Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

જીવ ને શિવ : બે પક્ષી સાથે સરખામણી

એ રેખાચિત્ર ત્રીજા મુડંકના પહેલા ખંડમાં આવે છે. તેની શરૂઆતમાં જ ત્રણ શ્લોકોમાં ઋષિએ જે કહેવાનું છે તે તદ્દન અસરકારક રીતે કહી દીધું છે. તે શ્લોકોની ભાષા બહુ સુંદર, સાદી છતાં સુમધુર ને ભાવવાહી છે. ઉપનિષદોમાં જે કેટલાક મનને ગમી જાય ને હૈયે વસી જાય તેવા ભાષા, રચના ને ભાવની દ્રષ્ટિએ સુંદર શ્લોકો છે તેમાં એ શ્લોકોનું સ્થાન અત્યંત આગળપડતું ને અગત્યનું છે. માટે તે વાચકો ને વિદ્વાનોમાં ખૂબ જ પ્રિય થઈ પડ્યા છે. કેટલાક લોકોના ભાષાસંબંધી વિચારો બહુ વિચિત્ર હોય છે. તે લોકો ધર્મ ને તત્વજ્ઞાન તથા શિષ્ટ કોટિના સાહિત્ય માટે પ્રમાણમાં અઘરી ને ન સમજાય તેવી ભાષાને પસંદ કરે છે, ને તેની ભાષા તેવી જ હોય તેમ માને-મનાવે છે; પરંતુ ખરેખર તેવું નથી. સાચો લેખક ને સાહિત્યકાર એ જ છે જેની કલમ સરળતાથી ચાલ્યા કરે છે, ને જેના વિચાર ગંગાના નિર્મળ પ્રવાહની પેઠે સર્વસુલભ સ્વરૂપે વહ્યા કરે છે. તે પોતે ભાવની મહાન ને ગૂઢમાં ગૂઢ અનુભૂતિ કરતો હોય છે. પરંતુ તે ભાવને સહેલામાં સહેલી શબ્દાવલિમાં વ્યક્ત કરે છે − તેવી અભિવ્યક્તિ તેને માટે સહજ ને સ્વભાવસિદ્ધ હોય છે; તેવી કળામાં તે કુશળ હોય છે, ને તેમાં જ તેની મહાનતા છે. ધર્મ, તત્વજ્ઞાન ને ઊંચા સાહિત્યનો પ્રકાશ જનતાના સર્વસાધારણ સ્તર સુધી પહોંચાડવો હોય તો સાહિત્યકારે જે કહેવાનું હોય તે બને તેટલી વધારે સરળ ને સચોટ ભાષામાં કહેતાં શીખવાની જરૂર છે. સહેલી ભાષાની સૂગ સેવવી નકામી છે. સરળતાથી વિચારોને વ્યક્ત કરવાની કળા પ્રયત્નસાધ્ય છે, ને લાંબા વખતના એકધારા અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે.

ઋષિએ અહીં અત્યંત સરળ ભાષામાં જે કહેવાનું છે તે ખૂબ ભાવમય રીતે રજૂ કર્યું છે. તે કહે છે કે શરીરરૂપી વૃક્ષમાં જીવાત્મા ને પરમાત્મારૂપી બે પક્ષી બેઠેલાં છે. તે જોડિયા મિત્રો જેવાં છે. વૃક્ષની બે ડાળી પર તે બેઠાં છે. તેમાં જે નર પક્ષી (જીવ) છે તે કર્મનું સુમધુર ફળ ખાધા કરે છે. સારામીઠા ફળના સ્વાદથી તે હરખાય છે, ગેલમાં આવી જાય છે, ને ખાટું કે અધકચરું ફળ ચાખીને દુઃખી થાય છે. એ પ્રમાણે તેની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. પોતાની અસ્થિરતા ને અશાંતિથી તે બેચેન બની જાય છે. તે વખતે તેની નજર પોતાની તદ્દન પાસે છતાં જરા ઉપર ને દૂર બેઠેલા પોતાના જ જેવા બીજા પક્ષી પરમાત્મા પર પડે છે. તેને જોઈને તેને નવાઈ લાગે છે. કેમકે તે તદ્દન શાંત ને સ્થિર છે. હર્ષ ને શોકના ઝૂલામાં ઝૂલવાનું તેને માટે બાકી નથી રહ્યું. ત્યારે તે પક્ષી જીવાત્માને ભાન થાય છે કે સમસ્ત વૃક્ષ એ પરમાત્માને આધારે જ ટકી ને વિકસી રહ્યું છે, ને તે પરમાત્માની જેમ પોતાની અંદર તન્મય થવાથી જ શાંતિ મળી શકે છે. બહારના કર્મો ને તેનાં ફળોમાંથી મનને ઉપરામ કરી દઈ તે પરમાત્માને જાણવાથી ને તેના મહિમામાં મગ્ન બની તેની સાથે એકતા સ્થાપિત કરવાથી જ શોકથી છૂટી શકાય છે, ને પરમાનંદના ભાગી થવાય છે. આવું જ્ઞાન થવાથી તેની બધી જ ભ્રમણા ભાંગી જાય છે, ને પરમાત્મા સાથે એકતાનો અનુભવ કરીને તે પરમ શાંતિનો સ્વામી બને છે.

આ નાની વાતમાં માનવજીવનનો સર્વસાધારણ સાર સમાઈ જાય છે. માણસ પણ આ સંસારમાં અનેક પ્રકારનાં કર્મ કરે છે, ને પછી પોતે જ ખેડેલા ને વાવેલા જીવનખેતરનો પાક ચાખે છે. કોઈ વાર સારું તો કોઈ વાર ખરાબ ફળ તેને ભાગે આવે છે, ને તેથી કોઈ વાર તે હસે છે તો કોઈ વાર રડે છે. જીવનનું મહાન નાટક આમ ચાલ્યા કરે છે, ને તેમાં તે નટની પેઠે રમે છે. અશાંતિ ને શાંતિ, સુખ ને દુઃખ ને પતન તેમ જ ઉત્થાનના એ નાટકમાંથી છૂટીને તે સદાને માટે પ્રસન્નતા ને શાંતિનો શ્વાસ ક્યારે લે ? તેની ઘણીયે ઈચ્છા છે જીવનને ધન્ય કરવાની ને સ્થિરતાની પ્રાપ્તિ કરવાની પરંતુ વાત વધારે ને વધારે વિપરીત ને વિકટ બનતી જાય છે. શાંતિની સમસ્યા દિનપ્રતિદિન વધારે ને વધારે જટિલ થતી જાય છે. તેનું કારણ તેની પોતાની જ પ્રવૃત્તિ છે. અહંતા ને મમતા, રાગ ને દ્વેષથી રંગાઈને તે કર્મ કરે છે, ને પોતાના અસલ સ્વરૂપને નથી ઓળખતો. સ્વાર્થ ને મોહનો શિકાર બનીને તે ફર્યા કરે છે, ને પરમાત્માથી દૂર ને દૂર જતો જાય છે. નીતિ, સદાચાર ને માનવતાના સહજ ધર્મને નેવે મૂકીને તે શ્વાસ લે છે, ને આંખો મીંચીને કર્મ કર્યા કરે છે. તેને બદલે વિવેકી બનીને ને આત્મનિરીક્ષણનો અભ્યાસ વધારીને તે પ્રવૃત્તિ કરતાં શીખે ને તે પ્રવૃત્તિ તેના તેમ જ બીજાના હિત માટે થાય તેની તકેદારી રાખે, તો કર્મમય જગતમાં રહીને, જીવનનું નાટક કરતાં કરતાં પણ, તેને માટે શાંતિ ને મુક્તિ મેળવવાનું કામ જરાય મુશ્કેલ નથી. જે કર્મ થાય છે તે યાંત્રિક ન બની જાય, ને નુકસાનકારક ન થાય, પણ ચેતનવંતુ, પ્રાણદાયક ને ઉન્નતિકારક થાય, તેમ જ પરમાત્માની પૂજા ને અનુભૂતિના પ્રસાદરૂપ બની જાય, તેનું ધ્યાન રાખવાની જરૂર છે. તેમ થાય તો જીવ કલેશમાંથી મુક્તિ મેળવી શિવસ્વરૂપ બની જાય. માનવના વિચાર, તેની વાણી ને તેનું વર્તન મંગલમય ને નિર્મળ થાય એટલે તે શિવસ્વરૂપ જ થઈ જાય છે. કર્મ કે સાધનાની મદદથી તેણે એમ ત્રિવિધ રીતે મંગલ થવાની જરૂર છે.

આ શ્લોકોને બીજા ભાવમાં પણ લઈ શકાય છે. સાધારણ માણસ સંસારમાં સુખદુઃખ ભોગવે છે. તે તેનાથી મહાન પરમાત્મદર્શી ગુરૂને જુએ છે, ને આ જ સંસારમાં તેમણે જે મહત્તા મેળવી છે તેનો વિચાર કરીને ગુરૂની મદદથી મંગલમય બની બધી જાતનાં દુઃખ ને બંધનમાંથી મુક્તિ મેળવે છે.

સ્વભાવની શુદ્ધિ સાધવા આવે એટલી જ વાર છે; મન, વચન ને વર્તનમાં આમૂલ પરિવર્તન કરવામાં આવે એટલી જ વાર છે; પ્રેમ, ભક્તિ, જ્ઞાન કે ધ્યાનનો આધાર લઈને, પોતાની અંદર ને બહાર બધે રહેલા પરમાત્માને ઓળખવામાં આવે એટલી જ વાર છે; જીવને શીવસ્વરૂપ થવાને એટલી જ વાર છે. એવુ નથી કે જીવનની કાયાપલટ કે સ્વભાવનો સુધાર કરીને પરમાત્માને ઓળખ્યા પછી તેવો સુધાર નિરર્થક થઈ પડે છે. સ્વભાવશુદ્ધિ સાધકદશા ને સિદ્ધાવસ્થા બન્નેમાં ચાલુ રહે છે. ફેર એટલો કે સાધક દશામાં તે જરા પ્રયત્નસાધ્ય હોય છે; પરંતુ સિદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી તે તદ્દન સહજ થઈ પડે છે. સ્વભાવની ઉત્તરોત્તર શુદ્ધિ કરવામાં આવે તો પોતાની અંદર રહેલો પરમાત્માનો પ્રકાશ આપોઆપ અનુભવાય છે : સાધકને શિવસ્વરૂપ પરમાત્મા સાથે એક થતાં પછી વાર નથી લાગતી. એક પદમાં આ ભાવને એક જ્ઞાની ભક્તે બહુ સારી રીતે સમાવી લીધો છે. તે કહે છે કે હે જીવ, તને શિવ થતાં વાર શેની છે ?

શિવ થતાં શી વાર છે, જીવ, તને શિવ થતાં શી વાર છે ?
હું−મારું તજવું ને પ્રભુ પ્રભુ ભજવું, જૂઠો સકળ સંસાર છે.. જીવ, તને.

વૈરાગ્ય રાખવો ને બ્રહ્મરસ ચાખવો, રહેવું પરાની પાર છે;
સાર અસાર વિચાર કરી લેવો, એમાં શું મોટો ભાર છે ? .. જીવ, તને.

સત્ ચિત્ આનંદ જોવો સરવમાં, જડ દુઃખ મિથ્યા માર છે;
સહજ ઉપાય પણ રહેવું સીધા, માર્ગ ખાંડાની ધાર છે .. જીવ, તને.

નિજ સ્વરૂપ માની નિર્ભય થવું, ત્યાંથી તે કોણ કાઢનાર છે ?
‘કરક’ રહેવું બેધડક થઈને, શિવ સહુનો સરદાર છે .. જીવ, તને

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok