Sat, Jan 23, 2021

કાલીકા દેવીની કથા

કાલિકા માતાનાં મંદિરો ઘણે ઠેકાણે જોવા મળે છે. લોકો કાલિકાને કાળકા કહે છે. એની મૂર્તિમાં જે વિશેષતા છે તે જોઈ છે ? એની જીભ બહાર હોય છે. તેનું કારણ જાણો છો ! કદાચ નહિ જાણતા હો. એ મૂર્તિની પાછળ જે ભાવના છે તે પણ છેક દુર્ગાસપ્તશતી જેટલી જૂની છે. એની ખબર પણ કદાચ તમને નહિ હોય. દુર્ગાસપ્તશતીની સાથે એ હકીકત કેવી રીતે સંકળાયેલી છે તે તમને કહી બતાવું.

દેવતાઓના સમ્મિલિત તેજમાંથી આવિર્ભાવ પામેલી મહાદેવીએ મોટા ભાગના દાનવોનો નાશ કરી દીધો એટલે દેવતાઓ આનંદ પામ્યા. છતાં પણ શેષ રહેલા રાક્ષસોએ શરણાગતિ ના સ્વીકારી. ગમે તે ઉપાયે, દેવીનો સંહાર કરવા, અથવા તો દેવીને પરાસ્ત કરવા, તે કૃતનિશ્ચય હતા. દંભ, કપટ, હિંસા, અને અભિમાનના મૂર્ત સ્વરૂપ જેવા એ રાક્ષસોએ રક્તબીજને પોતાનો સરદાર અથવા તો સર્વસત્તાધીશ કર્યો અને યુદ્ધ શરૂ કર્યું.

દેવી તથા દાનવો વચ્ચે એકવાર ફરીથી યુદ્ધની જ્વાલા જાગી ઊઠી.

એક બાજુ વિશ્વના મૂલાધાર જેવી સ્ત્રીશક્તિ, અને બીજી બાજુ દાનવોનું દરિયા જેવું દળ. બંનેની વચ્ચે શસ્ત્ર અને અસ્ત્રની વર્ષા વરસવા માંડી. ભયંકર સંગ્રામ ફાટી નીકળ્યો.

દેવીનું સામર્થ્ય રક્તબીજ કરતાં અધિક હતું. રક્તબીજને રણમાં રોળી નાખવો એ દેવીને માટે રમત વાત હતી. પરંતુ રક્તબીજ ભારે માયાવી હતો. એવા એવા પ્રયોગ કરતો અને એવી એવી ઈન્દ્રજાળ ફેલાવતો, કે દેવીને એની સાથે કામ લેવામાં ભારે મુશ્કેલી પડતી. દેવતાઓ એ દેખીને નિરાશ થતા.

રક્તબીજના વજ્ર જેવા શરીર પર દેવી ઘા કરતી; એ શરીર ઘવાતું અને એમાંથી લોહીની ધારા પણ નીકળતી, પરંતુ એ લોહીનાં બિંદુ નીચે પડતાં જ એકેક બિંદુમાંથી હજાર હજાર રાક્ષસો ઉત્પન્ન થતા. એ શસ્ત્રધારી રાક્ષસો પાછા દેવીની સામે લડવા તૈયાર થતા. એવી રીતે દેવીનું કામ કઠિન બની જતું. રક્તબીજ જો એકલો હોત, તો તો એનો સંહાર કરવાનું કામ કપરું નહોતું પરંતુ એની આ માયામાંથી માર્ગ કાઢવાનું કામ અશક્ય નહિ તો મુશ્કેલ તો જરૂર હતું.

છતાં પણ એનો નાશ તો કરવો જ જોઈએને ? એમ કાંઈ હતાશ થયે થોડું જ ચાલે ? દેવીએ એને માટેનો એક માર્ગ શોધી કાઢ્યો. પોતાના તેજમાંથી એણે એક બીજી દેવીને ઉત્પન્ન કરી. એ દેવીને એણે રક્તબીજના શરીરમાંથી ટપકતા લોહીને ચાટી જવાની આજ્ઞા કરી. રક્તબીજના શરીરમાંથી ટપકતા લોહીને જો અધવચ્ચે જ ચાટી જવામાં આવે તો, એ લોહીનાં બિંદુ ધરતી પર ન પડે, તથા તેમાંથી રાક્ષસો પણ ઉત્પન્ન ન થાય. એ રીતે રાક્ષસોની સમસ્યાનો અંત આવે. અને પછી રક્તબીજનો વધ તો ચપટી વગાડતાંમાં જ કરી શકાય.

એવી રીતે દેવી અને રક્તબીજ વચ્ચેનું યુદ્ધ ફરી ચાલવા માંડ્યું.

પરંતુ આ વખતે રક્તબીજ ના ફાવ્યો.

એના શરીરમાંથી પડતા લોહીને ધરતી પર પડતાં પહેલાં જ ઝીલી લેવા તૈયાર થઈને ઊભેલી દેવીએ એના પરિશ્રમને નિષ્ફળ બનાવ્યો. એની માયા મિથ્યા થઈ. મહાદેવીએ બીજી દેવીની સહાયતાથી એને ધરાશાયી કરી દીધો.

દેવતાઓ આનંદ પામ્યા. એમણે દેવીનો જયજયકાર કર્યો. દેવીની પ્રશસ્તિ કરી.

સ્ત્રીશક્તિનો મહામહિમાવંતો વિજયધ્વજ બધે ફરકવા માંડ્યો. દિશાપ્રદિશામાં સ્ત્રીશક્તિની સર્વોપરિતાના પડછંદા પડવા માંડ્યાં. ભક્તો અને ભાવિકોને વરસો કે યુગો સુધી પ્રેરણા આપે એવી કથા મળી.

એ કથા અદ્યાપિપર્યંત ચાલુ છે. ભારતવર્ષને ખૂણેખૂણે એ કથા ફેલાયેલી છે. પૂર્વ ને પશ્ચિમ, તથા ઉત્તર ને દક્ષિણ, એને રંગે રંગાયેલ, છે. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી ને દ્વારકાથી માંડીને જગન્નાથપુરી સુધી બધે જ એનો જયઘોષ ફેલાયેલો છે. નાત ને જાત તથા ભાષા તથા પ્રાંતના ભેદભાવ વિના બધા જ એનો એકસરખો આદર કરે છે. સાક્ષર તથા નિરક્ષર, ગરીબ ને અમીર, તથા વૃદ્ધ ને યુવાન, સૌ એને સન્માનથી જુએ છે ને સાંભળે છે. ભારતવર્ષની સાંસ્કૃતિક એકતાને બલવત્તર બનાવવામાં એણે અત્યંત અગત્યનો ફાળો આપ્યો છે. નવરાત્રીના દિવસોમાં તો એનું ખાસ સ્મરણ થાય છે, અને એનું પારાયણ પણ કરવામાં આવે છે. બાકીના દિવસોમાં પણ એનો પાઠ નથી થતો એમ નહિ.

કાલિકા માતાં મંદિરોની રચના એ કથા પરથી થયેલી છે. રક્તબીજના રક્તને ચાટી જનારી દેવી કાળા રંગની હતી, અને જીભને બહાર કાઢીને ઊભી હતી. કાળની સ્વામિની જેવી એ દેવીને મંદિરોમાં એવી રીતે જ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.

ભારતવર્ષના ભવ્ય તથા પરાક્રમશાળી પૌરાણિક કાળની આ કથા તથા એને અનુરૂપ કળાકૃતિમાંથી પ્રજા પાર વિનાની પ્રેરણા મેળવી શકે તેમ છે. પ્રસંગો પુરાતન થતા જાય છે, પરંતુ પ્રેરણા હમેશાં નવી જ રહે છે. નિત્યનવી. ફક્ત એ ઝીલાતી રહેવી જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.