if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શ્રીમદ્ ભાગવતના દસમા સ્કંધમાં શ્રીકૃષ્ણ લીલાની અંતર્ગત કુબ્જાની સુંદર, રસમય, બોધપ્રદાયક કથા છે.

કુબ્જા એના નામ પ્રમાણે કૂબડી, ખૂંધવાળી, સ્ત્રી હતી. કંસને ત્યાં રોજ ઉખટન અથવા ચંદનાદિ શરીરલેપનની સામગ્રી પહોંચાડવાનું એનું કામ હતું.

એ પ્રમાણે એ કંસની પાસે જવા માટે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ એને માર્ગમાં મળ્યા. એમને જોઈને એમના અસાધારણ સૌન્દર્યરસનું પાન કરતી એ એમની આગળ ઊભી રહી, તો ભગવાન કૃષ્ણે એને સ્મિત સાથે કહ્યું : સુંદરી, તું ક્યાં જાય છે અને આ સામગ્રી ક્યાં લઈ જાય છે ?

કુબ્જાએ પોતાની કથની કહી બતાવી એટલે શ્રીકૃષ્ણ અને બલરામે એનું લેપન લઈ લીધું.

પોતાના શરીરને ચંદનાદિથી ચર્ચિત કરીને શ્રીકૃષ્ણ કુબ્જાની આગળ ઊભા રહ્યા અને એને ખિન્નવદના જોઈને કહેવા માંડ્યા : તું કોઈ પ્રકારની ચિંતા ના કર. તારું બધી રીતે મંગલ થશે.

એ પછી એમણે કુબ્જાના પગ પર પોતાનો પગ મૂકીને એની હડપચીએ હાથ લગાડીને એની હડપચીને ઊંચી કરી તો ઊંડા આશ્ચર્ય સાથે કુબ્જાનું શરીર સીધું થઈ ગયું. એને જન્મની ખોડ ટળી ગઈ, અને એ અત્યંત સૌન્દર્યવતી બની ગઈ.

વિસ્મિત બનેલી કુબ્જાએ પોતાને આવી આકસ્મિક રીતે અવનવો આકાર આપનારા ભગવાન શ્રીકૃષ્ણના વાસ્તવિક સ્વરૂપનો પરિચય પામીને પોતાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરી પ્રાર્થના કરતાં કહેવા માંડ્યું : મારી ઉત્કટ ઈચ્છા છે કે તમે મારા અતિથિ બનો, અને તમે કરેલા આ અદભુત અનુગ્રહના બદલામાં તમારી સેવા કરવાનો મને અવસર આપો.

ભગવાને કહ્યું કે હાલ તો કંસના નાશનો જ વિચાર મારા મનમાં રમી રહ્યો છે. એ જ કર્તવ્યથી પ્રેરિત થઈને હું અહીં આવ્યો છું. પરંતુ તારા પ્રેમાગ્રહને માન આપીને કંસને માર્યા પછી હું તારો અતિથિ અવશ્ય બનીશ.

પ્રસન્ન તથા સંતુષ્ટ કુબ્જા એ પછી ચાલી નીકળી.

ભાગવતનો એ પ્રસંગ શું સૂચવે છે ? ઝીણવટથી વિચારતાં એની અંદર ઊંડો સાર દેખાયા વિના રહેશે નહિ.

એક સારાંશ તો એ છે કે જીવ જ્યાં લગી સંસારના વિષયોને લેપન લગાડે છે, એને માટે પોતાની સામગ્રી સમર્પિત કરે છે, ત્યાં સુધી કૂબડો, કંગાળ કે દુઃખી રહેવાનો. એણે સુખી થવું હોય ને બધી રીતે ધન્ય બનવું હોય તો ઈશ્વરવિમુખ થવાને બદલે ઈશ્વરાભિમુખ બનીને, પોતાના જીવનનું સમગ્ર ધન, પોતાની પૂજા, સેવા ને પ્રસન્નતાની સમસ્ત સામગ્રી, ઈશ્વરનાં શ્રીચરણોમાં સમર્પિત કરવી જોઈએ, અને ઈશ્વરની આરાધના કરવી જોઈએ. ત્રિગુણાત્મિકા પ્રકૃતિના પાશથી પરવશ થયેલો જીવ અહંતા, મમતા તથા આસક્તિનો શિકાર થયો છે. એ જ એની ખૂંધ કે ખોડ છે. એ ખોડ ક્યારે દૂર થાય ? જીવમાત્રના મૂલાધાર, સૌને આકર્ષનારા, ઈશ્વરનું શરણ લેવામાં આવે અને અનુગ્રહના અધિકારી થવાય ત્યારે.

બીજો સારાંશ પણ સમજવા જેવો છે. કુબજાના આમંત્રણનો કામચલાઉ અસ્વીકાર કરીને ભગવાન શ્રીકૃષ્ણ પોતાના કર્તવ્યના અનુષ્ઠાન માટે તત્પર થયા એ શું બતાવે છે ? એજ કે તે વિષયી ન હતા, મોહાંધ ન હતા. લંપટ ન હતા, કામી ન હતા, અને પોતાના જીવનધ્યેય પ્રત્યે હમેશાં જાગ્રત હતા. અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ એમને ગાફેલ કે પ્રમાદી નહોતી બનાવી શકતી. એ યોગીના પણ યોગી તથા જ્ઞાનીના પણ જ્ઞાની હતા. અનાસક્ત પુરૂષ આ જગતમાં જળમાંના કમલદળ જેમ અલિપ્ત રહે છે અને પોતાની વૃત્તિને આત્મકેન્દ્રિત રાખે છે એવા ગીતાસંદેશના એ સાકાર સ્વરૂપ સરખા હતા. જે શીખવ્યું તેવું જ જીવન એમણે જીવી બતાવ્યું હતું. સામાન્ય મનુષ્યોએ કર્તવ્યનિષ્ઠાથી ભરેલા એમના અનાસક્ત જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. 

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.