Tuesday, September 29, 2020

ભાદરણમાં

 આધ્યાત્મિકતામાં માનનારા અને આધ્યાત્મિક વિકાસ કરી ચૂકેલા પુરુષો પોતપોતાની પસંદગી પ્રમાણેની પ્રવૃતિ કરતાં કરતાં પણ નિર્લેપ રહેવાની શક્તિ મેળવી શકે છે. તેમનુ તન સંસારમાં રહે તો પણ મન પરમાત્મામાં રમ્યા કરે છે ને પરમાત્મા સાથે અનુસંધાન સાધતું રહે છે. સંસારનો કાદવ તેમને સ્પર્શી શકતો નથી; તેની અસરથી તે સદાયે પર રહે છે. તેમના હૃદયમાં શાંતિ છવાઇ જાય છે. એવા પુરુષો સૌને માટે વંદનીય છે. એવા પુરુષોને જ્યારે સંસારના વિષમ વ્યવહારની વચ્ચે આવીને રહેવું પડે છે ત્યારે કેટલીકવાર તેમની કપરી કસોટી થાય છે. ઘર ને કુટુંબ તરફની ફરજો બજાવવા માટે તેમને કોઇ નોકરી અથવા ધંધાનો આશ્રય લેવો પડે છે. અને પોતાના આદર્શો સાથે મેળ ખાતું ન હોય એવું જીવન જીવવું પડે છે. સંસારનો ક્રમ જ કૈંક એવો છે કે પોતાની ને બીજાની આજીવિકા માટે તેમણે કોઇ ને કોઇ વ્યવસાય કરવો જ પડે. મારા સંબંધમાં પણ એવું જ બન્યું.

હિમાલયમાં કાયમને માટે વસવાટ કરવાનું કામ મારે માટે મુશ્કેલ ન હતું. પણ કામચલાઉ શાંતિ મળવાથી મને ગુજરાતમાં આવવાનું સારુ લાગ્યું. ને તે પ્રમાણે હું વડોદરા આવી ગયો. વડોદરા પહોંચીને બેસી રહ્યે ચાલે તેમ ન હતું, મારા ને માતાજીના નિભાવ માટે કોઇ ને કોઇ કામ કરવાની જરૂર હતી. પેલા મુસ્લીમ ગૃહસ્થનું આમંત્રણ હજી ઉભું હતું. તેનો લાભ લેવાની મને સ્વતંત્રતા હતી. પણ થોડા જ દિવસોમાં મારે ચરોતરમાં આવેલા ભાદરણ ગામમાં જવાનું થયું. ત્યાંની ટી.બી હાઇસ્કૂલમાં કામ કર્યા પછી ભાદરણમાં રહેવાની મુદત એક વરસ વધારે લંબાઇ. ગામમાં એક કન્યા વિદ્યાલય નામની બહેનોની સંસ્થા હતી. તેના આચાર્ય પદે જશભાઇ પટેલ નામે એક સદગુણી સજ્જન ભાઇ હતા. તેમના આમંત્રણથી હું કન્યા વિદ્યાલયમાં જોડાઇ ગયો. ત્યાં મેં એક વરસ સુધી કામ કર્યું. તે પછી એટલે ઇ. સ. ૧૯૪૨ ના એપ્રિલમાં મારે ભાદરણ છોડવું પડ્યું. કન્યા વિદ્યાલયના સંચાલકોએ પહેલી પસંદગી ગામના શિક્ષકોને આપવાની નવી નીતિનો અમલ કરવા અમને એક વરસ બાદ છૂટા કર્યા. ભાદરણના નિવાસની આ સાધારણ રૂપરેખા થઇ.

ભાદરણ ગામ ઘણું સારું ને આગળ પડતું ગણાતું. ત્યાંના ઉત્સાહી પ્રજાજનો રાષ્ટ્રીય પ્રવૃતિઓમાં ઘણો આગળ પડતો ભાગ લેતા. પશાભાઇ જેવા બે-ત્રણ ભાઇઓ તો આખા જિલ્લામાં પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા. તે ભાઇઓ ગામને માટે ગૌરવ અને આશીર્વાદરૂપ હતા. ગામની રચનાત્મક પ્રવૃતિઓમાં પણ તેમને રસ હતો. પશાભાઇ ગામના મુખ્ય આગેવાન જેવા હતા ને બધી ઉપયોગી પ્રવૃતિઓમાં મોખરે રહેતા. તે વ્યાયામપ્રિય, સાદા, ને સાત્વિક પ્રકૃતિના હતા. તેમણે ગામમાં અખાડો શરૂ કર્યો. તેમાં સવારમાં જ સમૂહ પ્રાર્થના થતી, વ્યાયામનું શિક્ષણ મળતું ને રેંટિયાની પ્રવૃતિ પણ ચાલતી. તે ઉપરાંત ગામમાં ખાદી ભંડાર પણ ચાલતો.

ટી. બી. હાઇસ્કૂલની પાસે જ કન્યાવિદ્યાલય અને અખાડાનાં મકાન હતાં. તેની પાસે બહારગામથી ભણવા આવનારા વિદ્યાર્થીઓની બોર્ડીંગ હતી. શરૂઆતમાં મેં ત્યાં જ રહેવાનુ રાખ્યું. મારા નિવાસકાળ દરમ્યાન હું ત્યાં રહેતા વિદ્યાર્થીઓને બન્ને વખત સમૂહ પ્રાર્થના કરાવતો તેમજ જેમને ઇચ્છા હોય તેમને આસન પણ શીખવતો. પશાભાઇના કહેવાથી થોડા દિવસ મેં અખાડાના વિદ્યાર્થીઓને પણ આસન શીખવ્યાં. પશાભાઇ એક સાચા સ્વયંસેવક ને નેતા હતા. તેમને આસન જેવી યોગની ક્રિયાઓ પર પ્રેમ હતો. શીર્ષાસન જેવા આસન તે ખૂબ જ કુશળતાથી કરતાં.

વિદ્યાર્થીઓની બોર્ડીંગમાં થોડો વખત રહ્યા પછી ગામની બહાર બોરસદની સડક પરના મકાનમાં રહેવાની મેં શરૂઆત કરી. તે વખતે મારી સાથે કન્યા વિદ્યાલયમાં કામ કરતા શિક્ષક ભાઇ અંબાલાલ પણ રહેતા. તેમનો સ્વભાવ ઘણો આનંદી ને માયાળુ હતો. તેમની સાથે મને આનંદ આવતો. મકાન ઘણુ મોટું હતું. પ્રેમથી પ્રેરાઇને ભાઇ આશાભાઇએ તે અમને કોઇપણ જાતના ભાડા વિના જ રહેવા આપેલું. તેનો એક નાનો ખંડ ખાસ ભજન ને ધ્યાનને માટે રાખવામાં આવ્યો. બેસીને અમે સવારે ધ્યાન કરતા. થોડાક મહિના તે મકાનમાં રહ્યા પછી અમે ગામમાં એક બીજા મકાનમાં રહેવાનું રાખ્યું.

આપણે ત્યાં શિક્ષકોના પગારો કેટલા ટૂંકા છે ! જેમને માથે રાષ્ટ્રના ભાવિ નાગરિકોને ઘડવાની જવાબદારી છે ને જેમની પાસેથી વધારેમાં વધારે કામ ને ઉપયોગી પ્રવૃતિની આશા રાખવામાં આવે છે, તેમને, તેમના ને તેમના કુટુંબના પોષણ પૂરતો પગાર નથી મળતો એ એક હકીકત છે. તેથી તેમના મન સદા ઉંચા રહે છે ને વધારે ધન મેળવવા તેમને ટ્યૂશન જેવી સહકારી પ્રવૃતિનો આધાર લેવો પડે છે. મજૂરોના જેટલો પગાર પણ કેટલાક સંજોગોમાં તેમને નથી મળતો, ને તેમને દેશને માટે ભોગ આપવાની સલાહ આપવામાં આવે છે. એ કેટલું બેહૂદું છે ! સરકારી નોકરો, અમલદારો અને શિક્ષકોના પગારમાં મોટો તફાવત હોવાને લીધે બુદ્ધિશાળી માણસો વધારે ભાગે નોકર અને અમલદાર થવાનું જ પસંદ કરે છે. પરિણામે દેશને નુકસાન થાય છે. એટલે દેશના હિતની રક્ષા માટે પણ શિક્ષકોના હિતની રક્ષા કરવાની ને તેમને સારું વળતર આપવાની જરૂર છે. તે વાત તરફ જવાબદાર વ્યક્તિઓનુ ધ્યાન જેટલુ વહેલુ ખેંચાય તેટલુ સારું છે. અમારા પગાર પણ પ્રમાણમાં ઓછા હતા. એટલે મારો વિચાર ભાદરણ છોડીને બીજે ક્યાંક જવાનો થયેલો. તે વખતે પેટલાદમાં એક છાત્રાલય ઉઘડવાનું હતું. તેના ગૃહપતિ તરીકે કોઇની નિયુક્તિ કરવાની હતી. તે માટે મેં અરજી કરી. છાત્રાલયના ટ્રસ્ટીઓએ મારા પર પસંદગી પણ ઉતારી. પરંતુ એક યા બીજા કારણે મારાથી તે કામ સંભાળવા જઇ શકાયું નહિ.

ભાદરણના નિવાસ દરમ્યાન મેં ધાર્મિક વાચન ચાલુ રાખ્યું. ત્યાંના શાંતિ આશ્રમમાં સારા સારા સંન્યાસી પુરુષો આવતા. તેમનો સમાગમ હું કર્યા કરતો, તેના પરિણામે મારામાં મંથન શરૂ થયું. મને થયું કે હજી મારે વધુ વિકાસ કરવો જોઇએ. તે માટે કાં તો પાછુ હિમાલય જવું જોઇએ કે પછી ગુજરાતમાં રહીને કેવળ આધ્યાત્મિક પ્રવૃતિ કરવી જોઇએ. મને યોગમાં રસ હતો એટલે એક યોગાશ્રમ શરૂ કરવાનો વિચાર કર્યો. પણ તેને માટે શરૂઆતમાં કેટલીક આર્થિક સદ્ધરતાની આવશ્યકતા હતી. મને અખંડાનંદજીનું સ્મરણ થયું. તેમને કાને વાત નાખવાની ઇચ્છા થઇ. પણ મારી વાત અધૂરી જ રહી. કેમ કે તે જ અરસામાં મને ભિક્ષુ અખંડાનંદના અવસાનના સમાચાર મળ્યા. એક મહાપુરુષ ગુજરાતને નિર્ધન કરીને કાયમ માટે વિદાય થઇ ગયા !

ભાદરણના નિવાસ દરમ્યાન એક બીજી ઉલ્લેખનીય વાત બની ગઇ. પ્રસિદ્ધ પુરુષોત્તમ ભગવાનના કુટુંબ સાથે મારે ગાઢ પરિચય થયો. પુરુષોત્તમ ભગવાનની બે પૌત્રીઓ- કમુબેન ને સીતાબેન ખૂબ જ પવિત્ર અને પ્રભુપરાયણ હતી. મોટા કમુબેન કર્વે યુનિવર્સીટીનો અભ્યાસ કરતાં ને નાના બેન હાઇસ્કૂલમાં ભણતા. તે મારી પાસે શીખવા આવતાં. તેમની હિંમત ને બુદ્ધિ પ્રસંશનીય હતી. પિતા તરફથી તેમને કોઇ જાતની ખાસ મદદ મળતી ન હતી છતાં પણ તેમને તેનો શોક ન હતો. માતાની સાથે તે બન્ને બેનો એકલી જ રહેતી. પોતાના પગ પર ઉભી રહીને તે સ્કૂલ ને કોલેજની કેળવણીથી સંપન્ન બની અને આગળ વધી. તેમના ટૂંકા પરિચય દરમ્યાન તેમનામાં જે ઉત્તમ ચારિત્ર્યની છાપ જોઇ તે કાયમને માટે યાદ રહી ગઇ.

લગભગ દોઢ વરસના પરિચય પછી ભાદરણના સંસ્કારી ગામને છોડીને મારે ફરી વડોદરા આવવું પડ્યું. ભાદરણમાં જ રહેવાનુ થયું હોત તો જીવન એકાંગી બની જાત. પરંતુ ઇશ્વરની ઇચ્છા જુદી હતી. મારે હજી અનેક અનુભવોમાંથી પસાર થવાનું હતું. એટલે યોગ્ય વખતે ઇશ્વરે મારી ફેરબદલી કરી દીધી.

 

 

 

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok