સંસ્થાની વિદાય

 મેટ્રિકના વરસ સુધીમાં આધ્યાત્મિક વિકાસ માટે મારું મન ખૂબ જ આકુળવ્યાકુળ થઇ ગયું. ઇશ્વરની કૃપાથી તેને શાંતિનો અનુભવ પણ થવા લાગ્યો. આધ્યાત્મિક વિકાસ એ જ જીવનનો વાસ્તવિક વિકાસ છે એ વાત મને બરાબર સમજાઇ ગઇ. તેને સિદ્ધ કરવા માટે હું પ્રયાસ કર્યા કરતો. જગદંબાના દર્શનની લગની મારા દિલને લાંબા વખતથી લાગી ગયેલી. તેને પરિપૂર્ણ કરવાની પ્રાર્થના હું હંમેશા કર્યા કરતો. મારું જીવન એ રીતે જુદે જ માર્ગે વળી ગયું હતું. એટલે સ્કૂલના અભ્યાસમાં મારું ધ્યાન ઓછું હતું. પરીક્ષાના થોડા દિવસો બાકી રહેતા ત્યારે હું વાંચવાનું શરૂ કરતો. મારી સ્મરણશક્તિ ઘણી સારી હતી. એટલે થોડા દિવસની મહેનત પણ મને પરીક્ષામાં પાસ કરવા પૂરતી થઇ પડતી. પરંતુ મેટ્રિકના વરસમાં એ વલણ બદલાયું. મેટ્રિકમાં પાસ થવાનું કામ તે વખતે ખૂબ જ કઠિન હતું. ભલભલા હોંશિયાર વિદ્યાર્થીઓ પણ તેની મુશ્કેલીનો અનુભવ કરતાં. મેટ્રિકની પરીક્ષામાં બેસવા જનારો વિદ્યાર્થી કોઇ મોટો ગઢ જીતવા જતો હોય તેવી લાગણીનો અનુભવ કર્યા વિના રહેતો નહિ. એ પરિસ્થિતિમાં મેટ્રિકના અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેવાનું ઠીક ન હતું. તેથી સ્કૂલમાં નિયમિત હાજર રહીને મેં અભ્યાસમાં બરોબર મન પરોવી દીધું. એક ખાસ વાત એ હતી કે મેટ્રિકમાં મેં 'ફિઝીયોલોજી અને હાઇજીન'નો વિષય લીધેલો. કેમ કે તેના પ્રત્યે મને જરા પ્રેમ હતો. આખી સ્કૂલમાં તે વિષય લેનાર વિદ્યાર્થી હું એકલો જ હતો. એટલે મારે માટે નવા શિક્ષકની નિમણૂંક કરવાનું શક્ય ન હતું. પરિણામે તે વિષયનો અભ્યાસ મેં મારી મેળે જ કરી લીધો. બીજા વિષયો તરફ પણ ખાસ ધ્યાન આપવા માંડ્યું.

મેટ્રિકની પરીક્ષા આપવા જતી વખતે મને ગૃહપતિએ શુભેચ્છાનો સંદેશો કહી સંભળાવ્યો. પરીક્ષા પ્રમાણમાં સારી હતી. પરંતુ મેથેમેટીક્સનું પેપર ઘણું જ અઘરું હતું. એટલું બધું અઘરું હતું કે તે વિશે વિદ્યાર્થી ને શિક્ષકોમાં ઉહાપોહ થયો. છેવટે યુનિવર્સિટીએ ઠરાવ કર્યો કે મેથેમેટીક્સના પ્રત્યેક પેપર પર અમુક ટકા માર્ક ઉમેરી આપવા. મારો મેથેમેટીક્સનો વિષય જરા કાચો હતો. છતાં મેં તેમાં એકંદરે ઘણાં સારા માર્ક મેળવ્યા. અમારી સંસ્થા ઘણાં વખતથી ચાલતી હતી પણ કોઇ મેટ્રિકમાં પાસ થતું નહિ. કોઇ વિદ્યાર્થી હોંશિયાર હોય તો મેટ્રિકમાં આવતા પહેલાં તેની ઉંમર વીસ વરસની થઇ જતી એટલે તેને સંસ્થા છોડવી પડતી. કેમ કે સંસ્થામાં વિદ્યાર્થીને વીસ વરસની ઉંમર સુધી જ રાખવાનો નિયમ હતો. પરિસ્થિતિ એવી હોવાથી સંસ્થામાં રહીને લાંબા વખત પછી મેટ્રિકની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થી હું પહેલો જ હતો. મેટ્રિકમાં મારી સાથે બીજા બે વિદ્યાર્થીઓ બેઠેલા. પણ તે પાસ થઇ શક્યા ન હતા.

મેટ્રિકમાં પાસ થયો ત્યારે મારી ઉંમર સંસ્થાના નિર્ધારીત ધારાધોરણથી ઓછી હતી. એટલે સંસ્થાએ મને આગળના અભ્યાસને માટે તક આપવી કે કેમ તે પ્રશ્ન ઉભો થયો. તેવો પ્રશ્ન ઉભો થવાનો પ્રસંગ સંસ્થાના ઇતિહાસમાં પહેલો હતો. અંતે, તેના ઉત્તરરૂપે ઇશ્વરની ઇચ્છાનુસાર માર્ગ મળી ગયો. અમારી સંસ્થાના ગૃહપતિ મારા પર પ્રેમ રાખતા. તે પોતે કોલેજના જીવન દરમ્યાન મુંબઇની જી. ટી. બોર્ડિંગ હોસ્ટેલમાં રહ્યા હતા. તેમણે મારી વ્યવસ્થા તે સ્થળે થઇ જાય તો સારું એવી ઇચ્છા વ્યક્ત કરી. તેને સાકાર કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. પરિણામે મને જી. ટી. બોર્ડીંગ હોસ્ટેલમાં જગ્યા મળી ગઇ. વરસો પછી મારું સ્થાન પરિવર્તન થવાનો વખત આવી પહોંચ્યો. સંસ્થાના મકાનને મારાથી ભૂલી શકાય તેમ ન હતું. તે સ્થાનમાં મને નવજીવનની પ્રેરણા મળેલી. મારી કાયાપલટ કરવાની તક પ્રાપ્ત થયેલી. નવા નવા અનુભવોથી મારા શરૂઆતના જીવનને તેણે સરસ અને સૌરભમય કરેલું. તેણે મારો ઘાટ ઘડ્યો ને જીવનના આદર્શની ઝાંખી કરાવેલી. માતાની જેમ મારી સંભાળ લીધેલી. તેને કેવી રીતે ભૂલી શકાય ? જીવનમાં પ્રત્યેક માણસ કૃતજ્ઞતાની ભાવના કેળવે, ને પોતાને મદદ કરનાર વ્યક્તિ કે વસ્તુને વિસરે નહિ તે ઇચ્છવા જેવું છે. આજે તો મારી દશા જુદી છે. ભૂતકાળની વસ્તુ ને વ્યક્તિ પરથી મારો મોહ મટી ગયો છે. તે તરફનું મારું આકર્ષણ શાંત થયું છે. તે માટે મારે કોઇ પ્રયાસ નથી કરવો પડ્યો. તે તો વિકાસના ફળસ્વરૂપે સહજ થયું છે.

સામાન્ય રીતે સંસારમાં આપણએ જોઇએ છીએ કે માણસ એક વસ્તુ કે વ્યક્તિને છોડીને બીજી વસ્તુ કે વ્યક્તિના સમાગમમાં આવે છે ને તેમાં રસ લેતો થતાં પહેલી વસ્તુ કે વ્યક્તિનું મમત્વ મોળું પડવા માંડે છે. સ્ત્રીને માટે સર્વકાંઇ કરવા તૈયાર થનાર પુરુષ સ્ત્રીનું મૃત્યુ થતાં બેચેન બની જાય છે ને કકળાટ કરી મૂકે છે. પરંતુ તેની કરુણતા કાયમ માટે ભાગ્યે જ ટકે છે. વખત વીતતાં તે ફરીવાર લગ્નનો ઉમેદવાર બને છે ને વરણાગી વરરાજા થઇને ફેરા ફરવા માંડે છે. બીજી પત્નીને પણ તે એજ પ્રમાણે પ્રેમ કરે છે. શરૂઆતમાં તો પહેલી સ્ત્રીની સ્મૃતિ વાદળમાં ચમકતી વીજળીની જેમ વારંવાર ઉત્પન્ન થાય છે ને શમે છે. પરંતુ છેવટે છેક જ શાંત થાય છે. કોઇક વાર ઉત્પન્ન થાય છે તોપણ ખાસ અસર કર્યા વિના જ મટી જાય છે. જે વાત સ્ત્રીના સંબંધમાં લાગુ પડે છે તે જ વાત કેટલીકવાર પુરુષના સંબંધમાં સાચી ઠરે છે. કોઇ સ્થાન કે વસ્તુના સંબંધમાં પણ એમ જ સમજી લેવાનું છે. મમતાની નિવૃતિની વાત આધ્યાત્મિકતાના માર્ગમાં ખૂબ જ સાચી ઠરે છે. એ માર્ગે પ્રયાણ કરનાર સાધક રાગ કે દ્વેષ બંનેથી પર થઇ જાય છે. ઇશ્વર વિના બીજી કોઇયે વસ્તુ કે વ્યકિતને તે કાયમને માટે વાસનાની ગાંઠ બાંધીને વળગી નથી રહેતો. ઇશ્વરની ઇચ્છા કે યોજના પ્રમાણે વિવિધ વ્યક્તિના સમાગમમાં આવવાનું બને છે ને સમય પર તે વ્યક્તિથી વિખૂટા પડવું પડે છે એમ માનીને બધી દશામાં તે મનની સ્થિરતા જાળવી રાખે છે ને વધારે ને વધારે ઇશ્વરપરાયણ બને છે. આ જીવન કાંઇ પહેલું ને છેલ્લું જીવન નથી. ચાલુ જીવન તો જીવનની અનંત સાંકળનો એક અંકોડો માત્ર છે. તે પહેલો, વચલો કે છેલ્લો અથવા તો ગમે તેવો હોઇ શકે. આજ સુધી કેટકેટલા જીવન પસાર થઇ ગયા તેની કોને ખબર છે ? તે દરમ્યાન માણસે કયા કયા સંબંધો બાંધ્યા ને કેવાં કેવાં મકાનોમાં વસવાટ કર્યો તેનો હિસાબ કોની પાસે છે ? આ જીવનમાં આગલા જીવનની વધારે વિસ્મૃતિ થઇ ગઇ છે ને તેની મમતા ને આસક્તિનો પણ અંત આવ્યો છે. તે પ્રમાણે આ જીવનની વસ્તુ ને વ્યક્તિનું પણ સમજી લેવાનું છે. તેમાં મમતા ને આસક્તિ કરવી નિરર્થક છે. આત્મિક વિકાસને વરી ચૂકેલા સાધકને માટે એ વાત વધારે સાચી ઠરે છે ને સહજ બને છે. તેથી જ મેં કહ્યું કે સંસ્થાના મકાન તરફ આજે મને એટલું આકર્ષણ નથી. એકલી સંસ્થાની જ વાત શા માટે, ભૂત કે વર્તમાન જીવનની કોઇયે વસ્તુ કે વ્યક્તિ તરફ મને આજે આકર્ષણ, મમતા કે આસક્તિની ભાવના નથી. ને ના હોય તે જ સારું છે. કેમ કે એક ઇશ્વરનું આકર્ષણ ને એક ઇશ્વરની મમતા માણસને માટે મંગલકારક છે. જીવનનું સાચું શ્રેય તેમાં જ છે.

સંસ્થાને છોડવાનો અવસર આવ્યો ત્યારે મારામાં એ ભાવના કે સમજનો અભાવ ન હતો. પરંતુ એની અસર હજી કાચી હતી. વળી દરેક વ્યક્તિ ને વસ્તુમાં ઇશ્વરના પ્રકાશની ઝાંખી કરવાની મને ટેવ હતી. તેને લીધે કોઇયે વસ્તુ કે વ્યક્તિને વિસરવાનું કામ મારે માટે મુશ્કેલ હતું. એટલું આવશ્યક પણ ન હતું, કેમ કે જે સ્મૃતિ, સંબંધ ને સ્નેહ જીવનને ઉજ્જવળ કરવામાં મદદરૂપ થાય છે તે કાયમ રહે તેમાં કશી હરકત નથી એવી મારી તે વખતે પણ માન્યતા હતી. જીવનને જડ ને તેથી જ વિપથગામી કરનારી સ્મૃતિ ને પ્રીતિ નુકસાનકારક ને તેથી જ વિસ્મરણીય છે. એ વાત સહેજે સમજી શકાય તેવી છે. તેથી સંસ્થાની સ્મૃતિ તે વખતે ખૂબ જ તાજી થઇ. હવે હું નવી સંસ્થામા જઇ રહ્યો હતો ત્યારે તેનો ઉપકાર ને તેણે ભજવેલો ભાગ યાદ આવવાથી હૈયું ગળગળું બની ગયું. પરંતુ દિલમાં દુઃખ ના થયું. કેમ કે નવી જગ્યામાં જવાનું જીવનના હિતમાં હતું. મારી સંસ્થા પરિવર્તનની પ્રક્રિયા પાછળ જીવનની ઉન્નતિની પ્રેરણા પડેલી. કન્યાને માટે જ્યારે સાસરે જવાનો અવસર આવે છે ત્યારે તેની દશા કેવી થઇ જાય છે ? સુખ ને દુઃખ અથવા તો હર્ષ અને વિષાદની મિશ્રિત લાગણીનો તે અનુભવ કરે છે. પુરાણું ઘર ને પુરાણાં સ્નેહીને છોડવા પડે છે તેનું તેના દિલમાં દુઃખ હોય છે. પણ નવા ઘરમાં નવા સ્નેહી સાથે સંબંધ બાંધવાની કલ્પના તેને માટે સુખદ થાય છે. એ પ્રમાણે મારા મનમાં હર્ષ ને વિષાદની મિશ્રિત લાગણી ઉત્પન્ન થવા લાગી.

એ દશામાં સંસ્થાને મનોમન પ્રણામ કરીને મેં તેની વિદાય લીધી ને જી. ટી. બોર્ડિંગ હોસ્ટેલના નવા વાતાવરણમાં પ્રવેશ કર્યો.

 

 

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.