જી. ટી. બોર્ડિંગ હોસ્ટેલમાં

 આજના યુગમાં વિલાસીતા વધતી જાય છે ત્યારે સંયમી જીવનનું મહત્વ ઓછું અંકાવાનો સંભવ છે. સ્વચ્છંદી જીવનમાં માનનારા સ્ત્રીપુરુષોને સંયમનું મૂલ્ય નહિ જેવું લાગવાનો સંભવ છે. તો પણ તેના મહત્વ ને મૂલ્યમાં તેથી કાંઇ ફેર પડતો નથી. સંપૂર્ણ સંયમ સાધારણ માણસોને માટે મુશ્કેલ છે એ વાત સાચી, પરંતુ તેથી વિલાસ ને સ્વચ્છંદતાનો બચાવ કરવામાં જરાય ડહાપણ નથી રહ્યું. સાધારણ માણસોએ અતિ સંયમ અને અતિ વિલાસ બંનેની વચ્ચેના મધ્યમ માર્ગને અપનાવવો જોઇએ ને ધ્યેય તરીકે વિલાસને બદલે સંયમની જ પસંદગી કરવી જોઇએ. ક્રમે ક્રમે તે ધ્યેયની સિદ્ધિ માટે પ્રયાસ પણ કરવા જોઇએ. પરંતુ જે સાધકો હોય તે તો વિલાસને બદલે સંયમનું જ વ્રત લઇ લે. કેમ કે ઉંચી કોટિની આત્મોન્નતિની સાધના સંયમના પાલન વિના ભાગ્યે જ થઇ શકે. ઇશ્વરદર્શનની ભાવના કે આકાંક્ષા પણ તેના વિના અધૂરી જ રહે. જે આળસુ અને એદી છે, અશ્લીલ ચિત્રો જુએ છે, ઇન્દ્રિયોને ઉત્તેજનારાં પુસ્તકો વાંચે છે, ને કુસંગ કરે છે, તેને માટે સંયમનું પાલન આકાશને અડવા જેવું અશક્ય બની રહેવાનું. પણ જે સદગ્રંથોના વાચનમાં ને સત્સંગમાં રસ લે છે ને ખાનપાનમાં શુદ્ધિ ને સાત્વિકતા સાચવવાની ચીવટ રાખે છે તેને માટે તે મુશ્કેલ હોવા છતાં ઇશ્વરની કૃપાથી સહેલું થઇ પડવાનું. તેમાં મદદ મળે તે માટે માણસે ઇશ્વરદર્શન અથવા એવા જ કોઇ ઉચ્ચ આદર્શ માટે જીવનને અર્પણ કરવાની આવશ્યકતા છે. એ આદર્શ માટે ફના થવાની તાકાત તેણે તૈયાર કરવાની છે ને તેની સિદ્ધિ માટેની મહેનતમાં મશગૂલ બનવાનું છે. તેમ થતાં જીતેન્દ્રિય થવાનું કામ સહેલું થઇ પડશે. તે ઉપરાંત, પ્રભુની પ્રાર્થનાનો આધાર લેવાથી પણ માણસનો માર્ગ મોકળો થઇ શકશે. સંયમનું પાલન કરવામાં પ્રાર્થનાએ મને સારી સહાય કરી છે. શરૂઆતથી તે અત્યાર સુધી તે મારે માટે મદદરૂપ થઇ પડી છે.

મેટ્રિક પાસ કરીને મારે આગળના અભ્યાસ માટે ગોવાલિયા ટેન્ક પર આવેલી જી. ટી. બોર્ડીંગ હોસ્ટેલમાં આવવાનું થયું. ત્યારે મારી ઉમર સત્તર વરસની હતી. વિશુદ્ધ જીવન ને 'મા'ના દર્શન માટેની પ્રાર્થનાનો ક્રમ ત્યાં પણ ચાલુ જ રહ્યો. સંસ્થાના જીવનનો મને લાંબો અનુભવ હોવાથી નવા વાતાવરણને અનુકૂળ થતાં વાર લાગી નહિ.

જીવનની વિશુદ્ધિ અને 'મા'ના દર્શન માટેની ઝંખના નવા વાતાવરણમાં વધતી જ ગઇ. તે ઝંખનાની પાછળ કોઇ ક્લેશ, કષ્ટ કે વાતાવરણનો પ્રભાવ ન હતો. તેની પાછળ તો વિવેકનું પીઠબળ હતું. એટલે વાતાવરણમાં ફેર પડે તોપણ તેમાં ફેર પડવાનો સંભવ ન હતો. મારે જે કોલેજમાં જવાનું હતું તે વિલ્સન કોલેજ તદ્દન પાસે જ હતી. તેમાં હાજર રહેવાનો સમય પણ પ્રમાણમાં ઓછો હતો. એટલે મારા પ્રિય સ્થાન હેન્ગીંગ ગાર્ડન ને નરીમાન પોંઇટના શાંત વાતાવરણમાં બેસવાનો લાભ વધારે પ્રમાણમાં મળવા માંડ્યો. તેથી મને આનંદ થયો. બોર્ડીંગમાં દરેક વિદ્યાર્થીને સૂવા માટે પલંગ મળતો. પરંતુ મેં તેનો ઉપયોગ કરવાને બદલે વધારે ભાગે શયનખંડની પાસેની ગેલેરીમાં ચાદર પાથરીને જમીન પર જ સૂવાનું રાખ્યું. મારા એવા વર્તનથી કોઇ કોઇ વિદ્યાર્થીઓ ભારે નવાઇ પામતા. તેવા વિદ્યાર્થીઓ મોજશોખ અને આમોદપ્રમોદને જ જીવનનું સર્વસ્વ સમજતાં. તેથી ઉલટું, કોઇ કોઇ વિદ્યાર્થી ભાઇઓને મારું વર્તન સારું લાગતું. તે મારી મુક્ત કંઠે પ્રશંસા કરતા. તેમનામાં સાદાઇ, સંયમ અને સુવિચારની છાપ હતી. તેમને જોઇને મને આનંદ થતો. જેમ દરેક ઊંચી કેળવણીની સંસ્થામાં હોય છે તેમ અમારી સંસ્થામાં પણ તેવા સંસ્કારી વિદ્યાર્થીઓ ઘણા થોડા હતા. સંસ્થામાં વધારે ભાગે બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને જ દાખલ કરવાનો નિયમ હતો. પણ બુદ્ધિ ને સંસ્કાર બે જુદી જ વસ્તુઓ છે. બંનેનો સમન્વય બહુ વિરલ વ્યક્તિના જીવનમાં જોવા મળે છે. અમારી સંસ્થાને માટે પણ તે હકીકત સાચી હતી.

જી. ટી. બોર્ડીંગમાં વિશાળ મેદાન હતું. તેમાં ટેનીસ કોર્ટની સગવડ હતી. તે મેદાનની એક ખૂણે એક ઝાડ હતું. તે ઘણું નાનું હોવા છતાં મને ગમી ગયું. રામકૃષ્ણદેવના જીવનમાં મેં વાંચેલું કે દક્ષિણેશ્વરના તેમના નિવાસસ્થાનમાં આવેલી પંચવટી નામની જગ્યામાં લગભગ મધરાત દરમ્યાન તે ધ્યાનમાં બેસતા. તે વખતે પોતે શરીરથી અલગ છે તે વાતનો અનુભવ કરવા કેટલીક વાર કપડાં પણ કાઢી નાખતા. તે વાતની અસર મને સારી થઇ. તેમાંથી પ્રેરણા મેળવીને છેલ્લા ત્રણેક વરસથી મધરાતની આસપાસ ધ્યાન કરવાની મેં ટેવ પાડેલી. તે પ્રમાણે મધરાત દરમ્યાન ઉઠીને પેલા નાના ઝાડ નીચે ધ્યાનમાં બેસવાની મેં ટેવ પાડી. ધ્યાન કરતી વખતે રામકૃષ્ણદેવને યાદ કરીને મેં વસ્ત્રો પણ કાઢી નાખવા માંડ્યા. તે દશામાં મને શાંતિ મળવા માંડી અને આનંદનો અનુભવ થવા લાગ્યો. લગભગ અઢી ત્રણ વાગ્યે ધ્યાન પૂરું કરીને વસ્ત્રો પહેરીને હું પાછો આવી જતો ને થોડોક સમય સૂઇ રહેતો. એ ક્રમ મારો પ્રિય ક્રમ બની ગયો. તેની ખબર કોઇ વિદ્યાર્થીને પડી શકી નહિ કેમ કે જે ઝાડ નીચે હું બેસતો તે ઝાડ અંધારામાં હતું ને મારા ધ્યાનમાં બેસવાના વખત દરમ્યાન વિદ્યાર્થીઓ વધારે ભાગે સુતેલાં જ રહેતા. એ રીતે નવા વાતાવરણમાં રહીને મેં મારો માર્ગ કાઢી લીધો.

મૌનથી ઘણાં લાભ થાય છે એમ મારા સાંભળવામાં આવેલું. ગાંધીજી દર સોમવારે મૌનવ્રત રાખતા તેની મને ખબર હતી. મેં પણ અઠવાડીયામાં એક દિવસ મૌનવ્રત પાળવાનું નક્કી કર્યું. ઓછું ને ખપ પૂરતું બોલવાની ટેવ મને પહેલેથી જ પડેલી. એમ કહો કે જરૂર જેટલું જ બોલવાનો મારો સહજ સ્વભાવ હતો. તેથી મૌનવ્રતનું પાલન મારે માટે સહેલું થઇ પડ્યું. કોલેજમાં હાજરી પુરાતી તે વખતે પણ હું મૌન જ રાખતો. તે વખતે મારા વતી 'યસ સર' બોલવાનું કામ પણ મૌન વ્રતના દિવસે એક બીજા ભાઇને સોંપતો. તે ભાઇ સમજુ ને સંસ્કારી હતા. તેમને મૌનવ્રત જેવા વ્રતો પર ને મારા પર પ્રેમ હતો. તેથી મારી સૂચનાને તે સહર્ષ વધાવી લેતાં. બાકી તો કોલેજમાં વધારે ભાગે વક્તા જેવા પ્રોફેસરોના શ્રોતા જ બનવાનું હોય છે. એટલે મારું વ્રત સહેલું બનતું. સંસ્થામાં પણ વિદ્યાર્થીઓ મારી વાત સમજી જતાં.

મૌનવ્રતની એ ચાલુ થયેલી પરિપાટી મારા જીવનમાં કેટલાક જરૂરી ફેરફાર સાથે લાંબા વખત લગી ચાલુ રહી. આજે પણ તે એક યા બીજી રીતે ચાલુ છે. તેથી મને લાભ થયો છે. મૌનવ્રતથી શક્તિ બચે ને શાંતિ મળે છે, ને વિચારશક્તિ વધે છે. બીજા પણ કેટલાક લાભ નથી થતાં એમ નહિ. પરંતુ સૌથી મોટો ને સૌને સમજાય તેવો લાભ તો એ છે કે માણસ તે દરમ્યાન અસત્યભાષણથી અનિચ્છાએ પણ બચે છે. સાધકોને માટે મૌનનું મહત્વ ઘણું મોટું છે. ચિત્તની એકાગ્રતા અને કર્તવ્યપરાયણતા માટે એ આવશ્યક છે. મૌનના આટલા લાંબા અનુભવ પછી હું એવા નિર્ણય પર પહોંચ્યો છું કે મૌનનો મર્મ માણસે રોજિંદા જીવનમાં ઉતારવો જોઇએ. એટલે કે રોજના જીવનમાં સાચું, સારું ને ખપ જેટલું બોલવાની ટેવ પાડવી જોઇએ. તેની સાથે ખોટું, કડવું ને જરૂર વગરનું બોલવાની ટેવમાંથી છૂટવું જોઇએ. તેમ કરવાથી મૌનનો આનંદ મળી રહેશે ને મૌન જીવનનું અંગ બની જશે. એને માટે પ્રયત્ન કરવાની સૌને મારી ભલામણ છે.

 

 

Today's Quote

Blessed are those who can give without remembering, and take without forgetting.
- Elizabeth

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.