if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શીખ ધર્મના મહાન સંસ્થાપક ગુરૂ નાનકદેવે પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કેવી રીતે કરી તે વાત ખાસ જાણવા જેવી છે. મનુષ્યોનું માપ કાઢવાની એમની શક્તિનો એથી પરિચય મળે છે.

જીવનના છેલ્લા દિવસોમાં કરતારપુરમાં રહીને એ ઈશ્વરપરાયણ શાંત જીવન વ્યતીત કરી રહ્યા હતા ત્યારે પોતાના મહાપ્રયાણનો સમય નિકટ જાણી કોઈક ઉત્તરાધિકારીની નિયુક્તિનો એમણે નિર્ણય કર્યો. પોતાનો નિર્ણય એમણે બીજાને જણાવ્યો તો બીજાએ એમના બે પુત્રોમાંથી એકને ઉત્તરાધિકારી બનાવવાની સલાહ આપી. પરંતુ એ સલાહ એમને એટલા માટે પસંદ ના પડી કે ગુરૂગાદીને એ વંશપરંપરાગત કરવા માગતા નહોતા. એમને તો સુયોગ્ય સત્પુરૂષના હાથમાં જ ગાદી સોંપવાની ઈચ્છા હતી.

એવા કોઈ સુયોગ્ય સૂત્રધારની શોધ એમણે શરૂ કરી.

થોડા વખતમાં તો એક બનાવ બન્યો. ગુરૂ નાનકદેવની પથારી પર મરેલો ઉંદર પડ્યો.

નાનકદેવે પોતાના પુત્રોને એ ઉંદરને ઉઠાવીને ફેંકી દેવાનો આદેશ આપ્યો તો તેમણે નોકરને બોલાવવા બૂમ પાડી. પરંતુ નાનકનો શિષ્ય લહનો તે વખતે ત્યાં પાસે જ હતો. તેણે નાનકનો આદેશ સાંભળીને તરત જ ઉંદરને ઉપાડીને દૂર ફેંકી દીધો.

એ વાતને થોડોક વખત વીતી ગયો ત્યાં તો એક બીજો પ્રસંગ બની ગયો. નાનકદેવનો પથ્થરનો પ્યાલો એક ખાબોચિયામાં પડી ગયો. પુત્રોએ તેને કાઢી આપવા માટે નોકરને સાદ પાડ્યો. એ પોતાની મેળે કશું જ કરવા તૈયાર ન થયા. પણ પાસે ઉભેલા લહનાએ કપડાં બગડવાની પરવા કર્યા સિવાય ખાબોચિયામાં તરત કૂદી પડીને પ્યાલાને બહાર કાઢ્યો.

એ પછી ત્રીજો બનાવ બન્યો. નાનકદેવે શિકારીનો વેશ લઈને પોતાના સાચા શિષ્યોને પોતાની સાથે આવવા કહ્યું.

બહુ જ થોડા શિષ્યોએ નાનકનો સાથ કર્યો.

બધા આગળ ચાલ્યા તો રસ્તામાં તાંબાના સિક્કા મળ્યા. કેટલાકનું મન એ જોઈને લલચાયું અને એ સિક્કા લઈને એ પાછા વળ્યા.

થોડેક આગળ જતાં ચાંદીના સિક્કા અને પછી સોનાના સિક્કા મળ્યા. થોડાક શિષ્યો એ લઈને પાછા વળ્યા. હવે નાનકદેવ તથા લહનાની સાથે બીજા ત્રણ જણ જ બાકી રહ્યા.

એ બધા આગળ ચાલ્યા ત્યાં ઘોર સ્મશાન આવ્યું. ત્યાં કોઈ મડદું પડેલું. નાનકે કહ્યું : જેને મારી સાથે આવવું હોય તે આમાંથી થોડુંક ભક્ષણ કરે.

બીજા કોઈની હિંમત ના ચાલી, પણ લહનો તૈયાર થયો. ગુરૂનું નામ લઈને એણે મડદાની ચાદર ખસેડી નાખી.

ત્યાં તો સૌના આશ્ચર્યનો પાર ના રહ્યો. મડદાની જગ્યાએ દૈવી ભોજન હતું.

નાનકદેવે તે ભોજન સૌને વહેંચી આપ્યું.  

પાસે ઉભેલા સૌએ લહનાની ગુરૂભક્તિ તથા શ્રદ્ધા અને સમર્પણ ભાવનાની પ્રશંસા કરી. સૌએ એની સર્વોત્તમતાને માન્ય રાખી. સૌએ સ્વીકાર્યું કે સાચો શિષ્ય લહના જ છે.

નાનકદેવે કરેલી કસોટી પૂરી થઈ. નાનકદેવ લહનાને ભેટી પડ્યા.

લહનાને એમણે અંગદ નામ આપ્યું, અને એના મસ્તક પર છત્ર મૂકી એને ગુરૂ માનીને પ્રણામ કર્યાં.

નાનકદેવ પછી ગુરૂગાદીને સંભાળનાર બીજા ગુરૂ અંગદદેવ તરીકે એ લહનો જ અમર બન્યો છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.