જીવનશુદ્ધિની સાધના

 જે વખતે ચરાચરમાં 'મા'ના દર્શનનો આનંદ મેળવવાનો પ્રયાસ મારા જીવનમાં ચાલતો હતો તે જ વખતે બેનનો પરિચય થયો ને ચાર-પાંચ વરસ જેટલા લાંબા વખત લગી કાયમ રહ્યો. તેથી મારા જીવન પર સારી અસર થઇ. હૃદયની શુદ્ધિની જે સાધના તે દિવસોમાં સતત રીતે ચાલતી તેને માટે તે પરિચય કસોટી કરનારો ને વધારામાં મદદરૂપ થઇ પડ્યો. તે વખતે મારી ઉંમર નાની હતી. પરંતુ તેના પ્રમાણમાં હૃદય ઘણું જ ભાવપ્રધાન, લાગણીવાળું ને મોટું હતું. તેમાં સંવેદનના તરંગો સારી પેઠે ઉત્પન્ન થતા. એટલે તે કાળ મારે માટે સુવર્ણકાળ થઇ પડ્યો. વળી તે સમય જીવનના પાયાનો સમય હતો. તેના ઘાટ પર બાકીના જીવનનો મોટો આધાર હતો. ઇશ્વરની કૃપાથી મારો તે સમય બહુ જ સારી રીતે વીતી ગયો ને જીવનની શુદ્ધિના પ્રયોગમાં તેણે ભારે મહત્વનો ફાળો આપ્યો.

બેનની પાસે બેસતી વખતે હું એમ જ માનતો કે 'મા' જગદંબા પોતે પ્રેમ, મધુરતા ને સુંદરતાનું સ્વરૂપ ધારણ કરીને એની અંદર પ્રકટ થાય છે. તેથી મારા હૃદયમાં તેને માટે પવિત્રતા કાયમ રહેતી ને વધુમાં પૂજ્યભાવ પેદા થતો. મારી ભાવનાને પરિણામે મારા મનમાં બૂરા વિચાર કદીપણ ઊઠતાં નહિ ને કેટલીકવાર વાતાવરણ પ્રતિકૂળ હોય તોપણ મારું મન નિર્મળ જ રહેતું. જગદંબાએ જાણે શરૂઆતના જીવનમાં એ રીતે મારી કસોટી કરવા માંડી. બેનની પાસે જ્યારે જવાનું હોય ત્યારે રાતે જ જવાનું હોવાથી પણ મને લાભ થયો. કેમ કે રાતનો વખત મારે માટે આખાય દિવસનું અવલોકન કરીને થયેલી ભૂલોને તપાસવાનો હતો. તેથી મન નમ્ર ને નિર્મળ થઇ જતું ને તે દશામાં હું બેનની પાસે જઇને બેસતો એટલે નિર્મળતા કાયમ રહેતી.

નિર્મળતાને કાયમ રાખવાનું કામ કપરું છે તે હું જાણું છું. વધારે ભાગના લોકોની તે માટેની મૂંઝવણ, મહેનત ને મુશ્કેલીનો મને ખ્યાલ છે. પરંતુ તન ને મનની પવિત્રતાને જાળવી રાખવાનું કામ અસાધ્ય કે અશક્ય છે એ વાત હું માનતો નથી. મારો આજ સુધીનો અનુભવ એથી ઉલટો છે. તન ને મનની નિર્મળતાને કાયમ રાખીને માણસ કામવાસનાથી મુક્તિ મેળવી જ ના શકે એમ માનવામાં માનવઆત્માની અસીમ શક્તિનું અપમાન રહેલું છે ને ઇશ્વરની અનંત અનુકંપાની પણ અવગણના છે. વધારે ભાગના માણસો કામવાસનાના શિકાર થવામાં જ શ્રેય સમજતા હોય ને તે વિના જીવન નીરસ થઇ જશે એવો ઉતાવળિયો અભિપ્રાય આપવા તૈયાર થતા હોય; વળી કામવાસના સામેના જંગમાં ઝઝૂમતાં ને લડતાં લડતાં કેટલાંક લોકો હતાશ ને ઘાયલ થઇ જતા હોય; કે કોઇ નિર્બળ મનના માણસો એક જ તીર વાગતા તેનું શરણ સ્વીકારતા હોય; તેથી કાંઇ એમ ના કહેવાય કે કામવાસના જીવનનું એક આવશ્યક અંગ છે ને તેને જીતવાનું કામ તદ્દન અશક્ય છે. માણસ જો ધારે તો તે કામને સહેલું કરી શકે છે. તે માટે પ્રભુનું શરણ લઇને પ્રભુપ્રાર્થનાનો આધાર લેવાની આવશ્યકતા છે. પ્રભુની પ્રાર્થનાથી કયું કામ નથી થતું ? તે દ્વારા પ્રભુની કૃપા મળતા માણસ મોટામાં મોટી મુશ્કલીઓને પણ જીતી શકે છે. કામવાસના તો એક સાધારણ વાસના છે. તેના કરતાં પ્રભુની કૃપાનું બળ મોટું છે. જેના મનમાં વિશ્વાસનો એ ભાવ જાગી જાય છે તેનું કામ સીધું ને સહેલું બની જાય છે.

કામવાસનાને વશ કરવાનું કામ કપરું છે એમ માનીને માણસે નિરાશ થવાની જરૂર નથી. પોતાની નિર્બળતા ને મલિનતાનો વિચાર કરીને ભગ્નહૃદય બનવાની જરૂર નથી. બધી દશામાં કાયરતાનો ત્યાગ કરવાનો છે. નિર્બળતાને દૂર કરવાની છે અને અશુદ્ધિનો અંત લાવવા તૈયાર થવાનું છે. તે માટે ખૂબ ખૂબ જાગ્રત રહીને પ્રભુની મદદ માગવાની છે. એમ કરવાથી નિર્મળતાની સાધના સહેલી થઇ શકશે.

માણસનું કામ વધારે કપરું તો ત્યારે બને છે જ્યારે તેને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવવાનો પ્રસંગ મળે છે. વધારે ભાગના માણસો સંજોગો ને સંગ અનુકૂળ હોય ત્યાં સુધી મનને નિર્મળ રાખી શકે છે. પરંતુ સંજોગો અને સંગ વિપરિત બનતા તેમની નિર્મળતા ડોલવા લાગે છે ને સંયમના બંધ તૂટી પડે છે. એ પણ એક જાતની નિર્બળતા જ છે ને પવિત્રતાનો ઉપાસક તેનો પરાજય કરે એ જરૂરી છે. વાતાવરણ અનુકૂળ ના હોય તોપણ જેનું મન ડગે નહિ ને જેની નિર્મળતાની વૃતિમાં વિક્ષેપ પડે નહિ, તે જ વીર પુરુષ. સંસારમાં તે સૌથી મોટો શૂરવીર, મહાત્મા ને નમસ્કાર કરવા યોગ્ય પુરુષ કહી શકાય. જે સિદ્ધાંતો પુરુષને તે જ સ્ત્રીને લાગુ પડે છે. એટલે સ્ત્રીઓને માટે પણ આ વાત એટલી જ સાચી સમજી લેવાની છે.

મારે માટે જીવનની શરૂઆતમાં જ ઇશ્વરે બાહ્ય દૃષ્ટિએ સહેજ પ્રતિકૂળ કહી શકાય તેવા સંજોગો ઉત્પન્ન કર્યા. જો કે સમગ્ર રીતે વિચાર કરતાં મારે માટે તે સંજોગો ખૂબ જ અનુકૂળ હતા. કેમ કે તેથી મારી પવિત્રતાને પરિપકવ કરવાનો મને સમય મળ્યો. તે ઉપરાંત એક કુમારી બેનમાં જગદંબાની ઝાંખી કરીને તેની સાથે સ્નેહસંબંધ સાધવાની તક મળી. તેથી સાધનાના માર્ગમાં મોટી મદદ મળી. એટલી નાની ઉમરે એ બધું એવી અજબ રીતે થઇ ગયું કે વાત નહિ.

મારા જીવનપ્રવાહનો ઉલ્લેખ મેં કોઇની પાસે કર્યો ન હતો. ભાવો ને વિચારોને હૃદયમાં જ સમાવી રાખીને કોઇને તેની ગંધ પણ ન આવે તે રીતે હું તે વખતનું જીવન જીવ્યે જતો. ઇશ્વરે જાણે કે મારા વિકાસ માટે પહેલેથી જ વિચાર કરીને અમુક પ્રકારનું વાતાવરણ તૈયાર કરી રાખેલું. તેમાં તાલીમ આપીને તે જ ઇશ્વરરૂપી 'મા' મારી રક્ષા કરી રહી હતી ને વિકાસનો જે નક્શો તેણે મારે માટે તૈયાર કર્યો હતો તે પ્રમાણે પ્રકાશને પંથે એક પ્રવાસી તરીકે મને આગળ ને આગળ વધારી રહી હતી. જન્મ આપનારી જનેતા તો દૂર હતી, પણ જનેતા બનીને તે મારું જીવની જેમ જતન કરતી હતી. નહિ તો એટલી નાની ઉંમરમાં મારા મનમાં વિકાસના સોનેરી સ્વપ્નાં ક્યાંથી ઉત્પન્ન થઇ શકે ? નાના શરીરમાં 'મા'એ મારે માટે મોટું હૃદય ને મોટું મગજ મૂકી દીધું હતું. તેની પાછળ જન્માંતરના સંસ્કારોની મૂડી હતી. તેથી જ મારું જીવન તે વખતે અલૌકિક રીતે આગળ વધી રહ્યું. તે વખતના મારા જીવનવિકાસના સાક્ષી મારી સાથે ભણતા નારાયણભાઇ ને શાંતિભાઇ જેવા એક-બે મિત્રો હતા. તે ઉપરાંત બીજા સાક્ષી તરીકે મારી રોજનીશી હતી. તેમાં હું મારા વિચારો રજૂ કરતો ને ભાવો ઠાલવતો. ત્રીજા સાક્ષી તરીકે ઇશ્વરરૂપી 'મા' હતી. તેની દૃષ્ટિ સદાય મારા ઉપર મંડાયલી હતી. તે મારા તન, મન, અંતરને સારી રીતે જાણતી ને તેનો ઘાટ ઘડતી. તેની કૃપાને લીધે જ હું સલામત રહી શક્યો.

મેં ભગવાન બુદ્ધનું જીવન વાંચેલું. એની અસર મારા પર ખૂબ જ પ્રબળ પડેલી. ભગવાન બુદ્ધ પહેલા રાજકુમાર હતા. તેમને યશોધરા જેવી સુંદર ને સુશીલ સ્ત્રી હતી. છતાં તેમણે દુનિયાના જુદા જુદા દુઃખ જોયા ને તેમનું હૃદય હાલી ઊઠ્યું. સનાતન સુખને માટે સાધના કરવાની તેમને ઇચ્છા થઇ. તેમને થયું કે દરેક દેહધારીને દુઃખનો સામનો કરવાનો છે. ને જ્યાં સુધી દુઃખ નિશ્ચિત છે ત્યાં સુધી સુખ ક્યાંથી હોય ? આજે જે સુખ છે તે પણ ચંચળ છે ને કાલે નષ્ટ થઇ જનારું છે. માટે ક્ષણિક સુખ ને સુખની સામગ્રીમાં પડી રહેવાને બદલે સનાતન સુખની પ્રાપ્તિ કરવી જોઇએ. બહારના નશ્વર રાજ્યની પ્રાપ્તિ કરવાને બદલે અંદરના અમર રાજ્યને મેળવવું જોઇએ. કામ, ક્રોધ ને અહંકારને વશ કરીને તન, મન, ઇન્દ્રિયોના સ્વામી થવું જોઇએ. કેવી રીતે શાંતિ મેળવીને સંસારને શાંતિનો માર્ગ બતાવવો, એ પ્રમાણે વિચાર કરીને તેમણે પોતાની પત્ની યશોધરાનો અને પોતાના વિશાળ રાજ્યનો ત્યાગ કર્યો, વનમાં જઇને તપ કર્યું, ને પરમ શાંતિની પ્રાપ્તિ કરી. એ વાતને વાંચ્યા પછી તેના પ્રસંગો મારા અંતરચક્ષુ સામે રાતદિવસ રમવા માંડ્યા. મને થયું કે બુદ્ધ ભગવાનને સામ્રાજ્યનું સુખ પણ ફિક્કું લાગ્યું તો હજારો લાખો ને કરોડા માણસો સંસારના સાધારણ સુખોમાં આસક્ત શા માટે બનતાં હશે ? તેનો ત્યાગ કરીને અથવા તેમાંથી મનને પાછું વાળી લઇને પરમ સુખની પ્રાપ્તિ માટે તે પરમાત્માની આરાધનામાં શા માટે નહિ લાગી જતા હોય ? ગમે તેમ પણ મારે તો સંસારમાંથી મનને પાછું વાળી લઇને પરમાત્માની આરાધનામાં જ લાગી જવું જોઇએ, જગદંબાનું દર્શન કરવું અને એવી રીતે જીવનને કૃતાર્થ કરવું જોઇએ. બુદ્ધ ભગવાનના જીવનના મનન પરથી એવા નિર્ણય કરીને મેં શરીરની ગંદકી ને સંસારના દુઃખોનો વારંવાર વિચાર કરવા માંડ્યો. ભગવાન બુદ્ધની જેમ મારું જીવન પણ ઉજ્જવલ ને મહાન થાય તે માટે 'મા'ને પ્રાર્થના કરવા માંડી.

 

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.