બેનના પ્રસંગો અને આકર્ષણનો અર્થ

 નિયમિત અભ્યાસને લીધે મારું મન જ જાણે કે જૂદું બની ગયું. કામ ને ક્રોધના આછાપાતળા અંકૂર પણ તેમાંથી નિકળી ગયા હોય ને તે સહજ શાંતિથી સંપન્ન થઇ ગયું હોય તેવી તેની દશા થઇ ગઇ. પવિત્ર ભાવો અને વિચારોના ફુવારા તેમાં ઊડવા માંડ્યા. ઉત્તમ વૃત્તિના ફોરમવંતાં ફૂલો ખીલી ઊઠ્યાં, ને પ્રેમના પરમ પવિત્ર દેવતાની પધરામણીથી આનંદ આનંદ થઇ ગયો. અંતરના અર્ણવના તરંગો અનુરાગમાં આવીને નિરંતર ઊછળવા માંડ્યા; રોમ રોમમાં એક પ્રકારની શાંતિ ને પ્રસન્નતા ફરી વળી. દૃષ્ટિ બદલાઇ ગઇ. પ્રેમ, પવિત્રતા ને સુંદરતારૂપે વિરાજી રહેલા ઇશ્વરની મૂર્તિ જડ ને ચેતનમાં બધે દેખાવા માંડી. જગદંબાની ઝાંખી જ્યાં જ્યાં નજર પડે ત્યાં બધે જ થવા માંડી. બેનની પાસે બેસતી વખતે પણ મારી દશા એક નાના બાળક જેવી થઇ જતી. જગદંબાના પ્રકાશની ઝાંખી બેનની અંદર મને સહેજે થવા માંડી. તેની આંખમાં ને તેની વાણીમાંથી તેની જ શક્તિ વહી રહી હોય એવો અનુભવ થવા લાગ્યો. તેને જોઇને મેં મનોમન પ્રણામ કરવા માંડ્યા. એકવાર તો મને એવો વિચાર પણ થઇ આવ્યો કે બેનને બોલાવીને હું તેની આગળ મારા દિલને ખૂલ્લું કરું ને તેના ચરણોમાં પૂજ્યભાવે પ્રત્યક્ષ પ્રણામ કરું. પરંતુ પાછળથી મેં તે વિચારને રોકી રાખ્યો. કેમ કે તેનો અમલ કરવામાં જરાક જોખમ હતું. એક તો મારા મનના ભાવો મનમાં જ રહે તે સારું હતું ને બીજું, બેનને પ્રણામ કરવાથી કેટલીક ગેરસમજ થવાનો સંભવ હતો.

છતાંપણ હું ખૂબ જ જાગ્રત રહેતો. દિવસે જે વિચાર આવ્યો હોય કે જે વર્તન થયું હોય તેની યાદ રોજ રાતે સૂતાં પહેલાં કરી જવાનો મારો નિયમ હતો. તેથી મને મોટી મદદ મળતી. રાત્રે એકાંતમાં બેસીને હું 'મા'ની પ્રાર્થના પણ કર્યા કરતો. વિદ્યાર્થીઓ સાથે હું બહુ જ ઓછા પ્રમાણમાં હળતોમળતો ને જરૂર જેટલો જ વ્યવહાર રાખતો. રાતે વધારે ભાગે મારે બેસવાનું સ્થાન અગાશી કે પછી સંસ્થાના મેદાનમાં આવેલું ચકડોળ રહેતું. ત્યાં કલાકો લગી ભક્તિના ઊંડા ભાવમાં ડૂબીને હું બેસી રહેતો. કેટલાક વિદ્યાર્થીઓને મારી એ પ્રવૃતિની ખબર હતી. પાછળથી બેનને પણ તેની માહિતી મળેલી. એક વાર રાતે તે મારી તપાસ કરતી ચકડોળ પાસે આવી પહોંચી. તે વખતે હું 'મા'ની પ્રાર્થના કરતો હતો. તે જોઇને તેને નવાઇ લાગી. એવા એકાંત અંધારા સ્થાનમાં બેસવાનું મને કેમ ગમતું હશે તેવો વિચાર તેના મનમાં ઉત્પન્ન થયો હોય તો નવાઇ નહિ. તેણે જ્યારે મને બોલાવ્યો ત્યારે જ મને તેની હાજરીની ખબર પડી. તે વખતે તેણે મને પૂછ્યું પણ ખરું કે અહીં શું કરો છો ! પરંતુ મેં તેના ઉત્તરમાં એટલું જ કહ્યું કે કાંઇ નહિ, ખાલી બેઠો છું. અને અભ્યાસ કરાવવા ઘરે આવવાનું કહીને તે વિદાય થઇ.

બીજા એક દિવસે સાંજે હું અગાશીમાં બેઠો હતો. દૂર આકાશમાં સંધ્યાના સુંદર રંગો ફરી વળેલા. તે જોવામાં હું મશગૂલ હતો. તે વખતે એ એકાએક મારી પાછળથી આવી પહોંચી.

'તમે રોજ અહીં બેસો છો તેનું કારણ શું ? અહીં એકલા એકલા તમને ગમે છે ?'

મેં કહ્યું: 'કેમ નહિ ? મને એકાંતમાં જ આનંદ આવે છે. જો, પેલા સંધ્યાના રંગો કેટલા રમણીય દેખાય છે ? તેમને જોવાનો આનંદ કેવો અજબ છે ? પંખીઓ પોતાના માળામાં જવા ઊડી રહ્યા છે તે પણ કેટલાં સુંદર દેખાય છે ? તેમને જોવાનું કોને ના ગમે ? અહીં બેસીને હું એ બધું જોયા કરું છું.'

એટલે મારા અકાંતપ્રિય સ્વભાવની બેનને ખબર હતી. તે ઉપરાંત, એકાંતમાં બેસીને હું કાંઇક જરૂરી કામ કર્યા કરું છું, એવો પણ તેને ખ્યાલ હતો. ગમે તેમ પણ તેનો મારા પરનો સદભાવ વધતો જતો. તેનું વર્તન હંમેશા નિર્મળ જ રહેતું. પરિણામે મારો તેના પ્રત્યેનો ભાવ પણ વધતો જતો.

આજે તો એ દિવસો ભૂતકાળની સામગ્રી બની ગયા છે. મારું જીવન પણ જૂદું થયું છે. એટલે સુધી કે તે દિવસો મારા જીવનના છે એમ પણ સહેજે લાગતું નથી. જીવન તે પછી અનેક અવનવા અનુભવોમાંથી પસાર થયું છે. એ દિવસોની યાદની ખાસ જરૂર પણ નથી. છતાં તે વખતના જીવનપ્રવાહોનો ખ્યાલ આવે તે માટે ઇશ્વરના હાથમાં હથિયાર બનીને તેને તટસ્થપણે ચિતરી રહ્યો છું.

બેનના પિતાજીનો સ્વભાવ સારો હતો. તે પણ મારા તરફ સદભાવ રાખતાં. તેમને મારા સારા ચારિત્ર્યમાં વિશ્વાસ હતો. મારા વર્તનમાં તેમને કે બેનને કોઇ ત્રુટિ દેખાઇ હોત તો તે મને સાવધાન કરત. એટલું જ નહિ પણ તેમના ઘરમાં જવાનો ને બેનને ભણાવવાનો જે વિશેષ માનપૂર્ણ અધિકાર મને મળ્યો હતો તેનો પણ કદાચ અંત આવત. પરંતુ તેવો કોઇ પ્રસંગ ઊભો ના થયો. ઇશ્વરે મારી નિરંતર સંભાળ રાખીને મારી તન ને મનની નિર્મળતાને ટકાવી રાખી. તેને લીધે બેનનો મારા પ્રત્યેનો પ્રેમ સારી પેઠે વધી ગયો.

બેનનું હૃદય કેવું હતું, ખરેખર તેના ભાવ કેવા હતા, ને તે મારા તરફ ખેંચાતું હતું કે કેમ તે તો પ્રભુ જાણે. એટલી નાની ઊંમરે તેની સમજ પણ છેક કાચી હોય એ સહેજે સમજી શકાય તેવું છે. પરંતુ મારા હૃદયમાં તો પ્રેમનો પવિત્ર સાગર ભર્યો હતો. તેના તરંગો મારા તન, મન, અંતરને ઘેરી વળેલા. મારું સર્વસ્વ પ્રેમમય થઇ ગયેલું. તે વખતના મારી આજુબાજુના વાતાવરણથી મારો વિચાર ને વર્તનનો વિકાસ સૈકા આગળનો છે એમ મને લાગતું. વધારે મહત્વની વાત તો એ હતી કે મારા હૃદયમાં બેન પ્રત્યે પ્રેમ હતો પણ મોહ કે કામ ન હતો. તેથી જ મારું જીવન વિશુદ્ધ ને ઉર્ધ્વગામી બની શક્યું. તેમાં આધ્યાત્મિક પરમાણુઓ મુક્તપણે પ્રકટી નિકળ્યાં. તેને બદલે જો મોહ અને કામ હોત તો વસ્તુસ્થિતિ ઉલટી જ હોત. જીવન નિર્મળ બનવાને બદલે મલિન બની જાત, સાધનાનો પ્રવાહ અટકી જાત, ને જીવન ભ્રાંતિ, અશાંતિ અને અંધકારમય થઇને પતનની ગર્તામાં ડૂબી જાત. પણ ઇશ્વર દયાળુ છે. તેની ઇચ્છા મંગલ છે. તેણે મારે માટે નવા, જુદા ને મંગલ જીવનની યોજના ઘડી રાખેલી.

પ્રેમ અને આકર્ષણના અર્થ વિશે આપણે ત્યાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એક માણસને - પુરુષ કે સ્ત્રીને બીજા પુરુષ કે સ્ત્રી તરફ આકર્ષણ થાય છે એટલે શું થાય છે તે ખબર છે ? તે વ્યક્તિમાં રહેલો આત્મા બીજી વ્યકિતમાં રહેતા આત્મા સાથે શરીર કે આંખના વાહન દ્વારા એકતા સાધવા પ્રયાસ કરે છે. આકર્ષણનો સાચો અર્થ એ જ છે. એ આકર્ષણ કેવળ માનવસૃષ્ટિ પૂરતું મર્યાદિત નથી પણ જડ-ચેતનના બધા જ પદાર્થો માટે સાચું છે. સૃષ્ટિના સઘળાં પદાર્થો પરમાત્મ તત્વથી ભરપૂર છે. પરમાત્મા સૌમાં વ્યાપક છે. તેથી સૌમાં પરમાત્માનું દર્શન કરવાની ટેવ પાડવી જોઇએ. ધારો કે કોઇ પુરુષને કોઇ સ્ત્રી તરફ પ્રેમ કે આકર્ષણ થાય છે તો તેણે વિચાર કરવો જોઇએ કે એ આકર્ષણ સ્ત્રીની અંદરના આત્માનું છે, ને શરીરમાં આત્માનું અસ્તિત્વ છે તેથી થઇ રહ્યું છે. પોતાની અંદરનો આત્મા સ્ત્રીની અંદર રહેલા આત્મા સાથે પરિચય સાધે ને તેને લીધે આકર્ષણ ઉત્પન્ન થાય છે. એટલે તેનો લાભ લઇને માણસે તે સ્ત્રીની અંદર રહેલા આત્માનું દર્શન કરીને તેની સાથે એકતા સાધવી જોઇએ. તેના શરીર, તેની વાણી, દૃષ્ટિ તથા તેની સુંદરતા ને મધુરતામાં પરમાત્માના પ્રકાશનું દર્શન કરવું જોઇએ. તેમ કરીને માણસ સ્ત્રી તરફના પ્રેમ અને આકર્ષણને આત્મોન્નતિની સાધનાનું અંગ બનાવી શકે. પરંતુ વધારે ભાગના માણસોનું મનોબળ નબળું છે. તેથી આત્માના આકર્ષણનો ઉપયોગ કરીને આત્મદર્શન કરવાને બદલે તે તેમાં બંધાઇ જઇને શરીરના સુખમાં ફસાઇ જઇને ઇન્દ્રિયોના અલ્પજીવી આનંદમાં ડૂબી જાય છે. સમજુ માણસોએ તેમાંથી છૂટવા માટે પ્રયાસ કરવો જોઇએ. સાચા દિલથી પ્રયાસ થાય તો પ્રભુકૃપાથી બધે આત્મદર્શન કરવાનું ને શરીરસંબંધમાં જોડનારી કામવાસનાથી મુક્તિ મેળવવાનું મુશ્કેલ નથી. આકર્ષણ સારું છે, પ્રેમ પણ સારો છે, ને સહેજ છે. પણ તેનો ઉપયોગ આત્માની એકતાનો અનુભવ કરવા માટે થવો જોઇએ. તો જ તે હિતાવહ અને વંદનીય છે.

એ વિચારો મારા તે વખતના જીવનમાં પ્રબળપણે ને સફળ રીતે કામ કરી રહેલા. તેથી જ મારું જીવન આત્મોન્નતિના અનુભવમાર્ગે આગળ વધી રહ્યું. એમાં અજાણ્યે પણ ભાગ ભજવનાર ને મદદ કરનાર બેનની ઉપેક્ષા કેવી રીતે કરી શકું ? તેને મારા ભાવભીના પ્રણામ છે !

 

 

Today's Quote

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.