એક બેનનો સંબંધ

 સંસારનાં જુદાં જુદાં સ્વરૂપોમાં ઇશ્વરનો વાસ છે એમ માનીને સૌની અંદર ઇશ્વરની ઝાંખી કરવાનું કામ સહેલું નથી. મન જ્યાં સુધી તદ્દન મલિન હોય ને કુવિચાર, કુસંસ્કાર, વિષયાસક્તિ તથા અહંકારથી ભરેલુ હોય ત્યાં સુધી દૃષ્ટિ નિર્મળ થઇ શકતી નથી. મન જેમ જેમ નિર્મળ થતું જાય તેમ તેમ નવી આંખ અથવા નવી દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. તેને દિવ્ય દૃષ્ટિ પણ કહેવામાં આવે છે. તેની પ્રાપ્તિ થતાં ઇશ્વરની અલૌકિકતાની ઝાંખી થઇ શકે છે. જેના સમાગમમાં આવવાનું થાય છે એની અંદર પણ ઇશ્વરની સત્તાની ઝાંખી થયા કરે છે. ચરાચરમાં રહેલા ઇશ્વરના એવા અપરોક્ષ અનુભવ માટે શાસ્ત્રો ને સંતોનો આદેશ છે. સાધકો તે માટે મહેનત કરે છે ને વિવિધ પ્રકારની સાધનાનો આધાર લે છે. આંખ અને અંતરની આડે આવી પડેલા આવરણને દૂર કરવા માટે મહેનત કરે છે ને પ્રભુની પ્રાર્થનાનો પણ આધાર લે છે.

મેં પણ એ પ્રમાણે પ્રાર્થનાનો આધાર લેવાની શરૂઆત કરી દીધી. મન સંપૂર્ણપણે નિર્મળ થતાં ચરાચરમાં ઇશ્વરનું દર્શન થઇ શકે છે એ વાત સાચી છે. પરંતુ તેમાં મદદ મળે તે માટે મેં એક બીજી પદ્ધતિ અજમાવવા માંડી. જે જે વસ્તુ કે વ્યક્તિ દેખાય તે પરમાત્માની જ પ્રતિમા છે એવા વિવેક સાથે મેં તે વસ્તુ કે વ્યક્તિ તરફ જોવા માંડ્યુ. પરિણામે મારી દૃષ્ટિ જુદી જ બનવા લાગી. તેમાં દિવ્યતાનું પ્રાકટ્ય થવા લાગ્યું. સ્ત્રીમાત્રને જોતાંવેંત તે જગદંબાનું સ્વરૂપ છે તેવા ભાવ સાથે મેં તેના ચરણમાં મનોમન પ્રણામ કરવા માંડ્યા ને તેની સાથે સાથે સંસારમાં સર્વત્ર વ્યાપેલા જગદંબાના એ દેવરૂપને સાક્ષાત્ કરવા ને તેનું સાકાર દર્શન કરવા મારા મનમાં એક પ્રકારનું મંથન શરૂ થયું.

એ દિવસોમાં એક બીજો નોંધપાત્ર બનાવ બની ગયો. મારા જીવનમાં એક કન્યાનો પ્રવેશ થયો. અથવા એમ કહો કે જગદંબાએ કુમારીના સાધારણ લૌકિક સ્વરૂપમાં મારા જીવનમાં પ્રવેશ કર્યો. તે વખતે મારી ઉંમર ચૌદ વરસની હતી. ચૌદમું વરસ વળી એવી રીતે વધારે મહત્વનું બની ગયું. તે વખતે હું ભણવામાં હોંશિયાર ગણાતો. તે ઉપરાંત એક સમજુ અને સારા વિદ્યાર્થી તરીકે મારું માન હતું. મારા કરતાં મોટી ઉંમરના વિદ્યાર્થીઓ સંસ્થામાં ઘણાં હતા, મારા કરતાં આગળ ભણનારા પણ હતા. તેમાં સારા વિદ્યાર્થીઓ ન હતા એમ નહિ. પરંતુ ઇશ્વરની ઇચ્છા જુદી જ હશે. મારા જીવનના ઘડતરમાં એક નવા પ્રસંગ ને નવા વાતાવરણને ઉપસ્થિત કરવાનું તેને જરૂરી લાગ્યું હશે. એટલે તે વખતના જીવનમાં એક નવો જ પ્રવાહ શરૂ થયો. અમારી સંસ્થાના ત્રણ બંગલા સંસ્થાના મકાનની પાસે જ હતા. તે ભાડે આપેલા. તેમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું. તેની સાથે મારો સંબંધ શરૂ થયો. તે કુટુંબમાં નાની ઉંમરના ભાઇ-બેન હતા. તેમને ફાલતૂ વખતમાં ભણતરમાં મદદ કરવાનું કામ મારે માથે આવી પડ્યું. સંસ્થાના ગૃહપતિની આજ્ઞાથી મારે એ કામમાં જોડાવું પડ્યું. ભાઇની ઉંમર બેનથી નાની હતી. તે તો કોઇક જ વાર મારી પાસે ભણવા બેસતા. પણ બેનનો અભ્યાસ કાચો હોવાથી તેને મારી મદદ વારંવાર લેવી પડતી. બેનની ઉંમર તે વખતે લગભગ દસેક વરસની હશે. તે વખતે તેના અંગ્રેજીના અભ્યાસની શરૂઆત હતી. તે બેનની સાથે મારો સંબંધ લગભગ ચાર વરસ જેવો રહ્યો. શરૂઆતમાં તો તે મારી પાસે જ્યારે જરૂર પડે ત્યારે સંસ્થામાં જ અભ્યાસ કરવા આવતી. પરંતુ પાછળથી મારે તે બેનને ત્યાં જ જવાનું થતું. તેમના મોટા મકાનમાં શાંતિપૂર્વક બેસી શકાય તેવી જગ્યા હતી.

બેનનું શરીર સ્વસ્થ હતું. ઉંમરના પ્રમાણમાં તેનું મન ઘણું વિકસેલું દેખાતું. સારાં સારાં વસ્ત્રો પહેરવાનો ને યથામતિ તથા યથાશક્તિ રૂપાળા થઇને ફરવાનો તેને શોખ હતો. ઇશ્વરે તેને સ્વરૂપ પણ સારું આપી રાખેલું. તેને શણગારવાનો તેનો શોખ વખતના વિતવા સાથે વધતો જ ગયો. ભણવામાં તેનું મન ઓછું લાગતું. એટલે મોટેભાગે મને બોલાવીને જરૂરી અભ્યાસ પૂરો કરીને તે મારી પાસે બેસી રહેતી ને વાતે વળગતી. બાળસહજ અવસ્થા પ્રમાણે તે વખતે જુદી જુદી વાતો નિકળતી ને રાતનો કલાક જેટલો સમય પસાર થઇ જતો. બેનને અભ્યાસ કરાવવા જ્યારે જ્યારે બોલાવવામાં આવે ત્યારે મારે તેને ત્યાં રાતે જ જવું પડતું. વધારે ભાગે તો સાંજની સાડા સાત વાગ્યે શરૂ થતી પ્રાર્થના પૂરી થાય પછી બેન પોતે જ મને બોલાવવા આવતી. મારા થોડાઘણા સદગુણી જીવનથી તેના માતાપિતા વાકેફ હતા એટલે તે પણ મારા ઉપર ભાવ રાખતા ને મને જોઇને પ્રસન્ન થતાં.

બેનનો સમાગમ સૌથી પ્રથમ ક્યારે થયો તે વાત હજી ઝાંખી જેવી યાદ છે. એક દિવસ સવારે હું સંસ્થાના મંદિરમાં બેઠો હતો. મારા હાથમાં અમારી સ્કૂલના હસ્તલિખિત માસિક 'ચેતના'નો અંક હતો. તેના મુખપૃષ્ઠને હું શણગારી રહ્યો હતો. લગભગ નવેક વાગ્યાનો વખત હશે. એટલામાં મંદિરની અંદરની ઘંટડી વાગી. એ ઓચિંતા રણકારથી મારા ધ્યાનમાં ભંગ પડ્યો. મેં માથું ઉંચુ કરીને સામે જોયું તો એક કન્યા મંદિરમાં ભગવાનની મૂર્તિ પાસે ઊભેલી. મેં મારું બાકી રહેલું કામ શરૂ કર્યું. બેન પણ બે ત્રણ મિનીટ પછી વિદાય થઇ.

એ પછી એક દિવસ તે બેન સંસ્થામાં મારી શોધ કરતાં મારી પાસે આવી ને થોડુંક અંગ્રેજી શીખી ગઇ. થોડાંક દિવસોમાં ગૃહપતિની મને આજ્ઞા મળી કે તે બેનને મારે ભણવામાં મદદ કરવી. પાછળથી મને ખબર પડી કે મંદિરમાં રોજ સવારે દર્શન માટે જવાનો બેનનો નિયમ હતો. તે નિયમ મને ઘણો સારો લાગ્યો. બેનનો પરિચય એ રીતે શરૂ થયો ને પછી તો ચંદ્રની કળા વધે તેમ દિવસે દિવસે વધતો જ ગયો.

મેં આગળ કહી દીધું છે કે બેનનું ધ્યાન અભ્યાસમાં ઓછું રહેતું. વધારે ભાગે તેને રમત ને વાતો જ પસંદ પડતી. એક દિવસ રાતે બેન મને બોલાવવા આવી. ઘરમાં જઇને મેં અભ્યાસ કરાવવાની શરૂઆત કરી કે તરત તેના માતાપિતા ચોપાટી પર ફરવા જવા વિદાય થયાં ને નાનો ભાઇ બાજુના ઓરડામાં જઇને પથારીમાં પડ્યો. શરૂઆતના ને પાછળના દિવસોમાં એવી પરિસ્થિતિ અવારનવાર ઉભી થતી. એટલે બેનની પાસે મારે એકલા જ રહેવું પડતું. માતાપિતાના ગયા પછી બેને બારણું બંધ કર્યું. મકાન રસ્તા પર હતું, રાતનો વખત હતો, ને ઘરમાં કોઇ વડીલ ન હતું. નોકર પણ ન હતો. એટલે સલામતીને માટે તેમ કરવાની જરૂર હતી. પણ ઘરમાં કોઇ વડીલ ના હોય એટલે અભ્યાસ કરવાનું મન કોને થાય ? બેને ચોપડી બંધ કરી દીધી ને મને કોઇ રસ પડે તેવી વાતો કરવાનું કહ્યું. એમ પરસ્પર વાતો શરૂ થઇ. છેવટે એકાદ કલાકે બારણું ખખડ્યું. બેન સાવધ બની ગઇ. તેણે ગણિતનું પુસ્તક ઉઘાડ્યું ને મારા હાથમાં નોટબુક આપી કહેવા માંડ્યું કે આટલો અધૂરો રહેલો દાખલો જરાક પૂરો કરી દો. પછી તેણે બારણું ઉઘાડ્યું. તેના માતપિતા મારી હાજરી જોઇને નવાઇ પામ્યા. તેમના મનમાં એમ કે હું તો હવે સૂવા માટે વિદાય થયો હોઇશ. મને મોડે સુધી બેસાડી રાખવા માટે તેમણે બેનને સહેજ ઠપકો પણ આપ્યો. પણ બેન હોંશિયાર હતી. તેણે તરત ઉત્તર આપ્યો કે હું શું કરું ? ગણિતનો દાખલો એટલો બધો ભારે ને મોટો છે કે હજી સુધી તેનો પાર આવતો નથી. છેવટે તેના પિતાશ્રીએ સવારે અધૂરું રહેલું કામ પૂરું કરવાની રજા આપી ત્યારે હું છૂટો થઇ શક્યો. બીજે દિવસે સવારે મેં તેનો દાખલો પૂરો કરી આપ્યો.

આ પ્રસંગ લગભગ મારી સોળેક વરસની ઉંમરનો હશે. પરંતુ આવા પ્રસંગો વારંવાર બનતાં. તેથી મને જરા દુઃખ પણ થતું. દુઃખ થવાનું કારણ બેન તરફથી તેના પિતાશ્રીને અપાતો ખુલાસો હતું. જે ચતુરાઇ ને હોંશિયારીનો ઉપયોગ સત્યનો ઢાંકપિછોડો કરવા માટે કરવામાં આવે તે ચતુરાઇ ને હોંશિયારીને શું કરવાની ? સદગુણી જીવનની જોઇતી જાગૃતિ તે વખતે મારામાં હતી. એટલે એવી વાતો મને ખૂંચતી. પણ જે પરિસ્થિતિમાં મારે રહેવાનું હતું તેમાં તેના નિવારણ માટે બીજો કોઇ ઉપાય ન હતો.

 

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.