Fri, Jan 22, 2021

અલૌકિક અનુભવ

 કેટલાક લોકો આધ્યાત્મિકતાના આધાર પર શરૂ થયેલા આશ્રમોમાં કેટલીક બીજી પ્રવૃતિનું દર્શન કરીને મોં મચકોડે છે ને ટીકા કરે છે, પરંતુ તેમની પદ્ધતિ બરાબર નથી. આશ્રમો આધ્યાત્મિક સાધનાના અક્સીર સાધન બનવાની સાથે સાથે જનસેવાના કાર્યમાં પણ એક યા બીજી રીતે ફાળો આપે તે જરૂરી છે. આશ્રમો પોતપોતાની પદ્ધતિ પ્રમાણે સામાજિક સેવાના કેન્દ્ર બનીને કામ કરે તે સામે કોઇને પણ અણગમો શા માટે હોઇ શકે ? આત્મિક ઉન્નતિની ઇચ્છાવાળા સાધકોને મદદ કરવાની સાથે સાથે બહારની જનતાને તે દોરવણી આપે ને મદદ કરે તે વસ્તુ આવકારદાયક લેખાશે. તેની સામે મોં મચકોડવાની કે સૂગ ચઢાવવાની જરૂર નથી. શિવાનંદ આશ્રમનો વિચાર પણ એ જ દૃષ્ટિએ કરવાનો છે.

કેટકેટલા ઉત્સાહથી ગુજરાતની ભૂમિને મૂકીને એ આશ્રમને માટે મેં પ્રસ્થાન કર્યું હતું ? કેવી કેવી આશા સાથે ઋષિકેશની પવિત્ર ભૂમિ પર પગ મૂકીને આશ્રમમાં મેં પ્રવેશ કર્યો હતો ? સ્વામીજી સાથેનો વાર્તાલાપ મારી કલ્પના કરતાં જુદો જ નીકળ્યો. છતાં પણ તેથી મને નિરાશા ના થઇ, મારો ઉત્સાહ એવો જ અખંડ રહ્યો. મારો નિશ્ચય અફર હતો. આશ્રમમાં રહેવાની રજા ના મળે તોપણ ઇશ્વરની કૃપા મેળવવા માટે મહેનત કરવાનો મારો સંકલ્પ હતો. હિમાલયના પુણ્યપ્રદેશમાં આવવાનું થયું છે તો શાંતિ મળે નહિ ત્યાં સુધી પાછા ના જ ફરવું એવો મારો નિર્ણય હતો. હૃદય ઇશ્વરના અનુરાગથી ભરપૂર હતું. અંતરના અંતરતમમાં શાંતિ માટેની ઝંખના જાગેલી. તેને શાંત કર્યા વિના છૂટકો ન હતો.

આશ્રમનું વાતાવરણ મને શરૂઆતમાં બહુ સારું ન લાગ્યું. પણ સ્વામીજી અને આશ્રમના બે-ત્રણ બીજા સભ્યોનું વ્યક્તિત્વ મને ગમી ગયું. એટલે મેં આશ્રમમાં રહેવા માંડ્યું.

પણ લાંબા વખત લગી રહેવાનો લેખ મારા લલાટમાં નહોતો લખાયેલો. આશ્રમમાં પહોંચ્યા પછી બીજે કે ત્રીજે દિવસે એક પ્રસંગ બન્યો. તેણે મારા જીવન પર શકવર્તી અસર પહોંચાડી, ને થોડા જ વખતમાં મેં સ્વેચ્છાએ આશ્રમની વિદાય લઇને ગુજરાતની પુણ્યભૂમિમાં ફરીવાર પ્રવેશ કર્યો.

સ્વામીજીનો આશ્રમ તે વખતે શરૂઆતની દશામાં હતો. એટલે આશ્રમમાં રહેનારા સાધકો માટે આશ્રમમાં ભોજનની વ્યવસ્થા એક જ વાર થઇ શકતી. સાંજની ભિક્ષા માટે ઠેઠ નેપાલી ક્ષેત્રમાં જવું પડતું. પરિસ્થિતિ એવી નાજુક હોવાં છતાં પણ મને આશ્રમમાં બંને ટાઇમ ભોજન આપવામાં આવતું તે વાત ઓછી પ્રશંસનીય ન હતી. સ્વામીજીની અતિથિસત્કારની ભાવનાનું તે ઉજ્જવલ ઉદાહરણ હતું.

આશ્રમ નિવાસના બીજા કે ત્રીજા દિવસે સાંજે ભોજન કરીને હું કીર્તનમાં સામેલ થયો. કીર્તન માટે સ્વતંત્ર ઓરડાની વ્યવસ્થા હતી. તેમાં ભગવાન શ્રીકૃષ્ણનું એક મોટું તૈલચિત્ર રાખવામાં આવેલું. ત્યાં રોજ રાતે એકાદ કલાક બધા ભેગા મળતા ને ધૂન બોલાવતા. કોઇ સાધકો ભજન પણ ગાતા. તે દરમ્યાન સ્વામીજી પણ ત્યાં ઉપસ્થિત રહેતા. ભજનકીર્તનનો એ કાર્યક્રમ ઘણો સુંદર સાબિત થતો. ગંગાના તટ પરના એ એકાંત ને શાંત સ્થળમાં થતાં ભજન કીર્તનની અસર શ્રોતાજનો પર જુદી જ થતી. મને તે કીર્તનખંડમાં જ ઉતારો આપવામાં આવેલો. એટલે કીર્તનનો કાર્યક્રમ પૂરો થયા પછી તે ખંડમાં જ હું આરામ કરતો.

તે રાતે મારી દશા જરા જુદી જ હતી. પ્રેમ ને ભક્તિના ભાવોથી મારું હૃદય ભરાઇ ગયું. ગમે તેમ કરીને મારે શાંતિ મેળવવી હતી ને તે માટે ઇશ્વરની કૃપાનો અનુભવ કરવો હતો. દિવસો એક પછી એક વીતી જતા હતા. આશ્રમમાં રહેવાનું નક્કી ન હતું ને મારી ઇચ્છા હજી અધૂરી જ રહેલી. તે દશામાં મને ચેન કેવી રીતે પડે ? તે રાતે અખંડ જાગરણ કરીને પ્રભુને પ્રાર્થના કરવાનો મેં વિચાર કર્યો. પ્રાર્થનાની શક્તિમાં મને વિશ્વાસ હતો. પરમાત્માની સાથે આત્માનું અનુસંધાન કરવાના અકસીર સાધન તરીકે મને તેના પર પ્રેમ હતો. એનો આધાર હું વારંવાર, લગભગ રોજ લેતો ને તેથી મને શાંતિ મળતી. ઘણી અટપટી સમસ્યાઓનો ઉકેલ તેથી સરળ બનતો. વધુમાં એમ લાગતું કે ઇશ્વરરૂપી માતા મારી રક્ષા કરવા સદાયે તૈયાર છે. એટલે મારે કોઇ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તેની આગળ પ્રાર્થનાના વાહન દ્વારા દિલને ખુલ્લું કરવામાં મને આનંદ આવતો. મને સમજાતું કે સંસારમાં હું અસહાય અને એકલો નથી. મારા પર ઇશ્વરરૂપી 'મા'ની મીટ સદાયે મંડાયેલી છે, મને સહાય કરવા તે સદાય તૈયાર છે, ને તે કાયમ માટે મારી સાથે રહે છે, મને હિમાલય આવવાની પ્રેરણા કરનાર શક્તિ પણ તે જ છે, તે જ મારો યોગક્ષેમ વહન કરશે, ને છેવટે મને શાંતિ આપશે, એવી મારી શ્રદ્ધા હતી. એટલે જ મેં રાતભર જાગ્રત રહીને તેની પ્રાર્થના કરવાનો નિર્ણય કર્યો.

કારતક મહિનો હોવાથી ઠંડી સારા પ્રમાણમાં હતી, મારી પાસે ઓઢવાનું પૂરતું સાધન ન હતું. એક પાતળી સાધારણ કામળી જ હતી. રામચંદ્ર નામે એક સ્નેહી ને સાત્વિક પુરુષે મને કામળો આપ્યો, તેથી મારું કામ સહેલું થયું. ભજનખંડમાં એક નાનો દીવો બળતો હતો. તેના પ્રકાશમાં ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો ઓર રંગ ધારણ કરતો. તેને જોતાં જોતાં મેં ઉત્કટ અંતરે પ્રાર્થના કરવા માંડી. મારી દશા કેવી હતી ? મારામાં કોઇ વિશેષ શક્તિ ન હતી. જ્ઞાન, ભક્તિ, યોગ, સાત્વિકતા, સંયમ - સૌનો અભાવ હતો. મારી ઉંમર પણ નાની હોવાથી મારો અનુભવ પણ અપરિપક્વ હતો. છતાં હું ઇશ્વરની કૃપાની કામના કરતો, ને મને વિશ્વાસ હતો કે હું બાળક બનીને બેઠો છું, માટે ઇશ્વર મારી ઇચ્છા જરૂર પૂરી કરશે. જો હું જ્ઞાની, યોગી કે ભક્ત બનીને ઇશ્વરની કૃપા માટે દાવો કરતો હોત તો મારી ઇચ્છા ભાગ્યે જ પૂરી થાત. પણ હું તો નિર્બળ ને નિરાધાર હતો. ને નિર્બળના બળ રામ છે તેની મને ખબર હતી. તેથી બીજી બધી વાતની ચિંતા છોડી દઇને મેં પ્રાર્થનાનો આધાર લીધો. મારામાં કોઇ યોગ્યતા ના હોવા છતાં મારી શ્રદ્ધા અડગ હતી. યોગ્યતાનો વિચાર આવતાં જ મારા સ્મૃતિપટ પર તુલસીદાસની પેલી પ્રસિદ્ધ પંક્તિના ભાવો ઉભા થતાં:

અજામીલ ગીધ વ્યાધ, ઈનમેં કહો કૌન સાધ,
પંછી કો પદ પઢાત ગણિકાકો તારી,
દીનન-દુઃખ હરન દેવ, સંતન હિતકારી.

અજામીલ, ગીધ, વ્યાધ ને ગણિકા જેવાં કેટલાયને પ્રભુએ તાર્યા છે. તો શું મને શાંતિ નહિ આપે ? મારું હૃદય એમ પૂછતું. ને તરત ઉત્તર પણ આપતું કે મળશે. શાંતિ જરૂર મળશે. પ્રભુની કૃપા જરૂર થશે. પ્રભુ તો દીનદુઃખીને મદદ કરનારા ને સૌનું હિત કરનારા છે. મારી સંભાળ તે જરૂર લેશે.

એ પ્રમાણે જુદી જુદી ભાવના ને પ્રાર્થનાથી મન ભરાઇ ગયું. પ્રેમની પ્રબળતાને લીધે આંખમાંથી આંસુ ચાલ્યા. અવસ્થા અત્યંત કરુણ બની. એ દશામાં દીવો પણ હોલવાઇ ગયો ને મને ઉંઘ આવી ગઇ. એ બધું ક્યારે બન્યું તેની ખબર પણ ના પડી. ઉંઘ ઉડી ગઇ ત્યારે મેં બહાર જોયું તો હજી અંધારું જ હતું. પવનના સાધારણ સૂસવાટા સિવાય બીજું બધું જ શાંત હતું. લગભગ રાતના બે કે ત્રણ વાગ્યાનો વખત હશે. કામળો ઓઢીને પદ્માસન વાળીને મેં ફરીવાર પ્રાર્થના ને ધ્યાન કરવાની શરૂઆત કરી. હજી શાંતિ મળી ન હતી. શાંતિ ક્યારે મળશે તે ચિંતા મનમાં થયા કરતી. તે દશામાં ધ્યાનાવસ્થામાં શરીરભાન ભૂલી જવાનો અનુભવ મને જીવનમાં પહેલી વાર જ પ્રાપ્ત થયો. એ અનુભવ કેટલો વખત ટકી રહ્યો તેનો મને ખ્યાલ નથી. પણ સમાધિના સાધારણ અનુભવમાંથી હું જાગ્રત થયો ત્યારે મારું મન તદ્દન શાંત હતું. હું હજી પદ્માસન વાળીને જ શાંતિનો અનુભવ કરતાં બેઠો હતો. ત્યાં જ એક બીજો અલૌકિક અનુભવ શરૂ થયો. મારા હૃદયમાંથી કોઇ બોલતું હોય તેવા સ્પષ્ટ સુમધુર શબ્દો સંભળાયા. કોણ બોલે છે તેની મને ખબર ન હતી. પણ શબ્દો અંતરના છેક ઊંડાણમાંથી આવતા હતા: 'તમે નિત્ય સિદ્ધ છો, નિત્ય બુદ્ધ છો, નિત્ય મુક્ત છો. સંસારમાં ગમે તે સ્થળે જશો, ગમે ત્યાં રહેશો, ને ગમે તે કામ કરશો, પણ માયા તમને કાંઇ નહિ કરી શકે. માયાના બંધનમાં તમે કદીપણ નહિ પડો. માટે ચિંતા કરશો નહિ. તમારી ઇચ્છા પ્રમાણે ગમે ત્યાં રહો ને વિચરણ કરો.'

શબ્દો કેટલા બધા સ્પષ્ટ હતા ? બુદ્ધ ભગવાનનાં દર્શન પછી જાગ્રત દશામાં થયેલો જીવનનો આ બીજો અનુભવ હતો. આ અનુભવને લીધે મારા મનમાં અખંડ અને અનંત શાંતિ ફરી વળી. અંતરમાં અનેરો અને અસીમ આનંદ ઉછળવા માંડ્યો. મને થયું કે જીવન ધન્ય થયું, હિમાલયનો ફેરો સફળ થયો. ઇશ્વરે એવી રીતે મારા પર કૃપા કરી.

એ અનુભવ મારે માટે તદ્દન નવો હતો. શાસ્ત્રોમાં મેં આકાશવાણી અને આત્માના અવાજ વિશે વાંચેલુ. શું એ અનુભવ તેવો હતો ? તેને ગમે તેવો કહેવામાં આવે તેથી તેની વાસ્તવિકતામાં ફેર પડતો નથી. એની અસરકારકતા એવી જ કાયમ રહે છે. એથી મને જે આનંદ થયો તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. રોજનીશીમાં તેની નોંધ કરીને હું બેઠો ત્યારે મારા અંતરમાં ઇશ્વરની કૃપાનો વરસાદ વરસ્યો તેમ બહાર પણ વરસાદ વરસતો હતો. પૂરેપૂરા પ્રકાશની પ્રતિક્ષા કરતાં સવારનો શેષ સમય મેં શાંતિપૂર્વક પસાર કર્યો.

 

 

 

 

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.