Wednesday, August 12, 2020

મુસ્લીમ સદગૃહસ્થનો મેળાપ

 વડોદરાની ગાડી ઉપડી ત્યારે મારી પાસે એક મુસ્લીમ ગૃહસ્થ બેઠા. તે વારંવાર મારા તરફ જોયા કરતાં. બે-ચાર બીજા માણસો પણ અમારા ડબ્બામાં બેઠા. ન્યુ દિલ્હીનું સ્ટેશન આવ્યું ત્યારે એક વિચિત્ર બનાવ બન્યો. ડબ્બાનાં બારણા પાસે એક છોકરો ઉભો હતો. તે કોઇક મુસાફરનો સામાન લઇને અંધારામાં નીચે ઉતરી ગયો ! કેટલીય તપાસ કરી પણ તેનો પત્તો ના લાગ્યો.

મારી પાસે પાથરવાનું પૂરતું સાધન ન હતું. એટલે કામળી ઓઢીને મેં બેઠાં બેઠાં જ ઉંઘવાનો પ્રયાસ કરવા માંડ્યો. પેલા મુસ્લીમ ગૃહસ્થે પણ સૂવા માટે લંબાવ્યું. પણ લાંબા વખત લગી તે ઉંઘી શક્યા નહિ. સૂતાં સૂતાં તે વારંવાર આંખ ઉઘાડીને મારા તરફ જોયા કરતા. તેમને કદાચ તેમનો સામાન ચોરાઇ જવાની ચિંતા હશે !

મોડી સવારે તે ઉઠ્યા. હોથ-મોં ધોઇને તેમણે ચા દેવીની પૂજા કરી. ચા દેવી પર તેમને ખાસ પક્ષપાત હોય તેમ લાગતું હતું કેમ કે તેનો ઉપયોગ તે વારંવાર કરતા. ઉપરાંત, સોડા, લેમન જેવા ઠંડા પીણાં પણ પીતા. બપોરે તેમણે ભોજનની થાળી મંગાવી. તે પછી સાંજના પણ તેમનો ચા દેવીનો ક્રમ ચાલુ રહ્યો.

એ બધા વખત દરમ્યાન હું શાંતિપૂર્વક બેઠેલો. ગાડીમાં ખાવાની ટેવ નહિ હોવાથી મેં કાંઇ ખાધું ન હતું તથા પાણી પણ નહોતું પીધું. એ દશામાં લાબી મુસાફરી પછી દાહોદ સ્ટેશન આવી પહોંચ્યું. એટલે પેલા મુસ્લીમ ભાઇનું મૌન તૂટ્યું, 'તમે ક્યાંથી આવો છો ?' તેમણે પ્રશ્ન કર્યો.

'ઋષિકેશથી.' મેં ઉત્તર આપ્યો.

'યાત્રા કરવા ગયા હશો.'

'હા.' મેં ટૂંકમાં જ પતાવ્યું.

'પણ તમારી સહનશક્તિ ગજબની છે.' તેમણે પ્રેમપૂર્વક આજુબાજુના મુસાફરો સાંભળે તેમ કહેવા માંડ્યુ, 'દિલ્હીના સ્ટેશનથી મારી બાજુમાં બેઠા ત્યારથી તમે કાંઇ ખાધુ કે પીધુ નથી. મેં તો કેટલી બધી વાર ચા પીધી, નાસ્તો કર્યો ને ભોજન કર્યું ! તમને ભૂખ નથી લાગતી ?'

'ભૂખ તો લાગે, પણ તેને સહન કરી શકાય છે. યુવાનીમાં એવી સહનશક્તિ કેળવવાની જરૂર છે. માણસ જે ખાય છે ને પીએ છે, તેમાંનું ઘણુખરું શોખ કે ટેવને લીધે ખાય છે ને પીએ છે. ભૂખ તો દિવસમાં એક-બે વાર જ લાગે છે.'

'માફ કરજો.' મારા જવાબથી પ્રસન્ન થઇને તેમણે કહેવાનુ શરૂ કર્યું, 'હું તો તમને કોઇ ચોર સમજતો હતો તેથી તમારા તરફ વારંવાર જોતો. તમારા સાદા વેશ પરથી હું તમને ના ઓળખી શક્યો. તમે તો દેવપુરુષ છો. આટલી નાની ઉંમરમાં તમે ભારે શક્તિ કેળવી છે. તમે મારી સાથે મુંબઇ આવો. ત્યાં સ્ટેશન પાસે મારી લોખંડની દુકાન છે. ત્યાં તમે રહેજો. તમારે કોઇ અંગ્રેજી કાગળના કેવળ ઉત્તર આપવાના. બીજુ કાંઇ જ કામ નહિ કરવાનું. હું તમને બહુ સારો પગાર આપીશ. તમારા જેવા પવિત્ર પુરુષના પગલાં પડવાથી મારી દુકાનનું ભાગ્ય ફરી જશે. વડોદરાથી મુંબઇની હું તમારી ટીકીટ લઇ લઇશ. ત્યાં ગાડી લાંબો વખત ઉભી રહે છે.'

મેં કહ્યું: 'હાલ તો મારે વડોદરા જ જવું છે.'

પણ તેમણે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો. એમ કરતાં વડોદરા આવી પહોંચ્યું. તેમણે મને ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ વ્યર્થ. મારે વડોદરા જ ઉતરવું હતું. જ્યારે મારા નિશ્ચયમાં ફેર ના પડ્યો ત્યારે તે બોલી ઉઠ્યા, 'મારુ કમનસીબ છે કે તમે ઉતરી જાવ છો. પણ જ્યારે ઇચ્છા થાય ત્યારે ને બનતાં વહેલા મુંબઇ જરૂર આવજો. આપણે સાથે રહીને કામ કરીશું. મારું તમને આગ્રહભર્યુ આમંત્રણ છે.'

એમના પ્રેમ અને આમંત્રણ બદલ મેં એમનો આભાર માન્યો ને હું પ્લેટફોર્મની બહાર જવા વિદાય થયો.

એ માયાળુ મુસ્લીમ ગૃહસ્થનું આમંત્રણ હજી એવું ને એવું જ અપૂર્ણ રહ્યું છે. સંસારમાં માણસો મળે છે ને છૂટાં પડે છે પણ તેમની સુવાસ રહી જાય છે.

 

 

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok