વાળમાંથી દૂધનો ચમત્કાર

 એક સાધુપુરુષનો બીજો પ્રસંગ યાદ આવે છે. તેનો ઉલ્લેખ કરી લઉં તે વખતે પણ યાદ છે ત્યાં સુધી, પરીક્ષાના દિવસો હતા. એક દિવસ બપોરે પરીક્ષા આપીને હું વિલ્સન કોલેજના દરવાજામાંથી નીકળતો હતો. ત્યાં દરવાજાની બહાર મેં એક સાધુપુરુષને ઊભેલો જોયો. તેનો દેખાવ કોઈ ફકીર જેવો હતો. તેણે મને સંકેત કરીને પોતાની પાસે બોલાવ્યો. હું કુતૂહલવશ તેની પાસે ગયો એટલે તેણે મને વધારે ને વધારે પાસે બોલાવ્યો. તેણે તાપથી બચવા માટે છત્રી ઓઢેલી, તેને ઊંચી કરીને તેણે કોલેજના મકાન તરફ ને આગળ પાછળ બધે નજર ફેરવવા માંડી. તેને ખાતરી થઈ કે કોઈ આવે તેવો સંભવ નથી. એટલે તેણે મને પૂછ્યું કે ખિસ્સામાં કેટલા પૈસા છે ?

એ માણસનું વર્તન મને ઘણું વિચિત્ર લાગ્યું. એવો સાધુ એ પહેલાં મારા જોવામાં કદી આવ્યો ન હતો. તેના ચહેરા પર સાત્વિકતા ભાગ્યે જ દેખાતી. એટલે તેને જોઈને મને આશ્ચર્ય તો થયેલું જ. તેણે પૂછેલા પ્રશ્નથી તે આશ્ચર્ય વધી પડ્યું. એક અજાણ્યા વિદ્યાર્થીને બીજું કાંઈ પૂછવાને બદલે સીધો પૈસાની માહિતી માંગતો પ્રશ્ન પૂછી કાઢવો તેમાં મને વિવેકની ખામી દેખાઈ આવી. મને થયું કે મારા ખિસ્સામાં કેટલા પૈસા છે, તેની સાથે એ સાધુપુરુષને શી નિસ્બત ! એ બધા વિચારોએ મારા મુખ પરના ભાવોને પલટાવી નાખ્યા હશે. તેને જોઈને સાધુપુરુષનું મન પણ પલટાયું હોત. પણ તે તો પોતાના વલણમાં મક્કમ હતા. તેણે તેના પહેલાંના પ્રશ્નનું પુનરાવર્તન કર્યું, ને આજુબાજુ કોઈ આવે છે કે કેમ તેની ખાતરી કરી લઈને મારી તરફ જિજ્ઞાસાભરી દૃષ્ટિથી જોવા માંડ્યું.

'એક વિદ્યાર્થી પાસે કેટલા પૈસા હોય ?' મેં તેની જિજ્ઞાસાને શાંત કરવા કહેવા માંડ્યું, 'આ તો ભણવાનું સ્થાન છે, પૈસા કમાવાનું નથી. અમે તો અહીં ભણવા આવીએ છીએ. વળી તમે તો કોઈ સાધુપુરુષ જેવા દેખાવ છો. તમારે પૈસા સંબંધી પૂછપરછ કરવાનું શું કામ ? મારા ખિસ્સામાં કેટલા પૈસા છે એ જાણવાથી તમને શો લાભ છે, ને ન જાણવાથી નુકસાન પણ શું થવાનું છે ? કોઈ પણ પ્રકારના પરિચય વિના કોઈને એકદમ પૈસા વિશે પ્રશ્ન કરવાનું કામ શું ડહાપણ ભર્યું છે કે ? તમારો પ્રશ્ન સાંભળીને મને ખરેખર નવાઈ લાગે છે.'

મારા વાત પરથી તેને લાગ્યું તે પરિસ્થિતિ જરા જુદી દિશામાં વળાંક લઈ રહી છે. તેની કલ્પના એવી હતી કે તેના પ્રશ્નના ઉત્તરરૂપે મારા ખિસ્સાને હું તેની આગળ ખૂલ્લું કરી દઈશ. પણ તેની આશા ફળી નહિ, વધારામાં, અમારી વાતચીત દરમ્યાન ત્રણ-ચાર માણસો અમારી પાસે ફુટપાટ પર થઈને રવાના પણ થયા. વધારે માણસો પણ પસાર થાય એવો સંભવ હતો. તેમાંથી કોઈને અમારા જેવા બે તદ્દન જુદા જ રૂપરંગના માણસોને તદ્દન જુદી જ રીતે અને આશ્ચર્યકારક અવસ્થામાં ઊભેલા ને વાતે વળગેલા જોઈને કુતૂહલ થાય, અને અમારી વાતોમાં દરમ્યાનગીરી કરવાનું મન થાય તે પણ સમજી શકાય તેમ હતું. એટલે વખતને વરતી લઈને મને પ્રભાવિત કરવા માટે સાધુપુરુષે બીજો દાવ અજમાવ્યો. તે દાવ તદ્દન નવો, અપૂર્વ અને અસરકારક હતો. ભલભલા ડાહ્યા ને અનુભવી માણસને પણ પ્રભાવિત કરવાની તેનામાં તાકાત હતી. તેની શરૂઆત કરતાં પહેલાં તેણે મને કહ્યું, 'સાધુઓની શક્તિની તમને ખબર નથી, તેનો પરચો જોવાની ઈચ્છા હોય તો જુઓ.'

એમ કહીને તેણે વળી પાછી આજુબાજુ નજર નાખી ને કોઈ આવતું નથી તેની ખાતરી કરી, છત્રીને જરા ઊંચી કરી. પછી તેના લાંબા લાંબા વાળની સાત-આઠ લટ હાથમાં પકડી રાખી. તરત જ તેણે તે લટને દબાવીને નિચોવવા માંડી. તે જ ક્ષણે દૂધની ધારા ટપકવા લાગી. તે જોઈને મને નવાઈ લાગી. તેનું પ્રદર્શન મને પ્રભાવિત કરવા માટે જ હતું, તે વાત મારા ધ્યાન બહાર ન હતી. તેથી મને તેની ચમત્કારશક્તિ અથવા જાદુવિદ્યા જોઈને તેના ગુણગાન ગાવાનું મન ના થયું. મને તેમાં કોઈ સાધારણ વિદ્યાની કરામત કે મદારી વિદ્યા દેખાઈ. મદારી ખેલ કરે છે, માંકડાને નચાવે છે, ને છેવટે માગવા નીકળે છે. એવા મદારી ચોપાટી પર તે વખતે કેટલાય આવતા ને ખેલ કરતા. તેના કરતાંય એ માણસનો ખેલ મને ખરાબ લાગ્યો. કેમ કે તેની પાછળ ઠગવિદ્યા હતી. ત્રણ-ચાર મિનિટ સુધી વાળમાંથી દૂધ ટપકાવીને પછી તે સાધુપુરુષે હાથ લૂછી નાખ્યો ને ચમત્કાર બંધ કર્યો. તેની નજર હજી મારા ખિસ્સા તરફ જ હતી. ચમત્કાર પૂરો જ કરીને તરત જ તેણે પૈસાની વાત આગળ ધરી, 'હવે સાચું કહો, ખિસ્સામાં કેટલા પૈસા છે ? જેટલા હોય તેટલા મને આપીદો.'

વાત બે ડગલાં આગળ વધી ગઇ. પૈસાની માહિતી મેળવવાને બદલે હવે તેણે પૈસાની માગણી કરી. તેનું વર્તન જોઈને મને વિચિત્ર લાગણી થઈ આવી. તેની કરામતથી પ્રભાવિત થયા વિના મેં તેને હિંમતપૂર્વક પૂછ્યું, 'પૈસાનું શું કામ છે ? મારી પાસેથી પૈસા લઈને તમે શું કરશો ?'

તેણે ઉતાવળથી કહેવા માંડ્યું, 'હવે ખૂબ વાર થઈ ગઈ છે. વિલંબ ના કરો. મારે ચા પીવી છે. માટે પૈસા આપી દો. ભગવાન તમારું ભલું કરશે. તમે ખૂબ જ વિદ્યા તથા નામના મેળવશો ને સુખી થશો.'

મને થયું કે જે માણસ વાળમાંથી દૂધ કાઢી શકે છે તે ચાને માટે ભીખ શા માટે માગે છે ? તે દૂધ જ પી લે તો ? અથવા દૂધ વેચે તો શું તેને બીજા પાસે માંગવાની જરૂર પડે ખરી ? બીજાને પ્રભાવિત કરવા તે આવી ઠગવિદ્યાનો આશ્રય શા માટે લે ? પણ મને વિચાર આવ્યો કે એ વિચારોને મનમાં જ રાખવા ઠીક છે. તેને જાહેર કરવામાં ડહાપણ નથી. તો પણ મેં તેને નિર્ભયતાથી કહ્યું, 'તમે પહેલેથી જ મને કહી દીધું હોત કે મારે ચા પીવા પૈસા જોઈએ છે તો હું તમને પૈસા આપત કે ચા પીવડાવત. પણ તમે તો જુદી જ પદ્ધતિ નો આધાર લીધો. છતાં પણ લો, હું તમને ચા પીવા માટે પૈસા આપું છું.'

પરંતુ મારા આપેલા પૈસા એને ઓછા પડ્યા. એણે તો મારી પાસેથી કોઈ મોટી રકમની ઈચ્છા રાખેલી. એટલે ખિસ્સામાંથી બધા પૈસા કાઢીને બતાવવાની મને સૂચના કરી.

હવે મેં જરા મજબૂત વલણ અખત્યાર કરતાં કહેવા માંડ્યું, 'મારી પાસે તમને આપવા માટે આટલા જ પૈસા છે. આટલી રકમ તમારે ચા પીવા માટે પૂરતી થઈ રહેશે.'

હવે તેને લાગ્યું કે વધારે આગ્રહ કરવો નકામો છે. એટલે તેને મને ફરમાવ્યું, 'ઠીક, હવે પાછળ જોયા વિના જે દિશામાં જવું હોય તે દિશામાં સીધા જાવ; પાછળ જોશો તો સારું નહિ થાય.' અને અમે બંનેએ જુદીજુદી દિશામાં ચાલવા માંડ્યું. મારે હેન્ગીંગ ગાર્ડન જવું હતું એટલે મેં ગાર્ડનનો રસ્તો પકડ્યો.

બીજે વરસે પણ એવો જ પ્રસંગ બન્યો. બપોરના વખતે હું વડોદરાના વિશાળ રસ્તા પરથી પસાર થતો હતો. કમાટીબાગનો દરવાજો પસાર કરીને હું આગળ વધ્યો કે તરત જ મારી પાસે ત્રણેક સાધુ જેવા વેશધારી પુરુષો આવી પહોંચ્યા. તે મને કેમ્પના રસ્તા તરફ એક ઝાડ પાસે લઈ ગયા. પછી તેમાંના એકે છત્રીની આડમાં ઊભા રહીને મને કહેવા માંડ્યું, 'તમારું કપાળ ખૂબ જ ચમકે છે. તમે ભાગ્યશાળી છો. પુષ્કળ ધન મેળવશો, યશ મેળવશો ને સુખી થશો. તમારું નસીબ જોરદાર છે. હવે ખિસ્સામાં જેટલા પૈસા હોય તેટલા મને આપી દો.'

એટલું કહીને તેણે આજુબાજુ જોવા માંડ્યું. પછી લાંબા વાળની લટને હાથમાં લીધી. હું બધી વાત સમજી ગયો. મને મુંબઈનો પૂર્વપ્રસંગ યાદ આવ્યો. મેં હિંમત કરીને કહેવાનું શરૂ કર્યું, 'હું તમારો વિચાર સમજી ગયો છું. હવે મારે તમારી કોઇ કરામત જોવી નથી. મારી પાસેથી તમને એકપણ પૈસો નહિ મળી શકે. તમે બધા આવા કીમિયા કરીને લોકોને ફસાવો છો ને હેરાન કરો છો તેની મને ખબર છે. પણ મને નહિ ફસાવી શકો. હમણાં જ હું પેલા પોલીસને બોલાવું છું ને તમારી કરામત ખુલ્લી કરું છું.'

મારી વાત સાંભળીને તે અજાયબીમાં મૂકાઈ ગયા. મારા તરફથી આવો હિંમતભર્યો સામનો થશે તેની તેમને કલ્પના પણ ન હતી. સદ્દભાગ્યે થોડેક દૂર એક પોલીસ પણ ઊભેલો. એટલે તેમનું વલણ બદલાયું. તે બોલ્યા, 'બસ,બહુ જોરથી ના બોલશો.'

 

 

Today's Quote

Pain is inevitable. Suffering is optional.
- Dalai Lama

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.