સાહિત્યનો રસ

નવી સંસ્થાના નિવાસ દરમ્યાન સાહિત્યના વાચન ને લેખનનું કામ પહેલાંની જેમ સતત રીતે ચાલુ રહ્યું. જુદાં જુદાં માસિકો ને પુસ્તકોના વાચનનો મારો પ્રેમ વધતો જ ગયો. ધાર્મિક પુસ્તકો ઉપરાંત ગુજરાતી સાહિત્યનાં બીજા વિશિષ્ટ ગણાતાં પુસ્તકોના વાચનમાં મને રસ પડતો. બહારના વાચન તરફ મેં પહેલેથી જ વધારે ઘ્યાન રાખવા માંડ્યું હતું, ને તેમાં મદદ મળે તે માટે હું સેન્ડહર્સ્ટ રોડ તથા ધોબીતળાવ પર આવેલા પુસ્તકાલયની નિયમિત મુલાકાત લેતો. સંસ્થાના સ્વતંત્ર પુસ્તકાલયમાંથી પણ મને સારી મદદ મળી રહેતી. પરિણામે મારું સાહિત્યવિષયક જ્ઞાન તે દિવસોમાં ઘણું સારું હતું. નરસિંહ યુગથી માંડીને પ્રેમાનંદ યુગ, નર્મદ-દલપત યુગ, સાક્ષરયુગ ને ન્હાનાલાલ યુગ તથા તે વખતે ચાલી રહેલા ગાંધીયુગના ગુજરાતી સાહિત્યનું અધ્યયન મેં ખૂબ રસપૂર્વક કર્યું હતું. તે વિશેના થોડાં વિવેચનગ્રંથો ને લેખો પણ વાંચ્યા હતા. કવિતા તરફ મને જરા વધારે રુચિ હતી તે રુચિને પોષવા કાવ્યગ્રંથોનું વાચન પણ મેં સારું કર્યું હતું. ચાલુ કવિતાઓના નવા બહાર પડતા ગ્રંથો હું રસપૂર્વક વાંચી જતો. તેમને સમજવામાં મને ખાસ મુશ્કેલી નહોતી પડતી. સાપ્તાહિકો ને માસિકોમાં પણ પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ કવિઓનાં જે કાવ્યો છપાતાં તેમના તરફ હું  દૃષ્ટિપાત કરી જતો. તેથી મને ઘણું ઘણું જાણવાનું મળતું. તે વખતે પણ મારી લેખનપ્રવૃત્તિ સારી ચાલતી. ખાસ કરીને કાવ્યો વધારે લખાતાં. વળી નાટકો ને ચિંતનલેખો લખવાની શરૂઆત પણ થઈ ચૂકેલી. કાવ્યોમાં હું વધારે ભાગે સંસ્કૃત છંદોનો જ પ્રયોગ કરતો. ન્હાનાલાલની અપદ્યાગદ્યની શૈલીને પણ મેં અજમાવી જોઈ. તેમાંના થોડાંક કાવ્યો મેં જુની સંસ્થાના ગૃહપતિને વંચાવ્યાં. તેથી તે ખુશ થયા, ને મારો લેખનનો પ્રયાસ ચાલુ રહેશે તો હું એક સારો કવિ થઈ શકીશ એવો અભિપ્રાય આપ્યો. તેથી મને આનંદ થયો. ભવિષ્યમાં એક મહાન કવિ થવાની મહત્વાકાંક્ષા મારા મનમાં જાગ્રત થઈ ને જ્યારે મારા સાંભળવામાં આવ્યું કે ટાગોરને ગીતાંજલિ માટે નોબલ પ્રાઈઝ મળ્યું છે ત્યારે મેં ગીતાંજલિ વાંચીને નિર્ણય કર્યો કે ભવિષ્યમાં હું પણ સરસ કવિતાની રચના કરીને નોબલ પ્રાઈઝ મેળવીશ ને દુનિયામાં દેશનું ગૌરવ વધારીશ. હજી તો મારી ઉંમર ઘણી નાની છે. આગળ ઉપર મારી લેખનકળાનો વિકાસ થશે તો મારી ભાવના સાચી ઠરશે. મહત્વકાંક્ષાના એવા એવા ઉત્તમ વિચારોથી મારું મગજ ઘેરાયેલું રહેતું. સાધારણ જીવન તો મને ગમતું જ ન હતું. જે ક્ષેત્રમાં પડવું તેમાં લોકોત્તર બનવું ને પ્રથમ કક્ષાના થવું એમાં જ મને રસ પડતો.

ધર્મ ને સાહિત્ય અથવા આત્મોન્નતિની સાધના ને સાહિત્યના બે પ્રબળ પ્રવાહો આમ મારા તે વખતના જીવનમાં વહી રહેલા. વધારે નોંધપાત્ર વસ્તુ તો એ હતી કે તે બંને પ્રવાહો એકમેકને મદદરૂપ ને પરસ્પર પોષક હતાં. તેમાં સૌથી પ્રબળ પ્રવાહ આત્મોન્નતિની સાધનાનો હતો ને સાહિત્યનો બીજો પ્રવાહ તેમાં સંવાદનો સૂર રેલાવતો વહ્યો જતો. આપણે ત્યાં કેટલાક માણસો એવી માન્યતા ધરાવે છે કે સાધના ને સાહિત્ય સાથે સાથે ચાલી શકે નહિ : એકને માટે બીજાનો ભોગ આપવો જ જોઈએ. પણ તે માન્યતા લૂલી છે. સાધના ને સાહિત્યને છૂટા પાડવાની જરૂર નથી. તે બંને પરસ્પર વિરોધી નથી. જરા સૂક્ષ્મતાથી વિચાર કરો તો જણાશે કે પ્રત્યેક કળાની જેમ સાહિત્ય પણ એક મોટી સાધના છે. તેથી સ્વ ને પરનું હિત સાધી શકાય છે. એટલું જ નહિ, જ્યારે એને આત્મોન્નતિની સાધનાના એક અંગ તરીકે અપનાવવામાં આવે છે ત્યારે એ આશીર્વાદરૂપ બનીને જીવનના મંગલ માટેના મંત્ર જેવું થઈ પડે છે. મીરાં, તુલસી, સૂર ને તુકારામ જેવા મહાપુરુષોનો વિચાર કરવાથી આ વાત સહેજે સમજી શકાશે. એટલે આત્મોન્નતિની સાધનામાં સાહિત્ય અંતરાયરૂપ છે એમ માનીને તેની સાથે સંબંધવિચ્છેદ કરવા તૈયાર થવાની જરૂર નથી. મુખ્ય વાત સાધના ને સાહિત્યના સહકાર ને સમન્વયની છે. તેમાં વચ્ચે આવતાં તત્વોને દૂર કરી દો તો બંનેના પ્રવાહો સાથે સાથે ચાલે તેથી ડરવાનું કોઈ જ કારણ નથી.

પેલી અંગ્રેજી કહેવત પ્રમાણે આપણે ત્યાં પણ કહેવામાં આવે છે કે કવિઓ તો જન્મે છે, તૈયાર કરી શકાતા નથી. તેનો શબ્દશ: અર્થ કરનારા કેટલાક માણસો ભારે વિમાસણમાં પડે છે. કવિ તો ઈશ્વર પાસેથી કુદરતી ઈજારો લઈને આવેલા માણસો છે અને આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ તેમના જેવા થઈ શકીએ નહિ એવી માન્યતા તેમના દિલમાં ઘર કરી બેસે છે. તેથી તે હતાશ પણ થઈ જાય છે. બીજા કેટલાક માણસો એવા છે જે કવિતા લખીને ભૂલ દેખાય તો પણ તેને સુધારવાની તસ્દી લેતા નથી. તે પણ પોતાનું તેવું વલણ પેલી કહેવતમાંથી જ નક્કી કરે છે. તે કહે છે કે કવિની જેમ તેની કવિતા પણ સહજ રીતે જ પ્રકટ થવી જોઈએ, તેનું સહજ પ્રકટ થનારું સ્વરૂપ જ બરાબર છે, તેમાં કોઈ સુધારાવધારાને અવકાશ ના હોવો જોઈએ. મને લાગે છે કે આ બંને જાતની વિચારસરણીમાં દોષ રહેલો છે. કવિતા સહજ રીતે પ્રકટ થાય છે એ સાચું છે, પરંતુ તેમાં સુધારણા માટે અવકાશ રહેલો છે, તેમાં સુધારોવધારો કરવાની કવિને છૂટ છે. તે વાતનો ઈન્કાર કરી શકાય તેમ નથી. સારસ પક્ષીને બાણ મારીને હણનારા પારધીને જોઈને મહર્ષિ વાલ્મીકિના મુખમાંથી સરસ્વતી આપોઆપ નીકળી પડી તે રીતે કોઈક જ સિદ્ધહસ્ત કવિના હૃદયમાંથી કવિતાની પંક્તિઓ આપોઆપ અને અણિશુદ્ધ રીતે પ્રકટ થાય છે. તે કવિનું સ્થાન ઊંચું છે તેની ના નહિ. બાકી વધારે ભાગના કવિઓના કવિતાલેખનની મૂળ કોપી જુઓ તો કેટલીય જગ્યાએ છેકછાકવાળી દેખાશે. કેટલાક પ્રસિદ્ધ કવિઓના સંબંધમાં પણ એવું દેખાય છે. તેથી એકવાર લખેલી કવિતાને ફરી ના સુધારવાનો સત્યાગ્રહ કરવાની જરૂર નથી. તેવા સત્યાગ્રહથી સાચા કવિ ભાગ્યે જ થઈ શકાશે.

કવિ જન્મે છે તેનો મૂળ અર્થ એ છે કે કવિત્વશક્તિથી સંપન્ન માણસો સંસારમાં બહુ ઓછા હોય છે, ને જે હોય છે તેમનામાં પોતાના વિચારો ને ભાવોને કવિતાના સ્વરૂપમાં સહજ રીતે પ્રકટ કરવાની શક્તિ હોય છે. બાકી તે શક્તિનો વિકાસ કરીને કોઈ કવિ થઈ જ ના શકે એવા નિરાશાજનક વિચારનું સેવન કરવાની જરૂર નથી. કેટલીક ઈશ્વરદત્ત શક્તિઓને પણ માણસે મન દઈને વિકસાવવી પડે છે. ત્યારે જ તે સુંદર સ્વરૂપ ધારણ કરે છે ને ફાલેફૂલે છે. કવિતા ને સાહિત્યની શક્તિનું પણ એવું જ સમજવાનું છે.

કવિતા લખવાની સહજ શક્તિ મારામાં ચૌદ વરસની ઉમરથી જ પ્રકટ થઈ. ધીરે ધીરે તે વિકસતી ગઈ. એક વસ્તુ ખૂબ મહત્વની છે કે કવિતાની રચના માટે મારે વિશેષ વિચાર કરવો પડતો ન હતો. તેની રચના સહજ રીતે થઈ જતી. કેટલીકવાર એવું બનતું કે કવિતા લખવાની અદમ્ય વૃત્તિ અંતરમાં ઉત્પન થતી ને તેને લીધે મારે ફરિજ્યાત કવિતા લખવી પડતી. કવિતા લખાતી ત્યારે જ મને નિરાંત વળતી. તો પણ લખેલી કવિતા સુધારવાની ટેવ વધારે ભાગે ચાલુ જ રહેતી.

કોલેજના પ્રથમ વરસમાં મારી પાસે કાવ્યો સારા પ્રમાણમાં થયાં. કેટલાક મિત્રોને તે ગમતાં. તેમણે મારી પાસે મારા કાવ્યસંગ્રહની પ્રસિદ્ધિની વાત મૂકી. ગમે તેમ કરી ને અમે ભેગા મળીને એક કાવ્યસંગ્રહ બહાર પાડવાની યોજના કરી. તે વખતે મને ગુજરાતી સાહિત્યના જાણીતા સાક્ષર ને હાસ્યલેખક શ્રી જ્યોતિન્દ્ર દવેનો પરિચય થયો. અમારી સંસ્થામા તેમનાં ત્રણ-ચાર પ્રવચનો થયાં હતાં. તેથી હું તેમને ઓળખતો થયો. તેમની પાસે મારા કાવ્યસંગ્રહ માટે પ્રવેશ કે ઉપોદઘાત લખાવવાનો મારો વિચાર થયો. તેથી એક દિવસ મેં તેમની મુલાકાત લીધી. તેમનો મધુર, સરળ ને સહાનભૂતિપૂર્ણ વ્યવહાર જોઈને મને ઘણો આનંદ થયો. નમ્રતા ને સૌજન્યની મૂર્તિ જેવા તે વિદ્વાન પુરુષે મારા જેવા સાધારણ વિદ્યાર્થી તરફ જે મીઠું વર્તન કરી બતાવ્યું તેણે મારા પર અસાધારણ અસર કરી ને તેમને માટેના મારા પ્રેમમાં વધારો થયો.

ઉપોદઘાત લખવાનું જવાબદારીભર્યું કામ એમ ને એમ કેવી રીતે થઇ શકે ? તેને માટે કાવ્યોને વાંચી જવાની જરૂર હતી. તેથી તે વિદ્વાન પુરુષે કાવ્યોની મારી હસ્તપ્રત રાખી લીધી ને મને અમુક દિવસ પછી ફરીવાર મળવાની વિનંતી કરી.

થોડા દિવસ પછી મેં તેમની ફરી મુલાકાત લીધી. ત્યારે રાતનો વખત હતો. તે વખતે તેમણે મને પ્રેમપૂર્વક સલાહ આપતાં કહ્યું, 'કાવ્યો સારાં છે. પણ ક્યાંક ક્યાંક શબ્દોમાં ભૂલ છે. મારો વિચાર તો એવો છે કે તમે હજી થોડી ધીરજ રાખો ને રાહ જૂઓ તો સારું. લખવાનો પ્રયાસ ચાલુ રાખશો તો ભવિષ્યમાં વધારે સારા કાવ્યો થઇ શકશે. તે વખતે હું છાપવાની સલાહ જરૂર આપીશ. હાલ તો છાપવાનો વિચાર બંધ કરો તે જ સારું છે.'

પછી તેમણે મને થોડીક ભૂલો બતાવી. સાહિત્યની કેટલીક વાતો કર્યા પછી અમે છૂટાં પડ્યા. તેમનો વ્યવહાર મને ઘણો ગમી ગયો. પરંતુ એમ લાગ્યું કે તે મારા કાવ્યોને સમજી શક્યા નથી. એમ લાગવાનું કારણ એ જ કે તે વખતે મારો અનુભવ કાચો હતો. આજે હવે એ કાવ્યોની હસ્તપ્રતને જોઉં છું તો તે વિદ્વાન પુરુષની સલાહ સાચી ને સમયસરની હતી એવું લાગ્યા વિના રહેતું નથી. તે કાવ્યોને પ્રસિદ્ધ કરવાનું આજે મને ડહાપણભર્યું લાગે તેમ નથી. તે વખતે હું એ વાત સમજી શક્યો ન હતો. માટે જ મારી ત્રુટિને જોઇ શક્યો નહિ.

સાહિત્ય એક સાધના છે ને તે ધીરજ ને તપ માગી લે છે. આજે, જે લખાય તે આજે કે કાલે છપાવવાની વૃતિ આપણે ત્યાં વધતી જાય છે. તે સારા ને પ્રાણવાન સાહિત્યને માટે ઉપયોગી નથી. લેખકે પોતાના લખાણને થોડો વખત રાખી મૂકી ને સુધારવાની ને પછી લાંબે વખતે જાહેર કરવાની વૃતિ કેળવવાની જરૂર છે. સાહિત્યની સમૃદ્ધિને માટે તે વૃતિનું મહત્વ ઓછું નથી.

– © શ્રી યોગેશ્વરજી (પ્રકાશના પંથે)

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.