Tuesday, June 02, 2020

પ્રવાસી મહાપુરુષની મુલાકાત

 બીજા સંતપુરુષના દર્શનનો લાભ મને હેન્ગીંગ ગાર્ડન પર મળ્યો. જે બાંકડા પર હું સવાર-સાંજ નિયમિત બેસતો તે જ બાંકડા પર તે એક સાંજે બેઠેલા. તેમણે સફેદ વસ્ત્રો પહેર્યાં હતા, ને પંચકેશ રાખેલા. તેમની મુખાકૃતિ શાંત હતી. મુંબઇમાં તે તેમના કોઇ પરિચિત ભક્તને ત્યાં ઊતર્યા હતા. લગભગ આખા દેશમાં તેમણે પરિભ્રમણ કરેલું. તાજેતરમાં તે બ્રહ્મદેશ જઇ આવેલા. તેમની પાસે કાકા કાલેલકરનું 'બ્રહ્મદેશનો પ્રવાસ' નામે પુસ્તક હતું. તેથી તે સુશિક્ષિત હતા ને વાચનમાં રસ લેતા એમ લાગતું. મારી જિજ્ઞાસાના જવાબમાં તેમણે ભારતના અનેક પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ સ્થળોની માહિતી મારી પાસે રજૂ કરી. તેથી મને આનંદ થયો. તેમનો વિચાર હવે રામેશ્વર તરફ ફરી વાર જવાનો હતો. તેમને જોઇને મને પણ તેમના જેવું જીવન જીવવાનું મન થઇ ગયું. કેટલું સરસ જીવન ! ના કોઇનો રાગ, ના કોઇ સાથે દ્વેષ, અહંકાર, મમતા કે તૃષ્ણા નહિ; ઇશ્વર સિવાય કોઇની ચિંતા ને ગુલામી તથા કોઇનું બંધન નહિ. વહેતા પ્રવાહની પેઠે કોઇની દખલગીરી વિના મન માને ત્યાં જવાનું ને રહેવાનું. કેટલું સ્વતંત્ર ને સ્વમાની જીવન ? માણસ આજે પરાધીન બની ગયો છે. એવા પરાધીન જીવનમાં શો આનંદ મળી શકે ? છતાં માણસ આનંદ માને છે ને પરાધીનતાને દૂર કરવા તૈયાર થતો નથી એ આશ્ચર્ય છે. પણ મને એક શંકા થઇ. સંતપુરુષને મેં પૂછ્યું કે, 'પ્રવાસી જીવનમાં ધ્યાન વિગેરે આત્મોન્નતિનાં સાધન થઇ શકે ? આત્મોન્નતિની સાધના વિનાનું એકલું પરિભ્રમણ વિવેકી પુરુષને ભાગ્યે જ પસંદ પડે.'

તેમણે શાંત સ્વરે ઉત્તર આપ્યો, 'જરૂર. પ્રવાસ કરતાં-કરતાં સમય બચાવીને નિયમિત રીતે સાધના કરી શકાય છે. જેને સાધનામાં રસ છે તે તો ગમે તેમ કરીને પણ સમય શોધી કાઢશે. સાધનામાં રસ વિનાનો માણસ એકેય દિવસ ભ્રમણ નહિ કરે ને એક જ ઠેકાણે બેસી રહેશે તો પણ સાધનાનું કામ નહિ કરે. એટલે મર્યાદા મુજબનો પ્રવાસ સાધનામાં નડતરરૂપ નથી. બાકી તો આ પ્રશ્ન પ્રત્યેકની રુચિનો છે.'

મેં જરા હિંમત કરીને પૂછ્યું, 'તમો સાધના કરો છો ?'

તેમણે કહ્યું, 'હા.'

'ત્યારે તમને નિર્વિકલ્પ સમાધિ થઇ છે ખરી ?'

એવી જ શાંતિથી પ્રત્યુત્તર આપતાં તેમણે જાહેર કર્યું, 'ના, હજી એ દશાએ હું નથી પહોંચ્યો પણ પહોંચવાનો પ્રયાસ કરું છું. એટલે શ્રદ્ધા છે કે થોડા વખતમાં પહોંચી જઇશ. ધ્યાનમાં મને સારા અનુભવો થાય છે.'

તેમના ઉત્તરથી મને આનંદ થયો. મને ખાતરી થઇ કે તે એક અનુભવસંપન્ન મહાપુરુષ છે. તેમની નમ્રતા ને નિરાડંબરતાએ મારા પર ખૂબ જ અસર કરી. તેમણે મને પણ ધ્યાન કરતાં રહેવાની સલાહ આપી.

'આ માર્ગ ભારે વિકટ છે.' તે બોલ્યા, 'વળી લાંબો પણ છે. તેમાં ધીરજપૂર્વક પુરુષાર્થ કરવાની જરૂર છે. પણ તેની સત્યતા વિશે શંકા કરવાની જરૂર નથી. જેને ઇશ્વર પર શ્રદ્ધા ને સાધના પર પ્રેમ છે તે ક્રમે ક્રમે તેમાં જરૂર સફળતા મેળવે છે.'

તેમના વચન ડહાપણથી ભરેલાં હતાં. તેમાં શંકા કરવાનું કારણ નથી. મોડે સુધી વાતો કરીને છેવટે અમે છૂટાં પડ્યાં. આજે તે છે કે નહિ ને છે તો ક્યાં છે તેની ખબર નથી. પણ તેમનો પુરુષાર્થ ચાલુ રહ્યો હશે તો આજે તેમની દશા અનેરી હશે તે નક્કી છે.

 

 

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok