if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહર્ષિ દયાનંદ સરસ્વતીમાં તીક્ષ્ણ બુદ્ધિ તો હતી જ, પરંતુ એ કેવળ બુદ્ધિપ્રતિભાથી સંપન્ન હતા એવું જ ન હતું. એમની પાસે ઉત્તમ પ્રકારનું નિર્મળ, સંવેદનશીલ દિલ પણ હતું. એ દિલમાંથી લાગણીના જે ફૂવારા ઊડતા તે અત્યંત અવનવા હોવાથી જોનારને મુગ્ધ કરતા.

જનતાનાં દુઃખદર્દ જોઈને એ પીગળી જતા, રડી ઊઠતા, અને એમને દૂર કરવા માટે ભરચક કોશિશ કરતા. જનતાને દુઃખમુક્ત કરવા તથા જડતાથી રહિત કરીને પ્રાણવાન બનાવવા માટે તો એમની પ્રવૃત્તિ હતી. એ દૃષ્ટિએ જોતાં એમનું અંતર માખણ જેવું મુલાયમ અથવા કુસુમ જેવું કોમળ હતું. કેવળ કોમળ જ નહીં પરંતુ સુકોમળ. એ સુકોમળ સંવેદનશીલ અંતરની ઝાંખી કરવા જેવી છે.

લોકોની સેવા માટે ભારતવર્ષમાં ફરીને એમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો.

તે પહેલાં એકવાર એ મહાપુરૂષે એક કરુણ દૃશ્ય જોયું.

નદીના તટ પર એ શાંતિથી બેઠા હતા. ત્યાં એક વિધવા સ્ત્રી આવી. તેના બાળકનું મરણ થયેલું, પરંતુ તે બાળકના મૃત શરીર પર વીંટવા માટે તેની પાસે વસ્ત્રનો ટુકડો નહોતો. એ લાચાર હતી.

એ સ્ત્રીની કંગાલિયત અને અસહાય અવસ્થા જોઈને મહર્ષિ દયાનંદની આંખમાં આંસુ આવ્યાં. એમનું કાળજું કંપવા લાગ્યું. એમને થયું કે દેશ કેટલો બધો દુઃખી છે ? દેશમાં કેટલી બધી અછત છે ? આવી કંગાળ કરૂણ સ્ત્રીઓ તો કોણ જાણે દેશમાં કેટલીય છે ! એમના દુઃખનિવારણને માટે પ્રામાણિક અને પ્રખર પ્રયાસ કરવો જોઈએ.

મહર્ષિએ આંખ લૂછી અને દેશની સેવા કરવાના સંકલ્પને બળવાન બનાવ્યો.

સ્ત્રી જાતિની ઉન્નતિ માટેની યોજનાઓના નિર્માણમાં એ પ્રસંગે એમને પ્રેરણા પૂરી પાડી. એ પ્રસંગ એમને માટે ચિરસ્મરણીય બની રહ્યો.

એ પ્રસંગનું સ્મરણ આજે એટલા માટે કરી રહ્યા છીએ કે મહર્ષિ દયાનંદ તો ભારતમાંથી વિદાય થયા છે. પરંતુ એમના અંતરને આર્ત અથવા સંવેદનશીલ બનાવનાર અને સતત રીતે નિઃસ્વાર્થ સેવા ધર્મમાં પ્રેરનાર કંગાલિયત, અછત અને દીનતા હજી દેશમાંથી નથી મટી.

પરંતુ એનો અંત આવે કેવી રીતે ?

એનો અંત આણવા માટે સૌએ સંવેદનશીલ બનીને બનતા બધા જ પ્રયાસો કરવાની જરૂર છે. મહર્ષિ દયાનંદની જેમ પરદુઃખે દુઃખી થનારા અને એ દુઃખની દવા કરનારા સ્નેહ, સહાનુભૂતિ તથા સેવાભાવથી સુવાસિત અનેકાએક આત્માઓની આપણે આવશ્યકતા છે, જે પોતાની શક્તિ કે સાધનસામગ્રીનો ઉપયોગ બીજાને માટે કરવા તૈયાર થાય. જે કેવળ પોતાની જ મુક્તિ અને પોતાના જ સ્વર્ગને માટે ચિંતા, મનોરથ કે મહેનત ના કરે, પરંતુ બીજાને દુઃખ, બંધન તથા કલેશથી મુક્ત કરવામાં ને બીજાના જીવનમાંથી નરકની નિશાનીઓ દૂર કરી સુખશાંતિ ને સમૃદ્ધિના સ્વર્ગનું સર્જન કરવામાં ગૌરવ ગણે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.