લગ્નની સમસ્યા - 2

 જીવનમાં વહેલામાં વહેલી તકે આત્મોન્નતિ કરવાની જેની અભિલાષા હોય તેણે લગ્નજીવનમાં ના પડવું જોઇએ. લગ્ન કરીને આત્મોન્નતિ કરવાને બદલે સંસારના પ્રશ્નોમાં અટવાઇ જવાની તેને જરૂર નથી. સંસારના વધારે પડતાં પ્રશ્નો ને વિષયવાસનાથી દૂર રહીને પોતાનું બધું જ ધ્યાન પોતાની જાતની ઉન્નતિ ને પરમાત્માની પ્રાપ્તિ પાછળ લગાડી દેવાનો સંકલ્પ તેણે કરી લેવો જોઇએ. જે વિનાશશીલ ને પરિવર્તનશીલ છે તેને વરવાથી શું વળે ? તેની મમતા અને આસક્તિ કોઇને કાયમી સુખ, શાંતિ ને મુક્તિ કેવી રીતે અર્પણ કરી શકે ? જો વરવું જ હોય તો તો સમજુ માણસે એક ઇશ્વરને જ વરવું જોઇએ, ઇશ્વરના ચરણોમાં જ પ્રીતિ કરવી જોઇએ, અને અવિનાશી ઇશ્વરની સાથે જ અનુરાગના દોરે બંધાઇ જવું જોઇએ. ઇશ્વરને મનોમન વરી લઇને, દિલમાં ઇશ્વરની લગન ભરીને, ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા તૈયાર થવું જોઇએ. ઇશ્વરના રૂપ, ગુણ, ને ચારિત્ર્ય પર મુગ્ધ થવું જોઇએ. ઇશ્વરની બરોબરી કરી શકે તેવી વસ્તુ બીજી ક્યી છે જેના પર માણસ મુગ્ધ થઇને વારી જાય ? ઇશ્વર તો સંસારના સ્વામી છે. તેથી સંસાર કરતા વધારે સુંદર, શક્તિશાળી ને સંપૂર્ણ છે. તેને છોડીને જે સંસારને ભજે ને પ્રીતિ કરે તે તેની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે ? લગ્નજીવનમાં પડેલા માણસોએ પણ પોતાના મનને ધીરે ધીરે વિશુદ્ધ ને ઇશ્વરપરાયણ કરવાનું છે. લગ્નજીવનનું શ્રેય તેમાં જ છે. પણ જેમણે લગ્ન કર્યું ના હોય તેમણે તો જો પોતાની જાતમાં શ્રદ્ધા હોય ને ઇશ્વર પ્રત્યેની ઝંખના હોય તો, અવિવાહિત જ રહેવું જોઇએ. અવિવાહિત રહીને બેસી રહેવું ના જોઇએ પણ પરમાત્મા પ્રેમરંગે રંગાઇ જવું જોઇએ. પોતાની પ્રત્યેક પળનો ઉપયોગ તેમણે પરમાત્માની પાસે ને પાસે પહોંચવાની સાધના માટે જ કરવો જોઇએ. કેમ કે જીવન ઘણું ટૂંકુ છે, પ્રવાહ જેવું ચંચળ છે. તેના આ ચાલુ અંકનો પડદો ક્યારે પડી જશે તેની કોને ખબર છે ? માટે જે સમય મળ્યો છે તેને સોનેરી સમજીને તેનો બનતો લાભ લેવા તૈયાર થવું જોઇએ.

એ વિચારો મારા તે વખતના જીવનને ઘડી રહ્યા હતા. તેના પર એની અસર ઘણી ભારે હતી. બ્રહ્મચર્યની મૂર્તિ જેવા સ્વામી દયાનંદ, વિવેકાનંદ, શંકરાચાર્ય ને જ્ઞાનેશ્વર મારી આંખ આગળ રમી રહેલા. તેમની શક્તિ ને સિદ્ધિનો વિચાર કરીને હું આશ્ચર્ય અનુભવતો. તેમનું જીવન મારે માટે પ્રેરણાસ્પદ હતું. તેમના જીવનનો વિચાર મને ઉત્સાહિત કરતો, ને મને તેમના જેવા બનવાની હિંમત આપતો. તેમની જેમ બ્રહ્મચર્યનું વ્રત પાળીને આધ્યાત્મિક ઉન્નતિ કરવાની મહત્વકાંક્ષા મારામાં જાગ્રત થઇ. તે માટે મને મારી જાતમાં ને જગદંબાની દયામાં વિશ્વાસ હતો. શ્રીરામકૃષ્ણદેવ, રામતીર્થ તથા શ્રદ્ધાનંદ જેવા સંતોએ ગાયેલો સંયમી જીવનનો મહિમા મને યાદ હતો. કામવાસના ને કાંચનથી દૂર રહેવાની રામકૃષ્ણદેવની વારંવારની સૂચનાનો મને ખ્યાલ હતો. તે સૂચનાનો અમલ કરવા રામકૃષ્ણદેવે પોતાના પ્રારંભિક જીવનમાં જે મહાન પ્રયોગો કરેલા તેનું મને સ્મરણ હતું. તેમને પગલે ચાલીને જગંદબાનો સાક્ષાત્કાર કરવાની અને એક સાચા સંત થવાની મારી ઇચ્છા હતી. તે ઇચ્છાને સાકાર કરવામાં મુશ્કેલી નહિ પડે એવો મને ઊંડે ઊંડે વિશ્વાસ હતો. મહત્વની વાત તો એ કે હું લગ્નજીવનમાં ના પડું તેવી ઇશ્વરની ઇચ્છા હતી. તેથી જ હું અપરિણીત રહેવાનો નિર્ણય કરી શક્યો ને મારા નિર્ણયમાં દૃઢ રહીને મારું દૃષ્ટિબિંદુ વત્તેઓછે અંશે સમજાવી શક્યો.

મારી આધ્યાત્મિક અવસ્થાથી અજાણ માણસો કેટલીકવાર મને સમજાવવાનો પ્રયાસ કરતા. સરોડા જવાનું થતાં એવા પ્રસંગો સહેજે બનતાં. એકવાર ગામના એક આગેવાન ભાઇ મને સમજાવવા આવ્યા. તેમણે મને શિખામણ આપતાં કહેવા માંડ્યું, 'જુઓ, તમારા ઘરમાં તમે એકના એક પુત્ર છો. લગ્ન નહિ કરો તો વંશ ક્યાંથી રહેશે ? વંશવેલો વધતો રહેવો જોઇએ. માટે માની જાવ. હમણાં લગ્ન ના કરવું હોય તો એકલું સગપણ કરી લો. લગ્ન પછી થઇ રહેશે. લગ્ન વિના પિતૃની ગતિ થાય નહિ. લગ્ન નહિ કરો તો તમારું શ્રાદ્ધ પણ કોણ કરશે ?'

છેલ્લું વાક્ય સાંભળીને મને થયું કે આગેવાન ભાઇએ નજર બહુ લાંબી દોડાવી. તેમનું ભેજું બહુ ફળદ્રુપ લાગે છે ! છતાં મેં તેમને શાંતિથી ઉત્તર આપ્યો કે 'મને વંશની ચિંતા નથી. આજે શંકરાચાર્ય ને જ્ઞાનેશ્વર જેવા મહાપુરુષોને લાખો લોકો યાદ કરે છે. બીજા કેટલાયને ભજે છે ને યાદ કરે છે. તેમનો વંશ એ રીતે કાયમ છે. ઇશ્વરના ભક્તો ને મહાપુરુષો પોતાના કર્મોથી લાખો લોકોને પ્રેરણા પાય છે. તે અમર છે. તેમને પોતાનું નામ કાયમ રાખવા કોઇ સંતાનની જરૂર નથી પડતી. બાકી બ્રહ્માનો વંશ તો ચાલ્યા જ કરે છે. જગતમાં એક, બે કે વધારે સ્ત્રીપુરુષો લગ્ન નહિ કરે તેથી કાંઇ બ્રહ્માનો વંશ પૂરો થવાનો નથી. લગ્ન નહિ કરનારા માણસોની જેમ લગ્ન કરવા તૈયાર થનારા માણસો પણ સંસારમાં થયા કરશે. ને નહિ થાય તો તેની ચિંતા ઇશ્વર પોતે કરી લેશે. ઇશ્વરના ભક્તના માતાપિતા ને તેનું કુળ સહેલાઇથી તરી જાય છે. નરસિંહ મહેતા અને ભક્તોએ એ વાતનો ઉલ્લેખ કરેલો છે. માટે પિતાના કુળને તારવા માટે લગ્નની જરૂર નથી. તે માટે તો ઇશ્વરનું શરણ લઇને સત્કર્મ કરવા જોઇએ. ને મારા શ્રાદ્ધની મને ચિંતા નથી. હું આ જીવન દરમ્યાન જ પ્રભુની કૃપાની પ્રાપ્તિ કરી લઇશ. મારી શાંતિ ને ગતિ માટે હું બીજા પર આધાર નહિ રાખું, પ્રખરમાં પ્રખર પુરુષાર્થ કરીને આ જ જીવનમાં પરમ ગતિને મેળવી લઇશ.'

મારો પ્રત્યુત્તર સાંભળીને તે ભાઇ જરા ઢીલા પડ્યા પણ યુદ્ધમાં રમનારો સૈનિક બનતાં બધાં જ શસ્ત્રોનો પ્રયોગ કરી બતાવે તેમ તેમણે વિચારોના નવાં નવાં શસ્ત્રો કાઢવા માંડ્યા. તેમણે શરૂ કર્યુ કે 'એમ તો પહેલાંના ઋષિઓ પણ લગ્ન કરતાં હતા. લગ્ન કરીને તે ઇશ્વરની પ્રાપ્તિ કરતા ન હતા ? વળી શાસ્ત્રો પહેલાં બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું કહીને પછી જ ગૃહસ્થાશ્રમની આજ્ઞા કરે છે.'

મેં કહ્યું: 'તે વાત બરાબર છે પણ તેવી આજ્ઞા તો સર્વસામાન્ય માણસો માટે છે. જેનો વૈરાગ્ય દૃઢ હોય ને પરમાત્માને મેળવવા જેનું મન તલપાપડ હોય તેને માટે તે આજ્ઞાનો આગ્રહ બરાબર નથી. તેને માટે શાસ્ત્રોએ બ્રહ્મચર્યાશ્રમમાંથી જ ઇશ્વરપરાયણ થવાની ને ત્યાગ કરવાની સૂચના કરી છે. એટલે મારું વલણ બરાબર છે. વળી કેટલાક ઋષિઓ પરણેલા હતાં માટે બધાંએ પરણવું જ જોઇએ એવો આગ્રહ અસ્થાને છે. દરેકને પોતાની રુચિ ને શક્તિ પ્રમાણે ચાલવાની છૂટ હોવી જોઇએ.'

એ રીતે વિચારોના બધાં જ બારણાં જ્યારે બંધ થઇ ગયા ત્યારે પોતાના વ્યવહારિક અનુભવને રજૂ કરતાં તે કહેવા માંડ્યા, 'અત્યારે ના કહો છો. પણ પછી હા કહેશો ને તે વખતે કોઇ કન્યા બાકી નહિ રહે તો ?'

મેં કહ્યું: 'તે ચિંતા તમે મારા પર છોડી દો. બાકી મારો વિચાર મજબૂત છે.' ત્યારે તે મારી દૃઢતા માટે મને શાબાશી આપતાં ઊભા થયા. તે સમજી શક્યા કે મારી વાત સાચી હતી.

લગ્ન વિશેની વાતચીતનો આ કાંઇ પહેલો પ્રસંગ ન હતો. તે પછી એવા કેટલાય પ્રસંગો બની ગયા. એક ભાઇએ તો ઠેઠ ઇ.સ. ૧૯૪૪ સુધી મારા પરિવર્તનની આશા રાખી હતી. પણ છેવટે તેમને નિરાશ થવું પડ્યું. ગામમાં સોમાભાઇ વ્યાસ નામે એક ભાઇ હતા. તેમને મારા પર પ્રેમ હતો. અમારા મકાન પાસેથી પસાર થતી વખતે માતાજીને તે વારંવાર કહેતા કે, 'એને સંસારમાં નાખી દો. પણ એ સંસારમાં નહિ પડે. તમે જાણો છો એ કોણ છે ? એના લક્ષણો હું જોયા કરું છું. એ તો બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મજ્ઞાની. તમારા કુળને તારી દેશે.' એમણે મારા ભાવોને કંઇક અંશે ઓળખ્યા હતા.

 

 

Today's Quote

Keep your face to the sunshine, and you cannot see the shadow.
- Helen Keller

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.