ગૃહપતિ માટે પ્રાર્થના

 મારા સંસ્થાના નિવાસના વરસો દરમિયાન કેટલાય વિદ્યાર્થી ભાઈઓના સહવાસમાં આવવાનો સુયોગ મને સાંપડી શક્યો. વિદ્યાર્થીઓમાં લગભગ દર વરસે ફેરફાર થતા. એટલે કે જૂના જતા ને નવા આવતા. પરંતુ કોઈ વરસ એવું ન હતું કે જેમાં તેમની સંખ્યા સવાસોની આસપાસ ના હોય. બાળકોની એક અનેરી દુનિયામાં જ અમે રહેતા એમ કહી શકાય. એ દુનિયા જો કે નાનકડી તો પણ રસમય ને જોવાલાયક હતી. એ દર્શનીય દુનિયાનું દર્શન કરવા કેટલીકવાર સારી ને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આવી પહોંચતી. એ દુનિયાને પોતાના અલગ પ્રશ્નો હતા, અને એનું તંત્ર પણ અલગ હતું. વિવિધ સ્વભાવનાં બાળકોની વચ્ચે રહેવાનો આનંદ પણ અનેરો હતો. બાલજીવનના અનેકવિધ પ્રશ્નોનો તેથી પરિચય થતો ને બાળકોનાં દિલમાં ડોકિયું કરવાની તક મળતી. નવેક વરસના લાંબા ગાળા લગી એ સંસ્થામાં રહેવાનો અવસર મળવાથી સંસ્થા તરફ મને ઘર જેવો ભાવ થઈ ગયો. એ વરસો જીવનની શરૂઆતના ઘડતરની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી ને કિમતી હતાં. તે દરમિયાન જે સંસ્કારો પડ્યા અને અનુભવો મળ્યા તે કાયમ રહી ગયા એમ કહેવામાં જરાય હરકત નથી. જીવનની શરૂઆતનો એ સમય જ એવો હોય છે જ્યારે અનુભવો ને સંસ્કારોનાં બીજ જીવનમાં મજબૂત રીતે જામી જાય છે. તે સમય દરમ્યાનના ઘણા ઘણા અનુભવો  ને પ્રસંગો યાદ છે. જે યાદ આવે છે તેમને ક્રમેક્રમે અહીં રજૂ કરી રહ્યો છું.

આગળ ઉપર મેં કહ્યું જ છે કે અમારા આશ્રમમાં ગૃહપતિ ને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ બહુ મીઠો ને નિકટનો ન હતો. સંસ્થામાં રહેનારા સૌ એક વિશાળ કુટુંબના સભ્યો છે ને સૌએ પરસ્પર પ્રેમથી રહેવાનું છે એ ભાવ કેળવાય તેવા પ્રયાસ પણ થતા ન હતા, પરિણામે બાળકોને ગૃહપતિ તરફ સદાને માટે ભય ને તિરસ્કાર રહેતો. તેમના દિલમાં અસંતોષની આગ સળગ્યા કરતી.

એક વરસ એક જુદો જ પ્રસંગ બન્યો. સંસ્થાના એક ગૃહપતિનું મૃત્યું થયું ને તેમની જગ્યાએ એક બીજા ગૃહપતિ આવ્યા. તે સ્વભાવે સારા ને શિક્ષિત હતા. તેમણે સંસ્થામાં થોડા સુધાર પણ કરી દીધા. છતાં વિદ્યાર્થીઓમાં આગળ જતાં તેમના તરફ પણ અસંતોષ ઊભો થયો. એક વાર તે બીમાર પડ્યા ને દિવસો સુધી પથારીવશ રહ્યા. દાક્તરી સારવારનો આશ્રય લીધો છતાં એમને આરામ ના થઈ શક્યો. બીમારી ભયંકર હતી ને દાક્તરનો નિર્ણય સાંભળીને ઘરના સભ્યો શોકમાં પડી ગયાં. સંસ્થાનું વાતાવરણ કરુણ બની ગયું. તે વખતે મને એક વિચાર સૂઝ્યો. પ્રાર્થનાની શક્તિનો મને પૂરેપૂરો અનુભવ ન હતો પણ સાધારણ ખ્યાલ તો હતો જ. એ વરસોમાં સંસ્થામાં થતી સાંજની પ્રાર્થના ઉપરાંત સાંજ-સવારે નિયમિત પ્રાર્થના કરવાની મેં ટેવ પાડેલી. તેથી મને શાંતિ મળતી. પ્રાર્થનાની જરૂરત ને શક્તિ વિશે મેં થોડું ઘણું સાહિત્ય પણ વાંચેલું. ઉત્કટ પ્રાર્થનાથી પ્રેરાઈને ભક્ત શિરોમણી નરસિંહ મહેતાને પ્રભુએ હાર પહેરાવ્યો ને તેમના જેવા બીજા કેટલાય ભક્તોને દર્શન આપ્યાં. પ્રેમભરી પ્રાર્થનાથી દ્રવી કે પીગળીને દ્રોપદીની લાજ રાખવા માટે તેમણે કૌરવસભામાં ચીરરૂપે પ્રવેશ કર્યો, ને પ્રાર્થનાને લક્ષમાં લઈને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો તથા મીરાંને માર્ગદર્શન આપ્યું. એ બધી અને એના જેવી બીજી વાતો મારા ધ્યાનમાં હતી. માનવજીવનને પવિત્ર કરવામાં, ઘડવામાં ને પ્રભુપરાયણ બનાવવામાં પ્રાર્થના કેવો મહત્વનો ભાગ ભજવે છે તેનો મને ખ્યાલ હતો. સંતપુરુષોના જીવનચરિત્રોના વાચનથી એ બાબતે મને કેટલીક માહિતી મળી. તેથી જ મને પ્રાર્થના પ્રત્યે પ્રેમ થયો. જીવનમાં તેને વણી લઈને જીવનને ઉજજ્વળ કરવાની ભાવના પણ તેમાંથી જ જાગ્રત થઈ. એટલે સ્વાભાવિક રીતે જ મને થયું કે ગૃહપતિને આરામ થાય તે માટે પ્રાર્થનાનો આધાર પણ લેવો જોઈએ. મતલબ કે સંસ્થાના બાળકોએ ભેગા મળીને પ્રાર્થના કરવી જોઈએ.

પ્રાર્થનાની ભાવના તો મારા મનમાં જાગ્રત થઈ પણ તેનો અમલ કરાવવાનું કામ કપરું હતું. વિદ્યાર્થીઓ ને ગૃહપતિ વચ્ચેના સંબંધનો વિચાર કરતાં મારી ભાવનાનો અમલ વિદ્યાર્થીઓ ભાગ્યે જ કરશે એમ લાગતું. સંસ્થામાં આ પહેલાં આવો કોઈ પ્રસંગ પણ ઉપસ્થિત થયો ન હતો. એટલે મારી કલ્પના કે ભાવના તદ્દન નવી હતી. છતાં પણ તેને વિદ્યાર્થીભાઈઓ પાસે રજૂ કરવાની જરૂર હતી. કેમ કે તેની પાછળનો ઉદ્દેશ ઘણો સારો હતો. એક દિવસ સાંજની પ્રાર્થનામાં મેં મારો વિચાર વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો. મેં કહ્યું: 'સંસ્થાના બાળકો તરીકે આપણી ફરજ છે કે સંસ્થાના સંચાલકોનું આપણે ભલું ચાહવું. ગૃહપતિની બીમારી ઘણી ભારે છે. તે દૂર થાય તે માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ તે જરૂરી છે. બાળકોની પ્રાર્થનામાં કદાચ બહુ બળ ના હોય, છતાંય આપણા સરળ ને સીધા હૃદયની પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળશે અને એ અસરકારક સાબિત થશે. ગૃહપતિનું આપણા તરફનું વર્તન સંતોષકારક ના હોય અને કેટલાકને એનો અણગમો હોય તે સમજી શકાય તેવું છે. પણ તે હકીકતને આવે વખતે વચ્ચે આવવા દેવી જોઈએ નહિ. બિમારી ને મૃત્યુ સમયે માણસે ભલભલા મતભેદ ભૂલી જઈને દયાળુ બનવું જોઈએ, એક થવું જોઈએ, ને પ્રેમ તથા સેવાની ભાવનાથી સંપન્ન બનવું જોઈએ. આપણી પ્રાર્થના જ તેમને બચાવશે એમ નથી. બચાવનાર તો એક ઈશ્વર છે. આપણે તો આપણી નમ્ર ફરજ બજાવીએ છીએ અને આપણા અંતરનો અવાજ ઈશ્વર આગળ રજૂ કરીએ છીએ. આવો કરુણ પ્રસંગ ઊભો થયો છે ત્યારે આપણે ખુલ્લા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરીએ તે સારું છે. તેનું પરિણામ સારું આવશે. એમ પણ બને કે ગૃહપતિને સંપૂર્ણ આરામ થતાં તેમને માટે આપણે કરેલી પ્રાર્થનાનો વિચાર કરીને તે આપણા પ્રત્યે વધારે સારો વ્યવહાર રાખે. ગમે તેમ પણ આપણે આજે એમને માટે પાંચ મિનિટ મનોમન પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમને આરામ કરી દે ને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ આરામ કરી દે.'

વિદ્યાર્થીઓના મન પર મારા શબ્દોની શી અસર થઈ તે પ્રભુ જાણે.પરંતુ તેમની મુખાકૃતિ પરથી સાફ હતું કે એમનામાંના બધાને મારું કથન રુચિકર ના લાગ્યું.કેટલાક સમજુ વિદ્યાર્થીઓએ મારી વાતને વધાવી લીધી.તેમને તે સારી લાગી,જ્યારે કેટલાકને જરાપણ ના ગમી.કોઈને એમ પણ લાગ્યું કે આ રીતે પ્રાર્થના કરાવવા પાછળ ગૃહપતિના વિશેષ કૃપાપાત્ર કે વહાલસોયા વિદ્યાર્થી બનવાની વૃત્તિ મારા મનમાં કામ કરી રહી છે.કોઈકોઈને તેમાં ગૃહપતિની ખુશામતની ગંધ આવવા લાગી.પરંતુ પોતાના ભાવને કોઈએ જાહેર કરવાની હિંમત ના કરી.મને કે કમને પણ બધા મૂંગા બેસી રહ્યા.પ્રાર્થનાના વિશાળ હોલમાં લાકડાનું મોટું સ્ટેજ હતું.મારું કથન પૂરું કરીને હું તેના પર બેસી ગયો.પ્રાર્થના પૂરી થઈ ત્યાં સુધી બધા બેસી રહ્યા.વધારે ભાગના વિદ્યાર્થીઓએ પ્રેમપૂર્વક પ્રાર્થના કરી પણ ખરી.

પ્રાર્થનાની અસર થાય છે ખરી ?મને લાગે છે કે હવે એ બાબતમાં સમજુ માણસોને સંદેહ નથી રહ્યો.એ વિશે ઘણુંઘણું કહેવાઈ ને લખાઇ ચૂક્યું છે.સાચા દિલની પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે.એક સાધારણ માણસ પણ પ્રાર્થનાથી પીગળીને ધારી મદદ કરવા તૈયાર થાય છે તો આ તો ઈશ્વર છે. કૃપાનિધાન, દયાસાગર ને સર્વશક્તિમાન. માણસની સાચી પ્રાર્થના તે શા માટે ના સાંભળે? વહેલો કે મોડો પણ પ્રાર્થનાનો ઉત્તર તે અવશ્ય આપે છે. કેટલીકવાર પ્રાર્થનાનો ધારેલો ઉત્તર નથી મળતો તો માણસ નિરાશ થાય છે ને ઈશ્વરમાંથી શ્રદ્ધા ખોઈ બેસે છે. પણ તેમાં નિરાશ થવાનો પ્રશ્ન જ નથી. માણસની બધી જ ઈચ્છા ને પ્રાર્થના તેના ને બીજાના હિતમાં મદદકારક જ હોય છે એમ નથી. ટૂંકી દૃષ્ટિને લીધે માણસ તેનો વિવેક સહેલાઈથી કરી શકતો નથી. એટલે તેને ને બીજાને માટે હિતકારક ને જરૂરી ના હોય એવી ઘણીયે વસ્તુની પ્રાર્થનાને ઈશ્વર નામંજૂર કરે છે. તેવે વખતે માણસે તેની અંદરની શ્રદ્ધાને ખોઈ બેસવા તૈયાર થવાનું નથી. પણ બધા જ સંજોગોમાં ઈશ્વરની ઈચ્છાને મંગલ માનીને પ્રસન્નતાનો અનુભવ કરતાં શીખવાનું  છે. અમારી પ્રાર્થનાથી ગૃહપતિ જો સાજા થયા ના હોત તો શું ઈશ્વર પરની અમારી રહીસહી શ્રદ્ધાભક્તિ પણ ઊઠી જાત ? ના.તે દશામાં પણ અમે ઈશ્વરની ઈચ્છાને મંગલ માનીને સમાધાન મેળવત.આખરે તો તેની ઈચ્છાનુસાર જ બધું થાય છે.આપણું કામ તો તેની પાસે આપણા કેસની રજૂઆત કરવાનું કે આપણી ઇચ્છાની અભિવ્યક્તિ કરવાનું જ છે.આપણો એ અધિકાર ને સ્વભાવ છે.

પરંતુ ધારેલું પરિણામ આવી ગયું. પ્રાર્થના પછી થોડા જ દિવસોમાં ગૃહપતિ સાજા થઈ ગયા. તેમને સંપૂર્ણ આરામ થયો. અમે કરેલી પ્રાર્થનાની વાત સાંભળીને તેમને ખૂબ જ આનંદ થયો. તેમનું દિલ ભરાઈ ગયું. મારા પર પણ તેમને વિશેષ સદ્દભાવ થયો. અનાથાશ્રમનાં બાળકો તરફનો તેમનો  દ્રષ્ટિકોણ  જરાક બદલાયો.

 

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.