Tue, Jan 19, 2021

સંતોનો સમાગમ

 મુંબઇના નિવાસ દરમ્યાન કોઇ સંતપુરુષના દર્શનની ઇચ્છા મને અવારનવાર થયા કરતી. સંતોનો મહિમા કોણ નથી જાણતું ? સંતોની શક્તિ અનંત છે. સંતો સંસારને માટે આશીર્વાદરૂપ છે. તાપથી તપેલા લોકોને તે શીતળ છાયાનું દાન કરે છે અને આરામ આપે છે. માનવજાતિ પર તેમનો ઉપકાર ઘણો મોટો છે. દાનવતાને દૂર કરીને સાચા અર્થમાં માનવ થવાનો ને છેવટે પરમાત્માને મેળવવાનો માર્ગ તે માણસને બતાવે છે. તેમની છત્રછાયામાં રહીને માણસ બંધનમાંથી મુક્ત થાય છે, પોતાની સુષુપ્ત શક્તિઓની ખીલવીને પૂર્ણ બને છે, ને શાંતિ મેળવે છે. તેમનો સમાગમ સદાયે સુખમય ને મંગલ હોય છે. પરંતુ વિવેકી પુરુષો કહે છે કે તે દુર્લભ છે. સંતોનો સત્સંગ તો દુર્લભ છે જ પણ સંતોનું દર્શન પણ ઓછું દુર્લભ નથી. તેમાંયે વળી મુંબઇ જેવા શહેરમાં તો તે દુર્લભ હોય જ. એ સહેલાઇથી સમજી શકાય તેવું છે. ઇશ્વરની કૃપા હોય તો જ ત્યાં સંતસમાગમ થઇ શકે.

એનો અર્થ એવો નથી કે સાચા સંતો કોઇ પર્વતમાળા કે નદીના પ્રદેશમાં જ રહે છે અથવા ગામડામાં જ વસવાટ કે વિચરણ કરે છે, ને મુંબઇ જેવા શહેરોમાં નથી રહેતા. શહેરોમાં પ્રવેશ કરતાં તે ડરે છે એવું નથી સમજવાનું. ઇશ્વરની ઇચ્છા પ્રમાણે તે ગમે ત્યાં રહે છે ને ગમે તે પ્રદેશમાં વિચરણ કરે છે. ગ્રામજીવન ને શહેરી જીવનના ભેદ તેમને મૂંઝવણમાં નથી મૂકતાં. તેમનું દર્શન જેમ એકાંત નદીતટ પરના પ્રદેશમાં, તીર્થોમાં ને પર્વતના પ્રદેશમાં થાય છે તેમ કોઇ કોઇવાર શહેરના રાજસી ને પ્રવૃતિથી ભરેલા વાતાવરણમાં પણ થઇ શકે છે, એટલું જ નહિ, શહેરમાં પણ તે જન્મે છે, જીવે છે, ને કામ કરે છે. શહેરીજીવનનો આધાર લઇને પણ પોતાની જાતને ઘડે છે ને આગળ વધે છે. ઇશ્વરની કૃપા હોય તો એવા આદર્શ અને સાચા સંતોના દર્શનનો લાભ શહેરોમાં પણ મળી જાય છે અને એમના સમાગમથી અંતર શાંતિ અને આનંદ અનુભવે છે. છતાં પણ તેમનું દર્શન દુર્લભ છે એ વાતનો ઇન્કાર કરાય તેમ નથી.

પુસ્તકો દ્વારા સંતોનો પરોક્ષ સમાગમ મને મળી ચૂક્યો હતો. પરંતુ તેવા કોઇ સંતના પ્રત્યક્ષ સમાગમની ઇચ્છા મને કદી કદી થયા કરતી. તેમની સાથે વાર્તાલાપ કરવાનું મન થતું. સંતોના વાસ્તવિક સ્વરૂપને સમજવાની શક્તિ તે વખતે મારામાં મુદ્દલ ન હતી. તેમને પારખવાની કળા મને હસ્તગત ન હતી. એટલે તે વખતે મને જે બે-ત્રણ સંતોના સમાગમનો લાભ મળ્યો તે ખરેખર કેવા ને કેવી કોટિના હતા તે કહેવાની શક્તિ મારામાં નથી. પણ તે સંતના પ્રચલિત વિશાળ અર્થમાં સંત હતા તેની ના નહિ. તેથી તેમનો ઉડતો ઉલ્લેખ કરી રહ્યો છું.

 

એક સંન્યાસી મહાત્મા

મારા કોલેજના પ્રથમ વર્ષ દરમ્યાન એક મહાત્મા રોજ સવારે ચોપાટી પર ફરવા આવતા ને ત્યાંની રેતીમાં લગભગ પા કલાક શીર્ષાસન કરતાં. તેમનું શરીર ગોરું ને તેજસ્વી હતું. તેમની ઉમર ૪૦–૪૫ જેટલી હશે. તેમનું શીર્ષાસન હું ખૂબ જ રસપૂર્વક જોયા કરતો. બીજા પણ કેટલાક માણસો જરા નવાઇ પામતા ને ટોળે વળતાં. તે મહાત્માના મુખના ભાવો ઘણાં સારા ને સાત્વિક હતા. તેમને જોઇને મને આનંદ થતો. થોડા દિવસો પછી તે પણ મારા પર પ્રેમ રાખતા થયા. હું યોગાશ્રમમાં જઇને આસનો શીખ્યો છું, ને તે નિયમિત કરું છું, એ જાણીને તે ખૂબ ખુશ થયા. કોઇવાર તે પ્રાણાયામ કરતા પણ દેખાતા. બપોરે ગાર્ડન પર ફરવા જતો ત્યારે બગીચામાં કોઇ ઝાડ નીચે સૂતેલાં તેમને હું વારંવાર જોતો. તેમના લક્ષણો સારાં હતા. તેમનો સ્વભાવ શાંત હતો. તેથી તેમની પાસે બેસવાનું મને ગમતું. સાંજે હું નરીમાન પોંઇટ તરફ દરિયાકિનારે પાળ પર બેસતો ને સૂર્યાસ્ત થયા પછી ધ્યાન ધરતો. તે વખતે તે કેટલીક વાર ત્યાંથી પસાર થતા. એકવાર તો તેમણે મને સૂચના પણ આપેલી. ધ્યાનમાંથી જાગ્રત થઇને હું સાગરના તરંગોને જોતાં પાળ પર બેઠેલો ત્યારે તે મારી પાસે આવી પહોંચ્યા ને કહેવા લાગ્યા, 'તમે ધ્યાન કરો છો તે સારું છે પણ આ પ્રમાણે પાળ પર બેસીને ધ્યાન કરવું બરાબર નથી. ધ્યાન કરતાં કરતાં જો ઝોકું આવી જાય ને પાણીમાં ગબડી પડો તો તમારી દશા કેવી ભયંકર થઇ જાય તેની કલ્પના કરો. માટે આ સ્થળે ધ્યાન કરવાનું બંધ કરો તે સારું છે.'

તેમની વાત સાવ ઉડાવી દેવા જેવી કે હસી કાઢવા જેવી ન હતી. તેમનો સાવધાનીનો સૂર તેમના આજ સુધીના ઊંડા અનુભવમાંથી ઉતરી આવેલો. પરંતુ મને લાગ્યું કે મારે તેથી ડરવાની ને મારા કામને મૂકી દેવાની જરૂર નથી. ધ્યાનમાં બેસવાની મારી ટેવ કાંઇ નવી ન હતી. છેલ્લાં ચારેક વરસથી તે ચાલુ હતી. તેના પરિણામે મારું મન અમુક રીતે ધ્યાન કરવા ટેવાઇ ગયેલું. તેથી ધ્યાનમાં ઝોકું આવવાનો સંભવ ન હતો. મેં તે વાતનો ખુલાસો કરતાં તેમને કહ્યું કે 'તે વાતની ચિંતા ના કરશો, ધ્યાનની શરૂઆત કરનારને માટે તમે કહ્યો તેવો ભય રહે છે, પરંતુ મારે માટે તેવા ભયનું કોઇ કારણ નથી. હું આવી રીતે આજકાલથી નહિ પણ લાંબા વખતથી ધ્યાન કરું છું. વળી ઇશ્વર મારી સંભાળ રાખે છે પછી મારે ભય પામવાની જરૂર નથી.'

મારો ઉત્તર સાંભળીને તેમને આનંદ થયો તોપણ તેમણે મને સાવધાન રહેવાની સૂચના તો આપી જ. તે મે સાભાર સ્વીકારી લીધી, કેમ કે સાવધ રહેવું સઘળા સંજોગોમાં હિતાવહ છે.

તે મહાપુરુષ મુંબઇમાં બહુ લાંબો વખત રહેલા. તેમને છેલ્લી મુલાકાત ક્યારે થઇ તે યાદ કરું છું તો એક નાનો સરખો પ્રસંગ યાદ આવે છે. કોલેજની વાર્ષિક પરીક્ષા ચાલતી હતી. તે દિવસે ઇતિહાસનું પેપર હતું. પરીક્ષા પૂરી કરીને હું ચોપાટી પર ફરવા ગયો તો તે મહાપુરુષ ત્યાં ઊભા હતા. તેમણે મારી પાસેથી પરીક્ષાની માહિતી મેળવી. પછી ઇતિહાસનું પેપર લઇને તે પ્રત્યેક પ્રશ્નનો વારાફરતી ખુલાસો કરવા માંડ્યા ને મેં તે પ્રમાણે જ લખ્યું છે કે નહિ તે પૂછવા લાગ્યા. છેવટે બીજી કેટલીક વાતો કરીને અમે છૂટા પડ્યાં. તે પછી આજ સુધી પાછા મળી શક્યા નથી, પણ તેમના પ્રત્યેના માનની લાગણી મારા દિલમાં આજેય કાયમ છે. તેમની સ્મૃતિ વારંવાર થઇ આવે છે ત્યારે હૃદય રંગમાં આવીને કહેવા માંડે છે કે ભારતમાં સારા અને શિક્ષિત સંતો પણ છે. ત્યાગ અને સેવાની પરંપરાને ટકાવી રાખનારા ને શાસ્ત્રીય જ્ઞાનની સાથે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપને સાચવનારા સંતો પણ છે. આત્મિક અનુભવની દૃષ્ટિએ તે કદાચ કોરા કે અધૂરા હશે તોપણ જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં કિંમતી ને કામના છે તેની ના કહી શકાય તેમ નથી. તેમની કાયા પર કેટલોક કચરો ને સડો જરૂર છવાઇ ગયો હશે. પણ તેને દૂર કરવાથી તેની અંદરનો સાત્વિક અને પ્રાણવાન ભાગ આજે પણ જોઇ શકાશે. માટે બધા જ સાધુસંત ને ત્યાગીઓ ખરાબ છે એવું છડેચોક જાહેર કરવાની ને માની લેવાની જરૂર નથી.

 

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.