Monday, July 13, 2020

હિમાલય જવાનો નિર્ણય

 મંથનના એ દિવસો દરમ્યાન સાધનાનો ક્રમ સતત રીતે ચાલ્યા કરતો. ધ્યાન ને પ્રાર્થના પર મને વધારે પ્રીતિ હતી. તેમાં મારો વિશ્વાસ વધી ગયેલો. તેથી મને શાંતિ મળતી. એ સૌનો અભ્યાસ નિરંતર ચાલ્યા કરતો. સદગ્રંથોના વાચનનો ક્રમ પણ ચાલુ હતો. મુંબઇમાં મેં સ્વામી રામતીર્થ વિશે વાંચ્યું હતું. વડોદરામાં મારા હાથમાં તેમનું જીવનચરિત્ર આવી ગયું. તેના વાંચનમાં મને ખૂબ રસ પડ્યો. તેમાં આવતા હિમાલયના વિવિધ પ્રદેશનાં વર્ણનથી હિમાલય માટેના મારા આકર્ષણ અને અનુરાગમાં વધારો થયો. હિમાલયમાં જવાના વિચાર મારા મનમાં પ્રબળ બનીને રમવા માંડ્યા. હિમાલયના કુદરતી સૌંદર્યથી ભરેલા શાંત અને એકાંત પ્રદેશમાં રહેવાનો અવસર મળે તો મને શાંતિ મળે ને વહેલામાં વહેલી તકે ઇશ્વરનો સાક્ષાત્કાર થઇ શકે એવી ભાવનાથી મારું અંતર ઉભરાવા માંડ્યું. પણ હિમાલયમાં જવું કેવી રીતે ? હિમાલયના પવિત્ર પ્રદેશની મને માહિતી જ નથી, ત્યાં તે પ્રદેશમાં જઇને વસવું કેવી રીતે ? તે પ્રદેશની મને માહિતી કોણ પૂરી પાડે ? કોની આગળ મારા રાગમય હૃદયને ખૂલ્લું કરું કે જેથી મારો ભાવનાભાર હળવો થાય ને મને જરૂરી માર્ગદર્શન મળે ? ઇશ્વરે અનેકને માર્ગદર્શન આપ્યું છે ને માયાળુ માતાની પેઠે કેટલાય બાળકોના હાથ પકડીને સંસારમાંથી તેમને સહીસલામત પાર કર્યા છે. તો મારો હાથ પણ તે જરૂર પકડશે, મારે માટે પણ વિલંબ નહિ કરે, એ શ્રદ્ધા મારા હૃદયમાં દૃઢ થઇ.

વૈરાગ્ય ને ત્યાગના વિચારો મારા જીવનમાં પ્રબળ બન્યા. તેના પરિણામે મારા બાહ્ય જીવનમાં કેટલોક ફેરફાર થયો. કેટલીક વાર હું એક વાર જ ભોજન કરતો. ચંપલ કે બૂટનો ઉપયોગ કરવાનું મેં છોડી દીધું. કોલેજમાં પણ ઉઘાડે પગે જવાની મેં ટેવ પાડી. કોટ પહેરવાની ટેવનો મેં ત્યાગ કર્યો, ને તદ્દન સાદાઇથી રહેવાની શરૂઆત કરી. કોઇયે બહારની પ્રવૃતિમાં મારું મન લાગતું ન હતું. મને તો કેવળ પરમાત્માના સાક્ષાત્કારની ધૂન લાગેલી અને તે વિનાની બીજી વાતો મનમાંથી હઠી ગયેલી.

ધૂન ને લગનની એ દિશામાં મને એક સ્વપ્ન આવ્યું. તેમાં કોઇએ કહ્યું કે, 'આત્મસાક્ષાત્કાર કરવો હોય તો રમણ મહર્ષિ પાસે જાવ.' રમણ મહર્ષિનું જીવનચરિત્ર મારા વાંચવામાં આવ્યુ ન હતું, પણ તેમનું નામ મેં સાંભળેલું. એક આત્મદર્શન કરી ચૂકેલા ઊચ્ચ કોટિના મહાત્મા તરીકે તેમની ખ્યાતિની વાતો સાંભળવાનો અવસર મને મળ્યો હતો. તેથી મારું ધ્યાન પણ તેમની તરફ ખેંચાયું હતું. પરંતુ તે વખતે મને તેમના વિશે પૂરી માહિતી ન હતી. તે વખતે મારા હાથમાં તેમનું જીવનચરિત્ર આવી ગયું હોત અથવા કોઇ ખાસ અંગત, વિશ્વાસુ કે અપિરિચિત પુરુષ દ્વારા પણ તેમનો સાચો ને ખુલાસાવાર પરિચય મળ્યો હોત તો તેમના આશ્રમની ને તેમની મુલાકાત મેં જરૂર લીધી હોત. કેમ કે તેમની થોડીઘણી માહિતી મળવાથી મારા દિલમાં તેમને માટે આદરભાવ ઉત્પન્ન થયેલો. પણ ઇશ્વરની ઇચ્છા જુદી હતી. દક્ષિણ ભારતનો પ્રવાસ કરતા પહેલાં મારે ઉત્તર ભારતનો પ્રવાસ કરવો એવું ઇશ્વરનું વિધાન હતું. વળી મને હિમાલયનો વિચાર વધારે આકર્ષક લાગતો હતો. તેથી રમણ મહર્ષિના દર્શન માટે મારાથી જઇ શકાયું નહિ ને તેના બદલામાં વચ્ચે એક નવો ફણગો ફૂટી ગયો.

તે દિવસોમાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું. તે પુસ્તક સ્વામી પરમાનંદે લખ્યું હતું. તેમાં તેમના ગુરુ સ્વામી શિવાનંદનું જીવન વિસ્તારથી વર્ણવેલું. તેને વાંચવાથી મને ઘણો જ આનંદ થયો. તેમાં સ્વામી શિવાનંદ એ સ્વામી વિવેકાનંદ ને રામતીર્થ જેવા મહાપુરુષ છે અને અષ્ટ સિદ્ધિ ને નવ નીધિથી સંપન્ન છે એમ લખેલું. મને થયું કે આ લખાણ સાચું હોય તો આવા મહાન સંતપુરુષનો પરિચય કરાવવા બદલ મારે ઇશ્વરનો આભાર માનવો જોઇએ. આવા મહાપુરુષના સહવાસમાં રહેવાથી ઇશ્વરદર્શન પણ સહેજે થઇ શકે ને જીવન ધન્ય બને. વધારે હરખની વાત તો એ હતી કે સ્વામી શિવાનંદ કોઇ ભૂતકાળના નહિ પણ વર્તમાનકાળના સંત હતા. તે હજી સદેહે પૃથ્વી પર રહેતા. તેમનો આશ્રમ હિમાલયના ઋષિકેશ નામના સુંદર સ્થળમાં ગંગાના તટ પર હતો. આ બધી માહિતી મારામાં આશા કે ઉત્સાહની જ્યોતિ જગાવવા માટે પૂરતી હતી. ગંગા, હિમાલય અને ઉચ્ચ દશાએ પહોંચી ચૂકેલા સાક્ષાત્કારી સંતપુરુષ - ત્રણે વસ્તુનો સંયોગ વિરલ કહેવાય ને તેનો લાભ મળી જાય તો જીવન સફળ થઇ જાય, એમાં સંદેહ નહિ. એ વિચારથી મારું મન ઉલ્લાસમાં ઉછળવા માંડ્યું. મને થયું કે ઇશ્વરે મારી પ્રાર્થના સાંભળીને મારે માટે માર્ગ ખોલી દીધો છે.

બે-ચાર દિવસમાં જ મેં સ્વામી શિવાનંદને પત્ર લખી દીધો. તેમાં મારા ચાલુ જીવનનો ચિતાર રજૂ કર્યો અને એમના આશ્રમમાં સાધના કરવા પ્રવેશ આપવાની રજા માંગી. મને લાગ્યું કે શ્રી અરવિંદના ઉત્તરની જેમ શિવાનંદજીનો ઉત્તર પણ મોડો આવશે. પણ વાત તેથી ઉલટી જ બની. આઠેક દિવસમાં તો એમનો ઉત્તર આવી પહોંચ્યો. તેમણે ટૂંકા પ્રત્યુત્તરમાં મારા આધ્યાત્મિક સંસ્કારો ઘણાં ઊંચા છે ને મારું જીવન એ સંસ્કારોનું પોષણ કરવાથી ખૂબ જ ઉજ્જવળ થશે એવો ઉત્સાહજનક સંકેત કર્યો. ને મને થોડો વખત રાહ જોવા જણાવ્યું.

પણ મને તે સૂચના અસ્થાને લાગી. મને થયું કે શિવાનંદજીને હજી મારી લગની, ભક્તિ ને વૈરાગ્યવૃતિનો બરાબર ખ્યાલ આવ્યો નથી લાગતો. નહિ તો તે મને આવી સલાહસૂચના આપવાને બદલે તરત આશ્રમમાં જ બોલાવી લેત. વળી મને થયું કે પત્રો દ્વારા હૃદયના ભાવોની અભિવ્યકિત પણ પૂરેપૂરી રીતે ક્યાંથી કરી શકાય ? તેમાં વખત પણ ઘણો વીતી જાય. એટલે મેં શિવાનંદજીના દર્શને જવાનું નક્કી કર્યું. મને પ્રત્યક્ષ રીતે જોવાથી સ્વામીજીને મારો સાચો ને વધારે ચોખ્ખો ખ્યાલ આવશે ને મને આશ્રમમાં રહેવાની મંજૂરી જરૂર મળી જશે એવી મારી ધારણા હતી.

માતાજીના ભાઇ રમણભાઇને ત્યાં હું રહેતો હતો. તેમને મેં હિમાલય જવાનો મારો નિર્ણય જણાવી દીધો. તેમને મારા આજ સુધીના માનસિક વિકાસની બરાબર ખબર ન હતી. તેમની નવાઇનો પાર રહ્યો નહિ. તેમને દુઃખ પણ થયું. તે મને સમજાવવા માંડ્યા. હું હિમાલય જઇશ તો માતાજીની સંભાળ કોણ લેશે એમ તેમણે કહેવા માંડ્યું. મેં કહ્યું: 'જે સૌની સંભાળ લે છે તે તેમની પણ લેશે. તેમનો વિચાર કરીને હું બેસી નહિ રહું. ઇશ્વર સૌની રક્ષા કરવા તૈયાર છે. તેમાંયે જે તેનું શરણ લે છે તેની બધી જ જવાબદારી તે ઉપાડી લે છે. એટલે મને કોઇની ચિંતા નથી. હિમાલય જવાનો મારો નિર્ણય અફર છે.'

મારી અડગતા જોઇને તે મૂંઝાયા. વિચાર કરીને છેવટે મારી આગળ તેમણે એક શરત મૂકી. તેમણે કહ્યું: 'તમે જાવ તેનો વાંધો નથી. તમારા પહેલાના દેવાંની રકમમાંથી સો રૂપિયા બાકી રહ્યા છે. તે ભરી દો.'

શરત ઘણી ભારે હતી. તેમના મનમાં ખરી રીતે તો એવું હતું કે ગમે તેવો પ્રયત્ન કરવા છતાં પણ મને સો રૂપિયા જેટલી મોટી રકમ નહિ મળી શકે. એટલે મારું હિમાલય જવાનું આપોઆપ બંધ રહેશે. મને પણ તેનો વિચાર કરતાં કામ ઘણું મુશ્કેલ લાગ્યું.

પરંતુ મુશ્કેલીથી ડરવાનો, ડગવાનો કે હિંમત હારીને, નિરાશ થઇને બેસી જવાનો મારો સ્વભાવ ન હતો. પ્રતિકૂળતામાંથી પણ અનુકૂળતાને શોધી કાઢવાની મારી પ્રકૃતિ હતી. મૂંઝવણોથી મહાત થવું, મૂરઝાઇ જવું ને મરી જવું મારા નિયમથી વિરુદ્ધ હતું. જેને આગળ વધવું છે ને વિજયી થવું છે તેના માર્ગમાં મુશ્કેલીઓ આવવાની જ. સંકટ ને પ્રતિકૂળતાનો સામનો તેણે જરૂર કરવો પડવાનો. આંસુ, આહ અને અંધકારના અનુભવમાંથી તેને પસાર થવું પડવાનું. તેનાથી હતોત્સાહ થયા વિના જે આગળ વધે, ને મર્દની પેઠે સંકટ સામે સ્મીત કરે, તે જ કાંઇક મેળવી શકે છે, ને જીવનના જંગમાં તે જ જીતી શકે છે. એટલે આ અણધારી ઉભી થયેલી નવી મુશ્કેલીથી હું ગભરાયો નહિ.

 

 

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok