Wednesday, August 12, 2020

ઋષિકેશની વિદાય

 અજવાળું થયું એટલે ઓરડાનું બારણું ઉઘાડીને હું બહાર નીકળ્યો. બ્રાહ્મમુહૂર્તનો અલૌકિક અનુભવ હજી તાજો જ હતો. તેને લીધે જાણે કે મારો નવો અવતાર થયેલો. અંગેઅંગમાં આનંદ ફરી વળેલો. ઇશ્વરે હિમાલયની પવિત્ર ભૂમિમાં પ્રવેશતાવેંત મારા પર જે કૃપા કરી તેથી મારું જીવન ધન્ય બન્યું. હૃદય ગદ્ ગદ્ થયું. આગલા દિવસની ચિંતા, અશાંતિ, ગડમથલ, મૂંઝવણ આજે મટી ગઇ. તેને ઠેકાણે શાંતિ ને નિશ્ચિંતતા ફરી વળી. કેટલી બધી મધુર અને મંગલ હતી એ અવસ્થા ?

બહાર નીકળીને મેં ગંગા તરફ નજર કરી. તેનો દેખાવ અત્યંત આકર્ષક હતો. મારા જેવા ન જાણે કેટલાય સાધકો તેના તટપ્રદેશમાં નિવાસ કરીને શાંતિની પ્રાપ્તિ કરી ગયા હશે ? પરમાર્થના પવિત્ર પંથના ન જાણે કેટલાય પ્રવાસીઓને તેણે પ્રેરણા આપી હશે, ને તેનું સેવન કરનારા ન જાણે કેટલાય શ્રેયાર્થી પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થયા હશે ? યુગોથી તેનો પ્રવાહ ચાલી રહ્યો છે, ને તે માતા બનીને પોતાના બાળકોને બોલાવી ને પાળી રહી છે. તેનામાં ઇશ્વરી શક્તિનું દર્શન કરીને મેં તેને મનોમન પ્રણામ કર્યા. પછી આનંદના અતિરેકમાં આવી જઇને વરસતા વરસાદમાં ફરતાં ફરતાં મેં આત્મા ને પરમાત્માની એકતાનું ગીત ગાવાનું શરૂ કર્યું. તે વખતે સ્વામીજી મારી પાસે આવી પહોંચ્યા. રોજ સવારે ઊભા ઊભા તે મારી ખબર લઇ જતા. પણ મારી આજની દશા જોઇને તે જરાક નવાઇ પામ્યા. આટલા બધા આનંદનો ઉદય મારામાં એકાએક ક્યાંથી થઇ ગયો તે વાત તેમની સમજમાં ન આવી શકી. તેમની જિજ્ઞાસાવૃતિને સંતોષવાનો પ્રયાસ કરતાં મેં કહેવા માંડ્યું: 'આજે આ સ્થાનમાં લગભગ બ્રાહ્મમુહૂર્તના સમયમાં મને એક અદભૂત અનુભવ થયો. વળી સમાધિદશાનો પણ સ્વાદ મળ્યો. તેથી મને અનુભૂતિ થઇ કે હું મુક્ત અને બુદ્ધ છું. મને કોઇ જાતના બંધન નથી. એ અનુભવના આનંદમાં હું રાચી રહ્યો છું.'

મારું સ્પષ્ટીકરણ સાંભળીને સ્વામીજી પ્રસન્ન થયા.

મારા પર પ્રેમ રાખનારા આશ્રમના બે-ત્રણ સંન્યાસી ભાઇઓએ મારા અનુભવની વાત સાંભળી ત્યારે તે પણ પ્રસન્ન થયા. પણ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે કેટલાય વખતથી, વરસોથી, આશ્રમમાં રહેતા ને ભજનખંડમાં પણ બેસતાં તોપણ આવા કોઇ વિશેષ અનુભવથી વંચિત હતા. મને આશ્રમનિવાસના એક-બે દિવસમાં જ આવો અનેરો અનુભવ ક્યાંથી થઇ શક્યો તે તેમને માટે એક વિકટ પ્રશ્ન થઇ પડ્યો. તે કોયડો તેમને માટે લાંબા વખત લગી અણઉકલ્યો જ રહ્યો. પણ તેને ઉકેલવાનું કામ કઠિન ન હતું. વાત એમ હતી કે આશ્રમમાં આવ્યા પહેલાં પણ લાંબા વખતથી મારા દિલમાં શાંતિની ઝંખના કાયમ હતી. લાંબા વખતથી મારા જીવનમાં સાધના ચાલતી-હૃદયશુદ્ધિના પ્રયાસનો પ્રારંભ થયેલો. પૂર્વજન્મના પડદા પાછળ પડેલા પ્રયાસોની વાતને જવા દઇએ તો પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરવા આ જન્મમાં પણ મેં મારાથી બનતો પ્રયાસ કર્યો હતો. એટલે મને મળેલો શાંતિ માટેનો અનુભવ એકાએક કે આકસ્મિક ન હતો. તેની પાછળ થોડીઘણી તૈયારી કે પૂર્વભૂમિકા હતી. અત્યાર સુધીની કથાનો વિચાર કરવાથી તેનો ખ્યાલ સહેજે આવી શકશે. બાકી તો ઇશ્વરની લીલા અનંત છે. તેની કળા અકળ છે. તેનો પાર કોણ પામી શક્યું છે ? તેની ઇચ્છાનુસાર તે કોઇને ગમે તેવો અનુભવ આપી શકે છે. તે અનુભવ તે ક્યાં, ક્યારે ને શા માટે આપે છે તે તેના વિના બીજુ કોણ કહી શકે ?

મને થયેલા એ અલૌકિક અનુભવથી મારી કાયાપલટ થઇ ગઇ. આશ્રમનું વાતાવરણ અનુકૂળ ન હતું. સ્વામીજીની પહેલા દિવસની વાતચીત પણ બહુ ઉત્સાહજનક ન હતી. ને સૌથી મહત્વની વાત તો એ હતી કે મને શાંતિ સાંપડેલી, આશ્રમમાં આવવાનો હેતુ ઇશ્વરની કૃપાથી સિદ્ધ થયેલો લાગ્યો. આશ્રમમાં વધારે રહેવાની જરૂર ન હતી. તેથી વડોદરા રમણભાઇને પત્ર લખીને મેં બધી વિગત જણાવી ને વડોદરા પાછા જવા માટે જરૂરી પૈસા મંગાવ્યા. મનીઓર્ડર મળતાં સુધી બાકીના દિવસો આશ્રમમાં પસાર કરવાનો નિર્ણય કર્યો.

મારા નિર્ણયની વાત જાણીને સ્વામીજી ને બીજા બે-ત્રણ સંન્યાસી ભાઇઓ નાખુશ થયા. મારા પર તેમને ધીરે ધીરે પ્રેમ થયેલો. તેથી હું આશ્રમમાં જ રહી જાઉં તેવી તેમની ઇચ્છા હતી. તે મને આશ્રમમાં રહેવા સમજાવા માંડ્યા. 'આવા સુંદર વાતાવરણમાં રહેવાથી તમને આનંદ મળશે. અહીં રહેવાથી તમને દરેક રીતે લાભ થશે. ભવિષ્યમાં તમે સ્વામી વિવેકાનંદની જેમ પરદેશ જઇને ધર્મપ્રચાર કરીને યશસ્વી બની શકશો.' એવા એવા આદરણીય અભિપ્રાયો એમણે આપવા માંડ્યા. પણ મારો નિર્ણય અફર જ રહ્યો. ઇશ્વરની ઇચ્છા એવી જ હતી કે મારે ગુજરાતના પ્રદેશમાં વાસ કરવો. એટલે મને એવા જ વિચારો આવવા માંડ્યા. અન્નજળ ગુજરાતનું હતું પછી મારું ઋષિકેશમાં રહેવાનું કેવી રીતે બની શકે ? ઋષિકેશના શિવાનંદ આશ્રમમાં રહેવાનું થયું હોત તો આગળ પર મારી દશા કેવી થાત તે કોણ કહી શકે ? મારું બાહ્ય કલેવર આજે છે તેના કરતાં તે સંજોગોમાં જરા જુદું જ થાત. પણ આશ્રમજીવનથી મને મુક્ત રાખવાની ઇશ્વરની ઇચ્છા હતી. તે ઇચ્છા મારે માટે મંગલકારક જ નીવડી છે. તેથી મને કોઇ પ્રકારનું નુકસાન થવાને બદલે લાભ જ થયો છે.

શિવાનંદજીના આશ્રમ પાસે રામતીર્થ લાયબ્રેરી છે. સ્વામી રામતીર્થના નામ સાથે તે સંકળાયેલી છે. તેનો લાભ હું સારી પેઠે લેતો. તેમાં બેસતાવેંત સ્વામી રામતીર્થના જીવનપ્રસંગો મારી સામે હાજર થતા ને મારું હૃદય અનુરાગથી ઉભરાઇને અવનવા ભાવો અનુભવી રહેતું.

આખરે મનીઓર્ડર આવી ગયો. સ્વામીજીએ મને છેલ્લીવાર આશ્રમમાં રહેવા કહી જોયું, પણ મારું મન માન્યું નહિ. મેં કહ્યું, 'અહીં આવવાનો મારો હેતુ પૂરો થઇ ગયો છે. તેથી મને સંતોષ છે. માટે હવે હું ગુજરાતમાં જ જઇશ. મને બધે સ્થળે ને બધી વસ્તુમાં પરમાત્માની ઝાંખી થઇ રહી છે. ગમે ત્યાં રહીશ તોપણ મને આનંદ જ રહેશે.'

'તો પછી આ રૂપિયા શા માટે રાખો છો ? રૂપિયાને ગંગામાં ફેંકી દો.' સ્વામીજીએ વિરોધ કરતાં હોય તેમ કહેવા માંડ્યું.

મેં કહ્યું, 'રૂપિયા, ગંગા અને ફેંકનાર બધાં એક છે તો કોણ, કોને ને ક્યાં ફેંકે ? વળી શા માટે ફેંકે ? આ રૂપિયા બ્રહ્મ તો ઠેઠ વડોદરા પહોંચાડશે. તેને ફેંકી દેવાથી તો તેના તરફનો તિરસ્કાર જણાઇ આવશે ને ભેદભાવની પ્રતીતિ થશે.'

સ્વામીજી હસવા માંડ્યા. તેમનો સ્વભાવ ઘણો સરળ અને નમ્ર હતો. તે વખતના કરતાં આજે તેમનો યશ વધી ગયો છે. હિમાલયના આ પ્રદેશમાં આજે વરસોથી જિજ્ઞાસુ જનોને માટે શક્તિ અને આકર્ષણનું કેન્દ્ર બનીને તે અનેક જાતની પ્રવૃતિઓ કરી રહ્યા છે. ભારતના જ નહિ, ભારતની બહાર પણ તેમનું નામ ને કામ પહોંચી ગયુ છે. ભારતના વર્તમાન સંતપુરુષોમાં તે સવિશેષ સ્થાન ધરાવે છે.

આશ્રમમાં પંદરેક દિવસ રહીને છેવટે મેં આશ્રમની વિદાય લીધી. એ પંદરેક દિવસ મારે માટે ભારે મહત્વના હતા. તે દરમ્યાન મને ઘણું ઘણું જોવા ને જાણવા મળ્યું. હવે હું એક શાંતિસંપન્ન સફળ પ્રવાસી તરીકે પાછો ફરી રહેલો. આજે વરસો વહી ગયા છે ત્યારે મારે કહેવું જોઇએ કે તે અનુભવ ખૂબ ઉત્તમ હતો તો પણ અંતિમ ન હતો. ઇશ્વરના સાક્ષાત્કાર ને પૂર્ણ દર્શનની પ્રાપ્તિ માટે મારે હજી વિશેષ સાધના કરવાની અને અનુભવ મેળવવાની આવશ્યકતા હતી. સદભાગ્યે એ વાતને સમજતાં મને વિશેષ વખત ના લાગ્યો.

એ અલૌકિક અનુભવની અસર મારા પર ખૂબ જ પ્રબળ રહી. જે દિવસે એ અદભૂત અનુભવ થયો તે જ દિવસે મેં એક ગીત લખ્યું. તે પરથી મારી તે વખતની મનોદશાની માહિતી મળશે. એ ગીતને યાદ કરીને મેં ઋષિકેશની દિવ્ય ભૂમિની વિદાય લીધી.

 પરમાનંદ સ્તોત્ર

 હતા સંશયો સર્વ ઉડી ગયા રે,
છુટ્યાં સર્વ જૂઠાં હતા તે પડો રે,
રહ્યો જંગલે કે મહેલે ભલે ને
સદા મુક્ત મૂર્તિ મને બંધ ના છે.

સદા મુક્ત ને બુદ્ધ ચૈતન્ય મૂર્તિ,
સ્વરૂપસ્થ કૂટસ્થ ને શાંતિમૂર્તિ,
રહ્યો જંગલે કે મહેલે ભલે ને
સદાનંદ મૂર્તિ મને બંધ ના છે.

હતો સૃષ્ટિ આરંભમાં ને છું આજે,
થઇ ભિન્ન ને ભિન્ન પાછો રહીશ;
રહ્યો જંગલે કે મહેલે ભલે ને
સદા મુક્ત મૂર્તિ મને બંધ ના છે.

મથે કૈંક યોગીન્દ્ર જે શોધવાને,
વળી ભક્ત તે છે શરીરે મહારે;
રહ્યો જંગલે કે મહેલે ભલે ને
સદાનંદ મૂર્તિ મને બંધ ના છે.

નથી મૃત્યુ મારે, નથી બંધનોયે,
નથી લેપનો ભિન્ન મારા થકી રે,
હું તો સચ્ચિદાનંદ દૈવી સદાયે
સદા મુક્ત મૂર્તિ મને બંધ ના છે.

 લઇ ગેરુઆ ઘૂમું શાને ગુફાએ,
રહી આશ્રમે સેવું શાને રૂપોને;
સદા શુદ્ધ છે સર્વ સાથે જ એક,
મને આત્મથી અન્ય લાગે હવે ન.

 

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok