સ્ત્રીઓએ પડદા પાછળ રહીને પુરૂષોને મહાન કાર્યો કરવાની પ્રેરણા પૂરી પાડી છે, તે તમે જાણો છો ? કદાચ નહિ જાણતા હો. અને જાણતા હશો તો જેટલી ગંભીરતાથી જાણવું જોઈએ એટલી ગંભીરતાથી નહિ જાણતા હો. સંસારે પુરૂષોને જાણ્યા છે, પૂજ્યા છે, અથવા એમની પ્રશસ્તિ પણ કરી છે, પરંતુ એમના ઘડતરમાં અગ્રભાગ ભજવનારી સન્નારીઓની સ્મૃતિઓ ભાગ્યે જ કરી છે. અને એ વાતની નોંધ પણ ભાગ્યે જ લીધી છે કે એમનો હિસ્સો એમનાથી અધિક હતો. ક્યાંક મદાલસા બનીને તો ક્યાંક ધ્રુવની માતા સુનીતિ થઈને, ક્યાંક જીજાબાઈ બનીને તો ક્યાંક કસ્તુરબા થઈને, અને ક્યાંક શારદામણિદેવીનાં રૂપમાં પ્રકટીને ક્યાંક ગોપીચંદની માતા મેનાવતી થઈને, એણે જે ઈતિહાસ સર્જ્યા છે, એ અમુલખ છે, અસાધારણ છે, અવર્ણનીય છે, અનુપમ છે અને અમર છે. એ ઈતિહાસને યાદ કરીને આપણને આનંદ થાય છે, તેમ જ સ્ત્રીશક્તિના ચરણોમાં નમસ્કાર કરવાનું મન થઈ આવે છે.
ભારતના સ્ત્રીચરિત્રના અખૂટ રત્નભંડારમાંથી આજે એક એવી જ પ્રતાપી સ્ત્રીનું આપણને સ્મરણ થાય છે. એ સાચેસાચ એક અણમોલ રત્ન છે. અને એનું નામ રત્નાવલી છે.
રત્નાવલી ? હા. રત્નાવલી.
પરંતુ કયી રત્નાવલી તે જાણો છો ? તુલસીકૃત રામાયણના રચયિતા સંત તુલસીદાસની ધર્મપત્નિ રત્નાવલી. તમારામાંના કેટલાક તો એ સન્નારીના નામથી પણ અનાભિજ્ઞ હશે.
લો ત્યારે એની કથા કહું. સંક્ષિપ્ત કથા.
કહે છે કે તુલસીદાસે કાશીમાં રહીને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એમના વિદ્યાગુરૂ સ્વામી નરહરાનંદ પાસેથી. પછી તીર્થયાત્રાની પૂર્ણાહુતિ કરીને પોતાના ગામમાં આવ્યા અને એ નાના સરખા રાજાપુર ગામમાં રહેવા માંડ્યા. ત્યાં એમનું લગ્ન થયું. લગ્ન પછી એ એમની પત્ની રત્નાવલીના એવા તો મોહમાં પડ્યા કે વાત નહિ. એ મોહિનીમાં એ શાસ્ત્રોને, વિધિવિધાનને, તથા કર્મધર્મને પણ ભૂલવા માંડ્યા. રત્નાવલીનું મુખ જોઈને વધારે ભાગે એની પાસે જ રહેવા લાગ્યા. રત્નાવલીના વિરહને વેઠવાનું એમને માટે મુશ્કેલ બન્યું. રત્નાવલીનો એક ક્ષણનો વિયોગ પણ એ ના વેઠી શકતા. કોઈ કામ પ્રસંગે ક્યાંક બહારગામ જવાનું થતું તો પણ વહેલા પાછા આવી જતા. કામની મોહિની એવી અજબ છે. એણે મોટા મુનિવરોને પણ મહાત કર્યા છે. તો એની પાસે સંત તુલસીદાસનો શો હિસાબ ? અલબત્ત, એ વખતે તુલસીદાસ સંતશિરોમણી નહોતા બન્યા. એમની શક્તિઓ હજુ સુષુપ્ત દશામાં હતી. એ માત્ર વિદ્વાન કે પંડિત જ હતા.
એકવાર તુલસીદાસ કામ પ્રસંગે બહારગામ ગયેલા ત્યારે રત્નાવલીનો ભાઈ એને તેડવા આવ્યો, ને રત્નાવલી એની સાથે પોતાને પિયર જવા વિદાય થઈ. તુલસીદાસ કામકાજથી નિવૃત્ત થઈને ઘેર આવ્યા ત્યારે એમણે પોતાની પ્રાણપ્રિયા રત્નાવલીને ના જોઈ. બસ પછી તો કહેવું જ શું ? એ ભારે વિષાદમગ્ન બની ગયા. જે ઘર નંદનવન જેવું લાગતું હતું તે એમને માટે સ્મશાન સમું થઈ પડ્યું. એમાં રહેવાનું તો શું, શ્વાસ લેવાનું પણ એમને અકારું લાગ્યું. એ તો રત્નાવલીની પાછળ પાછળ એને ઘેર જવા ઊપડ્યા.
રત્નાવલી જમી-કરીને ઘરના સભ્યો સાથે વાર્તાલાપ કરતી બેઠી’તી ત્યાં તો તુલસીદાસે બારણું ખખડાવ્યું. રત્નાવલી તુલસીદાસને જોઈને બધું સમજી ગઈ. બીજાં બધાં પણ સમજી ગયાં. સૌએ યથાયોગ્ય સત્કાર કર્યો.
રાતે રત્નાવલી એકલી પડી ત્યારે એણે તુલસીદાસને પૂછ્યું, આજે જ મારી પાછળ આવવાનું કારણ ?
તુલસીદાસે ઉત્તરમાં કહ્યું, તારો મોહ, તારી સુંદરતા, તારી મધુરતા. તારા શરીરનો આસ્વાદ એવો અજબ છે કે હું એના વિના રહી જ નથી શકતો. તું જાણે છે
ધિક્કાર છે તમને, રત્નાવલીએ કહ્યું: મારા શરીરમાં એવું શું છે કે તમે પંડિત થઈને આટલા બધા મોહાયા છો ? આ શરીર હાડમાંસનું પૂતળું છે, ગંદકીનું ઘર છે. તેમાં રહેલા આત્માને લીધે જ એ આકર્ષક લાગે છે. એ આત્માને બદલે તમે શરીરમાં જ આસક્ત થયા છો તે ભારે દુઃખદ છે, ભારે શરમજનક. મારા શરીરની પ્રીતિ કરવાને બદલે એ પરમાત્મામાં તમે સો મા કે હજારમા ભાગની પણ પ્રીતિ કરી હોત, તો તમારું જીવન ધન્ય બની જાત. હજુ પણ જાગો, ને આ પંચમહાભૂતના શરીરના મોહનો પરિત્યાગ કરીને, પરમાત્મામાં પ્રીતિ કરો. ક્યાં ગઈ તમારી પંડિતાઈ ?’
બીજાને આ જાતનો ઉપદેશ આપનારા, અને ઉપદેશ સાંભળીને રીઢા થઈ ગયેલા, બધા જ કાંઈ એને જીવનમાં ઉતારે છે એવું થોડું છે ? પરંતુ તુલસીદાસના પૂર્વસંસ્કાર પ્રબળ હતા. વાલ્મિકી જેમ નારદના સદુપદેશથી જાગી ઊઠ્યા હતા, તેમ રત્નાવલીના શબ્દોથી એમનો અંતરાત્મા જાગી ઊઠ્યો. પ્રભાતનો પ્રકાશ થતાં જ એમણે રત્નાવલીને પ્રણામ કર્યા ને કહ્યું, ‘હવે હું પરમાત્મામાં પ્રીતિ કરવા માટે વિદાય લઉં છું.’
સ્ત્રી તો આભી જ બની ગઈ. છતાં પ્રસન્ન થઈ. ઘરના માણસોનો આગ્રહ નકામો ગયો. તુલસીદાસ વાલ્મિકી રામાયણની પોથી લઈને નીકળી પડ્યા.
પછી તો ચિત્રકૂટમાં રહીને એમણે શ્રીરામનાં દર્શન કર્યાં ને શાંતિ મેળવી.
રત્નાવલીએ પણ ઘરમાં રહીને ઈશ્વરભક્તિમાં મન જોડી દીધું. તુલસીદાસની જેમ રત્નાવલીએ પણ દોહા ને પદ લખ્યાં છે. એ જાણવા જેવું છે.
ધન્ય નારી ! તેં આવા કેટકેટલા પુરૂષોને મહાપદ પર પ્રતિષ્ઠિત કર્યા ? એમનાં સ્મારક થાય છે. પરંતુ તારાં સ્મારક કોઈ કરશે ખરું ? તને અનુરાગની અંજલિ પણ ધરશે ? યાદ કરશે ?
- શ્રી યોગેશ્વરજી

