if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઈશ્વરના એકનિષ્ઠ અને આદર્શ ભક્તનું મન શરદ ઋતુના આકાશ જેવું નિર્મળ હોય છે. એમાં દુર્ગણ કે દુષ્કર્મનો ડાઘ નથી હોતો. એને ગંગાના પારદર્શક પાણી સાથે સરખાવી શકાય. એ સરસ, સુમધુર અથવા સુધામય બની ગયું હોય છે.

પ્રહલાદનું મન એવું જ નિર્મળ હતું એ વાતની પ્રતીતિ શ્રીમદ્ ભાગવત પરથી સહેજે થઈ રહે છે. ઈશ્વરના દર્શન પછી એમણે જે ઉદ્ ગારો કાઢ્યા છે તે એમના મનની આદર્શ અને ઉચ્ચતમ અવસ્થાનું દર્શન કરાવે છે. ભગવતના સાતમા સ્કંધમાં એનો સ્પષ્ટપણે, પૂરેપૂરો, પરિચય થાય છે.

નૃસિંહ ભગવાને પ્રહલાદને ભાતભાતનાં વરદાન આપવાની ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે એ વરદાનોથી લેશ પણ પ્રભાવિત થયા વિના એમણે કહેવા માંડ્યું : ‘પ્રભુ, હું તો ભોગાસક્ત જીવ છું. આવાં આવાં વરદાનો આપીને મને વધારે પ્રલોભનમાં ના નાખશો. ભોગોની આસક્તિથી ગભરાઈને તથા ભોગોથી વિમુખ થઈને મોક્ષપ્રાપ્તિની એકમાત્ર ઈચ્છાથી હું તમારી પાસે આવી પહોંચ્યો છું. મને તો એવું લાગે છે કે તમે મારી પરીક્ષા કરવા માટે જ મને સંસારના મૂળ કારણરૂપ સાંસારિક ભોગો તરફ ખેંચી રહ્યા છો. જે ભક્ત તમારી પાસેથી કોઈ કામના પૂરી કરવાની ઈચ્છા રાખે છે તે તો ભક્ત નથી પરંતુ વ્યાપારી છે. હું તો તમારો નિષ્કામ ભક્ત છું, તથા તમે મારા નિઃસ્વાર્થ સ્વામી છો. તમે મને જો વરદાન આપવા માગતા હોય તો હું એ જ માગું છું કે મારા અંતરમાં ઈચ્છાઓના અંકુરનો ઉદય જ ના થાય. કારણ કે કામનાનો અંકુર ઉગતાંવેંત જ ઈન્દ્રિય, મન, પ્રાણ, દેહ, ધર્મ, ધૈર્ય, બુદ્ધિ, લજ્જા, શ્રી, તેજ, સ્મૃતિ તથા સત્યનો નાશ થઈ જાય છે. મનુષ્ય જ્યારે પોતાના મનની કામનાઓને છોડી દે છે ત્યારે જ ભગવદ્ ભાવની પ્રાપ્તિનો અધિકારી થાય છે.’

પ્રહલાદનાં વિવેકી વચન સાંભળીને નૃસિંહ ભગવાને કહ્યું : ‘તમારા જેવા મારા અનન્ય ભક્તો આલોક તથા પરલોકના કોઈ પણ ભોગની ઈચ્છા નથી રાખતા. તો પણ, મારી ઈચ્છા પ્રમાણે આ મન્વંતરની સમાપ્તિ પર્યંત તમે દૈત્યેશ્વરોના સમસ્ત ભોગોનો ઉપભોગ કરો. સૌ જીવોમાં મને હૃદયમાં ધારણ કરીને મારી કથા સાંભળતાં અને બધાં કર્મો મને અર્પણ કરતાં ભક્તિયોગનો આધાર લઈને મારી આરાધના કરતા રહો. એવી રીતે શરીર છૂટ્યા પછી તમારી પવિત્ર કીર્તિને સૃષ્ટિમાં ફેલાવીને, બધી જાતનાં કર્મબંધનમાંથી મુક્તિ મેળવીને છેવટે મને પ્રાપ્ત થઈ જશો.’

પરંતુ ભક્તની સાચી મહાનતા અને સહિષ્ણુતા તો હવે દેખાય છે. પોતાના પિતા હિરણ્યકશિપુને યાદ કરીને પ્રહલાદે કહેવા માંડ્યું : મારા પિતાએ અજ્ઞાનવશ થઈને તમારી નિંદા કરી છે તથા મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. તેના દોષમાંથી એમને મુક્તિ આપો.’

ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે ‘તમારા પિતા તો તમારા જેવા પવિત્ર પુત્રના પ્રકટવાથી પોતાની એકવીસ પેઢીઓના પિતૃઓ સાથે પવિત્ર થઈ ગયા. મારા શાંતચિત્ત, સમદર્શી સદાચારી ભક્તો કે સત્પુરૂષો જ્યાં નિવાસ કરે છે તે અપવિત્ર પ્રદેશ પણ એમને લીધે પવિત્ર થઈ જાય છે. મારા શરીરના સંસ્પર્શથી જ તમારા પિતા પવિત્ર થઈ ગયા છે. તમારા જેવા સુપુત્રના પિતા હોવાથી તે ઉત્તમ લોકોની પ્રાપ્તિ અવશ્ય કરી લેશે. હવે તમે પિતાની ઉત્તરક્રિયા કરો, અને રાજસિંહાસન પર બેસી વેદવાદી મુનિઓની આજ્ઞાનું પાલન કરી, મારામાં મન લગાડી બધાં કર્તવ્યો પૂર્ણ કરો.’

આ પ્રસંગ પરથી પ્રહલાદના હૃદયની વિશાળતાનો ને પવિત્રતાનો પરિચય થાય છે. ભક્તોએ અને બીજા મનુષ્યોએ આ પ્રસંગમાંથી ઘણું શીખવા જેવું છે. હૃદયની વિશાળતા ને પવિત્રતા ભક્તિનો મૂળભૂત મંત્ર છે, કહો કે પ્રાણ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.