if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મૃત્યુના પ્રખર પાશમાંથી કોઈ છૂટી શકે છે ખરૂં ? સામાન્ય માનવ એમાંથી છૂટવાના ગમે તેટલા પ્રયાસ કરે તો પણ તે નિષ્ફળ જ જવાના. કાળ એક અથવા બીજી રીતે ગમે તેમ કરીને રસ્તો કરવાનો જ. ભૂતકાળમાં એને માટેના પ્રયાસનું પરિણામ ઘણું કરૂણ આવ્યું છે. તેની પ્રતીતિ માટે ભાગવતના સાતમા સ્કંધમાં આલેખવામાં આવેલો હિરણ્યકશિપુનો ઈતિહાસ જાણવા જેવો છે.

હિરણ્યકશિપુએ પોતાને અજર, અમર તથા સર્વોપરી સમ્રાટ બનાવવા ઉદ્દેશથી પ્રેરાઈને, મંદરાચલ પર્વતની કંદરામાં જઈને ભયંકર તપ કરવાનો આરંભ કર્યો. આકાશ તરફ દૃષ્ટિ લગાવી, હાથ ઊંચો કરી, પગના અંગુઠાના આધાર પર ઉભા રહીને અત્યંત ઉત્સાહ તથા લગનપૂર્વક પોતાનું તપ એણે ચાલુ રાખ્યું. વધી ગયેલી જટાને લીધે એ પ્રલયકાળના સૂર્ય જેવો દેદીપ્યમાન દેખાવા માંડ્યો.

એની તપશ્ચર્યાની પ્રખરતાના પરિણામ રૂપે, એના કપાળમાંથી ધૂમ્રયુક્ત તપોમય અગ્નિ ઉત્પન્ન થયો. એ અગ્નિ સમસ્ત સૃષ્ટિમાં ચારે તરફ ફેલાવા લાગ્યો. દિશાઓ એથી કંપવા લાગી, પૃથ્વી હાલવા માંડી, નદી અને સાગરમાં ખળભળાટ પેદા થયો, તથા ગ્રહનક્ષત્રો તૂટવા માંડ્યા. એવા બધા ઉત્પાતથી ચિંતાતુર બનીને દેવતાઓ બ્રહ્માની પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા કે હિરણ્યકશિપુના તપના પ્રભાવથી અમે સંતપ્ત થયા છીએ. એના તપથી સૃષ્ટિનો નાશ થશે. એના સંકલ્પને તમે જાણો છો. તપ તથા યોગબળ દ્વારા એ તમારી પેઠે સત્યલોકમાં નિવાસ કરવા અને અમર બનવા માંગે છે. વળી જગતમાં આતંક ફેલાવવાની પણ એની ઈચ્છા છે. માટે એ વિષયમાં તમને યોગ્ય લાગે તેમ કરો એવી અમારી પ્રાર્થના છે.

દેવતાઓની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી હિરણ્યકશિપુના આશ્રમ પર આવ્યા.

ઉધઈ, વાંસ તથા ઘાસને લીધે ઢંકાઈ ગયેલા હિરણ્યકશિપુને લાંબે વખતે શોધી કાઢીને બ્રહ્માએ કહ્યું : તારૂં તપ સફળ થયું. તારૂં કલ્યાણ હો. હું તને પ્રસન્ન થઈને વરદાન આપવા માટે આવી પહોંચ્યો છું, તો વરદાન માગી લે. સો દિવ્ય વરસો સુધી પાણીનો પણ ત્યાગ કરીને કરાયેલું આવું પ્રખર તપ ભૂતકાળમાં કોઈએ નથી કર્યું ને ભવિષ્યમાં કોઈ કરશે નહિ. મારા જેવા અમર દેવતાનું દર્શન કદાપિ વ્યર્થ નથી જતું.

એમ કહીને બ્રહ્માજીએ એના શરીર પર પોતાના કમંડલનું પવિત્ર પાણી છાંટ્યું કે તરત જ એનું આખું સ્વરૂપ બદલાઈ ગયું. હિરણ્યકશિપુ તન, મન ને ઈન્દ્રિયોની અસાધારણ શક્તિથી સંપન્ન વજ્ર જેવો દૃઢ તથા સંતપ્ત સુવર્ણ જેવો સુંદર નવયુવક બની ગયો. બ્રહ્માજીના દર્શનથી પરમ પ્રસન્ન બનીને પૃથ્વી પર મસ્તક મૂકીને એણે પ્રણામ કર્યા, અને સ્તુતિ કરવા માંડી.

સ્તુતિને સંપૂર્ણ કર્યા પછી એણે કહેવા માંડ્યું કે હે પ્રભુ, તમે મને ઈચ્છાનુસાર વરદાન આપવા ઈચ્છતા હો તો એ જ વરદાન આપો કે તમારા પેદા કરેલા કોઈ પણ પ્રાણી દ્વારા હું ના મરું. અંદર કે બહાર, દિવસે કે રાતે, તમે પેદા કરેલા પ્રાણી વિનાના બીજા કોઈ જીવથી, અસ્ત્રશસ્ત્રથી, પૃથ્વી પર કે આકાશમાં, માનવથી કે પશુથી, અને જીવંત કે મૃત કોઈયે જીવથી મારું મૃત્યુ ના થાય. દેવ, દાનવ કે નાગ કોઈયે મને ના મારી શકે. કોઈ મારી સામે યુદ્ધમાં ટકી જ ના શકે. હું સૌનો એકમાત્ર અધીશ્વર બનું. લોકપાલોમાં જેવો મહિમા તમારો છે તેવો મહિમા મારો થાય, તથા તપ અને યોગાદિના પ્રભાવથી યોગીઓને જેવું અવિનાશી ઐશ્વર્ય મળે છે એવા અવિનાશી ઐશ્વર્યની પ્રાપ્તિ મને પણ થઈ જાય.

હિરણ્યકશિપુ પર બ્રહ્માજી અત્યંત પ્રસન્ન હોવાથી, એમણે એને એ બધાં જ વર આપી દીધાં.

હિરણ્યકશિપુ એ વરદાન મેળવીને પોતાના ભાઈના વધનું સ્મરણ કરીને ભગવાનનો દ્વેષ કરવા લાગ્યો. એણે અવનીમાં અધર્મ, અત્યાચાર અને આતંકનું વાતાવરણ ફેલાવી દીધું. પોતાના પુત્ર પ્રહલાદને હેરાન કરવામાં પણ બાકી ના રાખ્યું. પરંતુ મૃત્યુએ માર્ગ કાઢ્યો. ભગવાને નૃસિંહ રૂપ લઈને એનો નાશ કર્યો. એ વાત યાદ રાખીને માનવ નમ્રાતિનમ્ર બની, ઈશ્વરનું શરણ લઈ; સત્કર્મપરાયણ બને તો ? જીવન કેટલું સરસ અને સફળ બને ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.