if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બદરીનાથના મંદિરની બરાબર સામે, તપ્તકુંડની સીધી દિશામાં અલકનંદા નદીની પેલી પાર, એક નાનકડી શિલા પર આજથી થોડાંક વરસ પહેલાં એક વિતરાગ, કૃતકામ, જીવનમુક્ત, મહાપુરૂષ બેસતા. તેમનું નામ સિદ્ધ બાબા સુંદરનાથજી. જમીનને અડે એવી લાંબી જટા, નાનકડી દાઢી, કાળુ મેશ જેવું છતાં દૈદીપ્યમાન શરીર અને તદ્દન નગ્ન વેશ, એ એમની વિશેષતા હતી. બદરીનાથની ભીષણ ઠંડીમાં એ એક પણ કપડું ન પહેરતાં, લંગોટ પણ નહિ. વરસાદની ઝડીઓ વરસતી હોય કે હિમવર્ષા થતી હોય તો પણ એક જ સ્થાને બેસી રહેતા. કોઈએ એમને ઊઠતા નથી જોયા, ચાલતા નથી જોયા, કે સૂતા નથી જોયા. બદરીનાથનું મંદિર ઊઘડે ત્યારે એ એજ શિલા પર અર્ધપદ્માસનમાં બેઠેલા દેખાતા, તે મંદિર બંધ થતાં લગી દિવસે કે રાતે ત્યાંથી ઊઠતા જ નહિ.

જાણે કે મંદિરની અંદરના નરનારાયણ ભગવાન પોતે જ એ સિદ્ધ યોગીનું સ્વરૂપ ધારણ કરીને ન બેઠા હોય ? કે પછી ભારતવર્ષની ભવ્ય યોગીપરંપરાના શ્રેષ્ઠ સ્મૃતિચિહ્ન સમા કોઈ પૂર્ણકામ એ અલૌકિક ધામમાં પ્રકટ ન થયા હોય ? કોઈ ધન્ય ક્ષણે એકાએક આંખ ઉઘાડતા. બાકી આંખ બંધ કરીને દિવસો સુધી ઊંડી સમાધિ દશામાં લીન થઈને બેસી રહેતા. લોકો એમના દર્શનથી ધન્ય થતા. જિજ્ઞાસુ ને ભાવિક જનો એમની ઝાંખી કરીને જીવનની કૃતાર્થતાનો અનુભવ કરતા ને હિમાલયના પાવન પ્રદેશની કષ્ટમય યાત્રાને સફળ સમજતા. કેટલાક સાધકો એમની સંનિધિમાં કલાકો લગી બેસી રહીને ધ્યાનધારણા જેવી અંતરંગ સાધનાનો પણ આધાર લેતા.

ખાવાપીવાની પરવા પણ એ મહાપુરૂષને ક્યાં હતી ? ભક્તો એમની આગળ ફળ, મીઠાઈ તથા ભોજનના ભાતભાતના પદાર્થો ધરતા, પરંતુ સુંદરનાથને એમની સામે જોવાની પણ ક્યાં ફુરસદ હતી ? એમની સામે એ દૃષ્ટિપાત પણ ન કરતા. બદરીનાથના પંડાઓ ને ભક્તો એને પ્રસાદ માનીને લઈ જતા. એમને રોજની ઉજાણી થતી. એટલા માટે તો ભક્તોનાં ટોળેટોળાં ત્યાં બેસી રહેતાં. કોઈ વાર સુંદરનાથજી એકાએક આંખ ઉઘાડતા ત્યારે ભક્તો આનંદમાં આવી જઈને ભોજન કરાવતા. એવે વખતે એ જેટલું અર્પણ કરવામાં આવે એટલું બધું જ ભોજન આરોગી જતા. અને પછી ઈચ્છાનુસાર આંખ મીંચી દેતા. કદી શૌચાદ પણ જતા નહિ. કોઈ કોઈ યાત્રીઓ ભીષણ ઠંડીમાં એમના શરીરની સુરક્ષા માટે એમને શાલ ઓઢાડતા. એ પણ પાછળથી પંડાઓ જ લઈ જતા, સુંદરનાથજી તો એને સ્પર્શ પણ ન કરતા.

એવા નિશ્ચલ ને સમાધિમગ્ન હતા એ યોગીશ્રેષ્ઠ મહાપુરૂષ. બ્રહ્માનંદના પરમ રસનું પાન કરીને પ્રશાંતિની પ્રતિમા બનીને બેઠેલા એ મહાયોગી બદરીનાથના અમુલખ આકર્ષણરૂપ હતા. લોકો એમની પાસે સાશંક દૃષ્ટિથી પણ આવતા, અને એમની અલૌકિક અવસ્થાને ન સમજી શકવાથી એમના સંબંધી જુદી જુદી વાતો પણ ફેલાવતા. તો પણ મોટા ભાગના લોકો તો એમને દેવતાતુલ્ય ને પૂજ્ય જ માનતા.

એકવાર નેપાલના રાજકુટુંબની એક સ્ત્રીએ બદરીનાથની યાત્રા દરમિયાન એમની મુલાકાત લીધી. એને એ મહાપુરૂષની કસોટી કરવાનું મન થયું. એથી એણે એમના સાથળ પર એક બળતું છાણું મૂકી દીધું. છાણું પોતાના કામ કરવા લાગ્યું. પરંતુ સુંદરનાથજી શાંત જ રહ્યા. થોડી વારમાં તો કેટલાક પંડાઓ ત્યાં ભેગા થઈ ગયા. એમણે શોરબકોર કરી મુક્યો, ને છાણું હઠાવી દીધું. સુંદરનાથની દશા જોઈને પેલી સ્ત્રી સમજી ગઈ કે સુંદરનાથજી એક અલૌકિક મહાપુરૂષ છે. એને પોતાના દુષ્કર્મને માટે અફસોસ થયો.

એટલી વારમાં તો સુંદરનાથજીએ આંખ ઉઘાડી. સ્ત્રીએ પગે પડીને માફી માગી. એના અંતરમાં પશ્ચાતાપનો અગ્નિ ભભૂકી ઊઠ્યો હતો, પરંતુ સુંદરનાથજી તો એવા જ નિર્વિકાર ને શાંત રહ્યા. નિમિષ માત્રમાં તો એમણે આંખ બંધ પણ કરી દીધી. પાછા સમાધિમાં ડૂબી ગયા.

સમાધિ પર સુંદરનાથજીનો સંપૂર્ણ કાબૂ હતો. કહો કે એમને માટે એ સહજ હતી. યોગની સિદ્ધિઓના એ સ્વામી બની ચૂક્યા હતા. એવા મહાપુરૂષ ધારે તો શું ન કરી શકે ? કોઈપણ પ્રકારની વિશેષ બાહ્ય પ્રવૃત્તિ વિના કેવળ સંકલ્પથી જ એ વ્યક્તિ તથા સમષ્ટિના જીવનક્રમમાં પરિવર્તન લાવી શકે, એક ઠેકાણે શાંતિપૂર્વક બેસીને કેટલેય ઠેકાણે ઈચ્છાનુસાર વિચરણ કે વ્યવહાર કરી શકે. એમની દૃષ્ટિ કરોડોને કાજે કલ્યાણકારક થાય. નરમાંથી નારાયણ બની ચૂકેલા એવા સમર્થ મહાપુરૂષના એક જ સંકેતથી કાયાપલટ થઈ જાય.

બદરીનાથના ધામમાં સુંદરનાથજી પ્રતિવર્ષ દેખાતા. પરંતુ એક વરસ રાબેતા મુજબ જ્યારે મંદિર ઊઘડ્યું ત્યારે લોકોએ એમને જોયા જ નહિ. એ ક્યાં ગયા તેની કોઈને ખબર જ ન પડી. બદરીનાથની બહાર વસુધારા ને સ્વર્ગારોહણ સુધી તપાસ કરી, પરંતુ એ દેખાયા જ નહિ. છેવટે લોકોએ માન્યું કે એ ક્યાંક અદૃશ્ય થઈ ગયા છે.

જે જગ્યાએ એ બેસતા ત્યાં એમના અદૃશ્ય થયા પછી એક નાનું સરખું ઝાડ થઈ ગયું છે. બદરીનાથની ભૂમિમાં બીજે ક્યાંય ઝાડ નથી ત્યારે એ ઝાડની ઉપસ્થિતિ ભારે વિસ્મયકારક લાગે છે. કોઈક વાર બદરીનાથની યાત્રા કરો તો એ ઝાડનું દર્શન કરજો. પંડાઓ તમને સુંદરનાથજીની સ્મૃતિકથાઓ પણ કહી સંભળાવશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.