Text Size

આશ્રમમાં આરંભની અરુચિ

 મુંબઇનું વાતાવરણ મારે માટે તદ્દન નવું હતું. ગામડાના મુક્ત ને તદ્દન કુદરતી વાતાવરણમાંથી જરાક કૃત્રિમ લાગતા મુંબઇના શહેરી વાતાવરણમાં જવાનો પ્રસંગ મારા જીવનમાં તદ્દન આકસ્મિક રીતે ઉભો થયો, તેથી મને આનંદ તો થયો. પરંતુ શરૂઆતમાં થોડા સમય સુધી આશ્રમના નવા વાતાવરણમાં મને ગમ્યું નહિ. તેના કેટલાય કારણો હતાં. એક તો મારી ઉંમર તે વખતે તદ્દન નાની હતી. એટલી નાની ઉંમરમાં મારે માટે છેક અજાણ્યા વાતાવરણમાં અજાણી વ્યક્તિઓની વચ્ચે જઇને વસવાટ કરવાનો અવસર ઉપસ્થિત થયો. એટલે તે વાતાવરણને અનુકૂળ થતાં કેટલીક મુશ્કેલી પડે ને વાર લાગે તે સમજી શકાય તેવું હતું. વળી કેટલીક સંસ્થાઓમાં જોવામાં આવે છે તેમ અમારી સંસ્થામાં પણ નાના વિદ્યાર્થીઓ પર મોટા વિદ્યાર્થીઓનું પ્રભુત્વ હતું. નાના વિદ્યાર્થીઓ પાસે મોટા વિદ્યાર્થીઓ પોતાના કામ કરાવતા, તેમ કરવામાં જરૂર પડે તો ધાકધમકી ને મારનો આશ્રય પણ લેતા. એ પરિસ્થિતિ સામાન્ય હતી. એટલે નાના વિદ્યાર્થીઓ કંટાળતા. કેટલીકવાર તે સૌથી ઉપરી ગણાતા વિદ્યાર્થીને અથવા ગૃહપતિને ફરિયાદ પણ કરતા. ત્યારે તે માટે તપાસ થતી ને પગલાં લેવાતાં. પણ એવી રીતે ફરિયાદ કરવામાં પણ હજાર વાર વિચાર કરવો પડતો, કેમ કે ઉપરી વિદ્યાર્થી કે ગૃહપતિ પાસે પહોંચવાનું કામ મહાભારતના મેદાનમાં જવા જેવું મોટું મનાતું ને મોટા વિદ્યાર્થીઓ ફરિયાદની માહિતી મળતા ફરિયાદી વિદ્યાર્થીને સતાવવા સદાય તૈયાર રહેતા. ભયનું સામ્રાજ્ય એ રીતે બાળકોની ચારે તરફ, અંદર અને બહાર બધે જ ફેલાયેલું. એ દશામાં નવા નવા ને નાની ઉંમરના વિદ્યાર્થીને સંસ્થામાં ગમે નહિ ને તે ઘેર પાછા જવાના ઘાટ ઘડે એ સ્વાભાવિક હતું. કેટલાક વિદ્યાર્થીઓ તો ના ગમવાથી નાસી પણ જતા.

તેમાં પ્રમુખ ભાગ ભજવનારા બીજા પણ એક બે કારણો હતાં. નાની ઉંમરના બાળકોને પણ બધું કામ હાથે જ કરવું પડતું. જો કે પાછળથી તે પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલો અને અમુક ઉંમરના બાળકોને હાથે કપડાં ધોવાના કામમાંથી મુક્તિ મળેલી. તે સારું જ હતું કેમ કે નવેક વરસના ને તેથી નાના બાળકો સરસ રીતે કપડાં ધોવાના ને વાસણ ઉડકવાના કામમાં પારંગત કેવી રીતે થઇ શકે ? તેમની પાસેથી સારા કામની આશા કેવી રીતે રાખી શકાય ? જેમણે પોતાના ઘરમાં પાણી પીવાના પ્યાલાને અજવાળવાનું શિક્ષણ ન લીધું હોય ને કેટલીક વાર તો સ્વચ્છતા ને સુઘડતાના ખ્યાલથી જેમને એકલા પોતાના હાથે ન્હાવા દેવામાં પણ ન આવતા હોય તે બાળકો પોતાના બધા જ કામને સસ્થામાં પ્રવેશતા વેંત જ હાથે કેવી રીતે કરી શકે ? મોટી ઉંમરના બાળકોના સરખામણીમાં પોતાના કામને તે સરસ રીતે ક્યાંથી કરી શકે ? તેવા બાળકોને સારું કામ ના કરવા બદલ સજા કે દંડ કરવામાં આવે તે તો ક્રૂરતા જ ગણાશે ને મૂર્ખતામાં ખપશે. તેથી તેમનામાં સુધારો નહિ થઇ શકે. તેમનામાં સુધારો કરવા માટે તેમની રગને સમજવાની, તેમની નાડી પરીક્ષામાં પ્રવિણતા મેળવવાની આવશ્યકતા છે. એટલે કે બાળમાનસને જાણવાની જરૂર છે. તો જ તેમના પ્રશ્નો સરળતા, સહાનુભૂતિ ને સફળતાપૂર્વક ઉકેલી શકાશે.

દૈનિક કાર્યક્રમના નિયમોનું પાલન સંસ્થામાં ખૂબ જ ચોકસાઇ ને કડકાઇથી થતું. તેથી પણ કેટલાક નાના વિદ્યાર્થીઓને શરૂઆતમાં કંટાળો આવતો. નિયમોના પાલનમાં પ્રમાદ કરવાથી જે આકરી સજા થતી તેની કલ્પના પણ ભારે કંપાવનારી હતી. તેમાંયે શારીરિક સજાના વિચારે જ કેટલીકવાર બાળકો ઢીલાં ઢીલાં થઇ જતાં. બાળકોના કોમળ ગાલ પર ગૃહપતિનો રાક્ષસી પંજો પડતો ત્યારે બાળકો થથરી જતા ને બૂમ પાડી ઉઠતાં. કેટલીકવાર તે તમાચો તેમના કોમળ કાન પર પડતો ને કાન બહેર મારી જતા. કોઇ વાર કોઇકના ગાલ દુખવા માંડતા ને ફૂલી જતાં. એક-બે બાળકોને તે મારને પરિણામે ગાલે પાટા બાંધવા પડેલા ને દાક્તરની સારવારનો આધાર પણ લેવો પડેલો. કેટલીકવાર તો વિદ્યાર્થીઓએ ગૃહપતિના વર્તન પ્રત્યે વિરોધ કરીને સંસ્થાના ટ્રસ્ટીને અરજી પણ કરેલી પણ તેનું ધાર્યા પ્રમાણે કશું ખાસ પરિણામ આવ્યું નહિ. એવા વાતાવરણમાં મારે રહેવાનું હતું. એટલે શરૂઆતમાં તો એ બધું શાને માટે છે ને તેનું લક્ષ્ય શું છે તેની સમજ પણ પડતી નહિ ને ગામડાંનું મુક્ત વાતાવરણ યાદ આવતાં દિલ એ વાતાવરણનો આનંદ લેવાં જાણે કે દોડી જતું.

મારા મુંબઇગમન દરમ્યાન માતાજીના મોટાભાઇ સંસ્થાની પાસે જ રહેતા. એકાદ વરસ રહીને તે તેમના શેઠની સાથે અંધેરી રહેવા ગયા. તેમની પાસે હું લગભગ દરેક રવિવારે જતો. તેથી મને સારું લાગતું. તે મારા પર પુષ્કળ પ્રેમ રાખતા ને મને જોઇતી મદદ કરતા. તેમના અંધેરી ગયા પછી એકવાર માતાજી મારી ખબર કાઢવા મુંબઇ આવ્યાં. તે મારી પાસે સંસ્થામાં આવ્યાં એટલે મેં તેમને કહ્યું કે 'મને અહીં ગમતું નથી. મને ઘેર લઇ જાવ.' પરંતુ તેમના ભાઇ ખૂબ જ સમજુ હતા. તેમણે મને હિંમત આપી ને પછી તે વિદાય થયા.

એટલે સંસ્થામાં દાખલ થયા પછી એકાદ બે વરસ તો મારું મન કૈંક અસ્વસ્થતા અને અણગમાનો અનુભવ કરતું રહ્યું પણ પાછળથી ઠીક થઇ ગયું. વેકેશનની રજા પડતાં ઘેર જવાનું થતું. પણ પછી તો સંસ્થામાં એટલું બધું ગમી ગયું કે તેને છોડીને ઘેર જવાનું પણ ખેંચાણ ખાસ થતું નહિ. દરેક નવી વસ્તુ ને નવા વાતાવરણનું લગભગ એવું જ છે. તેના સમાગમમાં આવતાં શરૂઆતમાં મન બળવો કરે છે, અણગમો અનુભવે છે, ને જૂનું વધારે સુખમય ને સારું હતું એમ માનીને તેની ચાહના કરે છે. એમ કેટલાક સમય સુધી ચાલ્યા કરે છે ને પછી પરિસ્થિતિ પલટાય છે. મન નવી વ્યક્તિ ને નવા વાતાવરણથી ટેવાઇ જાય છે ને છેવટે તેમાં જ આનંદ અનુભવવા માંડે છે. જૂનાનું આકર્ષણ પછી ઓછું થાય છે ને જૂનાની આસક્તિ ને જૂના પ્રત્યેનું મમત્વ પછી નવામાં અનુભવાય છે. પછી તેનો ત્યાગ કરવાનું મન નથી થતું. મનની રચના જ એવી છે કે તે એ પ્રમાણે સંસાર બદલ્યા જ કરે છે. તેની પ્રેરણા ને પ્રસન્નતાનાં સ્થાન ને કેન્દ્રમાં ફેરફાર થયા જ કરે છે. આજે જે પ્રિય લાગે છે, તેના તરફ કાલે ઉદાસીનતા થાય છે, ને એક બીજી કાલે તે એકદમ અપ્રિય બને છે. છેવટે કેટલીકવાર તેનું સ્મૃતિપટ પરથી નામનિશાન પણ મટી જાય છે. વળી તેનું સ્થાન કોઈ બીજું જ લઈ લે છે ને તે બીજું વળી વધારે પ્રિય બને છે. તેનામાંથી વળી પ્રેરણા ને પ્રકાશ મળે છે ને મન તેને ભજતાં એમાં આસક્તિ કરતું થઈ જાય છે. તે પણ કાયમ રહે તો ભલે, નહિ તો તેને બદલે કોઈ બીજી નવી જ વ્યક્તિ ને વાતાવરણમાં તે લીન બને છે. મનનો એવો સામાન્ય સ્વભાવ છે ને તે લગભગ બધે જ દેખાય છે. કન્યાને પોતાનું ઘર ઘણું જ ગમતું હોય છે. તેનું લગ્ન થયા પછી સાસરે જતાં તેને દુ:ખ થાય છે ને રડવું આવે છે. પણ પછી વખત વીતે છે તેમ તેને સાસરિયું સારું લાગે છે ને ઘરની મમતા બદલાતાં કેટલીકવાર તો તેને ઘેર આવવાનું પણ ગમતું નથી. આવે છે તો પણ મનમાં પોતાના નવા ઘરનાં સ્વપ્નાં લઈને આવે છે ને થોડા દિવસ પસાર કરીને તરત સાસરે જવાની તૈયારી કરે છે. સંસારમાં સર્વત્ર એવું દેખાયા કરે છે.  

ગયે વરસે અમે બદરીનાથની યાત્રાએ ગયા ત્યારે રસ્તામાં એક મોટર ડ્રાઈવરનો મેળાપ થયો. અમે તેની જ મોટરમાં જ બેઠાં હતા. તે પાકિસ્તાન થયા પછી આ વિભાગમાં આવ્યો હતો. એટલે મેં તેને સ્વાભાવિક રીતે જ પૂછ્યું કે શું તમને આ હિમાલયના પર્વતીય પ્રદેશમાં મોટર ચલાવવાનું ગમે છે ? તેણે મને હસતાં હસતાં ઉત્તર આપ્યો કે શું કરીએ ? ઈશ્વર જ્યાં લઈ જાય ત્યાં ગમાડ્યા વિના છૂટકો છે ? પહેલાં અમે પંજાબની સુંદર ને સીધી સડકો પરથી મોટરો દોડાવતા ત્યારે અમને સ્વર્ગસુખ લાગતું. પંજાબમાંથી ભૂલેચૂકે કે કોઈ કામ પ્રસંગે પણ બહાર જવાનું થતું ત્યારે ગમતું નહિ. પણ કુદરત અજબ છે. તેની કળાની કોને ખબર છે ? પંજાબ છોડવું પડ્યું અને અમે આ પ્રદેશમાં વસવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો ખૂબ જ માઠું લાગતું, પંજાબનાં સ્વપ્નાં મનમાંથી છૂટતા નહિ. પણ હવે તો આ પ્રદેશ સાથે ભળી ગયા છીએ. હવે તો ખૂબ જ મોજથી મોટરો દોડાવીએ છીએ અને આ વાંકાંચૂંકા, ચઢાઈ ને ઉતરાઈવાળા કાચા પર્વતીય માર્ગોમાં પણ આનંદ કરીએ છીએ. હવે મન આ પ્રદેશમાં માની ગયું છે.

ખરેખર, મનની લીલા એવી અદભૂત છે. તેનામાં પ્રાપ્ત પદાર્થ ને પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાની ને તેમાં ડૂબી જવાની સહજ શક્તિ છે. વધારે ભાગે તે માણસના લાભમાં જ છે. તેથી માણસ જૂનાનો મોહ મૂકીને નવાને અનુકૂળ થતો જાય છે ને જીવનમાં નવી આશા ને નવા સુખની પ્રાપ્તિ થાય છે. પરિણામે જીવન જીવવા જેવું બને છે. પરંતુ એનો અર્થ એવો નથી કે માણસ જૂનાને તદ્દન ભૂલી જાય તે સારું છે. જૂનાના સારભાગ ને જીવનના પ્રેરક બળને તે યાદ રાખે તે જરૂરી છે. જૂના તરફ કૃતજ્ઞતા ને વફાદારીની ભાવનાથી જોવાનું ચાલુ રહે તે તેને માટે લાભકારક છે. બાકી પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન થવાની કળા તેણે શીખવી જોઈએ. ડાહ્યા માણસો મરણથી પણ ના ડરવાનું ને મરણ સામે પણ સ્મિત કરવાનું એટલા માટે જ કહે છે કે મરણ દેખીતી રીતે અશુભ અને અનિષ્ટકારક લાગે છે, છતાં તેની પાછળ નવી સૃષ્ટિ ઊભેલી છે અને એમાં પ્રવેશવા માટે જન્મરૂપી પાસપોર્ટ આપવામાં તે સહાયક થઈ પડે છે.

પરંતુ લાંબા અનુભવ અને લાંબી તાલીમ પછી જ એ સત્યની સમજ પડે છે. બાળપણમાં મારામાં એ સમજનો અભાવ હોય એ દેખીતું છે. તેથી શરૂઆતમાં થોડો વખત મને સંસ્થામાં ગમ્યું નહિ.

મુંબઈનું પાણી ઘણાને લાગે છે તેમ શરૂઆતમાં મને પણ લાગ્યું ને મને ખસ થઈ. એકવાર બિમારી પણ આવી ગઈ. સંસ્થામાં કાયમી દવાખાનું હતું. ત્યાં કંપાઉન્ડર કાયમ રહેતા ને રવિવાર સિવાય લગભગ રોજ સાંજના દાક્તર આવતા. તેથી વિદ્યાર્થીઓને ઘણી રાહત રહેતી. બરાબર ઉપચાર કરવાથી થોડા જ દિવસમાં મને ને બીજા બાળકોને ખસ મટી ગઈ.

 

 

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok