Friday, August 07, 2020

દશરથાચલ પર

 દશરથાચલ પર્વતનું વાયુમંડળ સાધનાત્મક અંતરંગ અભ્યાસને માટે અતિશય અનુકૂળ હતું. દશરથાચલ પર જતી વખતે મારા મનમાં વિવિધ સંકલ્પોની સૃષ્ટિ થયેલી. એક તો ઇશ્વરના સાકાર સ્વરૂપના દર્શનનો સંકલ્પ અને બીજો સમાધિ અવસ્થાના અનુભવનો સંકલ્પ. એ દ્વિવિધ સંકલ્પોમાંથી કોઇપણ એક સંકલ્પના સુખદ સાફલ્યને માટે બનતો પરિશ્રમ કરવાનો અને તેના પ્રસન્નતાપૂર્વકના પરિણામ પછી જ પર્વત પરથી નીચે ઉતરવાનો મારો નિર્ણય હતો. એને માટે અસાધારણ સાધનાભ્યાસની આવશ્યકતા હતી. એવા સાધનાભ્યાસથી સિદ્ધિ તથા શાંતિની સંપ્રાપ્તિ માટેની મારી શ્રદ્ધા અચળ હતી.

ઋષિકેશની એક વરસની સતત સાધનાના પરિણામરૂપે એ શ્રદ્ધા બળવત્તર બનેલી.

દશરથાચલ પર આવીને મેં કપડા કાઢી નાખ્યા ને માત્ર લંગોટીભર રહેવાનું શરૂ કર્યું. પાણીની અગવડ હોવાથી રોજ રોજ કપડા ધોવાનું ફાવે તેમ ન હતું. તેમજ લંગોટીભર રહેવાની મારી ભાવના હતી. ઠંડી ભારે હોવાથી લંગોટીભર રહેવાનો પ્રયોગ કઠિન હતો. સૂર્યકિરણોનો લાભ પર્વત પર બધે જ સારા પ્રમાણમાં મળે તેમ હતો. એટલે ખાસ ચિંતા ન હતી. પાથરવા માટે મારી પાસે એક મૃગચર્મ ને શેતરંજી - એ બે વસ્તુઓ હતી. ઓઢવા માટે ચક્રધરજીએ આપેલો જાડો કામળો હતો. રાતે વધારે ભાગે બેસી રહેવાનો ને ધ્યાન કરવાનો નિયમ મેં રાખેલો. આખી રાત કામળો ઓઢીને ધ્યાન કરતાં બેસી રહેવાની ટેવ પાડેલી. ઠંડી અતિશય હોવાથી રાતે સૂવાનું મન પણ થતું નહિ, અને આખી રાત શાંતિપૂર્વક ક્યાં પસાર થઇ જતી તેની ખબર પણ ના પડતી.

મારી સાથે રહેવામાં ચંપકભાઇની ખરેખરી ને કપરી કસોટી થઇ રહી. તેમને ઠંડી વધારે લાગતી. ખાસ વાત તો એ હતી કે તેમની પાસે ઠંડીથી બચવાનું પૂરતું સાધન ન હતું. જેલમાંથી નાસીને એકાએક હિમાલયના પ્રદેશમાં આવી પહોંચ્યા હોવાથી તેમની પાસે પહેરવા ઓઢવાના પુરતાં વસ્ત્રોનો અભાવ હતો. તેમની પાસે કાનટોપી ને કામળી હતી. તે ઉપરાંત ચક્રધરજીએ તેમને એક ગરમ લાંબો કોટ આપેલો. તેથી તેમનું કામ જેમ તેમ કરીને ચાલતું. દિવસે તો વધારે ભાગે તે તડકે જ બેસી રહેતા. મને સતત સાધનામાં મગ્ન જોઇને તે પણ સાધના કરવા તૈયાર થયા. તે પ્રમાણે તેમની રુચિ પ્રમાણે તે જપ ને પ્રાર્થના કર્યા કરતા ને વખતને આનંદપૂર્વક વ્યતીત કરતાં. મને પહેલા એમ લાગતું કે તેમને કદાચ પર્વત પર રહેવાનો કંટાળો આવશે ને મારે નાછૂટકે નીચે ઉતરવું પડશે. પણ તેમની સહનશક્તિ, હિંમત ને ધીરજ ધાર્યા કરતાં ઘણી વધારે હતી. તેથી તે જરા પણ બડબડાટ વિના મારી સાથે રહ્યા ને મને બધી રીતે અનુકૂળ બન્યા.

દશરથાચલ પર પહોંચીને મેં મૌનવ્રત શરૂ કર્યું એટલે તેમની મુશ્કેલી વધી. પર્વત પર અમારા બે વિના બીજું કોઇ મળે નહિ એટલે વાત કરવી હોય તો પણ તે કોની સાથે કરે ? કોઇવાર ઇચ્છા થતાં હું તેમની સાથે સંકેતથી વાત કરતો કે અઠવાડીયામાં એકાદવાર કોઇ એકાદ શબ્દ બોલી બતાવતો. એટલે તેમને પણ કુદરતી રીતે મૌન જ રહેતું. મારા સમગ્ર સમય ને મારી સઘળી શક્તિનો સદુપયોગ સાધના માટે કરવાનો નિર્ણય કરીને મેં મૌન રાખવાનું શરૂ કર્યું. મને પ્રત્યેક પળનો ઉપયોગ ધ્યાન, જપ ને પ્રાર્થના માટે કરીને સાધનાના ઉત્તમોત્તમ અનુભવની પ્રાપ્તિ કરવાની લગન લાગી. તે દશામાં મૌન મારે માટે સ્વાભાવિક બની ગયું. પણ ચંપકભાઇને માટે તો તે મોટી પરીક્ષારૂપ હતું. તોપણ તે પૂરા ઉત્સાહથી બધી રીતે મને અનુકૂળ થઇને મારી સાથે રહેવા લાગ્યા.

પર્વત પર રહેવા માટે જે મકાન હતું તે જૂનુંપુરાણું ને સાધારણ હતું. તેમાં ત્રણ ઓરડા હતા. તેમાં બે ઓરડા ઉઘાડા ને ત્રીજો ઓરડો બંધ હતો. તેમાં મકાનમાલિકનો થોડોઘણો સરસામાન પડેલો. બે ઓરડામાંથી એક નાના ઓરડામાં હું રહેતો ને બીજા જરાક મોટા ઓરડામાં ચંપકભાઇ. ઓરડાના બારણાં તદ્દન તકલાદી હતા. તેમાં રાતે એકલા રહેવાનું કામ ભારે હિંમત માગી લે તેવું હતું. પર્વત પર વાઘ અને રીંછ સારી સંખ્યામાં રહેતા. અમારા જેવા અજાણ્યા અતિથિની મુલાકાત લેવાનું તેમને મન થાય તે સાવ સ્વાભાવિક હતું. રાતે ઓરડાની બહાર કેટલીક વાર જંગલી જનાવરની હિલચાલ સંભળાતી. ચંપકભાઇ તે વિશે મને અવારનવાર વાત કરતાં તો પણ તે ડરતા નહિ. તે બહાદુર હતા. હું પણ તેમને હિંમત આપતો ને કહેતો કે 'આપણે અહીં ઇશ્વરના આધારે બેઠા છીએ. ઇશ્વરની ઇચ્છા છે તેથી જ નાની મોટી અનેક અગવડોની વચ્ચે વસીએ છીએ. એટલે ઇશ્વર આપણી રક્ષા કરે છે ને કરશે જ. આપણે ચિંતા કરવાનું કે ડરવાનું કોઇ કારણ નથી. આપણને કોઇના પર દ્વેષભાવ નથી તો કોઇ આપણા પર શા માટે દ્વેષ રાખે ? જંગલી જનાવર પણ આપણને શા માટે નુકસાન કરે ?'

પર્વત પર પાણીનો ત્રાસ હતો. વળી ઠંડી પુષ્કળ હતી એટલે પૂરું સ્નાન તો અમે ભાગ્યે જ કોઇવાર કરતાં. વધારે ભાગે પંચસ્નાનથી જ ચલાવતા. ત્યાં તો પવનનું સ્નાન જ પૂરતું હતું. ખાવા પીવા માટે પાણીની જરૂર પડતી. તે માટે અમે અનુકૂળતા મળતા દૂર આવેલા ઝરણ પાસે પહોંચી જતા ને જોઇતું પાણી લઇ આવતા. અઠવાડીયામાં એકાદ વાર એક પર્વતીય છોકરો દેવપ્રયાગથી જરૂરી વસ્તુઓ લઇને આવતો. તેની પાસે પણ પાણી ભરાવી લેતા. પાણી ભરવા માટે મકાનમાં કેટલાક ફાલતૂ ડબા પડેલા તેનો ઉપયોગ કરવાનું રાખેલું. ભોજન બનાવવાનું કામ ચંપકભાઇએ જ ઉપાડી લીધું. ભોજન બનાવવાના કામમાં તે કુશળ ન હતા તોપણ પ્રમાણમાં તેમનો અભ્યાસ સારો હતો. વધારે ભાગે ખીચડી બનાવવાનું રાખેલું. કોઇવાર ભાખરી કે શીરો બનાવતા. રાતે ઇચ્છા થતાં કોઇવાર રાબ બનાવી લેતા. જે વાનગી બનતી તે એકલી જ ખાવાની હતી. કેમ કે દાળ, શાક કે અથાણાંની અનુકૂળતા ન હતી.

સવારે તાપ નીકળતા અમે બહાર નીકળતાં. તે પછી હું એક ટેકરી પર બેસીને ધ્યાન કરતો. ચંપકભાઇ પણ જપ ને ધ્યાન કરતાં ને પછી ભોજન બનાવતાં. કોઇ કોઇ વાર ધ્યાનમાં મને એટલો બધો આનંદ આવતો કે કલાકો નીકળી જતાં પણ ઉઠવાનું મન થતું નહિ. પાછળથી તો ધ્યાનાવસ્થામાં હું શરીરનું ભાન પણ ભૂલી જતો. તે દશામાં કેટલોય વખત વહી જતો. ચંપકભાઇ મારી રાહ જોઇને બેસી રહેતા. કેટલાકવાર તો તે ખાવાની સામગ્રી લઇને પણ મારી પાસે આવી પહોંચતા ને મારું ધ્યાન પૂરું થવાની પ્રતીક્ષા કરતા. મારું ધ્યાન પૂરુ થતું ત્યારે અમે ત્યાં બેસીને ભોજન કરતાં. હું તેમને વારંવાર મારી રાહ ન જોવાની સૂચના આપતો. ભોજન થાય એટલે જમી લઇને મારો ભાગ રાખી મૂકવાની હું તેમને ભલામણ કરતો. પણ તેમનો પ્રેમ ભારે હતો. એકલા ખાવાનું તેમને ગમતું નહિ. એટલે તે હમેશા મારી રાહ જોયા કરતા.

એ દિવસોને યાદ કરીને મારું મન અનેરા ભાવો અનુભવે છે અને હૃદય ગદગદ બની જાય છે. એ દિવસોમાં ચંપકભાઇએ મારી સેવા ખૂબ જ પ્રેમપૂર્વક કરેલી. એમને જે આર્થિક મદદ મળી રહેતી તેમાંથી અમારો ખર્ચ ચાલ્યા કરતો. તેમનો સ્વભાવ ખરેખર અનન્ય હતો. મારા તે વખતના જીવનપ્રવાહનું પ્રત્યક્ષ રીતે નિરીક્ષણ કરવાનો તેમને પ્રસંગ મળ્યો. તે મારા તે વખતના સાધનામય જીવનવિકાસના એકમાત્ર સાક્ષી થયા. તેથી અમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જતો. સાધના દ્વારા અવારનવાર મને જે અનુભવોની પ્રાપ્તિ થતી તે હું તેમની પાસે પ્રકટ કરતો. તેથી તેમને આનંદ થતો.

બપોરે હું ફરી ધ્યાનમાં બેસતો. બપોરે લગભગ ત્રણેક કલાક જપ સાથે ધ્યાન કરવાની મને ટેવ હતી. તે પછી સાંજે કોઇવાર અમે ફરવા નીકળતાં. તે પછી પ્રાર્થના કરીને અંધારુ થતાં અમે એમના ઓરડામાં બેસતા. પર્વત પર ચીડનાં અસંખ્ય લાકડાં હતા. તેને ભેગા કરીને તેની તાપણી કરતા. તેથી થોડો વખત ઠંડી દૂર થતી. લાંબા વખત બેસીને અમે છૂટા પડતાં. મકાનની જમીન જૂની ને ભેજવાળી હતી. તેથી તેમાં 'પીસ્સું' નામે નાનાં જીવડાં થતાં. તેનાથી બચવા માટે ચંપકભાઇએ ટીનના ડબાને ભેગા કરીને તેના પર તૂટેલું બારણું મુકીને પથારી કરેલી. તે વખતનું જીવન એવું કષ્ટમય હતું.

ઋષિકેશ છોડ્યા પછી મારું મન સાધનામાં લાગેલું હોવાથી મેં પત્રો લખવાનું માંડી વાળેલું. મારા વતી જરૂરી પત્રો માતાજી તથા મુંબઇના નારણભાઇને ચંપકભાઇ જ લખતાં. મારા સમાચાર જાણીને તેમને ને માતાજીને આનંદ થતો. ચંપકભાઇની એ સેવા પણ ઓછી કિમતી ન હતી.

 

 

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok