પત્રનો પ્રત્યુત્તર

 યોગી શ્રી અરવિંદને લખેલા પત્રના પ્રત્યુત્તરની મેં ભારે આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરવા માંડી. મને એમ લાગતું હતું કે શ્રી અરવિંદ મારાથી દૂર તેમના પોંડીચેરીના આશ્રમમાં છે, પરંતુ પોતાની અલૌકિક યોગશક્તિથી મારા વર્તમાન જીવનમાં કામ કરી રહેલા ને ભાવિ જીવનમાં કામ કરનારા આધ્યાત્મિક સંસ્કારોને ઓળખી લઈને મને આશ્રમમાં રહેવા માટે વહેલામાં વહેલી તકે રજા આપશે. એ રીતે મારું જીવન અનુકૂળ વાતાવરણનો લાભ લઈને આગળ પર ખરેખર ઉજ્જવળ બની જશે, પરંતુ શ્રી અરવિંદના ઉત્તરની મારે લાંબા વખત લગી રાહ જોવી પડી. લાંબા વખત લગી મારા પત્રનો કોઈ ઉત્તર ના આવ્યો, ત્યારે મેં બીજો પત્ર લખ્યો ને તેના ઉત્તરની રાહ જોઈને કંટાળતા છેવટે ત્રીજો પત્ર લખ્યો. મારા પત્રનો પ્રત્યુત્તર ના આવવાથી મને ચિંતા થવા માંડી અને અનેક પ્રકારના અવનવા વિચારો આવવા માંડ્યા. ત્રણે પત્રોમાં મેં જવાબ માટે જરૂરી ટિકિટો બીડેલી. પ્રત્યુત્તરની પ્રતીક્ષામાં લગભગ બે થી અઢી મહીના વીતી ગયા. તે પછી એક દિવસ સવારે અરવિંદ આશ્રમમાંથી નીકળેલું એક કવર મારા હાથમાં આવી પહોંચ્યું.

કવરને જોતાંવેંત મારું હૃદય આનંદમાં ઊછળવા લાગ્યું. ભારે તપ કર્યા પછી કોઈ સાધકને સિદ્ધિ મળે તેમ ભારે તપશ્ચર્યાને અંતે મળેલા એ કવરને જોઈને મને કેટલો બધો આનંદ થયો હશે તે કલ્પી શકાશે. મને થયું કે મારા જીવનમાં સદભાગ્યનો સૂર્યોદય થઈ ચૂક્યો. પૂર્ણતારૂપી પ્રકાશની પ્રાપ્તિની પાવન પળ પાસે આવી પહોંચી. હવે મારી મૂંઝવણ, ગડમથલ ને ચિંતાનો અંત આવશે, ને જીવન આત્મોન્નતિના પંથે આગળ ને આગળ પ્રયાણ કરશે. હવે મારા ગુજરાતનિવાસનો અંત આવશે ને દક્ષિણમાં રહેવાનો સમય શરૂ થશે. શ્રી અરવિંદની પાસે રહેવાનો ને તેમના સહકારથી સાધના કરવાનો આનંદ કેવો અજબ હશે ! એવા એવા અનેક વિચારોમાં સ્નાન કરતાં કરતાં મેં કવર ખોલી જોયું, અંદર જે પત્ર હતો તે ખૂબ જ ટૂંકો હતો. તેના પર મારી દૃષ્ટિ પડી. તેમાં લખાયેલા શબ્દો મેં વાંચવા માંડ્યા.

એક વાર, બે વાર, ત્રણ વાર, એમ વારંવાર પત્રના શબ્દોને મેં વાંચ્યા જ કર્યા. પરિણામે મારો આનંદ ઊડી ગયો. હૃદયમાં નિરાશા ફરી વળી. આંખો ભીની થઈ. આવો ઉત્તર આવશે તેની મને કલ્પના પણ નહિ. આટલા લાંબા વખતની પ્રતીક્ષા પછી આવો ઉત્તર ? જેવી મને પણ આશા ન હતી તે વસ્તુ સામે આવીને ઊભી રહી. પત્રમાં લખ્યું હતું કે ‘તમને જણાવવામાં આવે છે કે તમને આશ્રમમાં સાધક તરીકે રાખવાનું શક્ય નથી.' નીચે આશ્રમના મંત્રી નલિનીકાંત ગુપ્તની સહી હતી. પત્રનો ઉત્તર શબ્દશઃ આમ હતો.

‘I beg to inform you that it will not be possible to admit you in the Ashram as an inmate.'

મને લાગ્યું કે અરવિંદે મારો પત્ર વાંચ્યો જ નહિ હોય. કેટલાક મોટા માણસોને ત્યાં બને છે તેમ મારો પત્ર તેમના કે આશ્રમના મંત્રીએ જ વાંચ્યો હશે ને ઉત્તર પણ તેમણે જ પોતાની મેળે આપ્યો હશે. શ્રી અરવિંદે તે વિશે કદાચ માહિતી મેળવી હશે. મારો પત્ર વાંચીને આશ્રમના મંત્રીને થયું હશે કે આ કોઈ તરંગી ને લાગણીપ્રધાન યુવક છે. તેમને મારા શબ્દો ભારે અતિશયોક્તિ ભરેલા લાગ્યા હશે. એવા શબ્દો બીજું કોણ લખે ? આશ્રમના ઈતિહાસમાં મારા પત્ર જેવો પત્ર કદાચ પહેલો ને છેલ્લો જ હશે. તેને વાંચીને મંત્રીનું મોં કદાચ બગડી ગયું હશે. કદાચ તેમને હસવું આવ્યું હશે. આ પત્ર તે અરવિંદને વંચાવવા જેવો પત્ર છે ? એમ માનીને તેમણે તેને ફાડી નાંખ્યો હશે, કે કચરાપેટીમાં ધકેલી દીધો હશે. કોઈ બીજાએ વાંચ્યો હશે તો તેણે પણ તેને કચરાપેટીમાં પડવાને પાત્ર જ ગણ્યો હશે. ને તેથી જ વારંવાર પત્ર લખ્યા ત્યારે મંત્રીશ્રીએ મને ઉત્તર આપવાની કૃપા કરી હશે. મારી વિચારસરણીમાં જણાતા દોષ તેમણે મને ટૂંકમાં જણાવ્યા હોત તો તેમનો વિચાર કરીને હું તેને સુધારવાનો પ્રયાસ કરી શકત. પણ તે લાભથી હું વંચિત રહ્યો. મારામાં શી ખામી છે ને મને આશ્રમમાં શા માટે દાખલ કરવામાં નહિ આવે તે જાણવાનું કામ મારે માટે મુશ્કેલ થઈ પડ્યું. શ્રી અરવિંદે મારા પત્રની વિગત જાણી હોય તો પણ મારા વિચારો તેમને ઘણા વધારે પડતા લાગ્યા હોય એ બનવા જોગ છે. એવી એવી કલ્પનાઓ મારા મનમાં ઉત્પન્ન થવા માંડી. બાકી આખી ઘટનાની પાછળ મુખ્ય કારણ કયું હતું તે એક ઈશ્વરના વિના બીજું કોણ કહી શકે ? મને તો સમજ જ કેવી રીતે પડે ?

થોડા દિવસો સુધી મારું મન ઉદાસ રહ્યું. શ્રી અરવિંદ પોતાની અલૌકિક શક્તિ દ્વારા સાધકોને ઓળખી લે છે ને પછી જ પોતાના અધિકારી સાધકોને પોતાના આશ્રમમાં દાખલ કરે છે એવી વાત મેં સાંભળેલી. મને થયું કે મારા સંસ્કારો કાચા હશે. પત્રમાં મેં રજૂ કરેલા વિચારો વધારે પડતા લાગવાનો સંભવ હતો. પણ તેને માટે તો સુંદર ઉપાય એ હતો કે મને મારી ભૂલ સ્પષ્ટતાથી કહી દેવી ને જણાવવું કે આટલી ત્રુટિને દૂર કરો તો તમને રાખી શકાશે. તેને બદલે છેક જ ટૂંકો, કોઈ પણ કારણ વિનાનો ને નકારાત્મક ઉત્તર મળવાથી મારું મનોમંથન ધાર્યા કરતાં ઘણું વધી ગયું.

પરંતુ મારામાં મહત્વાકાંક્ષા અને આશાનો ભંડાર ભરેલો હોવાથી મારી નિરાશા લાંબો વખત ટકી શકી નહિ. મનમાં ઉત્પન્ન થયેલી ઉદાસીનતા થોડા જ વખતમાં દૂર થવા માંડી. મેં સમાધાન મેળવ્યું કે ઈશ્વરની ઈચ્છા મને અરવિંદ આશ્રમમાં લઈ જવાની નહિ હોય. ઈશ્વરે છેક બાળપણથી જ મારો હાથ પકડ્યો છે. તેણે જ મને મુંબઈમાં મૂક્યો હતો ને તે જ મારી રક્ષા કરે છે. તે મારું અમંગલ કદી પણ નહિ કરે. તેની ઈચ્છા હશે ત્યાં જ મારે રહેવાનું થશે. આધ્યાત્મિક ઉન્નતિના વિચારો મારા મનમાં તેણે જ ઉત્પન્ન કર્યા છે. અનુકૂળ વાતાવરણ મેળવી આપી તે જ તેને સફળ કરશે. તેના ભરોસે મેં જીવનને મૂકી દીધું છે ને તેની કરુણા, કૃપા ને મંગલમયતામાં મને શ્રદ્ધા છે. તેથી મારે ચિંતા કરવાની જરૂર નથી. એવા વિચારોથી ધીરે ધીરે મારો વિષાદ દૂર થઈ ગયો ને પ્રાપ્ત પરિસ્થિતિમાંથી માર્ગ કરવાનો મેં પ્રયાસ કરવા માંડ્યો.....

છતાં પણ મારા મનને સંપૂર્ણ સમાધાન ને સંતોષ મળતાં લાંબો વખત વીતી ગયો. વરસો વીતી ગયાં અને એ પત્રની સ્મૃતિ જૂની થઈ ગઈ ત્યારે મને સમજાયું કે ઈશ્વરે મારા જીવનનું ઘડતર દક્ષિણ ભારતમાં કે ત્યાં આવેલા અરવિંદ આશ્રમમાં નહિ પણ હિમાલયના પ્રદેશમાં કરવા ધાર્યુ હતું. તેથી જ મને તે અરવિંદ આશ્રમમાં લઈ ગયા નહિ. મારા ત્રણ પત્રોના પરિણામે જે ‘ના'નો નાનો સરખો ઉત્તર આવ્યો તેનું કારણ ઈશ્વરની એ ઈચ્છા જ હતી. તેની આગળ બીજાં બધાં જ કારણો ગૌણ હતા. મારા જીવનનો વિકાસ કોઈ અનુકૂળતા ને સગવડ ભરેલા મઠ, મંદિર કે આશ્રમમાં નહિ પણ પ્રતિકૂળતા અને અગવડથી ભરેલા એકાંત જંગલ ને પર્વતીય પ્રદેશોમાં થાય એવી ઈશ્વરની ઈચ્છા હતી. મારી જીવનસાધનાની સિદ્ધિ પર કોઈ જાણીતા ને બહુ ગવાયેલા સંતપુરુષ અને એના આશ્રમની મહોર મારવામાં આવે તે ઈશ્વરને પસંદ ન હતું. કેવળ તેના પર શ્રદ્ધા રાખીને હું આગળ વધુ, મુશ્કેલી, મુંઝવણ, ચિંતા, વેદનામાંથી એકલે હાથે માર્ગ કરું, ને મારા જ પગ પર ઉભા રહેવાની શક્તિ કેળવીને જીવનને ઉજ્જવળ બનાવું એવી તેની ઈચ્છા હતી. મારી સાધનાના ઈતિહાસ સાથે હિમાલયના પવિત્ર ને પ્રખ્યાત નામને સાંકળી લેવાની તેની ઈચ્છા હતી. એ વાતની મને બહુ મોડે મોડે ખબર પડી. ત્યારે મારું હૃદય અવનવા ભાવનો અનુભવ કરી રહ્યું.

પાછળના જીવનમાં ઈશ્વરની ઈચ્છાથી જે વાતાવરણ મળ્યું તેથી મને લાભ થયો. તૈયાર બગીચામાં કુશળ ને માયાળુ માળીની નજર નીચે જે ફૂલો ખીલે છે તેમનામાં અને કોઈનીયે દેખરેખ કે સંભાળ વિના એકાંત વનજંગલમાં પોતાની મેળે ખીલનારાં ફૂલોમાં ઘણો ફેર હોય છે; વનજંગલમાં ખીલનારાં ફૂલોના માર્ગમાં મુસીબત, ટાઢ, તાપ તથા મહેનત હોય છે. તેમનો માર્ગ વધારે ભાગે કંટકમય હોય છે. છતાં પણ તેમના રૂપરંગને જોઈને ને તેમની સુવાસનો સ્વાદ લઈને માણસો કેટલીકવાર આશ્ચર્યચકિત બની જાય છે. તેમના વિકાસનો ઈતિહાસ ઓછો આકર્ષક, રસિક અને ઓછો પ્રેરણાસ્પદ નથી હોતો. એવી રીતે એકાંતમાં રહીને જેમનું જીવન પોતાની મહેનતથી ઉછર્યું હોય છે તેમની કથા અત્યંત રસ ભરેલી થઈ પડે છે. તેમના જીવનમાં કોઈ નવી જ ભાત પડેલી દેખાઈ આવે છે, બાકી તો ઈશ્વર પ્રત્યેક પ્રાણીને તેના પ્રારબ્ધ ને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવે છે. એટલે જે વાતાવરણમાં રહેવાનું થાય તેમાં સંતોષ માનીને આગળ વધવાનો પ્રયાસ કરવો તે જ બરાબર છે.

અરવિંદ આશ્રમમાં જવાની મંજૂરી ના મળવાથી ભાવિ જીવનને માટે હું જુદા જુદા ને નવા નવા ઘાટ ઘડવા લાગ્યો. મને પ્રકાશ મળે તે માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરવા માંડ્યો.

 

Today's Quote

Try not to become a man of success but a man of value.
- Albert Einstein

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.