Wednesday, September 30, 2020

કયામત અને કાંકરા

શીખ ધર્મના મહાન સંસ્થાપક ગુરૂ નાનકની બીજાને ઉપદેશ આપવાની પદ્ધતિ કેટલી બધી વિલક્ષણ અથવા તો અસરકારક હતી ? જે તત્વોનો એ ઉપદેશ આપતા તે તત્વો કે સિદ્ધાંતો એમનાં પોતાના જીવનમાં મૂર્ત થયેલાં કે વણાઈ ગયેલા હતા, એટલે જ એ બીજાનાં હૃદય સોંસરા ઊતરી જતા, અને બીજાની કાયાપલટ કરવાની શક્તિ ધરાવતાં. એમનો ઉપદેશ કોઈ વિદ્વાનનો વિદ્વતાભર્યો વાણીવિલાસ અથવા વ્યાપાર નહોતો. પંડિત કે ઉપદેશકની પેઠે લોકરંજન કરીને કોઈ લૌકિક વસ્તુ મેળવવા માટેની એની પાછળ કોઈ લાલસાયે નહોતી. એની પાછળ તો એમની નિઃસ્વાર્થ લોકહિતની ભાવના અને એમના વિશાળ અનુભવનું પીઠબળ હતું. એટલે જ એ ઉપદેશ આટલો બધો પ્રાણવાન પુરવાર થતો હતો. 

નાનકદેવની ઉપદેશ આપવાની પદ્ધતિમાં એક બીજી પણ નોંધપાત્ર વિશેષતા હતી. એ અત્યંત સરળ રીતે, સહજતાપૂર્વક અને એકસરખું સામ્ય ધરાવતાં ઉદાહરણોનો આધાર લઈને ઉપદેશ આપતા. એને લીધે એમની ઉપદેશપદ્ધતિ ધાર્યા કરતાં બહુ જ રોચક તો થતી જ પરંતુ ધાર્યું પરિણામ પણ લાવી શકતી. અને એ પણ ધાર્યા કરતાં થોડા સમયમાં ને અત્યંત સહેલાઈથી.

એ બાબતમાં એમને ભગવાન બુદ્ધની સાથે સરખાવી શકાય.

નાનકદેવે ચારથી પાંચ વાર સમસ્ત ભારતનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસ દરમિયાન એમને ભિન્નભિન્ન રૂચિ ને પ્રકૃતિના લોકોનો મેળાપ થયો હતો. એમાંના કેટલાયના જીવન પર એમણે ઉંડી અસર પહોંચાડી હતી અને કેટલાયને પ્રકાશ પૂરો પાડી, કેટલાયના જીવનપ્રવાહને પલટાવવામાં અમૂલ્ય ભાગ ભજવ્યો હતો.

એ હકીકતની પૃષ્ટિ માટે એક નાનકડો પ્રસંગ કહું છું.

પોતાની ભારતયાત્રા દરમિયાન, ભારતીય પ્રજાનાં અંતર સાથે એકતાનો અનુભવ કરતા ગુરૂ નાનક એક વાર ફરતાં ફરતાં મદીના થઈને બગદાદ ગયા. તે વખતે બગદાદ ખલીફાની રાજધાની હતું.

તે વખતે જે ખલીફા હતો તે ભારે દુરાચારી, અન્યાયી અને ક્રૂર હતો. અધર્મ અથવા અનીતિ અને જોરજુલમથી ગરીબ પ્રજાને રંજાડીને તે ધન ભેગું કરતો.

નાનકદેવ બગદાદમાં આવ્યા છે એવું જાણીને એ એમનાં દર્શન માટે ગયો.

નાનકદેવે ખલીફા પોતાને મળવા માટે આવી રહ્યો છે એવી માહિતી મળતાં પહેલાંથી પોતાની પાસે સો કાંકરા એકઠાં કરી રાખ્યાં.

ખલીફે કાંકરા જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું, ને પૂછ્યું, 'આ કાંકરા શા માટે ભેગા કર્યા છે ?’

નાનકે સ્મિત કરીને ઉત્તર આપ્યો, 'એ તો તમને અનામત આપવા માટે એકઠા કર્યા છે.’

ખલીફને થયું કે નાનક મશ્કરી કરે છે એટલે એણે પણ મશ્કરીમાં જ કહ્યું : 'તમારી અનામત પાછી ક્યારે લઈ જશો ?’

'મારે એને પાછી લેવાની કશી ઉતાવળ નથી. જુઓ કયામતને દિવસે હું તમે હશો ત્યાં જ હોઈશ. તે વખતે આ કાંકરા લેતા આવજો.  હું પાછા લઈ લઈશ. નાનકે કહ્યું.

ખલીફને હવે ખાતરી થઈ કે નાનક મશ્કરી નથી કરતા. એટલે એ ગંભીર થઈને બોલ્યો : 'કયામતને દિવસે આને સાથે લઈ જવાય ?’

ગુરૂ નાનક બોલ્યા, 'ખલીફસાહેબ ! એ તો મને ય ખબર છે કે કયામતને દિવસે કોઈ કશું નથી લઈ ગયું, ને નથી લઈ જતું, બધા ખાલી હાથે જ જાય છે. પરંતુ તમે આટલો બધો પરિશ્રમ કરીને આટલું બધું ધન ભેગું કરી રહ્યાં છો તે કાંઈ અહીં જ થોડું છોડી દેવાના છો ? તે તો તમારી સાથે જ લઈ જશો ને ? એટલે મને થયું કે આ સો જેટલા કાંકરા પણ તમારે ત્યાં જમે રાખું, તો તમારું બધું ધન જ્યારે તમે મૃત્યુ પછી તમારી સાથે લઈ જાવ ત્યારે આ કાંકરા પણ તેની સાથે ચાલ્યા જાય. તમારા આટલાં બધાં ધનની સાથે આટલા કાંકરા તો સહેલાઈથી ચાલ્યા જશે. તે તમને કાંઈ ભાર નહિ કરે. કારણ કે તે છે પણ ખૂબ જ હલકા.

ખલીફ સમજી ગયા કે નાનક સાચું કહે છે. મેં અત્યાર સુધી જૂઠ, કાવાદાવા, છળકપટ, અનીતિ અને અત્યાચારથી જે ધનભંડાર એકઠો કર્યો છે, તે તો અહીં ને અહીં જ પડ્યો રહેવાનો છે. એમાંથી એક કોડી પણ સાથે નથી આવવાની.

એના હૃદયમાં પ્રકાશ પ્રકટ્યો અને એનું જીવન ફરી ગયું. એ ચેતી ગયો. જાગ્રત થયો.

પોતાની તમામ લક્ષ્મી એણે ગરીબોમાં વહેંચી દીધી, અને પોતે પરમાત્માનું સ્મરણ કરતો, પ્રમાણિકતાથી જીવન જીવવા માંડ્યો.

ગમે તેવાં સાધનોથી ધનનો સંગ્રહ કરનારા આ પ્રસંગથી ચેતશે ખરા ? પુરાણી રીતરસમનો ત્યાગ કરીને તે ધનને બીજાની સેવાના કામમાં લગાડશે ? તો તે તેમને તથા બીજાને માટે લાભકારક થશે, નહિ તો...તેની કલ્પના કરી લેજો.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok