવાશ ફેલાવવાની કે હરિફાઈ પેદા કરવાની જરૂર નથી. બંનેની શક્તિ ને શક્યતાનો યથાર્થ આંક કાઢવાની જરૂર છે. જીવનની ઉન્નતિના જરૂરી કામમાં તો જ બંનેનો લાભ લઈ શકાય. પંખીની બે પાંખમાંથી કોઈ એક પાંખને પંખીના હિત માટે આપણે તોડી નથી નાખતા; ધરતી પર ચાલતી વખતે એક પગને નકામો માની ઊંચો નથી રાખતા; ને જમણા હૃદયથી શરીરને ચાલશે એમ સમજી ડાબા હૃદયને શરીરની બહાર નથી કાઢી નાખતા; તેમ બેમાંથી કોઈ એક વિદ્યાની તરફ ઉદાસીનતા કેળવવાની જરૂર નથી. શાસ્ત્રવિદ્યાનો લાભ લઈને પણ વિકાસ કરતાં જ શીખવાનું છે.

પરમાત્માને જાણી લેવામાં જ્ઞાનનો અંત આવે છે એટલું જ નહિ, પણ જ્ઞાન સફળ પણ થાય છે. પરંતુ પરમાત્માને જાણવાનું કામ વાતો કરવા જેટલું સહેલું નથી. તે માટે તપવું પડે છે, વિવેકી બનવું પડે છે, ને મનને નિર્મળ, ઉમદા ને એકાગ્ર કરવું પડે છે. તેની પાછળ આદુ ખાઈને પડવું ને તે માટે ભેખ ધારણ કરવો રહે છે. પરંતુ તેથી નાહિંમત થવાની જરૂર નથી. દ્રઢ નિશ્ચય ને ભોગ આપવાની સાધારણ શક્તિ હોય તોપણ માણસને વિજય મળે છે. જોઈએ છે જવાંમર્દો ને સાચા દિલથી મહેનત કરનારાઓ. તેમને માટે પરમાત્માનાં મંદિરદ્વાર સહેલાઈથી ખૂલી જાય છે; તેમનું  જીવન ઉજ્જવળ ને ધન્ય થાય છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok