if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

થોડા દિવસ પહેલાં હું ટ્રેઈનમાં મુસાફરી કરી રહેલો. દિલ્હીથી અમદાવાદની એ ટ્રેઈનમાં મારા ડબ્બામાં એક સદગૃહસ્થે અજમેર સ્ટેશનથી પ્રવેશ કર્યો. એમણે મારો ઉપલક પરિચય પૂછ્યા પછી અનેક પ્રકારની ફરિયાદો કરવા માંડી. એમણે કહ્યું કે દુનિયા ખૂબ જ બગડી ગઈ છે. જ્યાં જોઈએ ત્યાં અશાંતિ, અસ્વસ્થતા, અવ્યવસ્થા જ જોવા મળે છે. ક્યાંય સેવાધર્મનું દર્શન નથી થતું.

મેં એમને પૂછ્યું કે તમે એ અશાંતિ, અસ્વસ્થતા, અવ્યવસ્થા અને વિસંવાદિતાને દૂર કરવા માટે શું કરો છો ?

તેમણે ઉત્તર આપ્યો કે પ્રચાર. એ બધાની સામે જનમત જગાવું છું અને ઉહાપોહ મચાવું છું.

મેં તેમને પૂછ્યું કે એથી શું વળશે ?

તેમણે જણાવ્યું કે ક્રાંતિ થશે.

ક્રાંતિ થશે ?

હા, અને મને એથી શાંતિ થશે.

મેં એમને જણાવ્યું કે તેથી તો ઊલટી અશાંતિ પેદા થશે. અસંતોષની સમસ્યા ઉકલશે નહીં પરંતુ અકબંધ રહેશે. ઘરનું કોડિયું આજુબાજુ છવાયેલા અંધકાર સામે ઉહાપોહ કરે તો એથી શું વળે ? એ પોતે જ જો પ્રકાશવંતુ બને અથવા પોતાની જ્યોતિને જગવી દે તો ઘરમાં પ્રકાશ પથરાય. ઘરના અંધકારની સમસ્યા આપોઆપ ઉકલી જાય. તમારા પોતાના જીવનમાં શુદ્ધિ, સ્વસ્થતા, શાંતિ, સંતુષ્ટિ છે ખરી ? તમારી જીવનજ્યોતને તમે જાગ્રત કરી શક્યા છો ?

એમણે કહ્યું કે હું તો ઉપદેશક અથવા સુધારક છું. મારું કાર્ય સંસારને સુધારવાનું છે.

પરંતુ સંસારની સાથે સાથે તમારું જીવન પણ સુધરવું જોઈએ કે નહિ ?

એની ચિંતા હું કરતો નથી.

આ પ્રસંગ મેં એટલા માટે આલેખ્યો છે કે એવા માનવો આપણા જગતમાં અનેક મળે છે, જેમને બીજાને સુધારવાની ચિંતા છે, બીજાનો ઉદ્ધાર કરવો છે, પરંતુ પોતાનો ઉદ્ધાર નથી કરવો, પોતાની જાતની સુધારણા નથી સાધવી. એ બહાર બધે જ દોષદર્શન કરે છે પરંતુ પોતાની અંદર દૃષ્ટિપાત નથી કરતા. ત્યાં જે અલ્પતા, અશાંતિ, અવ્યવસ્થા, અશુદ્ધિ અને અસ્વસ્થતાનાં અનેકવિધ આવરણો ઊભાં થયાં છે, જે અતિ ગાઢ અંધકાર છવાયો છે, એનો ઈલાજ નથી કરતા; એ વિશે ગંભીરતાપૂર્વક નથી વિચારતા. એમનામાં પાંડિત્ય હોય છે, પરંતુ એનો ઉપયોગ પરોપદેશ માટે જ કરાતો હોય છે. એમની વિદ્વતા બીજાને માટે વપરાય છે, એમના પોતાના અભ્યુત્થાનનું સાધન નથી બનતી. એમની અશાંતિ, અશુદ્ધિ અને અવ્યવસ્થા એમને નથી સાલતી.

ગીતાની પરિભાષામાં કહીએ તો એમની અંદર કોરા પ્રજ્ઞાવાદનું દર્શન થાય છે. આપણે ત્યાં સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ જેવા શબ્દો પ્રચલિત છે પરંતુ ગીતાએ પ્રજ્ઞાવાદનો શબ્દપ્રયોગ કર્યો છે. એમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે જે શોક કરવા યોગ્ય નથી, એનો તું શોક કરે છે અને પ્રજ્ઞાવાદના પ્રભાવમાં પડીને પ્રાજ્ઞનાં જેવા વચનો બોલે છે ! એવો પ્રજ્ઞાવાદ આપણી આજુબાજુ વધ્યો છે, એ આપણી પ્રવર્તમાન પરિસ્થિતિની કરુણતા છે. પ્રજ્ઞાવાદ છે તો સારો, પરંતુ જો આચારથી છૂટાછેડા લે તો આશીર્વાદરૂપ નથી બની શકતો કિન્તુ અભિશાપરૂપ ઠરે છે.

દુર્યોધનની દશા એવી જ હતી. એ ધર્મના મર્મને જાણવાનો દાવો કરતો'તો પણ ધર્મપરાયણ જીવન નહોતો જીવતો. અધર્મની મીમાંસા કરી શકતો પરંતુ અધર્મમય જીવન જીવનારો અને અધર્મનો સમર્થક હતો. એના અધર્મનો અંત નહોતો આવ્યો; એથી ઊલટું એણે અધર્મનો વિસ્તાર કરેલો. મહાભારતમાં એ કહે છે જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિઃ, જાનામિ અધર્મં ન ચ મે નિવૃત્તિઃ ! અર્થાત્ હું ધર્મ શું છે તે જાણું છું, પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને હું અધર્મ શું છે તે જાણું છું, પરંતુ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. જો એની ધર્મમાં રુચિ ને પ્રવૃત્તિ હોત તો એ પાંડવોના ન્યાયોચિત અધિકારનો નાશ કરીને સામ્રાજ્યનો સર્વેસર્વા બની બેસત ? શું તે અનેક જાતના કાવાદાવા કરત અને પાંડવો સાથેના યુદ્ધમાં ઉતરત ? શ્રીકૃષ્ણની સલાહની અવગણના કરત ? એ મિથ્યાભિમાની, દુરાચારી, આતંકકાર હોત ખરો ?

આજના મોટા ભાગના માનવોની અવસ્થા એવી જ છે. એ પણ દુર્યોધનનું જ પ્રતિનિધિત્વ કરે છે. અવસર આવતાં એ ધર્મની, ન્યાયની, નેકીની મોટીમોટી વાતો કરી શકે છે, ઉપદેશ-વાણી પણ સંભળાવે છે, બીજાના સુધાર અને સમુદ્ધારનો દાવો કરે છે, પરંતુ એમનું પોતાનું જીવન અધર્મ, અન્યાય, અનૃતથી આવૃત હોય છે. એ પોતાનાં જ સુધાર અને સમુદ્ધારની પ્રવૃત્તિ નથી કરતા. એવા માનવો શાંતિને બદલે અશાંતિની અને સંવાદિતાને બદલે વિસંવાદિતાની જ સૃષ્ટિ કરે છે.

આપણે એવા કોરા પાખંડી પ્રજ્ઞાવાદથી બચીએ અને આપણા સુધાર અને સમુત્કર્ષમાં પ્રવૃત્ત થઈએ તો સારું. આપણે દીવા બનીશું એટલે પ્રકાશ તો આપોઆપ પાથરી શકીશું. ફોરમવંતા ફૂલ થઈશું એટલે ફોરમને ફેલાવીશું. સલિલ ભરેલી સ્વાદુ સરિતા સમાન બનીશું એટલે બીજાની તૃષાને આપોઆપ શમાવી શકીશું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.